વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નચિકેતા

ઉપનિષદ એટલે ઉપ + નિ: + સદ. ‘ઉપ’ એટલે પાસે, ‘નિ:’ એટલે નીચે અને ‘સદ’ એટલે બેસવું. આનો અર્થ એ થાય કે ગુરુની પાસે નીચે બેસીને તેઓની વાતો સાંભળીને મેળવેલું જ્ઞાન એટલે ઉપનિષદ. જ્ઞાન આપનારનું સ્થાન હંમેશા ઊંચું હોવું જોઈએ. આજે સમતાનો જમાનો છે તેથી શિષ્ય ગુરુને સિગારેટ ઑફર કરે છે અને ગુરુના ખભે હાથ મુકીને એની સાથે વાતો કરે છે. આ માનસિક દૌર્બલ્ય છે, વિકૃતિ છે. દેહને શણગારનારા થોડું મનના સૌંદર્ય વિશે વિચારે એ માટે ઉપનિષદો વાંચવા જરૂરી છે. ઉપનિષદમાં નચિકેતા નામના એક મહાન યુવાનની વાત આવે છે. પોતાના પિતા વાજશ્રવસ મુનિને એ દાન કરતા જુએ છે. મુનિ વસુકી ગયેલી (દુધ આપતી બંધ થયેલી) ગાયોનું દાન આપી રહ્યા હોય છે. નચિકેતાને જાણ હોય છે કે દાન શ્રેષ્ઠ વસ્તુનું જ થાય. પોતાને અત્યંત પ્રિય હોય તેમજ ઉપયોગી હોય એવી વસ્તુનું દાન કરવાનો મહિમા છે. નચિકેતા વિચારે છે: ‘આ રીતે બિનઉપયોગી ગાયોનું દાન કરવાથી તો પિતાનું અકલ્યાણ જ થશે.’ તેઓનું હિત કરવાના ઈરાદાથી નચિકેતા પિતાને પુછે છે: ‘પિતાજી, આપ મને કોને દાનમાં આપવા ઈચ્છો છો ?’ પિતાજી સમજી જાય છે કે નચિકેતા પોતાના દાન આપવાના કૃત્યનો કટાક્ષ કરી રહ્યો છે. આથી ખિજાઈને એ નચિકેતાને કહે છે: ‘જા, હું તને યમને દાનમાં આપુ છું.’ ઉંમરમાં કે અન્ય કોઈ દૃષ્ટિએ નાનો માણસ મોટા માણસને સલાહ આપે અને એ વાત મોટા માટે હિતકારી હોય છતાં ઘણેભાગે મોટાને એ ગમતી નથી હોતી. સ્વસ્થ મનના માણસ સાચી વાત ગમે ત્યાંથી આવી હોય, એને સહજતાથી સ્વીકારી લે છે. પિતાજીની પોતાને યમને દાનમાં આપ્યાની વાતનો અર્થ એ થયો, કે ‘જા તું મરી જા.’ પરંતુ આ તો અભય નચિકેતા હતો. ક્રોધમાં નિકળેલું પિતાજીનું વચન સાચું કરવા નચિકેતા સાચે જ યમના દ્વારે જઈ પહોંચ્યો.

યમરાજા બહાર ગયા હતા. આથી ત્રણ દિવસ અને ત્રણ રાત્રી યમરાજાની આવવાની રાહ જોતો એ તેઓના ઘરની બહાર જ બેસી રહ્યો. ઘરે પરત ફરેલા યમરાજને પોતાના આંગણે બાળકને આવેલો જોઈને અત્યંત આશ્ચર્ય થયું. અને કેમ ન થાય ? મૃત્યુથી ભલભલા ડરતા હોય છે ત્યારે સ્વેચ્છાએ યમ પાસે જનારને જોઈને યમને આશ્ચર્ય જ થાય ને ! નચિકેતાને પોતાની રાહ જોવી પડી એ જાણીને યમ દિલગીર થયા. તેઓએ કહ્યું: ‘મારાથી ત્રણ અપરાધ થયા છે, જેના પ્રાયશ્ચિતરૂપે હું તને ત્રણ વરદાન આપવા માંગું છું.’ પહેલો ગુનો એ કે આંગણે અતિથિ આવ્યો છે, જેનું સ્વાગત ના થયું, વળી અતિથિ તરીકે બાળકને ત્રણ દિવસ ને રાત ભુખ્યો-તરસ્યો રાખ્યો એ બીજો ગુનો વળી એ અતિથિ બ્રાહ્મણ છે એ બાબત ગુનાની તીવ્રતામાં વધારો કરે છે એ ત્રીજો ગુનો. હવે આવે છે નચિકેતાનો વારો. પહેલું વરદાન એણે એ માંગ્યું, કે ‘હું પૃથ્વી પર પિતાજી પાસે પાછો ફરું ત્યારે તેઓનો પૂર્વવત પ્રેમ પામી શકું, પિતાજી મારો સહર્ષ સ્વીકાર કરે.’ બીજું વરદાન અત્યંત મહત્વનું છે. નચિકેતા યમરાજ પાસે આત્મજ્ઞાન માંગે છે. એક વરદાન તો યમરાજ આસાનીથી આપી દે છે પરંતુ બીજું વરદાન સાંભળીને તેઓ ચેતી જાય છે. પહેલા વરદાનનું રહસ્ય એ છે કે આત્મજ્ઞાન મેળવ્યા બાદ પણ નચિકેતા મોક્ષ ઈચ્છવાને બદલે પુનર્જન્મ મેળવીને સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય અદા કરવાની તીવ્ર અભિલાષા વ્યક્ત કરે છે. સમાજમાં આત્મજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા એ તત્પર છે. વળી પિતા સાથેનો સંબંધ પહેલાની જેમ પ્રેમપૂર્ણ રહે એવું માંગે છે જેથી પિતાજીનું પણ કલ્યાણ થાય એવી ભાવના છે નચિકેતાની !

આત્મજ્ઞાન મેળવનારની પાત્રતાની ચકાસણી અત્યંત અનિવાર્ય છે. યમ નચિકેતાને અનેક રીતે તપાસે છે. એને અમર બનવાની લાલચ આપે છે. અનંત કાળ સુધી સમગ્ર સૃષ્ટિ પર એ શાસન કરી શકે એવી ક્ષમતા પ્રદાન કરવાની ઑફર કરે છે. જ્ઞાત તેમજ અજ્ઞાત વિશ્વનો તમામ વૈભવ, વિશ્વની સમસ્ત સુંદરીઓને સદાને માટે ભોગવી શકે છતાં શરીર સદા યુવાન તેમજ રોગરહિત રહે એવી લાલસા પણ આપે છે. નચિકેતા યમની કોઈ વાતમાં ફસાતો નથી. એનો ખ્યાલ સ્પષ્ટ છે કે આત્મજ્ઞાન આગળ સૃષ્ટિનો તમામ વૈભવ તણખલા સમાન તુચ્છ છે. આત્મા પૂર્ણ છે એને કોઈ આવશ્યકતા નથી. એ અજર-અમર તો છે જ. બસ, માત્ર એને આત્માના સ્વભાવનો સદાય અનુભવ મળ્યા કરે એની જ જરૂર છે. યમના અસંખ્ય પ્રલોભનો નચિકેતાને જરા સરખો પણ હલાવી શકતા નથી એવું એનું મનોબળ અડગ-અચળ છે. શું માંગવું અને કોની પાસે માંગવું એ પણ એક કળા છે. યમને ખ્યાલ આવી ગયો કે નચિકેતા એવું માંગી ચુક્યો છે જેનાથી યમને પોતાની એકાધિક સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. જેને આત્મજ્ઞાન મળી જાય એને પછી મૃત્યુનો ડર તો લાગતો જ નથી પરંતુ એના પર યમનું શાસન પણ ચાલી શકતું નથી. આવું વરદાન માંગીને નચિકેતાએ તો યમના મસ્તક પર જ પોતાનો પગ મુકી દીધો હતો. આવું વરદાન એક વાર યુધિષ્ઠીરે પણ માંગ્યું હતું. મહાભારતનું યુદ્ધ શરૂ થવાની થોડી ક્ષણો પહેલા યુધિષ્ઠીર ચાલતા-ચાલતા દુ:શ્મનોની સેના તરફ ગયા અને ભીષ્મ, દ્રોણ આદિ વડીલોને પગે લાગીને ‘વિજયી ભવ’, ‘યશસ્વી ભવ’ એવી આશીર્વાદ લઈને આવ્યા. આ રીતે યુદ્ધ શરૂ થતા પૂર્વે જ યુધિષ્ઠીરે યુદ્ધ જીતી લીધું હતું. આથી તો તેઓનું નામ સાર્થક થાય છે: યુધિષ્ઠીર એટલે કે ‘યુદ્ધમાં સ્થિર.’ સ્થિર બુદ્ધિ રહેતી હોય અને જાતે સ્વસ્થ હોય એને જ યુદ્ધ પૂર્વે આ રીતે શત્રુ પક્ષે જઈને વિનમ્રતાથી તેઓના આશિર્વાદ મેળવવાનો વિચાર આવે.

જો કે યમ નચિકેતાની મક્કમતા જોઈને પ્રસન્ન થાય છે અને તેને આત્મજ્ઞાન આપે છે. સાથે-સાથે ખુશ થઈને અન્ય એક વરદાન પણ આપે છે. યમ જણાવે છે કે પૃથ્વી પરનું માનવજીવન ચાર આશ્રમોમાં વિભાજીત થયેલું છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ. પ્રત્યેક આશ્રમમાં પ્રવેશ કરતી વખતે માણસને અગ્નિમાંથી પસાર થતા હોય એવો અનુભવ થાય છે. એ અગ્નિ હવે ‘નાચિકેતાગ્નિ’ તરીકે ઓળખાશે એવું યમ વરદાન આપે છે. આવા સો નચિકેતાની માગણી વિવેકાનંદે કરી હતી. તેઓને વિશ્વાસ હતો કે જો સો નચિકેતા મળી જાય તો તેઓ સમગ્ર વિશ્વને બદલી નાંખશે. તેઓએ કહ્યું હતું, ‘ગીવ મી હંડ્રેડ નચિકેતાસ એંડ આઈ વિલ ચેંજ ધ વર્લ્ડ.’ વિવેકાનંદની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે. ત્યારે વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિ વિશે, તેના આધ્યાત્મિક વારસા એવા વેદાંત વિશે શું કહેવા માંગે છે એ જાણવું જરૂરી છે. ‘પ્રેક્ટિસ ઑફ વેદાંત ઈન ટૂડેઝ લાઈફ’ એ વિવેકાનંદનો પ્રવચનનો મુખ્ય વિષય રહેતો. માત્ર દસ જ મિનિટના ભાષણમાં વિશ્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદે પશ્ચિમના જગતના તમામ વિદ્વાનોને રીયલાઈઝ કરાવ્યું કે પૂર્વમાં ધર્મના પ્રચારની કોઈ જરૂર જ નથી. પૂર્વના દેશોના ઈતિહાસ વિશે લખાયેલા તેઓના જ વિદ્વાનોના પુસ્તકો વાંચીને આજ સુધી તેઓ એવા વ્યાપક ભ્રમમાં હતા કે પૂર્વના લોકો જંગલી છે. તેઓનો સદીઓનો ભ્રમ માત્ર એક જ પ્રવચનમાં વિવેકાનંદે ભાંગી નાંખ્યો.

આવા વિવેકાનંદ એ શંકરાચાર્ય બાદનું એવું મહાન ચરિત્ર છે જે કોઈ પણ પ્રકારના વિવાદમાં સપડાયું નથી. ભારતની એકતા અને અખંડિતતા માટે વિવેકાનંદને માથે બેસાડવાની સાથે-સાથે તેઓના વિચારો માથામાં ઘુસાડવાની અત્યંત જરૂર છે. ગુજરાતના સાચા નેતા એવા માનનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદને ઉપાડ્યા છે એ કોઈ રાજકારણ નથી. દેશભરના યુવાનોને સાચી દિશા આપવા માટેનું આ એક અનિવાર્ય પગલું છે. વિવેકાનંદે આપેલા ભાષણો તેમજ તેઓએ લખેલા પત્રોના બાર મોટા વોલ્યુમ છે, જેમાં તેઓનું જીવનચરિત્ર તેમજ તેઓના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર એમ બે વોલ્યુમ સમાવિષ્ટ છે. આ સાહિત્યનો અભ્યાસ કરીને શાળાકીય તેમજ કોલેજ જેવી સંસ્થાઓએ એને લગતા જુદા-જુદા વિષયો પર વક્તૃત્વસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા (ક્વીઝ કોમ્પીટીશન), પરિસંવાદ, નાટકો ભજવવા, શીઘ્ર વક્તૃત્વ, ગૃપ ડીસ્કશન વગેરે માધ્યમો દ્વારા જ્ઞાનનો પ્રસાર કરવો જોઈએ. એમાં ભાગ લેનાર તમામ યુવાનોનું જીવન ખરેખર આદર્શ તરફનું એક નક્કર ડગલું બની શકશે. કારણ કે માણસ જેવા વિચારો કરે છે, જેવા વાતાવરણમાં રહે છે એવો જ એ બની જાય છે: ‘કીટભ્રમર ન્યાય.’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: