વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

લાક્ષાગૃહમાંથી જીવતા નિકળીને નદિકિનારે આવ્યા બાદ કુંતામાતા અને પાંડવો પરત હસ્તિનાપુર જવાને બદલે ગુપ્તવેશે પાંચાલ દેશ તરફ ચાલ્યા, જ્યાં દ્રૌપદી સ્વયંવર રચાવાનો હતો. કુટુમ્બનો મોભી એવો પુરુષ ચાલ્યા ગયા બાદ એના પરિવારના કેવા હાલ થાય છે ! પાંડુના મૃત્યુ બાદ એનો પરિવાર રાજવી હોવા છતાં રસ્તા પર રઝળતો થઈ ગયો. કુંતાની માનસિકતા પણ વિચારવા જેવી છે. એ પરત મહેલમાં જઈને પોતાનો હક્ક માગવાનું વિચારતી નથી. આથી સમજી શકાય છે કે તેઓ સત્તા અને સંપત્તિથી કેટલા વિરક્ત હતા ! ધૃતરાષ્ટ્રની ચાલબાજીથી તેઓ માહિતગાર હશે જ ! કુંતાએ તો કૃષ્ણ પાસે એક વાર માંગ્યું પણ હતું: ‘વિપદ: સંતુ શસ્વત: – અમારા પર હંમેશા દુ:ખ પડે. કારણ કે માણસ માત્ર દુ:ખમાં જ પ્રભુસ્મરણ કરે છે. સુખમાં એને જગતના વ્યવહારો જ ગમે છે.’ ચાલતા-ચાલતા રસ્તામાં તેઓ એક બ્રાહ્મણ પરિવારને ત્યાં રાત્રીરોકાણ કરે છે. જમી પરવારીને બધા સુવાની તૈયારી કરતા હતા ત્યાં બાજુના ઓરડામાં પરિવારના ચાર સભ્યો વચ્ચે થતો સંવાદ પાંડવો તેમજ કુંતામાતા સાંભળી જાય છે. એ ગામમાં બકાસુરનો ભારે ત્રાસ હતો. એ માનવભક્ષી હતો. ઘણા માણસોને મારીને ખાઈ જતો ને ઘણાને મારીને ફેંકી દેતો. આથી ગામવાળાઓએ સામે ચાલીને એવું ઠરાવ્યું હતું કે રોજ ઘર દીઠ એક માણસ એને ખાવા માટે આપવામાં આવશે. આવતી કાલે એ બ્રાહ્મણ પરિવારનો વારો હતો તેથી ઘરમાંથી કયો સભ્ય એ રાક્ષસનો ખોરાક બનશે એ માટેનો ઝઘડો ચાલી રહ્યો હતો. પ્રત્યેક સભ્ય જવા માટે તૈયાર હતો એમાં બધી હુંસાતુસી ચાલી રહી હતી. કુંતાને આ વાતની જાણ થઈ એટલે તેઓએ એ પરિવારના સભ્યોને જાણ કરી કે તેઓમાંથી કોઈએ બકાસુરને મળવા જવાની જરૂર નથી. કુંતામાતાનો પુત્ર ભીમ એકલો જ એ રાક્ષસને મળશે. બીજા દિવસે ભીમે બકાસુરનો વધ કરી નાંખ્યો ને આખા પંથકને રાક્ષસના ત્રાસમાંથી છોડાવ્યો.

રસ્તે રઝળતો પાંડુ પરિવાર ગુપ્તચરોની દેખરેખ હેઠળ જ હોય એ સમજી શકાય એવી વાત છે. વિદુર, મહર્ષિ વેદ વ્યાસ તેમજ ભીષ્મની જાણ બહાર કંઈ જ ન હતું. મહાભારત ગ્રંથ મુજબ કૃષ્ણની એંટ્રી પણ દ્રૌપદી સ્વયંવરમાં જ થાય છે. કૃષ્ણ ત્યાં કોને શોધી રહ્યા હતા ? અલબત્ત તેઓની નજર પાંડવોને શોધી રહી હતી. શરીરે યજ્ઞની રાખ ચોળીને માથે મુંડન કરીને બ્રહ્મવેશે આવેલા પાંચેય પાંડવો કૃષ્ણને રાખ નીચે ઢંકાયેલા છુપા અગ્નિ જેવા ભાસ્યા. તત્કાલીન પ્રત્યેક રાજ્યનો સમ્રાટ ઈચ્છતો હતો કે પોતાની કન્યા સાથે કૃષ્ણ લગ્ન કરે. આથી પાંચાલ નરેશ દ્રુપદની પણ એવી અભિલાષા હોય એ શક્ય છે. પરંતુ કૃષ્ણ કંઈક જુદું જ વિચારતા હતા. સ્વયંવરમાં તમામ રાજાઓ તેમજ કુંવરોની નજર દ્રૌપદીના સૌંદર્ય તરફ ચિટકી રહી હતી. ત્યારે કૃષ્ણ એકીટશે પાંડવો તરફ જોઈ રહ્યા હતા. પોતાના ‘ધર્મસંસ્થાપનાર્થાય’ કાર્યમાં એક માત્ર યોગ્ય સાધન પાંડવો જ હતા. અને હવેની પ્રત્યેક ક્ષણ કૃષ્ણે પાંડવોનો ઉપયોગ કરવાનો હતો. એ માટે વહેલી તકે પાંડવોનો હવાલો સંભાળી લેવાની તાકીદ મહર્ષિ વેદ વ્યાસે કૃષ્ણને કરી હોય એ બનવા જોગ છે. કુંવારા હોવા છતાં કૃષ્ણ કઈ કક્ષાએ વિચારતા હતા ! દ્રૌપદીને વરવાની શરત વિશે આપણે જાણીએ છીએ. કર્ણ શરસંધાન કરવા ઉભો થાય છે. ત્યાં તો દ્રૌપદી એને રાજવી કે ઉમરાવ પરિવારનો નહિ પરંતુ સેવક/ચાકર પરિવારનો હોવાથી એને નહિ વરવાનું કહીને એનું અપમાન કરીને એને પાછો બેસાડી દે છે. કોના ઈશારે આ ખેલ રચાયો ? તમામ રાજાઓ તેમજ કુમારો મત્સ્યવેધ કરવામાં નિષ્ફળ જવાથી હતાશ થયેલા દ્રુપદ તેમજ દ્રૌપદીને ખરેખર તો કર્ણ અચુક શરસંધાન કરશે એ વિશ્વાસે પોતાને કુંવારા નહિ રહેવું પડે એવું આશ્વાસન મળવું જોઈએ. એના બદલે મક્કમતાથી દ્રૌપદી કર્ણને વરવાનો ઈંકાર કરે છે એની પાછળ ચોક્કસ કોઈ દોરીસંચાર હોવો જ જોઈએ. મને લાગે છે કે ત્યાંના પ્રત્યેક મહત્વના નિર્ણય પર કૃષ્ણ છવાયેલા હતા. દ્રૌપદી તો નહિ ઈચ્છતી હોય, કૃષ્ણને વરવા ?

વિધાતાએ કર્ણની નિયતિમાં કેવું-કેવું લખ્યું છે ! કુંવારી અને તેજસ્વી એવી કુંતાને વરદાન મળ્યું હોય છે કે એ જે કોઈ દેવનું સ્મરણ કરશે, એની મંત્રશક્તિથી એ દેવ હાજર થશે અને એનાથી એને પુત્ર રત્ન પ્રાપ્ત થશે. કુતૂહલ ખાતર એ સૂર્યદેવને યાદ કરે છે. અને સૂર્યથી એને અતિ તેજસ્વી દિકરો એવો કર્ણ પ્રાપ્ત થાય છે. રાજાની દિકરી કુંવારાવસ્થામાં માતા બને તો સમાજમાં એ રાજવી પરિવારની અપકીર્તિ થાય અને કુંતાને આજીવન અપરણિત જ રહેવું પડે. આવું ન બને એ માટે કુંતા એક વર્ષ માટે અજ્ઞાતવાસમાં ચાલી જાય છે અને કર્ણને જન્મ આપ્યા બાદ એને એક પેટીમાં મુકીને નદીમાં વહાવી દે છે. ગુપ્તચરોની નજર એ પેટી પર હોય જ. એ પેટી ક્યાં જાય છે, કોણ એને મેળવે છે અને કર્ણનું શું થાય છે એની જાણ તેઓ કુંતાને કરતા જ હશે. આમ કુંતા કર્ણના વીતી રહેલા સમગ્ર જીવન વિશે સંપૂર્ણ માહિતગાર હતી. કુંતા જાણતી હતી કે તમામ પાંડવો-કૌરવો એક સાથે ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખી રહ્યા હતા ત્યારે એ બધાનો સૌથી મોટો ભાઈ કર્ણ પોતાની સારથિપુત્ર તરીકેની ઓળખ છુપાવીને પરશુરામને છેતરીને તેઓ પાસેથી ધનુર્વિદ્યા મેળવી રહ્યો હતો. અંતે પરશુરામને જાણ થઈ જતાં તેઓએ કર્ણને શાપ આપ્યો કે અણિના સમયે તેને શીખેલી વિદ્યા કામ નહિ લાગે. દુર્યોધને કર્ણની ધનુર્વિદ્યાથી અત્યંત પ્રભાવીત થઈને એને સ્વતંત્ર રાજ્ય આપીને એક રાજવી બનાવ્યો અને એની સાથે આજીવન અતૂટ રહે એવી મૈત્રી બાંધી. દુર્યોધન પાંડવોની શક્તિ જાણતો હતો. તેઓની સામે ટક્કર લઈ શકે એવો એક માત્ર યોદ્ધો કર્ણ જ હોવાથી દુષ્ટ દુર્યોધને કર્ણનો આબાદ ઉપયોગ કરી લીધો. કોઈ કૃતજ્ઞ માણસ દુર્યોધનનો આ ઉપકાર કેવી રીતે ભુલે ? અરેરે ભાગ્યવિધાતા, આ કેવી સ્થિતિ કે સ્વયં હસ્તિનાપુરનો સમ્રાટ હોવા છતાં કર્ણને સારથિપુત્ર તરીકે જીવવાનું અને દુર્યોધનના ઉપકારો તળે દબાઈ મરવાનું ! આ તમામ વાતો જાણતી હતી એવી કુંતાને એ વાતની પણ જાણ થઈ જ ગઈ કે દ્રૌપદીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર કર્ણનું અપમાન કરીને એને વરવાનો ઈંકાર કરી દીધો છે. માતૃહૃદય કેવું કઠણ રાખીને એને આ બધું સહન કરવું પડતું હશે !

અંતે અર્જુન ઉભો થાય છે અને સ્વયંવરની શરત પુરી કરે છે. દ્રૌપદી અર્જુનના ગળામાં વરમાળા પહેરાવે છે અને લડાઈ ફાટી નિકળે છે. એ કાળે સૌંદર્યવાન સ્ત્રી યુદ્ધનું કારણ બનતી હતી. જર, જમીન અને જોરુ એ ત્રણેય કજિયાના છોરૂ. લગ્ન કરવા જનાર વરરાજા આજે પણ કમરે કટારી લટકાવે છે એની પાછળ એ જ કારણ છે કે જે ગામની કન્યાને વરવા વરરાજા આવે છે એ જ ગામના હૃદયભંગ જુવાનિયા એનું ક્યારે કાસળ કાઢી નાંખે એ કહેવાય નહિ. એવે સમયે પાસે કટાર હોય તો આત્મરક્ષા માટે કામમાં આવે. આજે પણ દરબારો/રાજપૂતોની જાન વરરાજા વિનાની હોય છે એની પાછળ વરરાજાને સલામત રાખવાની જ ગણતરી હશે ! રજપૂત કન્યાએ વરના તલવાર કે સાફો કે અન્ય કોઈ સાધન સાથે ફેરા ફરવાના હોય છે. લડાઈ શરૂ થતાં જ પાંચેય પાંડવો એક થઈને વિશ્વના તમામ રાજાઓને મારી ભગાડે છે. કર્ણને પાંડવો પ્રત્યે વેર અને દુ:શ્મનાવટ દ્રૌપદી સ્વયંવરમાં બંધાયું. અહિં એક ટેકનિકલ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પતિ એટલે રક્ષક. અને પાંચેય પાંડવોએ મળીને દ્રૌપદીની રક્ષા કરી હોવાથી પાંચેય પાંડવો દ્રૌપદીના પતિ બન્યા કહેવાય. વેદ વ્યાસે તે કાળે મહત્વનો ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે દ્રૌપદીએ પાંચેય પાંડવો સાથે લગ્ન કરવાના રહેશે. એ મહામુનિના શબ્દનો પ્રભાવ કેવો કે તત્કાલીન કોઈ સંસ્થા: રાજકીય, સામાજિક, શૈક્ષણિક કે પારિવારિક, એમાંથી કોઈએ વેદ વ્યાસનો શબ્દ ઉથાપ્યો નથી.

અને અર્જુન એટલે કોણ ? દ્રૌપદી સાથે લગ્ન થયા એ પહેલા પણ અર્જુન પાંચાલ દેશમાં આવ્યો હતો: દ્રુપદને મળવા નહિ પરંતુ એની સાથે યુદ્ધ કરવા. અને પાંચાલ સામ્રાજ્યના સારાયે સૈન્યને એકલે હાથે હરાવીને દ્રુપદને મુશ્કેટાટ બાંધીને પોતાના ગુરુ દ્રોણ પાસે લઈ ગયો હતો. દ્રોણ અને દ્રુપદનો ઝઘડો યાદ કરો. તપોવનમાં બન્ને સાથે ભણતા હતા ત્યારે દ્રુપદે દ્રોણને વચન આપ્યું હતું કે જ્યારે એ રાજા બનશે ત્યારે દ્રોણને પોતાનું અડધું રાજ્ય ગિફ્ટમાં આપશે. દ્રોણે જાણ્યું કે સમાજ કૃતઘ્ની બન્યો છે અને પોતે સમાજમાં જ્ઞાનના પ્રસારનું કાર્ય નિષ્કામ ભાવે કરી રહ્યા હોવા છતાં પોતાના પુત્ર અશ્વત્થામાને પીવા માટે દુધ પણ ઉપલબ્ધ નથી. આથી પોતાની પત્ની એવી કૃપાચાર્યની બહેન કૃપી પોતાના સંતાનને લોટમાં પાણી નાંખીને દુધ જેવું બનાવીને પીવડાવે છે. સમાજ દ્વારા થતી રહેલી પોતાની આવી વિડંબના અને પુત્રની ભુખની વેદનામાંથી છુટકારો મેળવવા દ્રોણ વિચારે છે. એને વિદ્યાભ્યાસકાળે દ્રુપદે આપેલું વચન યાદ આવે છે. દ્રોણ દ્રુપદ પાસે જઈને એણે આપેલું વચન યાદ અપાવે છે. દ્રુપદ રાજા બની ચુક્યા છે. તેઓની માનસિકતા બદલાઈ ચુકી છે. દ્રુપદ દ્રોણની મશ્કરી કરે છે અને માગવાથી માત્ર ભોજન મળે, રાજ્ય નહિ – એવું કહે છે. ત્યારે દ્રોણ દ્રુપદને પાઠ ભણાવવાનું વિચારે છે અને પોતાના શિષ્ય અર્જુનને દ્રુપદનો ગર્વ ખંડિત કરવાનું કાર્ય સોંપે છે. અર્જુન એ કાર્ય સારી રીતે પુરું કરે છે. અલબત્ત હારી ગયેલા દ્રુપદનું રાજ્ય પડાવી લેવાને બદલે દ્રોણ દ્રુપદને એણે ગુમાવેલું રાજ્ય પરત સોંપે છે. આ રીતે તેજસ્વી બ્રાહ્મણનું અપમાન કરવાનું શું પરિણામ આવી શકે એનો પરિચય દ્રુપદને થઈ જાય છે. હવે આ અર્જુનને પોતાનો જમાઈ બનાવીને એને પોતાની દિકરી સોંપવાની ! કેવો યોગાનુયોગ સર્જાય છે ! આજે પણ આવું બની શકે. તમે તમારા માટે લગ્નને લાયક કન્યા જોવા એના ઘરે જવા ફ્લાઈટમાં કે એ.સી. ચેર કારમાં ટ્રેનમાં બેઠા હોવ ને આંખે ઓછુ દેખાતું હોવાથી સીટ નંબર બરાબર વાંચી ન શકતા કોઈ વડીલ, ‘એ સીટ મારી છે’ એમ કહીને તમારી સાથે બોલાચાલી કરે ને પછી તમે જે ઘરે પહોંચો એ જ ઘરે એ વડીલ કન્યાના પિતા નિકળે અથવા જોબ માટે કોઈ કંપનીમાં ઈંટરવ્યૂ આપવા તમે બાઈક લઈને જતા હોવ ને કોઈ વડીલ દોડીને અચાનક તમારી બાઈક સાથે અથડાઈને તમારી સાથે ઝઘડો કરે ને પછી એ જ તમારી જોબ વાળી કંપનીના બોસ નિકળે તો આંચકો નહિ ખાવાનો ! અર્જુનના જીવનમાં પણ આવું બન્યું જ હતું એમ જાણીને વાતને સહજ લેવાની !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: