વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ફોટોગ્રાફ્સ જોવા માટે નીચેની લિંક ક્લિક કરો.

https://www.facebook.com/photo.php?fbid=434427763261252&set=a.434427556594606.94036.100000820965479&type=1&theater

દુબઈ

નાનકડો ઈતિહાસ (કિંવદંતી)

અરબસ્તાન રણપ્રદેશ છે. વણઝારાઓની ભટકતી ટોળીઓની વસતીનો પ્રદેશ. એક ટોળી બીજી ટોળીને સામસામે મળે એટલે લડાઈ જ થાય. કારણ ભોગ્ય પદાર્થોની તંગી. બકરી તેમજ ઊંટડીના દુધ તેમજ મધ અને ખજુર પર નભતી વસતી આ બધા માટે  અંદરોઅંદર મારામારી ન કરે તો જ નવાઈ. નામકરણ થયા પૂર્વે આજના દુબઈ પ્રદેશ પર એ સમયે વસતા લોકોને મારી-હટાવીને બે ભાઈઓનો પરિવાર હંમેશને માટે સ્થાઈ થયો અને તેઓએ સ્થાયી બનીને શહેર વસાવવાનું નક્કી કર્યું. ‘દો ભાઈ’ પરથી શહેરનું નામ પડ્યું: ‘દુબઈ’. તો કોઈ કહે છે: એક આરબની બે પત્ની હતી જે બન્ને પત્નીના સંતાનોએ સંયુક્ત સાહસ કરીને દુબઈ શહેર વસાવ્યું અને કુદરતી રીતે પડતા દુબઈના ‘દેરા દુબઈ’ તેમજ ‘બર દુબઈ’ એવા બે ભાગ વહેંચી લીધા. આમ ‘દો બાઈ’ના સંતાનોની સાહસકથા એટલે દુબઈ. દુબઈ શહેરનો બસો-અઢીસો વર્ષનો જ ઈતિહાસ છે.

યુ.એ.ઈ. (યુનાઈટેડ આરબ અમિરાત)નું એક વિશ્વપ્રસિદ્ધ તેમજ ટુરિસ્ટ માટે સર્વાધિક લોકપ્રિય શહેર એટલે દુબઈ. ગુજરાતી ભાઈ-બહેનો અમદાવાદમાં વિશ્વસનીય ટ્રાવેલ એજંટનો સંપર્ક કરીને દુબઈ ટુરનું પેકેજ ખરીદી શકે છે. અગાઉથી આયોજન કર્યું હોય તો વ્યક્તિ દિઠ લગભગ 57000 રુપિયામાં પાંચ દિવસ અને ચાર રાત્રીનું પેકેજ મળી શકે. 25000 રુપિયા રીટર્ન એરટિકીટ + 4000 વિસા ફી + 2000 ટ્રાવેલિંગ ઈંસ્યોરંસ + 16000 થ્રી અથવા ફોર સ્ટાર હોટેલ સ્ટે જેમાં ચાર દિવસનું બુફે બ્રેકફાસ્ટ ઈંક્લુડ હોય છે + 10000 લક્ઝુરિયસ ફોરવ્હીલરમાં બેસીને દુબઈના વિવિધ સ્થળોએ હરવા-ફરવા જવાના + ત્રણ ટાઈમ ડિનર પાસ – આ રીતે ખર્ચનો હિસાબ આવે છે. હોટેલ તરફથી ટુરિસ્ટને એરપોર્ટથી લેવા-મુકવા જવા માટે ગાડીની વ્યવસ્થા હોય છે. પેકેજમાં ફરવાના સ્થળોમાં ધાઉ ક્રુઝ, દુબઈ સિટી ટુર, બુર્ઝ ખલિફા, ડેઝર્ટ સફારી, ડોલ્ફિન ફાઉંટેઈન શો, દુબઈ મોલ વગેરેનો સમાવેશ થાય છે. કરંસી ડિફરંસની વાત કરીએ તો લગભગ 15 રુપિયા બરાબર 1 દિરહામ. દિરહામ એ દુબઈનું ચલણી નાણું છે. દુબઈમાં ચા 2 દિરહામમાં મળે એટલે 2*15=30 રુપિયા થાય. પાણીની 200 ml બોટલ 1.5 દિરહામ = 22.50 રુપિયા થાય. દાબેલી 5 દિરહામ = 75 રુપિયાની થાય. આઈસક્રીમના 6 દિરહામ = 90 રુપિયા થાય. કરંસી ડિફરંસના કારણે આપણને બધુ મોંઘુ લાગે છે અન્યથા બે રુપિયાની ચા અને પાંચ રુપિયાની દાબેલી અહિંના કરતા સસ્તી ગણાય.

જો કે દુબઈમાં તમે જે ડિલક્સ રૂમમાં રહેવાના છો ત્યાં ચોવીસ કલાક પીવાના પાણીની સગવડ ઉપરાંત રુમની અંદર તમે જાતે દસ સેકંડમાં ચા બનાવીને પી શકો એ માટેના સાધનો તેમજ એની સામગ્રી ઉપલબ્ધ હોય જ છે. બહાર ફરવા જવાનું થાય ત્યારે એ જ હોટેલથી પીવાના પાણીની બોટલ્સ સાથે લઈ લેવાની. એટલે બહાર તમે માત્ર નાસ્તો કે ભોજન કરો એનું જ બિલ ચુકવવાનું થાય. બ્રેકફાસ્ટ બુફે અને ડિનર સિવાય તમે જે કંઈ ખાઓ છો એ તમારા સ્વખર્ચે હોય છે.

28, 29, 30, 31ઓગષ્ટ અને 01 સપ્ટેમ્બર એમ કુલ પાંચ દિવસનું મારું દુબઈ પેકેજ હતું. 28મીના સવારે 9:00 કલાકે અમદાવાદથી દુબઈની ફ્લાઈટ હતી. એરપોર્ટમાં પ્રવેશ્યા બાદ 7:30 થી 8:30 એમ એક કલાક સુધી બેગ સ્કેનિંગ, સીલ પેકિંગ, બોર્ડિંગ પાસ(વિમાનની ટિકીટ), ઈમિગ્રેશન ફોર્મ ફિલિંગ, સિક્યુરિટી ચેકિંગ વગેરે વિધિ ચાલે. તમારી સાથે જે સામાન રહેવાનો હોય એ જેમ કે તમારું વોલેટ, લેધર બેલ્ટ, લેપટોપ, મોબાઈલ ફોન, રિસ્ટ વોચ બધું જ કઢાવીને એનું સ્કેનિંગ કરે. ટુરિસ્ટ તરીકે જ તમે દુબઈ જાઓ છો એની ખાતરી અધિકારીઓ કરે. ફોર્મમાં ભરેલી વિગતોની ખરાઈ કરવા થોડા પ્રશ્નો પણ પુછે. વિધિ પતાવીને ફ્રેશ થવા તમે ચા-કોફી, નાસ્તો ખરીદીને લઈ શકો. વોશરૂમ જઈ શકો. સાથે રાખેલા ઈક્વીપમેંટ્સ વડે મ્યુઝિક વગેરે માણતા-માણતા ફ્લાઈટમાં પ્રવેશ મળે એની રાહ જોઈ શકો. બોર્ડિંગ પાસમાં ડિવિઝન લખેલા હોય છે. એ પ્રમાણે જાહેરાત થાય એટલે તમારે ઉઠીને તમારી સીટ મેળવી લેવાની. ટ્રાવેલ એજંટને અગાઉથી કહીને તમે મનગમતી (બારી પાસેની) સીટ પણ મેળવી શકો. અમદાવાદથી દુબઈ 2:30 કલાકનો સમય લાગે છે. દુબઈ ભારત કરતા 1:30 કલાક પાછળ ચાલે છે. આથી 9:00 કલાકે ભારતથી ઉપડતી ફ્લાઈટ 2:30 કલાકની મુસાફરી કરીને ભારતીય સમય પ્રમાણે 11:30 કલાકે દુબઈ પહોંચે ત્યારે દુબઈમાં 10:00 વાગ્યા હોય. હવે આપણે દુબઈના સમય પ્રમાણે વાત કરીશું. ત્યાંના એરપોર્ટ પર જરૂરી વિધિ પતાવીને 12:00 કલાકે તમે બહાર નિકળો એટલે તમારા નામનું બોર્ડ હાથમાં પકડીને હોટેલ તરફથી ગાડીના ડ્રાયવર તમને લેવા માટે ઉભા હોય. 1:00 કલાકે તમે હોટેલ પહોંચીને ચેક-ઇન કરો એટલે તમને તમારા ડબલ બેડ રુમની કી/ચાવી જે ક્રેડિટ કાર્ડ જેવી હોય છે એ તમને આપવામાં આવે. એ.ટી.એમ.માંથી નાણા ઉપાડતી વખતે જે રીતે તમે કાર્ડ સ્વાઈપ કરો છો એ રીતે ડોરના હોલમાં કાર્ડ નાંખીને કાઢવાથી ડોર ખુલી જાય છે. તમે હોટેલ પહોંચી ગયાની જાણ થાય એટલે તમારા ટ્રાવેલ એજંટનો માણસ તમને પેકેજ ટુરનું ટાઈમ ટેબલ, ડિનર પાસીસ તમને સોંપવા આવે. પાંચેય દિવસ સવાર-સાંજ ટાઈમટેબલ પ્રમાણે ટ્રાવેલ એજંટ તરફથી ગાડી સાથે ડ્રાયવર હોટેલ પર તમને લેવા આવી પહોંચે. હોટેલના ઈંટરકોમ પરથી તમારા રૂમમાં ફોન આવી જાય કે તૈયાર થઈને દસેક મિનિટમાં નીચે આવી જાઓ. પેકેજ ટુરનું ટાઈમટેબલ હાથમાં આવી જાય ત્યારબાદ કયા સમયે તમે ફ્રી છો એ જાણી લઈને એ સમયમાં રુમમાં ટી.વી. જોતા કે ફ્રીઝમાં તમે રાખેલી વાનગીઓ ખાવાને બદલે તમારે ‘પુછતા નર પંડીત થાય’ એ ન્યાયે દુબઈ જોવા નિકળી પડવું જોઈએ. દુબઈની મેટ્રો ટ્રેન, સિટી બસ સર્વિસ તેમજ ક્રીક(દરિયાઈ ખાડી)માં દોડતી સ્ટીમર/બોટની સેવા લઈને દુબઈના જુદા-જુદા સ્થળોની મુલાકાત લેવી જોઈએ. આ માટે થોડી માહિતી લેખના અંત ભાગમાં આપી છે.

દુબઈમાં ફરવાના સ્થળો:

(1)ધાઉ ક્રુઝ

ધાઉ ક્રુઝ એટલે જ્યાં અરબી સમુદ્રનું પાણી પાછુ પડીને એક ખાડીની રચના કરે છે જેનાથી  દુબઈના ‘બર દુબઈ’ તેમજ ‘દેરા દુબઈ’ એવા બે ભાગ થાય છે અને એક વિશાળ સરોવર જેવી રચના થાય છે. આ સરોવરના પાણીમાં વિશાળ સ્ટીમર, જેનો ગ્રાઉંડ ફ્લોર કાચની દિવાલોથી રચાયેલો એ.સી. રુમ હોય છે અને ફર્સ્ટ ફ્લોર ખુલ્લો (ઓપન ટુ સ્કાય) હોય છે. એમાં રાત્રે ડાઈનિંગ ટેબલ પર બેસીને દરિયાઈ સફર કરતા-કરતા, દુબઈની રોશની નિહાળતા ડિનરની મજા માણવાની. જો તમે વેજીટેરિયન છો અને તમે ડિનરમાં નવી નવી વાનગીઓ માણવાની ઈચ્છા ધરાવતા હો તો વાંધો નહિ આવે અન્યથા પરંપરાગત સ્વાદના અભાવમાં ગુજ્જુઓ થોડા નારાજ થાય છે. વેલકમ ડ્રિંકથી શરૂ કરીને સુપ ટુ ડેઝર્ટ ભોજન બુફે સ્ટાઈલથી માણવાનું છેલ્લે જાદુગર કમ જગલરની કારામતો જોઈને રાજી થવાનું. સાઉથ ઈંડિયાના રોજી-રોટી કમાવા ગયેલા ભારતીયો આ પ્રકારના જાદુગર જેવા વ્યવસાયો અપનાવે છે.

(2)દુબઈ સિટી ટુર

દુબઈ સિટી ટુરમાં આખું દુબઈ શહેર તમે ફોર વ્હીલરમાં બેઠા બેઠા જુઓ છો ઉપરાંત વિવિધ સ્થળોએ ફોટો સેશન કરો છો. ‘દુબઈ ક્રીક’ જે ‘બેક વોટર ઓફ અરેબિયન સી’ દ્વારા રચાયેલ ખાડી, જે દુબઈના બે ભાગ કરે છે, જ્યાં તમે રાત્રે ધાઉ ક્રુઝની મજા માણી ત્યાં બપોરે સૌપ્રથમ ફોટો સેશન કરવાનું હોય છે. ‘પામ જુમેરા’ એક બીચ આઈલેંડ છે. દરિયામાં રેતીનું પુરાણ કરીને આખેઆખો એક કૃત્રિમ આઈલેંડ તૈયાર કરાયો છે, જે વનસ્પતિના વિશાળ પાનના જેવો આકાર ધરાવે છે. ત્યાં જવા માટે ફોર વ્હીલર છોડીને મોનો ટ્રેનની મુસાફરીની મજા માણતા-માણતા તમે પહોંચો છો. ત્યાંની જમીન પર ‘એટલાંટીસ હોટેલ’ જે વિશાળ મોલથી પણ વધુ મોટી છે તેની મુલાકાત લઈ શકો છો. અમદાવાદનો સૌથી મોટો આલ્ફા મોલ પણ પગના અંગુઠા જેવડો ગણાય એટલા મોટા-મોટા મોલ દુબઈમાં આવેલા છે. બીચ આઈલેંડ પર આવેલી વિશ્વપ્રસિદ્ધ હોટેલનો બહિર્દેખાવ પણ અતિશય સુન્દર છે, જ્યાં ફોટો સેશન કરવાની મજા અનેરી છે. દુબઈના વિઝનરી રાજા જે શેખ તરીકે ઓળખાય છે, જે સુલતાન તરીકે ઓળખાય છે, તેઓનો કિંગપેલેસ દુરથી જોવાનો લ્હાવો પણ મળે છે.

(3)બુર્ઝ ખલીફા

જે રીતે પેરિસ એફીલ ટાવરથી ઓળખાય છે એ રીતે દુબઈ ભવિષ્યમાં ‘બુર્ઝ ખલીફા’ નામના બસો માળ ઊંચા ટાવરથી ઓળખાય તો નવાઈ નહિ. બુર્ઝ એટલે મિનારો. પીઝાનો ઢળતો મિનારો યાદ છે ને ! પ્રવાસીઓને બુર્ઝ ખલીફા ઈમારતના 124મા માળે લઈ જઈને દુબઈનું દૂરદર્શન કરાવવામાં આવે છે. 124મા માળે જવા માટે લિફ્ટ માત્ર ચાલીસ સેકંડ લે છે. પચ્ચીસમા માળની ઉપર જાય એટલે હવા પાતળી થતાં કાનના પડદા હલવાથી થતો અજુબો આંતરિક સ્પર્શ તમને નવાઈ પમાડે છે. રાત્રે 124મા માળે જઈને દુબઈ જોવાનું થાય તો સાથે-સાથે સવારે એ કેવું લાગે છે એ જોવા તેમજ સવારની ટિકીટ મળી હોય તો રાત્રે દુબઈ કેવું લાગે છે એ જોવા માટે તમે ટેલીસ્કોપ કમ કેમેરાની મદદ લઈ શકો છો. ગ્રાઉંડ ફ્લોર પર તેમજ 124મા માળે જઈને તમે તમારો ફોટો પડાવી શકો. નીચેથી ઉપર ગયા બાદ અથવા ઉપરથી નીચે આવ્યા બાદ તમને તમારી ફોટો કોપી મળી જાય. ખર્ચની ચિંતા ન હોય એમણે કિંમત પુછવી.

(4)દુબઈ મોલ

બુર્ઝ ખલીફાના ગ્રાઉંડ, ફર્સ્ટ તેમજ સેકંડ ફ્લોર દુબઈ મોલ તરીકે ઓળખાય છે. અતિશય મોંઘો મોલ છે. ત્યાં વિશાળ એક્વેરિયમ છે જેમાં અંદર જઈને જોવા માટે 250 દિરહામ = 3250 રુપિયા ટિકીટ થાય. કોફીના 25 દિરહામ, જેમાં માત્ર પાણી અને એક ચમ્મચ કોફી આવે (ખાંડ કે દુધ નહિ) = 625 રુપિયા થાય. વિશાળ કૃત્રિમ જળધોધ છે. આખેઆખો બાળકો માટેનો ફનવર્લ્ડ વિભાગ છે. વડોદરામાં પોલો ગ્રાઉંડ કે પ્રદર્શન મેદાન જેવા ખુલ્લા વિસ્તારમાં એક મહિના માટે જે ફનવર્લ્ડ સ્થપાય છે તે પરમાનન્ટ રીતે દુબઈ મોલમાં સેટ થયેલ છે. વિશાળ સ્કેટિંગ રેંક, કેટ વૉક રેંક વગેરે ભરપૂર છે. દુબઈ મોલ, એમિરેટ્સ મોલ વગેરેની મુલાકાત લઈએ તો લાગે કે દુનિયાભરનું સૌંદર્ય અહિં ઠલવાયું છે. પુષ્કળ લોકો: કપલ્સમાં યા ગ્રુપમાં, હાથમાં હાથ પરોવીને વાતોમાં મશ્ગુલ, પાતળા અને લાંબા યુવા-યુવતીઓ, તેઓના ચહેરા જુઓ તો લાલ-ગુલાબી, પ્રસન્ન હાસ્ય વેરતા (જો કે એના મેઈંટેનંસ પાછળ રોજનો બ્યુટી પાર્લરનો ખર્ચ દસેક હજાર રુપિયા આવે), હરણફાળ ભરતા-ભરતા (ધીમુ તો કોઈ ચાલે જ નહિ), કોઈની નોંધ લીધા વિના બસ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આપણને એમ થાય કે આ બધા ક્યાં જઈ રહ્યા છે, એમને ક્યાં પહોંચવું છે? સમુહમાં અંગતતા એ પશ્ચિમી પ્રજાનું ઓરિજિન છે. એમિરેટ્સ મોલ પણ વિશાળ છે. ત્યાં આઈસ સ્કીઈંગ માટેનો આખો વિભાગ છે. માઈનસ ડિગ્રી ટેમ્પરેચર મેઈંટેઈન કરીને બરફના રસ્તા વગેરે ક્રીએટ કરીને ઉત્તર ધૃવ કે દક્ષિણ ધૃવમાં ફરતા હો એવો આનંદ 45 ડિગ્રી તાપમાન ધરાવતું દુબઈ તમને માણવા આપે છે.

(5)ડેઝર્ટ સફારી

દુબઈથી સિત્તેર કિલોમીટરના અંતરે રણપ્રદેશ શરૂ થાય છે. ત્યાંની રેતીમાં પુરઝડપે લેંડક્રુઝર ટોયોટા ગાડી દોડાવીને પ્રવાસીઓને ઉત્તેજીત, રોમાંચિત કરવા ગાડીનો ડ્રાયવર તત્પર હોય છે. રણપ્રદેશમાં ઉંચી-ઉંચી ટેકરીઓ અને એ ટેકરીઓની પાછળ ઉંડી-ઉંડી ખીણો આવેલી હોય છે. છેક ટેકરી પર પહોંચીએ ત્યાર બાદ જ આપણને ઉંડી ખીણ દેખાય અને ખીણની ખરેખર ઉંડાઈ તો ગાડી સરકીને નીચે પહોંચે ત્યારે ખબર પડે. 180 ડિગ્રીએ સીધું ચઢાણ ચઢતી ગાડીને જોઈને એવું જ લાગે કે ગાડી આગળના ભાગેથી પલટી ખાઈને ઉંધી પડશે. છેક ટેકરી પર પહોંચ્યા બાદ ગાડીને ખીણમાં ઉતારવાને બદલે કોઈ વાર જમણી બાજુએ તો કોઈ વાર ડાબી બાજુએ અચાનક એટલી બધી નમાવવામાં આવે કે ગાડીનું પલટી ખાઈ જવું નક્કી જ લાગે. પરંતુ ડ્રાયવરને ખબર હોય કે રેતી સરકતી હોવાથી રણ વિસ્તારમાં ગાડીનું પલટવું શક્ય નથી. છતાં આવું બને એટલે પ્રવાસીઓ ચીસાચીસ કરી મુકે અને ડ્રાયવરને પ્રવાસીઓને પુરો સંતોષ આપ્યાનો આનંદ આવે. ડ્રાયવરને પોતાની કાબેલિયત પર ત્યારે જ વિશ્વાસ બેસે કે જ્યારે તે પુર ઝડપે જતી ગાડીનું સ્ટીયરિંગ વળાવીને ગાડીને એટલો બધો વળાંક આપે કે આગળના ટાયર વડે રણની રેતી ઉછળીને ગાડી પર ઉડે અને એનાથી આખી ગાડી પર રેતી છવાઈ જાય, એક પણ કાચની બહારનું કશુંય દેખાય નહિ ને પછી ડ્રાયવર ગાડીને ફુલ સ્પીડે સીધી દોડાવી મુકે. પ્રવાસીઓને ધ્રાસકો પડે કે આગળ ખીણ હશે તો આપણું શું થશે ? પ્રવાસીઓને લઈને આવેલી વિવિધ ગાડીઓ કોઈ એક ચોક્કસ જગ્યાએ ભેગી થાય અને તેઓ એક નાટક શરૂ કરે. એક ગાડી ટોચ પર રેતીમાં ફસાઈ ગઈ છે એવું દેખાડે. વાસ્તવમાં એવું તેઓનું પ્લાનિંગ હોય છે. પછી પ્રવાસીઓ ભરેલી કોઈ એક ગાડી એને ખેંચવા માટે સીધી ચઢાણ ચઢતી છેક ઉપર પહોંચી જાય અને થોડું અંતર બાકી હોય ત્યાં આગળ જઈ નથી શકતી એવું નાટક કરે. આ સ્થિતિમાં પ્રવાસીઓ સહિત ગાડી 180 ડિગ્રીએ ઉભી રહી જાય. પછી એ બન્ને ગાડીને ખેંચવા બીજી કોઈ ગાડી સીધું ચઢાણ ચઢે અને એ પણ 180 ડિગ્રીએ અટકી જાય. એવું વારંવાર કરીને પ્રવાસીઓને અવનવી ઉત્તેજનાનો અનુભવ કરાવવામાં આવે. લગભગ 45 મિનિટથી એક કલાક સુધી ચાલતી આ સવારી જિન્દગીનો એક યાદગાર અનુભવ બની રહે છે. જેનું શરીર ભારે હોય અથવા મોટી ઉમ્મરના લોકોએ બપોરનું જમવાનું નહિવત લેવું જેથી ડેઝર્ટ સફારી દરમિયાન શરીરને ગમે તે સ્થિતિમાં રહેવાનું આવે તો ઉલ્ટી કે ચક્કર જેવી તકલીફો ન થાય.

(6)બેલેનૃત્ય

ત્યારબાદ પ્રવાસીઓને થોડે દુર રણ વિસ્તારમાં ઉભા કરાયેલા એક નાનકડા ગામડામાં લઈ જવામાં આવે છે. અસલ કાઠીયાવાડી ગામડા જેવું જ લાગે. સુકા કરગઠીયા, વાંસની પટ્ટીઓ, વગેરેથી બોર્ડર બનાવી હોય. ચોગાનની અંદરની બાજુ ફરતે નાના-નાના અનેક સ્ટોલ્સ બનાવાયા હોય. હુક્કાની બેઠકો હોય, વિવિધ શાકાહારી વાનગીઓના સ્ટોલ્સ, રણ વિસ્તારની સ્પેશિયાલિટીસ જેવી કે મેંદાના તળેલા પોચા લાડુ પર મધનો સૉસ વિથ બ્લેક કૉફી, ચા, ઠંડા પીણા, વાઈન વગેરે જોવા-માણવા મળે. બધું જ ફ્રી. જે ખાવું-પીવું હોય એ સ્ટોલ્સ પર જઈને ઉભા રહેવાનું – તમને તે-તે વાનગીઓ પીરસવામાં આવે. મોટેરાઓ માટે ઊંટસવારી તો નાના બાળકો ફોરવ્હીલર બાઈક સવારીની ભરપુર મજા માણી શકે છે. ખુલ્લા રણ વિસ્તારમાં પુરઝડપે બાઈક દોડાવવનો રોંમાંચ બાળકો માટે અવિસ્મરણીય હોય છે. રાત્રે આઠથી દસ એમ બે કલાક આ વાતાવરણમાં નિરાંતે ગાળવા મળે છે. નવ કલાકે બુફે ડિનર શરૂ થાય છે. વેજીટેરિયન અને નોન-વેજીટેરિયન એવા બે ભાગમાં ભોજન સજાવવામાં આવે છે. સાથે-સાથે ફ્રુટ્સ અને શીરાનો વિભાગ અલગ. ચા-કોફી તેમજ ઠંડા પીણા ભોજન સાથે લેવા હોય તો લઈ શકો. આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને આપણે જેમ મહેમાનોની આગતાસ્વાગતા કરીએ ને તેઓની ભોજન આદિની વ્યવસ્થા બરાબર સચવાય છે કે નહિ એનું ધ્યાન ત્યાંના નિવાસી આરબો કાળજીપૂર્વક રાખે છે. ધાઉ ક્રુઝની તુલનામાં ડેઝર્ટ સફારીનું ડિનર ખરેખર સારું હોય છે. ગામઠી પરિવેશમાં પ્રવાસીઓ ખરેખર તો બેલે ડાંસ જોવા તત્પર હોય છે. એ પહેલા ત્યાંના સ્થાનિક યુવાન દ્વારા એક અદ્ભુત નૃત્ય રજૂ થાય છે જેમાં સર્કસમાં જોવા મળતી વિવિધ કરામતો તેમજ અંગ કસરતના ખેલો માણવા જેવો આનંદ આવે. બેલે નૃત્ય દરમિયાન પાર્શ્વભૂમિમાં અરેબિયન ટ્રેડિશનલ સોંગ વાગે અને ડાંસ શરૂ થાય. ગીતમાં કોઈ પુરુષનો હુકમ આપતો પહાડી અવાજ સંભળાય અને નૃત્યાંગના એ આદેશને અનુસરતી હોય એમ શરીરને ધૃજાવતી, વિવિધ અંગમરોડ આપતી, દર્શકોને ઉત્તેજતી નાચે. જો કે એના ચહેરા પર જુઓ તો સતત સ્માઈલ અને બાળકી જેવું નિર્દોષ હાસ્ય જોવા મળે. વાઈન ચઢી ગઈ હોય એવા સજ્જનો થોડી છુટછાટ લેતા નૃત્યાંગના સાથે ડાંસમાં જોડાય. પરંતુ યજમાન આરબ નાગરિકની સમગ્ર તમાશા પર ચાંપતી નજર હોય. ક્યાંય કશુંય અભદ્ર ન જ બને. ઈસ્લામમાં વાઈન પર સખત પ્રતિબંધ છે આથી રમઝાન માસમાં વાઈન પીરસવા-પીવા પર પ્રતિબંધ છે. એ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ પણ આવતા બંધ થઈ જાય છે. પ્રવાસેઓને આકર્ષવા ધર્મમાં પણ છુટછાટ લેવી પડે એ હદે ભોગવાદે માનવસમાજનો ભરડો લીધો છે.

દુબઈની વિશિષ્ટતાઓ

દરિયાનું ખારું પાણી મીઠું કરીને સમગ્ર અરબસ્તાનમાં પીવામાં, રસોઈ બનાવવામાં તેમજ પર્યાવરણની જાળવણીમાં એનો ઉપયોગ થાય છે. આ કાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડતો હોવાને કારણે ત્યાં પાણી પેટ્રોલ કરતા પણ મોંઘુ છે. દા.ત. પેટ્રોલ પંદર રુપિયે લિટર તો પાણી પચ્ચીસ રુપિયે લિટર. છતાં દુબઈમાં જે રીતે પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે, વૃક્ષો-છોડવાઓને પાણી સીંચવામાં આવે છે, બાગ-બગીચાઓની જે રીતે કાળજી રખાય છે એ જોઈને કોઈ કહી ન શકે કે આ રણ વિસ્તાર છે. પ્રકૃતિ સંપૂર્ણ રીતે વિરુદ્ધ હોવા છતાં એમાં અનુકૂલન સાધીને તેઓએ જે સ્વર્ગ સજાવ્યું છે તેને નમસ્કાર કરવાનું મન થાય છે. આખા વર્ષમાં દુબઈમાં માત્ર એક કે બે દિવસ વરસાદ પડે છે અને એ પણ માત્ર થોડા છાંટા જ. આથી દુબઈમાં વરસાદના પાણીની નિકાલની સમસ્યા નથી. વનસ્પતિ પણ નહિવત હોવાને કારણે દુબઈમાં પવન બિલકુલ નથી માત્ર હવા છે. આથી રેતી કે ધૂળ ઉડીને રસ્તા પર કે ઘરમાં આવી જતી નથી. આથી સફાઈની કોઈ સમસ્યા દુબઈમાં નથી. ભેજ તેમજ વનસ્પતિ બિલકુલ ન હોવાથી એક પણ જીવજંતુ દેખાતું નથી.

આખું દુબઈ એ.સી. પર ચાલે છે. વર્ષભર દુબઈનું તાપમાન 35 થી 50 ડિગ્રીની વચ્ચે રહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં તાપમાન સૌથી નીચું 35 ડિગ્રી હોય છે. આથી આ સમયગાળા દરમિયાન વિશ્વભરના પ્રવાસીઓ દુબઈ ઉમટી પડે છે. દુનિયાભરના દેશોની ટોચની મલ્ટીનેશનલ ઉત્પાદક કંપનીઓ પોતાની સર્વોત્તમ પ્રોડક્ટ્સ ઓછામા ઓછા ભાવે દુબઈ ફેસ્ટીવલમાં વેચીને પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાના સ્ટોલ્સ રાખે છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને-પ્રવાસીઓને મળે છે. જો કે ફાયદાની ગંગામાં હાથ બોળવાનું કોઈ ના છોડે એ ન્યાયે ટ્રાવેલ એજંટો તેમજ એરલાઈંસો પણ એ સમયગાળા દરમિયાન પોતાના ભાવો પણ વધારી દેતા જ હશે ને ! ડીસેમ્બરથી ફેબ્રુઆરી સિવાયના સમયમાં તાપમાન 42થી 45 ડિગ્રીની વચ્ચે રહે છે. આથી દુબઈમાં નાનામાં નાની દુકાનથી લઈને મોટા સ્ટોર, બસ-સ્ટોપ સુદ્ધાં ફુલ્લી એ.સી. હોય છે. રેલ્વે સ્ટેશન પણ સેંટ્રલ એ.સી. જ હોય છે. નવાઈની વાત એ છે કે આટલા બધા ગંજાવર એ.સી. ચાલતા હોવા છતાં એકપણ એ.સી.નો સહેજ પણ અવાજ ન આવતો હોવાને કારણે તમને ટાંકણી પડે તો એનો પણ અવાજ સંભળાઈ શકે છે. દુબઈમાં જાહેરમાં રસ્તા પર તમે ચાલી શકો નહિ કારણ છે ત્યાંની ગરમ હવા. ત્યાંની કુદરતી હવા એવી છે કે ચોવીસે કલાક  સતત તમને એવું લાગ્યા કરે કે તમે ભારતીય એ.સી.ના ગરમ હવા ફેંકતા પાછળના ભાગે ઉભા છો. થોડું ચાલીને તમારે કોઈને કોઈ સ્ટોરમાં જતા રહેવું પડે. ત્યાં એ.સી.ની ઠંડી હવામાં ઠંડા થઈને તમે આગળ ચાલતા જઈ શકો.

વિશાળ રસ્તાઓ, વૈભવી ઈમારતો, ટ્રાફિક સિગ્નલ્સ એ દુબઈની ખાસિયત છે. કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો ગુનો – કાયદાનો ભંગ કરી શકતો નથી. કારણ કે આખું દુબઈ સી.સી. ટી.વી. કેમેરાની ચાંપતી નજરમાં કેદ છે. નાનકડો ખુણો પણ એનાથી બચી શકતો નથી. ત્યાંના કાયદા એટલા બધા કડક છે કે ભલભલા ગુનો કરવાથી થથરે છે. ટેક્નોલોજી એટલી બધી પાવરફુલ છે કે તમારી ગાડી કાયદાનું ઉલ્લંઘન કરે એટલે આપોઆપ તેના પર દંડની રકમનું સ્ટીકર લાગી જાય. વર્ષમાં એક વાર ગાડી રીન્યુ કરાવવી જ પડે. એ સમયે કોઈ દંડ ભરવાનો બાકી હોય તો પકડાઈ જાય. ભારે વ્યાજ સાથે એને વસૂલ કરવામાં આવે. એ દંડ એટલો બધો હોય કે તમારે ગાડી વેચી દેવી સસ્તી પડે. એટલે દંડ થાય કે તરત ભરપાઈ કરવામાં બધા શાણપણ સમજે. પેટ્રોલ એટલું પ્યોર કે સહેજ પણ ધુમાડો નિકળે નહિ. રસ્તાઓ પર માત્ર નવી નક્કોર ગાડીઓ જ ફરતી જોવા મળે. સહેજ પણ ટેકનિકલ ખામી હોય તો ગાડી રીન્યુ થાય જ નહિ. ત્યાં ડ્રાઈવિંગ લાયસંસ મેળવવાની પ્રક્રિયા પણ એટલી જ અઘરી. છ-છ તો લેખિત પરીક્ષાઓ આપવી પડે. ત્યારબાદ મૌખિક પરીક્ષા. મોટે ભાગે બે-ત્રણ વાર નાપાસ થાઓ ત્યારબાદ જ પાસ થાઓ એટલી મુશ્કેલ હોય છે. ખર્ચ પણ ખુબ આવે (લાખોમાં). ત્યાંની પાર્કિંગ વ્યવસ્થા પણ આકર્ષક છે. પાર્કિંગ માટે તમારે મોબાઈલ ફોનમાં રીચાર્જ કરાવવું પડે. તમે ચોક્કસ જગ્યાએ પાર્કિંગ કરો એટલે કલાકના હિસાબે નાણા કપાઈ જાય. તમે વધુ સમય પાર્કિંગ ઈચ્છતા હો તો મોબાઈલ ફોનથી જ એક્સ્ટેંસન કરાવી શકો.

ચોરીની સમસ્યા તો ત્યાં છે જ નહિ. કાયદાનો ડર. કેમેરાની નજર. તમે ગાડીમાં તમારી અગત્યની ચીજ વસ્તુ ભુલી ગયા તો ડ્રાયવરને જાણ થાય કે તાત્કાલિક એ તમને શોધવાનો પ્રયત્ન કરે અને તમારી વસ્તુ તમારા સુધી પહોંચે ત્યારે જ એ રાહતનો દમ લઈ શકે. અન્યથા ટુરિસ્ટની એક ફરિયાદ અને ડ્રાયવરને સજા નક્કી. દુબઈ મુખ્યત્વે ટુરિસ્ટની આવક પર ચાલે છે આથી ટુરિસ્ટને પ્રથમ સાંભળવામાં આવે છે. એને ફર્સ્ટ પ્રાયોરિટી. કારમાં જનાર કોઈ પણ ચાલક, પછી એ ટેક્સી ડ્રાયવર હોય કે કાર ઓનર, તમને રસ્તો ઓળંગતા કે રસ્તા પર ઉભેલા જુએ એટલે પોતાની ગાડી ધીમી પાડીને હાથથી વિવેકપૂર્ણ રીતે ઈશારો કરીને તમને રસ્તો ઓળંગવા કહે. તમે રસ્તો ક્રોસ કરો ત્યારબાદ એ આગળ વધે.

એક સમયે દુબઈ માત્ર ક્રુડ ઓઈલ પર નભતું હતું. સમગ્ર અરબસ્તાનમાં જે પેટ્રોલિયમ પેદાશ છે તેના એક ટકાથી પણ ઓછું ક્રુડ ઓઈલ દુબઈના ભાગે છે. 90%થી પણ વધુ ક્રુડ ઓઈલ અબુધાબીના સુલતાનના કબજામાં છે. બાકીના 9% ક્રુડ ઓઈલ અન્ય અરબસ્તાનના શહેરો કે રાજ્યોના ભાગે આવે છે. દુબઈના વિઝનરી સુલતાને વિચાર્યું કે એક સમયે ક્રુડ ઓઈલ ખતમ થઈ જાય તો પણ દુબઈના વિકાસને વાંધો ન આવે એ માટે દુબઈને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવું. અને દુબઈનો આંતરરાષ્ટ્રીય વિકાસ શરૂ થયો. આજે દુબઈ વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસમાંનું એક ગણાય છે. દુબઈમાં ચીજ-વસ્તુના ભાવો ઓછા અને તમામ વસ્તુઓ શુદ્ધ શાથી છે ? તેના જવાબમાં કહીએ તો પ્રવાસીઓને આકર્ષવા માટે ચીજ-વસ્તુઓના ભાવ ઓછા રાખવામાં આવ્યા છે. રાજાશાહી શાસનવ્યવસ્થામાં અહિં કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી. શાસનને કોઈ જ વેરો ઉઘરાવવાની જરૂર નથી એટલા તેઓ સમૃદ્ધ છે. ઉપરાંત તેઓએ કાયદા એટલા બધા કડક બનાવ્યા છે કે દંડની રકમની પણ સારી આવક થઈ જાય છે. ઉપરાંત કાયદાના ડરથી કોઈ વેપારી હલકી કે અશુદ્ધ ચીજ વસ્તુ ગ્રાહકને વેચી શક્તો નથી. આથી જ દુબઈનું દાગીનાનું સોનું પણ શુદ્ધ હોય છે. મારી નજર સામે એક બહેને બે લાખ રુપિયાના સોનાના દાગીના ખરીદ્યા અને નાણા ચુકવતી વખતે પોતાનું નહિ પરંતુ પોતાના પિતાનું ક્રેડિટ કાર્ડ વેપારીને આપ્યું તો વેપારીએ એ નાણા સ્વીકારવાની ‘ના’ કહી દીધી. પેમેંટ સ્લીપમાં જે સહી કરે એનું જ કાર્ડ હોવું જોઈએ. દિવસમાં આવા પચાસ ગ્રાહક પાછા જતા રહે તો વેપારીને મનથી કોઈ દુ:ખ ન થાય. કાયદાભંગની સજા ભોગવવા કરતા ગ્રાહક જતા કરવા સારા. જો કે એ વેપારી જેવું કાયદાનું કડક પાલન બધા વેપારીઓ કરતા નથી. કારણ કે એ બહેને અન્ય સ્ટોરમાંથી એ જ કાર્ડ વડે દાગીના ખરીદ્યા હતા !

ડેઝર્ટ સફારી દરમિયાન ગાડીનો પાકીસ્તાની ડ્રાયવર શબ્બીર ટુર પુરી થયા બાદ બખાળા કાઢતો હતો. નવ વર્ષથી પોતાના પરિવારને પાકીસ્તાન રાખીને કમાવા માટે દુબઈ આવેલા એણે કહ્યું, બ્રિટિશ બિઝનેસમેન ટુરિસ્ટ તરીકે આવતા ત્યારની વાત જુદી હતી. ડેઝર્ટ સફારીની મજા લેવી એ રોયલ બાબત ગણાતી હતી. કોઈ સામાન્ય માણસ એ ટુરનો આનંદ લેવાનું વિચારી પણ શકતો નહિ. બ્રિટિશર્સ ટિપ પણ તગડી આપતા. હવે તો ભારતના-ચીનના પ્રવાસીઓ આવે છે જેઓ દ્વારા પ્રાપ્ત આવકમાંથી માત્ર ખર્ચા-પાણી જ નિકળે છે. સુલતાને આવનારા બસો-પાંચસો વર્ષ સુધીનું પણ વિચારી રાખ્યું હોય એમ જણાય છે. કારણ કે સમયાંતરે ટુરિસ્ટની વસતી ઘટી જાય તો શું? તેના વિકલ્પે તેઓએ વિશ્વના દેશો સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. સાથે-સાથે કંસ્ટ્રક્શનના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું. સમગ્ર દુબઈમાં મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ પર એક ઈંચ જેટલી ખાલી જગ્યા નથી. વીસથી પચાસ માળની ઈમારતોથી આખું દુબઈ ભરપૂર છે. હાલ માત્ર 20થી 30% જેટલી દુકાનો, ઓફીસો, રહેઠાણો, કે મોલની જગ્યાઓનું વેચાણ થયું છે. લગભગ 80% કંસ્ટ્રક્શન પરફેક્ટ તૈયાર હોવા છતાં વેચાણ થયા વિના ઉભું છે. વિચારો, આવનારા વર્ષોમાં ધરતીકંપ આદિ જેવા ભૌગોલિક ફેરફારો થવાના છે તેનો સંપૂર્ણ વિચાર કરીને તૈયાર કરાયું ન હોય એવું કંસ્ટ્રક્શન તોડી નાંખવું પડે તો ત્યાંની કરંસીની હાલત શું થાય ? આ હિસાબે સુલતાન કેટલા વિઝનરી હશે?

દુબઈમાં તમે ટુરિસ્ટ તરીકે પ્રવેશી શકો, તમે ત્યાં વેપાર-ધંધો કરી શકો કે નોકરી પણ કરી શકો, ત્યાં તમે કાયમી નિવાસ પણ કરી શકો પરંતુ તમે ત્યાંનું નાગરિકત્વ મેળવી શકો નહિ અને તમે ત્યાં કોઈ સ્થાવર મિલકત પણ ખરીદી શકો નહિ. ત્યાં રહેવાનું લાયસંસ તમારે દર વર્ષે રીન્યુ કરાવવું પડે. અલબત્ત હવે જ્યારે કંસ્ટ્રક્શનનું કામ પુરજોશમાં ચાલે છે ત્યારે દુબઈના સુલતાને થોડા વધુ લિબરલ બનવાની તૈયારી બતાવી છે. તેઓએ પ્રોપર્ટીને ભાગીદારી વેચાણ કરારની મંજુરી આપી છે. દા.ત. આરબ ને તમે પાર્ટનર રાખો તો એ માટે તમે સંયુક્ત માલિકીની પ્રોપર્ટી ખરીદી શકો. ઉપરાંત ડીપોઝીટ જમા કરાવીને પચાસથી સો વર્ષ સુધીના ભાડા પટ્ટે (લીઝ)થી તમે પ્રોપર્ટી રાખી શકો. આ અર્થમાં શિલ્પા શેટ્ટીના પતિ/પ્રેમી રાજ કુન્દ્રાએ તેમજ શાહરુખખાને ત્યાં પ્રોપર્ટી વસાવી છે.

શોપિંગ

ટુરનો આનંદ માણ્યા બાદ છેલ્લા દિવસે પ્રવાસીઓને ખરીદીનો આનંદ માણવા માટે મુક્ત રખાય છે. ગુજ્જુઓ મોટે ભાગે બર દુબઈની જાણીતી થ્રી સ્ટાર હોટેલમાં રોકાય છે. ત્યાંથી વોકિંગ ડિસ્ટંસ સુધી જઈને નાની-મોટી ખરીદી કરે છે. ‘ગોલ્ડ સુક’ એ દુબઈનું ગોલ્ડ માર્કેટ છે. બર દુબઈથી બોટમાં બેસીને દેરા દુબઈ ‘ગોલ્ડ સુક’ જઈ શકાય છે. દુબઈમાં દાગીનાનું સોનું શુદ્ધ હોવાની ગેરંટી હોવાથી ઘણા લોકો ત્યાં સોનાના દાગીનાની ખરીદી કરે છે. ભાવ પણ પ્રમાણમાં ઓછા હોય છે. ઈલેક્ટ્રોનિક આઈટમ્સ જેવી કે સ્માર્ટ ટી.વી., પ્લાઝ્મા ટી.વી., થ્રી ડી. ટી.વી., મોબાઈલ ફોન્સ, રિસ્ટ વોચ, ટી.વી. ગેમ્સ, કોમ્પ્યુટર ગેમ્સ વગેરેના ભાવોમાં ખાસ્સો તફાવત હોવાથી આપણા લોકો ત્યાંથી એની પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે છે. વળી દુબઈની ખરી ઓળખ એટલે ત્યાંની જ્યુસી ખજૂર અને વિવિધ બ્રાંડ તેમજ ફ્લેવરની ચોકલેટ્સ. એના વિના ખરીદી અધુરી ગણાય. 20 દિરહામની કિલો(300 રુપિયા), 30 દિરહામની કિલો(450 રુપિયા) તેમજ 60 દિરહામની કિલો(900 રુપિયા)ના ભાવે ચોકલેટ્સ મળે. ‘કેરીફોર’ નામનો એક મોલ છે જેની ચેઈન દુબઈમાં ઘણી જગ્યાએ છે ત્યાં પ્લાસ્ટીકના પારદર્શક આકર્ષક ગીફ્ટ પેક ડબ્બામાં એ જ ભાવે અનેકવિધ સ્વાદિષ્ટ ચોકલેટ્સ મળે છે જેની ક્વોલિટીમાં પણ ઘણો ફર્ક હોય છે. એ મોલમાં પ્લાસ્ટીકના સુંદર પોલીથીન પેકમાં 9 દિરહામની કિલો (225 રુપિયા)ના ભાવની ચોકલેટ્સ મળે છે. બર દુબઈમાં બે દુકાન એવી પણ છે જ્યાં ઊંટડીના દુધની ચોકલેટ્સ પણ મળે છે. ઊંટડીનું દુધ પચવામાં ભારે હોવાથી એની ચોકલેટ્સ ખાતાં જ પેટમાં ભાર લાગે છે. એને પચાવવા માટે પણ તાકાત જોઈએ.

મારી ખરીદી અગાઉના દિવસોમાં થઈ ગઈ હતી માટે છેલ્લા દિવસે મેં ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાત લીધી. પરંતુ બપોરે 12 થી 5 હવેલી બંધ રહેતી હોવાથી બંધ દરવાજે કૃષ્ણપ્રભુના દર્શન કર્યા. બાજુમાં પહેલા માળે સાઉથઈંડિયનોએ શિવમંદિર તૈયાર કર્યું છે ત્યાં શિવલિંગના દર્શન કર્યા. બાજુમાં જ સાઈબાબાનું મન્દિર છે ત્યાં પુરી અને બાફેલા રસાવાળા ચણાનો પ્રસાદ મળે છે એ માણ્યો. બીજા માળે ગુરુદ્વારા આવેલું છે. ત્યાં રુમાલથી ઢાંકેલું માથુ ટેકવીને ગ્રંથસાહેબના દર્શન તેમજ શબદકીર્તનનો તેમજ શીરાનો લ્હાવો લીધો. હવેલી બંધ હોવાથી બાજુમાં જ બહાર રાખેલા બાકડે બેઠો ત્યાં તો લીમડાના ઘટાદાર ઝાડ નીચે મને મળવા પારેવા (હોલા, કબૂતર નહિ) નું એક કપલ અને ચકો-ચકીનું એક કપલ તેમજ એક બુલબુલ એમ બધા પક્ષીઓ ચણવા આવી ગયા. ત્યાં બાજુમાં જ આવેલા સાઉથ ઈંડિયન ભારતીયના સ્ટોરમાંથી તલના લાડુ ખરીદીને એ પક્ષીઓને ચણ આપ્યું ત્યાં હવેલીના બંધ બારણે રમતી બે બિલાડીઓ દેખાઈ. હોલા ને હું બધા શાંત થઈને બિલાડી શું કરે છે એ જોવા લાગ્યા. પછી બધા વિખરાઈ ગયા. બિલાડીને મકાઈના લોટના વડા આપ્યા તો એની સામે જોયા વિના જ ચાલી ગઈ. ભાઈ એ તો દુબઈની બિલાડી ! એ શું ખાય એની કોને ખબર ?

દુબઈમાં તમને સમય મળે તો મેટ્રો ટ્રેનની મુસાફરી કરવા જેવી ખરી ! ક્રીકમાં તમે સ્ટીમરમાં કે બોટમાં મુસાફરી કરો તો પણ આનંદ આવે. વળી ત્યાંની સીટી બસ સેવા માણવાની પણ અલગ મજા છે. આ તમામ મુસાફરી માટે એક જ કોમન પાસ કઢાવી લેવાનો ! બર દુબઈથી થોડું ચાલો એટલે તમે ક્રીક રેલ્વે સ્ટેશન પહોંચો જે ગ્રીન બેલ્ટ (રેલ્વે ટ્રેક)પરનું સૌથી છેલ્લુ 30 નમ્બરનું સ્ટેશન છે. ત્યાંથી તમે ‘ઈતિ સલાત’ નામના 11 નમ્બરના સ્ટેશન તરફ જતી ટ્રેન પકડો એટલે ‘ખાલિદ બિન વાલિદ’ નામનું 26 નમ્બરનું સ્ટેશન આવે ત્યાં ઉતરી જઈને ‘રેડ બેલ્ટ’ (બીજો રેલ્વે ટ્રેક)પર જાઓ એટલે એ જ ‘ખાલિદ બિન વાલિદ’ ત્યાં 19 નમ્બરનું સ્ટેશન ગણાય. ત્યાં તમે રાશીદિયા નામના 11 નમ્બરના સ્ટેશનેથી ‘જાબેલ અલિ’ નામના 42 નમ્બરના સ્ટેશન તરફ જતી ટ્રેન પકડો એટલે એમાં બેસીને 29 નમ્બરનું સ્ટેશન ‘બુર્ઝ ખલીફા’ અથવા ‘દુબઈ મોલ’ આવે. 32 નમ્બરનું સ્ટેશન ‘એમિરેટ્સ મોલ’ આવે. અને 39 નમ્બરનું સ્ટેશન ‘ઈબ્ન બતૂતા’ મોલ આવે. જ્યાં ઉતરવાની ઈચ્છા થાય ત્યાં ઉતરી જવાનું અને હરીફરીને પાછા ટ્રેનમાં બેસીને બર દુબઈ આવી જવાનું. શરુઆતમાં લોકો ફરવા માટે દુબઈ જાય. ત્યારબાદ કમાવાની લાલચ જાગે તો નાનો-મોટો ધંધો શરૂ કરી દે. ત્યાંથી સસ્તામાં ચીજ વસ્તુ લાવીને અહિં વેચીને નફો કમાય. લેણું હોય તો દુબઈમાં સારી જોબ શોધી કાઢે ને ત્યાં વસવાટ કરે. દુબઈની 20% વસ્તી આવા ભારતીયોની છે. એમાં 80% ગુજરાતીઓ છે. કેરાલાના સાઉથ ઈંડિયનો પણ નાના-મોટા કામો કે પછી જોબ કરીને ત્યાં સ્થાઈ થયા છે. મારી દૃષ્ટિએ દુબઈ માત્ર ફરવા માટે તેમજ ખરીદી કરવા માટે યોગ્ય છે. વસવાટ કરવા માટે બરાબર નથી. કાયદાથી માણસને ડરાવીને સીધો ચલાવવો એમાં માણસાઈ મરી જાય છે. ડર ચાલ્યો જાય ત્યારબાદ પણ માણસો સીધા ચાલતા હોય તો એમાંય યાંત્રિકતા છે. સમાજને અગવડરૂપ નહિ બનવાની પ્રેમાળ દૃષ્ટિ ખીલી હોતી નથી. ત્યાં કોઈ કોઈની સાથે નિ:સ્વાર્થભાવે વાતો ન કરે, સભ્યતામાં પણ સ્વાર્થ માત્ર છલકાતો હોય ત્યાં માત્ર ભૌતિકતાનું આકર્ષણ માણસને જીવન જીવવા માટે કેટલું ને કેવું બળ પુરું પાડી શકે ? માટે અહિં ભારતમાં રહેવાનું ને રુપિયા ભેગા થઈ ગયા હોય તો વર્ષમાં એક વાર વિદેશ પ્રવાસ કરી આવવાનો, સપરિવાર.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: