વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સ્વામિ વિવેકાનંદ બાળપણથી જ ધ્યાન કરતા. તેઓ પોતાના બાળમિત્રોને એકઠાં કરીને તેઓને ધ્યાનની રમત શીખવાડતા. અલબત્ત બાળકોને એમાં કોઈ રસ ન પડતો પરંતુ બાળ નરેન્દ્ર (સ્વામિ વિવેકાનંદ) ઘણા લાંબા સમય સુધી ધ્યાનમાં બેસી રહેતા. ધ્યાન (મેડિટેશન) એ પછીથી આવે છે, પહેલા ચિત્ત એકાગ્રતા (કોંસંટ્રેશન)નો અભ્યાસ કરવાનો હોય છે. ધ્યાનથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું આકર્ષણ બાજુએ રાખીને વિચારીએ તો જીવનને વિકસિત કરીને એક ચોક્કસ ઉંચાઈ સુધી લઈ જવા માટે ચિત્ત એકાગ્રતા અનિવાર્ય છે. અષ્ટ સિદ્ધી, નવ નિધિ કે દાતા એવા હનુમાનજીને એ બધું ધ્યાનથી જ પ્રાપ્ત થયું હતું. આપણે જીવનમાં જે અલ્પતા, જે અસમર્થતા અનુભવીએ છીએ, કોઈ કાર્ય સિદ્ધ કરવામાં આપણી શક્તિઓ ટુંકી પડે છે એનું મૂળ કારણ એ છે કે મન પર આપણો કાબુ નથી. ગીતા કહે છે કે મન વાયુ જેવું તીવ્રગામી છે. બ્રહ્માંડમાં (સમગ્ર વિશ્વમાં) એ પળવારમાં ઘુમીને પાછું આપણા શરીરમાં આવી શકે છે. એના પર કાબુ મેળવવો એ અત્યંત દુ:ષ્કર બાબત છે. છતાં એ સાવ અશક્ય તો નથી જ. ગીતા આગળ કહે છે: ‘અભ્યાસેન તુ કૌંતેય, વૈરાગ્યેણ ચ ગૃહ્યતે’ – એટલે કે અભ્યાસ દ્વારા તેમજ જગતના નાશવંત પદાર્થોની કામના છોડીને મન પર કાબુ મેળવવી શકાય છે. જેનો પોતાના મન પર કાબુ છે એ આ સૃષ્ટિમાં જે ચાહે એ કરી શકે છે.

મન પર કાબુ મેળવવા માટે ચિત્ત એકાગ્રતા અનિવાર્ય છે. ચિત્ત એકાગ્રતા માટે બે ભારતીય પરંપરાઓ: ‘સગુણોપાસના’ તેમજ ‘નિર્ગુણોપાસના’ જાણીતી છે. સગુણોપાસના એટલે મૂર્તિપૂજા અને નિર્ગુણોપાસના એટલે મૂર્તિ કે અન્ય કોઈ અવલંબન (ઓબ્જેક્ટ) વિના જ મનને એકાગ્ર કરવું. નિર્ગુણોપાસકો સગુણ ઉપાસનાના કટ્ટર વિરોધી છે. આપણે એ બાબતમાં નથી પડતા. પરંતુ ચિત્ત એકાગ્ર કરવા માટે શરૂઆતમાં મૂર્તિ અનિવાર્ય છે એવું સ્વીકારીને આગળ ચાલીએ છીએ. તમને કોઈ કહે, કે ‘તમારા ઘરની ખુરશી’ તો એમાં મન લાગશે પરંતુ જો કોઈ એવું કહે, કે ‘તમારી ઓફિસનું આકાશ’ તો કંઈ ધ્યાનમાં નહિ આવે. આથી સાબિત થાય છે કે ચિત્ત એકાગ્ર કરવા માટે કોઈ ને કોઈ પદાર્થ (ઓબ્જેક્ટ) આવશ્યક છે. કોઈ મહાન ચરિત્ર અથવા અવતારની મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમા લઈને એના ગુણો તેમજ એના જીવનપ્રસંગોનું ચિંતન કરીને આપણે પણ તેના જેવા મહાન બની શકીએ છીએ. મૂળ વાત છે, મનને જગતથી અલિપ્ત કરીને કોઈ વિષયમાં જોડવું. નિદ્રા (ઉંઘ)માં આપણું મન જગતથી વિખુટું પડી જાય છે. સવારે ઉઠીએ ત્યારે શરીર તેમજ મનનો બધો થાક ઉતરી ગયેલો હોવાથી આપણે શરીરને તાજું તેમજ મનને પ્રસન્ન અનુભવીએ છીએ. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ મનને જગતથી જુદા પાડીને સ્વસ્થ તેમજ પ્રસન્ન રહેવાનો અનુભવ કરાવવાનો છે. ચિત્ત એકાગ્રતાનો અભ્યાસ ક્યારે કરવાનો ? મૂર્તિ સામે બેસીને કરવાનું શું ? મોટે ભાગે શરીર અને મન સ્વસ્થ હોય ત્યારે વહેલી સવારે અને કોલાહલ કે ઘોંઘાટ વિનાના એકાંત સ્થળે ચિત્ત એકાગ્ર માટે બેસવું જોઈએ.

થિયેટરમાં મૂવી જોતા હોઈએ છીએ ત્યારે સહજતાથી આપણું મન એમાં એકાગ્ર થાય છે. પરંતુ જેવો ઈંટરવલ પડે કે આપણે પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ, સમોસા, પફ જેવા ભોગ્ય પદાર્થોમાં એક્ટીવ થઈ જઈએ છીએ. એનો અર્થ એ કે ઓબ્જેક્ટ (મૂવી) ચલિત હોય ત્યારે આપણું મન (સબજેક્ટ) એમાં સ્થિર થાય છે પરંતુ જેવો ઓબ્જેક્ટ સ્થિર થાય કે આપણું મન ચલિત થઈ જાય છે. ગોપાલ કૃષ્ણની મૂર્તિ સમક્ષ બેસીને એના જન્મથી લઈને તેઓના બ્રહ્મનિર્વાણ (મૃત્યુ) સુધીની ઘટનાઓ પર ચિંતન શરૂ કરી શકાય. આપણા મનમાં કૃષ્ણના જીવન પર ફિલ્મની પટ્ટી ચાલવી જોઈએ તો મન એમાં સ્થિર થઈ શકશે. જેને જે ચરિત્ર ચિત્ત એકાગ્ર કરવા માટે લેવું હોય એ લઈ શકે છે. એમાં બે બાબતો આવે છે: ‘ધ્યાનાંતે જપ ક્રિયામ’ અને ‘જપાંતે ધ્યાનમ.’ એટલે કે ચિંતનનો થાક લાગે ત્યારે હાથમાં માળા લઈને અથવા માળા લીધા વિના કોઈ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ – ‘ઓમ નમ: શિવાય’, ‘શ્રીકૃષ્ણ: શરણમ મમ’, ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’, ‘શ્રીરામ જય રામ જય જય રામ’ વગેરે. થોડી વાર જપ કરીને ફરીથી ચિત્ત એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો. શરૂઆતમાં રોજ દસ મિનિટ ત્યારબાદ દર અઠવાડિયે થોડો-થોડો સમય વધારતા જવું. સમગ્ર ક્રિયા કંટાળાજનક ન બનવી જોઈએ.

થાય છે શું કે ચિત્ત એકાગ્ર કરવા બેસીએ ત્યારે આગલા દિવસે બનેલી ઘટનાઓનું જ ચિંતન શરૂ થઈ જાય છે. આથી સાધક તરીકે આપણે આપણા જીવન વ્યવહારમાં એવી સાવધાની રાખતા થઈ જઈએ છીએ કે સવારે ઉઠ્યા ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીના વ્યવહાર દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ, મનમોટાવ, ઉંચા અવાજે બોલાચાલી કે ઝઘડો કે એવું અન્ય કંઈ જ ન બનવું જોઈએ. સાથે-સાથે કોઈ વ્યક્તિ મનને એટલી બધી ગમી જાય કે એનું જ ચિંતન થયા કરે એવું પણ ન બનવું જોઈએ. નાણાકીય વ્યવહારો પણ નીતિ-નિયમ મુજબ ચલાવવાના થાય જેથી કોઈ જાતનો ડર કે લાલચ મનને ધૃજાવે નહિ. આમ હળવે-હળવે જીવન વિકસિત થતું જાય. ચિત્ત એકાગ્રતા એ આંતરભક્તિ છે જ્યારે પ્રભુકાર્ય માટે જ આપણું જીવન જીવાતું રહે તો એ બહિર્ભક્તિ બને છે. આમ જીવન વ્યવહાર અને ચિત્ત એકાગ્રતા બન્ને એક બીજા પર અસર પાડે છે – અન્યોન્યને વિકસિત કરે છે.

ચિત્ત એકાગ્રતા માટે મૂર્તિ પણ આકર્ષક હોવી જોઈએ. ભયંકર મૂર્તિ ન ચાલે. લાલ-લાલ જીભ, રાક્ષસોનું વાઢેલું માથું, લોહીની ધારાઓ, ખોપરીની માળા, સિંહ-વાઘના વિકરાળ ચહેરાઓ મનને કોઈ જુદી જ દિશામાં લઈ જાય છે. ચહેરા પર સૌમ્ય હાસ્ય હોય, સુંદર વસ્ત્રો પરિધાન કરેલા હોય, આકર્ષક શારિરીક મુદ્રા હોય તો એ મનને પ્રસન્ન કરે છે. આથી જ એવી મૂર્તિ બનવા લાગી કે રોજ એને જુદા-જુદા વસ્ત્રો પહેરાવી શકાય. આ બાબતોને સહેલાઈથી સમજવી હોય તો વિચારવું, કે કોઈ કુંવારો યુવાન પોતાની સાથે ભણતી કે નોકરી કરતી છોકરીને, એ હાજર હોય તો એને જોયા કરે ને એની ગેરહાજરીમાં એનું ચિંતન કર્યા કરે છે. કારણ કે છોકરી એના રસનો વિષય છે, એ એને આવશ્યક લાગે છે, એ આકર્ષક પણ છે. એ છોકરી રોજ નવા કપડા, નવા ઘરેણા, નવા શણગાર કરીને આવે છે. આથી મૂર્તિ પણ આવશ્યક, આકર્ષક તેમજ રસનો વિષય બનવી જોઈએ. આથી જ વાતાવરણને પણ સુગન્ધિત કરવા અગરબત્તી આવી. એક જમાનામાં ઈલેક્ટ્રિસિટી ન હતી તેથી દીવો પ્રગટાવવામાં આવતો હતો. આજે ઘરમાં પૂજાનો સ્વતંત્ર રૂમ હોય ને વહેલી સવારે લાઈટ ચાલુ કરીને બેસવાથી ઘરના અન્ય સભ્યોની ઉંઘમાં ખલેલ ન પડતી હોય ને દીવો કરવા જેવી વિધિ કષ્ટદાયક જણાય તો એને ટાળવી જોઈએ. એ જ રીતે બેસવા માટે કોઈ ચોક્કસ આસન નથી. શરીરને કષ્ટ ન પડે એ રીતે સુખાસનમાં બેસવું જોઈએ. ઠંડીના દિવસોમાં ગરમ ગોદડી અને ગરમીના દિવસોમાં હળવુ પાથરણું પાથરી શકાય. ચિત્ત એકાગ્ર કરતી વખતે ઉંઘ આવતી હોય તો આંખોમાં ઠંડા પાણીનો છંટકાવ કરી શકાય. એ સમયે ઉંઘ પુરી થયેલી હોવી જોઈએ. શરીર અને મન સ્વસ્થ અને પ્રસન્ન હોવા જોઈએ, શરીરમાં તકલીફ દેનારો રોગ ન હોવો જોઈએ.

મૂર્તિપૂજામાં ગીતા કહે છે તેમ: ‘મન્મના ભવ’ અગત્યની બાબત છે. મન્મના ભવ એટલે ‘મને તારું મન આપ.’ ભગવાન કહે છે: ‘તું જીવન વ્યવહાર કરે છે, મેં સર્જેલા આ જગતના તમામ પદાર્થોને માણે છે, તો એના કર્તા એવા મને પણ તારું મન આપ.’ એટલે કે ‘મારું ચિંતન પણ કર, મારી સાથે વાતો કર.’ સંસારમાં પિતાજી આપણા માટે બધું જ કામ કરે ને આપણે એ સુખ માણતા રહીએ ને કોઈ વાર પિતાજી સાથે વાત પણ ન કરીએ તો પિતાજીને કેવું લાગે – ‘મારો દિકરો કૃતઘ્ની છે. મારો પ્રેમ માણે છે પરંતુ મને થેંક્યુ પણ કહેતો નથી.’ આમ ચિત્ત એકાગ્રતા એટલે ભગવાનને થેંક્યુ કહેવાની વેળા. ચિત્ત એકાગ્રતામાં આપણા જીવનમાં ભગવાને આપણને મદદ કરી હોય એવા પ્રસંગો આપણે યાદ કરવા જોઈએ. આનાથી પ્રભુ આપણને ગમવા લાગશે. આપણને પેટમાં દુ:ખતું હોય ને રાત્રે બે વાગે ઉંઘ ઉડી જાય ત્યારે એકલા આપણે જ એ પીડા અનુભવતા હોઈએ છીએ. અત્યંત વ્હાલી પત્ની પણ બાજુમાં નિરાંતે સુતી હોય ત્યારે આપણી સાથે કોણ આપણી પીડામાં ભાગીદાર હોય છે ? એક માત્ર ભગવાન, જે સદાય આપણી સાથે છે, એ આપણી પીડાનો સાક્ષી તેમજ ભોક્તા હોય છે. આ રીતે વિચારવાથી આપણને જાણ થાય છે કે ક્ષણ માત્ર પણ આપણાથી વિખુટો ન પડનાર આપણો સદાનો – જન્મોજન્મનો સાચો સાથી તો આપણો ભગવાન જ છે. આ વિચારધારાએ જ મીરા કે નરસિંહ મહેતા પ્રભુના અનન્ય ભક્ત બન્યા હતા ને !

આથી જીવન વ્યવહારમાં પણ ભગવાન માટે આ પૃથ્વી કે જન્મનો પણ ત્યાગ કરવાનો આવે તો ફટ દઈને કરવાની તૈયારી હોવી જોઈએ. આપણી આ ભાવના આપણને ઈશ્વરની એટલી વધુ નજીક લઈ જાય છે. તો પછી સગાવ્હાલા દ્વારા મળતી કીર્તિ કે પરિવારના સભ્યો પ્રત્યેનો પ્રેમ આપણને આપણા ભગવાનથી અલગ કેવી રીતે કરી શકે ? તેઓ માટે ઈશ્વરને ન ગમતા રસ્તે ધન કમાવાનું મન કેમ કરીને થાય ? ‘મન્મના ભવ’ માંગીને ભગવાન પણ આપણો સંસાર દુ:ખી નહિ પરંતુ અત્યંત સુખી કરવા માંગતા હોય છે. અનસીન એવા ગોડ પર પણ તમે પ્રેમ કરી શકતા હોવ, એ તમને આવશ્યક ને આકર્ષક લાગવા માંડે તો તો પછી તમારી આસપાસ તમને દૃશ્યમાન એવા તમારા માણસોને તો તમે કેટલું બધું વધારે ચાહવા લાગો ! આજના યુગની આજ તો સમસ્યા છે. આપણે કોઈ જગ્યાએ આપણું મન આપતા જ નથી. રુપિયા પણ આપણે મન દઈને કમાતા નથી. પત્નીએ પ્રેમથી બનાવેલી રસોઈ પણ મનથી ન જમતા યંત્રવત જમી લઈએ છીએ. આપણા સંતાનોના શાળાકીય અનુભવોની એમની ભાષામાં થનારી કાલીઘેલી વાતોને પણ માણી શકતા નથી. પત્નીએ ઘરમાં કે પોતાના શરીરના શણગાર પર કોઈ ચેંજ કર્યો હોય તો એ પણ ધ્યાનમાં આવતો નથી. જગતના પ્રત્યેક પદાર્થો આપણને કહી રહ્યા છે: ‘મન્મના ભવ.’ થાળીમાં પીરસાયેલી ફુલ્કા રોટલી પણ કહે છે: મન્મના ભવ. મોલમાંથી ખરીદી કરીને બહાર નિકળતી વખતે ગેટ પર ઉભેલો વોચમેન પણ કહે છે: ‘મન્મના ભવ.’ ઘરેથી કામધંધે જવા નિકળતી વખતે સોસાયટીનું રખડતું કુતરું પણ આપણને પ્રેમથી કહે છે: ‘મન્મના ભવ.’ પરંતુ આપણે એવા અનાડી છીએ કે આપણા પ્રિય પાત્રોના અગત્યના દિવસો પણ ભુલી જઈએ છીએ.

ચિત્ત એકાગ્રની ટેવ પડી હોય તો આપણને એક તબક્કે એવો અનુભવ થાય છે કે આપણી ખોટકાયેલી ગાડીને આગળ ચલાવવા માટે (અચાનક કામ આપતા બંધ થયેલા સાધનો) પર થોડુંક જ ધ્યાન આપવાની જ જરૂર હોય છે. લખતી વખતે પેન અટકી કે રસ્તે બાઈક બંધ પડી કે નળમાં પાણી આવતું બંધ થયું કે કેલ્ક્યુલેટર કે ડિજિટલ વજનકાંટો વગેરે અચાનક કામ કરતા બંધ પડી જાય કે એવા કોઈ પણ કામ અટકે ત્યારે સહેજ ઊંડા ઉતરીને એને મન આપીએ તો તરત જ ખામી નજરે પડે છે ને હળવો પ્રયત્ન કરવાથી અટકેલી ગાડી ફરીથી સ્મૂથરીતે ચાલવા લાગે છે. આજે તો વૈશ્વિક સ્તરે રમાતી તીરંદાજી કે શૂટિંગ જેવી સ્પર્ધાઓમાં ધ્યાન જ અગત્યની બાબત છે જે સ્પર્ધકને ગોલ્ડ મેડલ અપાવી શકે છે. ધ્યાનની કળા હસ્તગત હોય તો વિપક્ષના ખેલાડીની નબળી બાજુ તરત જ ધ્યાનમાં આવી જાય છે, જેનો ફાયદો ઉઠાવીને વિજયી બની શકાય છે. ચિત્ત એકાગ્રતા એ આપણા આધ્યાત્મિક વિકાસ માટે, જીવનને ટોચ પર લઈ જવા માટે અત્યંત આવશ્યક તો છે જ પરંતુ આપણા વ્યાવહારિક જીવનને પ્રસન્ન બનાવવા માટે પણ અનિવાર્ય છે. અધ્યાત્મ ને વ્યવહાર ક્યારેય જુદા છે જ નહિ. કંટ્રોલ રૂમ ને ડીસ્પ્લે રૂમ ઈંટર કેનેક્ટેડ જ હોય છે, બ્લોગમાં જે રીતે ડીસ્પ્લે પેજ અને એડમિનિસ્ટ્રેશન પેજ હોય છે તેમ !

Advertisements

Comments on: "ધ્યાન-ચિત્ત એકાગ્રતા – 1" (1)

  1. superb articalebhaiyebest ofluck for your life also.

    please write every day i am vey impressed

    bye

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: