વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ધૃતરાષ્ટ્ર અંધ હતો. આથી ત્રણ ભાઈઓમાં તે સૌથી મોટો હોવા છતાં રાજ્યગાદી પર બેસી શક્યો નહિ. વચલો ભાઈ પાંડુ રાજા થયો અને નાનો ભાઈ વિદુર વિરક્ત સ્વભાવનો હોવાથી મંત્રી-સલાહકાર રહ્યો. એ કાળે સૌથી મોટા પુત્રને જ રાજ્યનો વારસો મળે એવી પ્રથા પાછળ એવી વિચારધારા પ્રચલિત હોઈ શકે કે ‘ઈશ્વર રાજ્યના વારસદારને રાજાના પ્રથમ પુત્ર તરીકે જન્મ આપે છે.’ જો પ્રથમ પુત્ર વિકલાંગ હોય તો અન્ય મોટા પુત્રને રાજ્યનો વારસો મળે. જો કે પાંડુ વિકલાંગ ન હતો છતાં તેને શરીરે પાંડુરોગ હતો. એ શું હશે ? આજે જેને આપણે પિળીયો (કમળો) કહીએ છીએ તે તો નહિ હોય ? આ રોગ હોવાને કારણે તે પિતા બનવાને લાયક ન હતો. મહાભારતમાં આ વાત એ રીતે આવે છે કે તેને શાપ હતો કે જો એ કોઈ પણ સ્ત્રી સાથે શરીરસંબંધ કરશે તો એનું તરત જ મૃત્યુ થશે. આથી એને જીવાડવા માટે એની ધર્મપત્ની કુંતા પોતાની કામેચ્છા પર સંયમ રાખીને જીવન પસાર કરતી હતી. (આજના યુગમાં કેવી ક્ષુલ્લક વાતો પર છુટાછેડા લેવાય છે ? પાંડુ અને કુંતાનો પ્રેમ શરીરસંબંધથી ઉપર જઈને કઈ પગથી પર પહોંચ્યો હશે ? આ રીતે વિચારવાથી આપણને જાણ થાય છે કે આજના યુગમાં વ્યક્તિવાદનો ફુંફાડો કેવો ને કેટલો ભયંકર છે ? માત્ર ને માત્ર પોતાના સુખ-સગવડનો જ વિચાર કરવાનો અને પોતાનો/ની જીવનસાથી પોતાને જરા સરખો/ખી પણ પ્રતિકૂળ જણાય એટલે તરત જ સંબંધ વિચ્છેદ ! છતાં આજે ‘આઈ લવ યુ’ સૌથી વધુ બોલાય છે.)

એ કાળે રાજા પિતા બનવાને અસમર્થ હોય તો રાજ્યનો વારસદાર મેળવવા રાણીનો કોઈ શ્રેષ્ઠ, સંસ્કારી પુરુષ સાથે નિયોગ સંબંધ કરાવાતો. અને એ રીતે પુત્ર-પ્રાપ્તિ થતી. એ પુત્ર રાજ્યનો વારસદાર બનવાને લાયક ગણાતો. આ રીતે કુંતાને ત્રણ પુત્રો અને પાંડુની બીજી પત્ની માદ્રીને બે પુત્રો હતા. ધર્મદેવ, વાયુદેવ અને ઈન્દ્રદેવ અનુક્રમે કુંતાના ત્રણ પુત્રો: યુધિષ્ઠીર, ભીમ અને અર્જુનના પિતા હતા. ભીમનું સાચું નામ વૃકોદર હતું. તે ભયાનક કાર્ય પણ કરી શકતો હોવાથી એનું નામ ભીમ પડ્યું હતું. ભીમ એટલે ભયાનક કાર્ય કરનાર. અને અન્ય દેવ એવા અશ્વિનીકુમારો એ માદ્રીના બે પુત્રો: સહદેવ અને નકુળના પિતા હતા. ધર્મરાજા યુધિષ્ઠીર અને વાયુપુત્ર ભીમ પિતાના નામે ઓળખાયા તો અર્જુન પાર્થ તરીકે માતાના નામે ઓળખાયો. કુંતાનું બીજું નામ પૃથા હતું. પૃથાનો પુત્ર પાર્થ. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ ત્રણ ભાઈઓમાં વિદુર આજીવન કુંવારા રહ્યા. કુંતાને પુત્રો જન્મ્યા અને એ રીતે રાજ્યનો વારસદાર મળી ગયો એટલે હસ્તિનાપુરની એક મોટી સમસ્યા ટળી. એક ચર્ચા એવી પણ છે કે વિકલાંગ હોવાથી રાજાનો મોટો પુત્ર રાજા ન બની શકે અને અન્ય પુત્ર રાજા બને તો પછીની પેઢીમાં રાજા કઈ રીતે નક્કી થાય ? શું વિકલાંગ ભાઈ (ધૃતરાષ્ટ્ર)ના પુત્ર (દુર્યોધન)ને રાજા બનવાની તક ખરી ? કે પછી વર્તમાનમાં જે રાજા છે એ નાના ભાઈ (પાંડુ)ના પુત્ર (યુધિષ્ઠીર)ને જ રાજગાદી મળે ? આ સંદર્ભમાં કહેવાય છે કે એ પણ જોવાયું હતું કે બન્ને ભાઈઓ (ધૃતરાષ્ટ્ર અને પાંડુ)માં જેને પહેલા પુત્ર જન્મે એને રાજગાદી મળે. અને યુધિષ્ઠીરનો જન્મ દુર્યોધનના જન્મ પહેલા થઈ ચુક્યો હોવાથી રાજગાદીનો વારસ યુધિષ્ઠીર જ હતો. આટલું નક્કી થઈ ચુક્યું એટલે ધૃતરાષ્ટ્રને જાણ થઈ ગઈ કે કાવાદાવા કર્યા વિના રાજ્ય મેળવી શકાશે નહિ. અહિંથી એની પાપલીલા શરૂ થઈ.

ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ માંસના એક લોચાને જન્મ આપ્યો જેના સો ટુકડા કરી પ્રત્યેક ટુકડાને સ્વતંત્ર અસ્તિત્વ આપવામાં આવ્યું આથી એને સો પુત્રો અને એક પુત્રી દુ:શલા જન્મ્યા. એ કાળે ટેસ્ટટ્યુબ બેબીની પદ્ધતિ જુદી રીતે અસ્તિત્વમાં હશે ? ધૃતરાષ્ટ્ર કુરુ વંશનો સૌથી મોટો પુત્ર હોવાથી એના પુત્રો કૌરવો તરીકે અને પાંડુથી નવો વંશ શરૂ થતો હોવાથી એના પુત્રો પાંડવો તરીકે ઓળખાયા. કૌરવોના જન્મ સમયે ઘણા અપશુકનો થયા હતા. પશુ-પક્ષીઓએ કાગારોળ મચાવી દીધી હતી. કુતરાઓ રડતા હતા, ગધેડાઓ ભુંકતા હતા . . . વગેરે. પૃથ્વી પર મહાવિનાશ માટે કૌરવો નિમિત્ત બનવાના હોવાથી કુદરતે એનો સંકેત અગાઉથી તેઓના જન્મ સમયે જ આપી દીધો હતો. આજે પણ પશુ-પક્ષીઓને આવનારી કુદરતી આપત્તિઓ જેવી કે ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડુ વગેરેની જાણ અગાઉથી થઈ જતી હોય છે. આપણો તેઓ સાથેનો સંપર્ક છુટી ગયો હોવાથી જાણી શકતા નથી કે ખાસ પ્રકારનું વર્તન કરીને તેઓ શું કહેવા માંગે છે. ઈતિહાસ તપાસશો તો જોવા મળશે કે રાજ્યના વારસદાર તરીકે સ્વસ્થ પુત્રરત્ન પ્રાપ્ત કરવાની સમસ્યા ઘણાંખરા રાજાઓને સતાવતી રહી છે. એશારામી અને ભોગવિલાસયુક્ત જીવન હોય ત્યાં હંમેશા સંતાન ઉત્પત્તિની સમસ્યા હોય જ છે. ભુંડડી કે કુતરી દર વર્ષે ચાર થી આઠ પિલ્લા જણતી હોય છે. શ્રમિક-મહેનતુ બહેનોને પણ કેટલા બાળકો હોય છે, જે સહજ જણાયેલા હોય છે ! પરંતુ સુખ-સગવડો પ્રાપ્ત થઈ કે એ.સી.માં રહેતી બહેનને ડિલીવરી કરાવવા સિઝેરિયન કરવું જ પડે !

રાજ્યનો વારસદાર મળી ગયો હોવાથી નિશ્ચિંત થઈને પાંડુ પોતાના રોગનો ઈલાજ કરાવવા અથવા કુદરતી જીવન જીવવા વનમાં ગયા હતા. સાથે માદ્રી તેઓની સેવામાં હતી. કુંતાના ભાગે પાંચેય પાંડવોના ઉછેર અને શિક્ષણની જવાબદારી હતી. વનમાં ન બનવાની ઘટના બની. એકાંતમાં પાંડુ અને માદ્રી સંયમ ચુક્યા અને શરીરસંબંધ બાંધી બેઠા. પાંડુનું તત્કાળ મૃત્યુ થયું. કુંતા ને માદ્રી વિધવા બન્યા. ભારતીય વિચારધારામાં ઈન્દ્રિયને વશ થનારને કોઈ કિંમત નથી. કારણ કે પરાક્રમો માત્ર ને માત્ર જીતેન્દ્રિય જ કરી શકે છે. સીતાશોધથી લઈને રાવણવધ સુધીના હનુમાનજીના પરાક્રમોને યાદ કરો. એક જાણીતું સૂત્ર છે: ધર્મસ્ય મૂલમ અર્થમ, અર્થસ્ય મૂલમ રાજ્યમ, રાજ્યસ્ય મૂલમ ઈન્દ્રિયનિગ્રહ, ઈન્દ્રિયનિગ્રહસ્ય મૂલમ વૃદ્ધોપસેવા . . . પુરું સૂત્ર હું પણ જાણતો નથી. કોઈ જણાવશે તો તેઓનો આભાર. આનો અર્થ એ કે ધર્મનું મૂળ અર્થ છે. ધર્મના ટકવા માટે તેમજ ફેલાવા માટે નાણું આવશ્યક છે. રાજ્ય હોય તો મહેસુલ વગેરે દ્વારા નાણું કમાવી શકાય. અને રાજ્ય ટકાવવા તેમજ ચલાવવા માટે ઈન્દ્રિયનિગ્રહ અત્યંત આવશ્યક છે. શાસન કરવા માટે જીતેન્દ્રિય બનવું અનિવાર્ય છે. જે પોતાના પર અર્થાત ઈન્દ્રિય પર શાસન નથી કરી શકતો તે જગત પર શાસન નથી કરી શકતો. અને ઘરમાં વૃદ્ધો હોય તો જ ઈન્દ્રિયનિગ્રહ શક્ય છે. માટે સંયુક્ત પરિવારોની આવશ્યકતા છે. વડીલોની હાજરીમાં યુવાન પતિ-પત્નીનું વર્તન સંયમિત બને છે. જ્યારે વિભક્ત કુટુમ્બ પ્રથામાં બન્ને બેફામ વર્તે તો બન્નેનો વિનાશ નક્કી છે. માત્ર બહારનું ખાવાથી જ રોગ થાય છે એવું નથી, શરીરનાં કિમતી દ્રવ્યોને વેડફી દેવાથી શરીરની ઈમ્યુનિંગ સિસ્ટીમ ખોરવાય છે અને શરીર રોગગ્રસ્ત બને છે. હવે વૃદ્ધોપસેવા માટે શું એ સૂત્રનો આગળનો ભાગ જાણીએ ત્યારે કહી શકાય.

ધૃતરાષ્ટ્ર વિચારે છે કે ‘પાંડવો સહિત કુંતાને મારી નાંખવામાં આવે તો મારા પુત્રો માટે હસ્તિનાપુરની ગાદી મળવી નિષ્કંટક બની જાય.’ જીવનભર ધૃતરાષ્ટ્રે એવો દેખાવ કર્યો કે પોતે પાંડવોને અત્યંત ચાહે છે અને સાથે-સાથે હરપળે તેઓનું નિકંદન કાઢી નાંખવાનો પ્રયત્ન પણ કર્યો. નિયતિને તો આ વાતની જાણ હોય જ ! એટલે જ તો વિરક્ત એવા વિદુરનો ત્રીજા ભાઈ તરીકે જન્મ થયો હતો. પાખંડી એવો ધૃતરાષ્ટ્ર જિન્દગીભર જાણી શક્યો નહિ કે નાનો ભાઈ વિદુર પોતાના પક્ષે નથી પરંતુ ધર્મના પક્ષે છે. પોતાની સાથે રહીને પોતાની તમામ વાતો જાણીને એના તમામ કાવતરાઓ વિદુર ઉંધા પાડી રહ્યો છે ! બુદ્ધિથી વિચારનાર અને દક્ષ માણસ જ દુ:શ્મનોના વારથી બચી શકે છે એવું નથી. નિર્દોષ માણસને ભગવાન બચાવે છે. આથી સર્જનાત્મક કાર્ય કરનારે એની બહુ ચિંતા કરવી નહિ. પાંડવો હંમેશા ધૃતરાષ્ટ્રની કપટલીલાથી બચતા રહ્યા છે. અલબત્ત જીવનભર તેઓને સંઘર્ષ કરવો પડ્યો એ વાત જુદી છે. પરંતુ એ તો નિયતિએ નિર્માણ કર્યું હોય તો એને કોણ રોકી શકે ? અને સંઘર્ષ કોના જીવનમાં નથી ?

પોતાના કાવતરાને અંજામ આપવા ધૃતરાષ્ટ્રે કુંતા અને પાંડવોને બોલાવ્યા અને કહ્યું, ‘પાંડુના મૃત્યુ બાદ ઘણા સમયથી આપ સહુ ફરવા ગયા નથી તો વારણાવત બહુ સારી જગ્યા છે. ત્યાં મેળામાં જાઓ અને આનંદ-પ્રમોદમાં થોડો સમય પસાર કરો. તમારા રોકાણની સારી વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે.’ પછી તો એટલા દિવસો પાંડવોના વિરહમાં પોતાને પસાર કરવા પડશે, એથી પોતે કેટલો દુ:ખી થશે એનો પણ દેખાવ એ લુચ્ચાએ કર્યો. એ ધૂર્ત પાખંડીએ વારણવાતમાં લાક્ષાગૃહ (લાખનો મહેલ) બનાવડાવ્યો હતો. નાની સરખી ચિનગારી ચાંપતા જ ભડભડ સળગી ઉઠે એવો મહેલ બનાવીને પાંચેય પાંડવો સહિત કુંતામાતા રાત્રે ગાઢ નિદ્રામાં હોય ત્યારે જ મહેલને આગ ચાંપી દેવાની સૂચના પુરોચન નામના પોતાના વિશ્વાસુ સેવકને આપી રાખી હતી. પરંતુ વિદુર તમામ બાબતોથી માહિતગાર હતા. ધૃતરાષ્ટ્રના જાસૂસોથી ઘેરાયેલા હોવાથી તેઓ પ્રત્યક્ષ તો પાંડવોને કંઈ કહી શકે તેમ ન હતા. પરંતુ લાક્ષાગૃહમાં પાંડવોને મુકીને પરત આવતી વખતે ઈશારામાં યુધિષ્ઠીરને ચેતવણી આપી દીધી હતી. સંકટ સમયે ક્યાંથી ભાગી છુટવું એ પણ ઈશારામાં તેઓને સમજાવી દીધું. હકીકતમાં તેઓને મહેલમાં સળગાવી દેવાની યોજના બની રહી હતી ત્યારે જ સાથે-સાથે એમાંથી બહાર નિકળીને નદિ કિનારે પહોંચવા માટે છુપા માર્ગ એવા બોગદાની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. રાજા અને મંત્રીઓ વચ્ચે મેળ ન હોય તો પ્રબળ રીતે શાસન થઈ શકતું નથી એ વાતનો આ બનાવ પુરાવો છે. જેવો પુરોચને મહેલ સળગાવ્યો કે તરત ભીમે એને આગમાં નાંખી દીધો અને છુપા માર્ગે પાંચેય પાંડવો સહિત કુંતામાતા સલામત રીતે નિકળી ગયા અને એક નદિ કિનારે બહાર નિકળ્યા.

Advertisements

Comments on: "મહાભારતની વાતો – 1" (2)

  1. કલ્પેશભાઇ,
    મહાભારતનો પ્રથમ ભાગ વાંચ્યો… બાકીનું મહાભારત વાંચવા તલપાપડ છું.

  2. કલ્પેશભાઈ મને મહાભારત ની વાતો નો ભાગ ૨,૩,૬ જોઈએ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: