વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મામાનું ઘર

વેકેશન પડે એટલે ઉત્તર ગુજરાતના મહેસાણા નગર મધ્યે આવેલા મામાના ઘરે જવાનો આનંદ અનેરો. ઉનાળાના ગરમાગરમ દિવસો મામાના ઘરે જરાય આકરા ન લાગે. કેરીની સીઝન હોય અને મામા ટોપલો ભરીને કેરીઓ લાવે એટલે બધા ભાણિયાઓ ભેગા બેસીને કેરીઓ ચુસ્યા કરે. વળી નાનીમા કેરીનો રબડીદાર રસ કાઢીને પડવાળી ઘીમાં ડુબાડેલી રોટલી સાથે પીરસે – એ સુખની સામે અન્ય કોઈ સુખ ટકે ખરું ? રસ કાઢવાની પણ કેટલી બધી પદ્ધતિઓ ? આજે પ્રતિષ્ઠા મળે એ રીતે વલસાડની હાફુસ કે જુનાગઢની કેસર કેરી ખાવાની ફેશન છે પરંતુ એ સમયે દેશી કેરીની મીઠાશની તોલે કોઈ કેરી ન આવે ! વચલા મામા જે કંઈ લાવે એ હોલસેલમાં જ લાવે. તરબુચ લાવે તો પણ સાત-આઠ કિલોનું ! લાંબી-લાંબી લાલચટક ગળી-ગળી રસદાર ચીરીઓ ખાતા ધરાઓ જ નહિ. નાનીમા ડગુ-મગુ ચાલતા-ચાલતા રોજ સવારે માર્કેટમાં જાય અને તાજા શાકભાજીની સાથે-સાથે નાના-નાના કેસરી ગુંદા લઈ આવે. અંદર બીજ હોવા છતાં એને ચાવવાની સાથે ગુન્દા ખાવાનો આનંદ જુદો જ હતો. આજે સીડલેસ જામફળ કે દ્રાક્ષ ભલે શોધાયા હોય પરંતુ એ ગુન્દાની મજા જ કંઈ જુદી હતી ! છોટાઉદેપુરમાં કોલેજમાં પ્રાધ્યાપક તરીકે હતો ત્યારે સાથી મિત્રો એવા અંગ્રેજીના પ્રાધ્યાપકો પૈકી એક મિત્ર, જે ભાલેજનો હતો એ અને હું, કોઈ આદિવાસી બહેન માથે સીતાફળનો ટોપલો લઈને અમારા રહેઠાણ આગળથી પસાર થાય એટલે આખો ટોપલો ખરીદી લેતા અને દસ-પંદર કિલો સીતાફળ દોઢેક દિવસમાં સાફ કરી નાંખતા. અન્ય એક બોટાદવાસી અંગ્રેજીનો પ્રાધ્યાપક સાથી મિત્ર કહેતો, ‘સીતાફળ સીડલેસ થશે ત્યારે તમારી સાથે પાર્ટી કરવા જોડાઈશ.’ રોજ સવારે કાછીયાઓએ પોતાની વાડીમાંથી સવારે પાંચ વાગે તોડીને માર્કેટમાં વેચવા લાવેલા અને નાનીમાએ સવારે નવ વાગે એને ખરીદીને બાર વાગે એનું શાક બનાવીને અમને ખવડાવેલા શાકભાજીની તોલે, મોલમાં જઈને અઠવાડિયાના શાકભાજી એકસાથે લાવીને ફ્રીઝમાં રાખ્યા હોય એનું બનાવેલું શાક તો ન જ આવે ને !

ન્હાઈ-ધોઈ પરવારીને સવારનો નાસ્તો પુરો થાય એટલે ચારેય મામા પાસે વારાફરતી જવાનું અને ‘મામા દસિયુ’ કહીને દસ-દસ પૈસા ઉઘરાવવાના ! નાના(મમ્મીના પપ્પા) પાસે પણ પૈસા માગવાના ! 1980ની સાલમાં ! રોજ પચાસ પૈસા પોકેટમની તરીકે મળી જતા એટલે એને કઈ રીતે ખર્ચ કરવાનો એનું પ્લાનિંગ કરાતું. કોઈ વાર કોઈ મામા બધા ભાણિયાઓને હરખમાં પચ્ચીસ પૈસા પણ આપી દે ! મમ્મી સહિત કુલ છ બહેનોના સરેરાશ ત્રણ ભાણિયા એટલે કુલ ટોટલ અઢાર ભાણિયા, ચાર મામા-મામી, છ મસિયાઈ બહેનો, મામાના બાળકો અને નાના-નાની મળીને કેટલા બધા સભ્યો થાય ? રસોડું કેટલા જણનું ? છ એ છ મસિયાઈ બહેનોના ભાણિયાઓના કપડાના કાપડ પણ મામાઓ જ અપાવી દેતા એટલે અમારી મમ્મીઓને પણ આનંદ થઈ જતો.

સાંજે ચાર વાગે ઢાળે ‘માનસરોવર બરફગોળા’વાળા કાકા આવે એટલે દસ પૈસામાં અસલી દુધમાવાનો જુદી-જુદી ફ્લેવર ધરાવતો બરફગોળો ખાવાની મજા ખુબ આવતી ! મને ચોકલેટ ફ્લેવર પસંદ હતી. આજે સેકરીન વાળા ગોળા ગળુ બગાડે છે. મીઠાશ કુદરતી છે કે કૃત્રિમ એ ચકાસવાની અનેક પદ્ધતિઓ જાણીતી છે પણ એનું કરવાનું શું? કોઈ જગ્યાએ કુદરતી મીઠાશયુક્ત બરફગોળા મળતા જ નથી ! પરંતુ અમારું નસીબ બહુ સારું હતું. એ સમયે સેકરીનનું ચલણ જ ન હતું. પચ્ચીસેક જુદી-જુદી ફ્લેવર વાળી કાચની શીશી ફરતે અનેક મધમાખીઓ રસ ચુસવા એકઠી થતી – એ જ કુદરતી મીઠાશનો પુરાવો હતો. ક્યારેક ઈંડા આકારની દુધની કુલ્ફી પણ અજમાવી લેતા. સાયકલના ટાયરની ટ્યુબ ધોઈને એના કાપેલા ટુકડાથી સજ્જડ પેક કરીને રાખેલા એલ્યુમિનિયમના બે પડ ખોલીને એમાંથી ઈંડાકારની કુલ્ફી બહાર કાઢીને એને કોપરાના છીણમાં ડુબાડીને ભૈયાજી આપે એટલે એને માણવામાં જગત ભુલાઈ જાય ને સ્વાદસમાધિ લાગી જાય ! તો ક્યારેક ખુબ માવાની શંકુ આકારની કુલ્ફી પણ ખાતા. ભાગોળે આવેલી ભૈયાજીની કરિયાણાની દુકાને મળતા પચ્ચીસ પૈસાની સાઈઝના ગોળ આકારના ગળ્યા બિસ્કિટ લઈને ખાવાની પણ મજા હતી.

મેઈન બજારમાં આવેલી મોટા મામાની દુકાને જઈએ એટલે બાજુમાં એમના મિત્રની શિખંડની દુકાન હતી. ‘ભાણિયા, આવ્યો છે તો દસેક મિનિટ બેસજે, અમે આવીએ છીએ’ એમ કહીને બન્ને મિત્રો કોઈ કામે બહાર નિકળી જાય. ચોરસ પેટીમાં બરફના ગાંગડાની વચ્ચે બે મોટા ડબા: એકમાં કેસર તો બીજામાં મલાઈ-ઈલાયચી શિખંડ હોય. બહારની બાજુએ રાખેલો ટુટી-ફ્રુટીનો ડબ્બો મારા આકર્ષણનું કેન્દ્ર હતો. શિખંડ પર એને ભભરાવીને આપવામાં આવતી. મોટે ભાગે વારે-વારે ડબો ખોલીને એમાંથી થોડી-થોડી કરીને ટુટીફ્રુટી ખાવાની મજા આવતી. લાઈનમાં ત્રીજી દુકાને બેસતા ઈસ્ત્રીવાળા ધોબી – પન્નાકાકા ઈશારામાં મામાને ભાણિયાના પરાક્રમો સમજાવી દેતા. બપોરે જમ્યા બાદ હિંચકાનો પ્રોગ્રામ થતો. દિવાલમાં ખોસેલા તેમજ દિવાલ પુરી થાય એના ટેકા પર આધારિત મોટા-મોટા લાકડા પર પતરાના શેડવાળો ઉપરનો માળ હતો જ્યાં હિંચકો ખાવા અમે બધા મસિયાઈ ભાઈ-બહેનો એકઠાં થતા. એ વખતનું કોઈ કામ તકલાદી ન હતું. છતનું લાકડું ક્યારેય તુટતું નહિ, લાકડા પર તેમજ હિંચકાની પાટ પર લાગેલા રીવેટ કે કડાં બિલકુલ ઢીલાં ન થતાં કે નિકળવાનું નામ ન લેતાં. દસ વર્ષમાં ક્યારેય એ હિંચકાને રીપેર કરવો નથી પડ્યો. મહિના સુધી પંદર-વીસ જણા એક સાથે બે-ત્રણ કલાક હિંચકે હિંચોડે તો પણ કોઈ નુકશાન નહિ ! એ વખતના કારીગરો કેટલી ચીવટથી કામ કરતાં તેમજ ઉત્પાદકો બનાવટમાં કેટલો સારો માલ વાપરતા ! મોટી માસીનો દિકરો પાટ પર ઉભો રહીને બન્ને બાજુના સળિયા પકડીને પગથી આંચકા મારીને હિંચકો નાંખે. અમારે બધાએ પગ ઉપર લઈ પલાંઠી વાળીને બેસી જવાનું. એની કોશિશ રહેતી કે હિંચકો 180 ડિગ્રીએ જવો જોઈએ. એટલે કે હિંચકાની પાટ આગળ અને પાછળ જાય ત્યારે છતના પતરાને અડવી જોઈએ. જબરદસ્ત ઉત્તેજના થતી. ડર કરતાં પણ આનંદ ખુબ આવતો !

નાના મામા સાથે વધારાની ઓળખાણ રાખવામાં ખુબ લાભ થતો. મામા પાનના શોખિન એટલે બજારમાં પાનવાળાની દુકાને મામાને જોઈ જઈએ એટલે મામા બોલાવે અને મીઠું કલકત્તી પાન ખવડાવે. પાનવાળા સાથે નિયમિત પાન ખાનારા ઘણી વાતો શેર કરતા હોય છે આથી તેઓના સંબંધોમાં આત્મિયતા જોવા મળતી હોય છે. ભાણિયા માટે પાન બની રહ્યું હોય એટલે પાન બનાવનાર પણ વિશિષ્ટ રીતે પાન બનાવે ! પાનવાળાની દુકાને પત્તાની કેટ મળે એટલે એ પણ લઈ લેવાની ! આજે સભ્ય ઘરોમાં પત્તા હોવા કે રમવા યોગ્ય નથી ગણાતું પરંતુ જુગાર સિવાય પણ રમી શકાય એવી ઘણી પત્તાની રમતો ઉપલબ્ધ છે જ ! જો કે અમારા આકર્ષણનું કેન્દ્ર તો પત્તાના જાદુ હતા. મળવાનું થાય તો આજે પણ એ જાદુ બતાવીને મિત્રોનું મનોરંજન કરી શકું. અલબત્ત જાદુનું રહસ્ય સમજ પડી જાય તો પણ બાળસમી વિસ્મયતા જાળવી રાખવાની – એ શરતે ! પત્તાના જાદુના આનંદ ઉપરાંત અમે સહુ જોક્સનો આનંદ લેવાને બદલે ઉખાણાનો આનંદ ભરપૂર માણતા. મોટો મસિયાઈ ભાઈ એના પપ્પા પાસેથી અઢળક ઉખાણા શીખીને આવ્યો હોય. એ ઉખાણા પુછતો જાય અને અમારી બુદ્ધિનો વિકાસ થતો જાય. જો કે ચિત્ર બનાવવામાં હું આગળ હતો. તેમ છતાં મેં દોરેલા મોરનું ચિત્ર મસિયાઈ ભાઈએ દોરેલા મોરના ચિત્ર કરતા દેખીતી રીતે જ સારું હોવા છતાં એની મમ્મીને બતાવતાં એ ‘પોતાના દિકરાનું ચિત્ર સારૂં છે’ – એવો નિર્ણય આપતી. પક્ષપાત કોને કહેવાય એની સમજણ મને ત્યારથી પડી ગઈ હશે !

સાંજ તો માસીઓ સાથે બાગ-બગીચામાં તેમજ મંદિરે દેવદર્શન કરવામાં, માર્કેટમાં ફરવામાં તેમજ મેદાનમાં જઈને મામાના દિકરા સાથે ક્રિકેટ વગેરે રમત રમવામાં પસાર થઈ જાય. પરંતુ રાત્રે જમ્યા બાદ ત્રણ રીક્ષા કરીને બધાએ જવાનું અને શેરડીનો રસ, લસ્સી, આઈસક્રીમ વગેરે માણીને ઉનાળાના બફારાને ઓછો કરવાનો ! ખુલ્લી જગ્યામાં ઓપન એર રેસ્ટોરંટની બહાર ખુરશીઓમાં ગોઠવાઈને વાતોના તડાકા મારતાં-મારતાં શરીરના તેમજ મનના કોઠામાં ઠંડક કરવાની ! બે મામાના લગ્ન અમારા જન્મ પહેલા થઈ ચુકેલા અને બે મામા અમારી હાજરીમાં પરણ્યા. પરંતુ એ સમયે વેકેશન ન હોવાથી એ વાતોનો ઉલ્લેખ આ લેખમાં ઉચિત નથી. વચલા મામાની પત્ની – અમારા મામી આવ્યા બાદ પણ સ્વાદિષ્ટ રસોઈ જમવાની પરંપરા જળવાઈ રહી. શિખંડ-પુરી સાથે મગની છુટી દાળ-કઢી ને ભાત અથવા પુરણપોળી સાથે રિંગણ-બટાકાનું શાક તેમજ મગની દાળ-કઢી ને ભાત ખાવાની બહુ મજા આવતી. વચલા મામા હોલસેલમાં ફ્રુટ્સ લાવતા એટલું જ નહિ, બજારમાંથી લાવેલ ફાફડા ને ગરમાગરમ જલેબી સાથે પપૈયાનો સંભાર તેમજ ચણાના લોટની કઢી ખાઈએ એટલે ‘અન્નમ બ્રહ્મ’ સમજવામાં કોઈ તકલીફ ન પડે. ‘કથરોટમાં ગંગા’ની જેમ ‘નાસ્તાના પડીકામાં ઉપનિષદ !’

નાનીમા ખુબ મહેનતું હતા. તેઓએ મોટી ઉંમર સુધી બટાકાની કાતરી-વેફર, ચોખાના પાપડ, સાબુદાણાની ચકરી, વૈડા, પાપડ-પાપડી, અનેકવિધ અથાણા બનાવ્યા. પરિચિતો ઘરે આવીને એ ખરીદી લઈ જતા. આ રીતે મામાના ઘરની સાઈડ ઈંકમ થતી રહેતી. હમણાં જ સો જેટલી વર્ષની વયે એમનું અવસાન થયું. તેઓએ પોતાની દિકરીના દિકરાની દિકરીના દિકરાઓને પણ રમાડ્યા. ‘કામ કરવાથી શરીર ખતમ નથી થતું પરંતુ ટકાઉ થાય છે’ – એ વાતનો મારા બા(નાનીમા) પુરાવો છે. મૃત્યુ સમયે એમના શરીરમાં કોઈ રોગ ન હતો. નાનીમા તેમજ નાના પાનના શોખીન ! મામાઓની સાથે મને પણ આ શોખ વારસામાં મળ્યો. પાનપેટીમાં પાન તેમજ મસાલાની સાથે-સાથે પિત્તળની નાની કલાત્મક ખાંડણી તેમજ પિત્તળનો કલાત્મક દસ્તો રહેતા. પાનમાં મસાલો રાખીને એને ખાંડણીમાં હળવે-હળવે ખાંડીને તૈયાર થયેલો ચુરો નાનીમા નાનાના મુખમાં મુકતા. મુખમાં રાખેલું પાન મમળાવતા પગની ઠેસ વડે હિંચકે હિંચોળતા વાતો કરતા-કરતા મોટી ઉમ્મરે પણ તેઓનો રોમાંસ ચાલતો. નાનીમા સેવાભાવી બહુ. રાત્રે સુવાના સમયે નાનાના પગ દબાવવાના ! ક્યારેક આખી રાત નાની, નાનાના પગ દબાવે રાખે, જ્યાં સુધી નાના ‘બસ’ એવું ન કહે ત્યાં સુધી ! આજના યુગમાં પ્રેમની કેટલી બધી વાતો થાય છે ! પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવાનું ફેસબુક વગેરે માધ્યમો પર પ્રદર્શન પણ કરવામાં આવે છે. છતાં એક વાત નક્કી છે કે જેમ ઘરમાં પ્રમાણિક નોકર-સેવક મળતો બંધ થઈ ગયો છે એમ સેવાભાવી પત્ની કે કાળજી લેતો પતિ મળવો મુશ્કેલ છે.

મારા બાળકોને પણ આવું જ વસતીની દૃષ્ટિએ તેમજ પ્રેમભાવની દૃષ્ટિએ સમૃદ્ધ મામાનું ઘર મળ્યું છે એ તેઓના સદભાગ્યની વાત છે. શક્ય છે કે તેઓ પણ લખતાં થાય અને વાચકો સાથે પોતાના અનુભને શેર કરે ! આપણે રાહ જોઈએ.

Advertisements

Tag Cloud

%d bloggers like this: