વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સામાન્ય માણસને ‘સત્યમેવ જયતે’નો અર્થ પૂછશો તો એ કહેશે ‘સત્યમેવ જયતે’ એટલે ‘અંતે સત્યનો જય થાય છે.’ પરંતુ એ સાચું નથી. એનો ખરો અર્થ છે: ‘સત્યનો હંમેશા જય થાય છે.’ અંતે એટલે કે મૃત્યુ ટાણે સત્યનો જય થતો હોય તો જીવન દરમિયાન શું અસત્યનો જય થાય છે ? અને જો એમ થતું હોય તો જીવનમાં સત્યનું આચરણ શા માટે કરવાનું ? આમીરખાને ‘સત્યમેવ જયતે’ નામે એક ટી.વી. શો ચલાવ્યો છે. મેં તો ક્યારેય એ જોયો નથી. પરંતુ મહિલા કોલેજની કેટલીક યુવતીઓ મારું માર્ગદર્શન લેવા આવી હતી. તેઓએ મને કહ્યું કે એ શો તેઓ નિયમિત જુએ છે. કોઈ ચેનલ પર લેટેસ્ટ ન્યુઝ જોવા મળે એ હેતુથી હું ચેનલ્સ બદલતો હતો એવામાં એક ન્યુઝ ચેનલ પર એક ઝલક જોવા મળી જેમાં એક પત્રકાર આમીરખાનનો ઈંટરવ્યૂ લઈ રહ્યો હતો. એણે પૂછ્યું, ‘સત્યમેવ જયતે’ એ કોઈ સિદ્ધાંત છે કે સૂત્ર છે? ઈઝ ઈટ અ પ્રિંસિપલ ઓર જસ્ટ અ સ્લોગન ?’ આમીરખાને તરત કહ્યું, ‘એ એક અબાધિત સિદ્ધાંત છે જે ક્યારેય ખોટો ઠરતો નથી.’ એ ચાલાક પત્રકારે તરત પૂછ્યું, ‘આપણે આપણી આસપાસ નજર કરીએ તો અસત્યનો હંમેશા જય થતો નથી દેખાતો?’  જવાબ શું આપવો એ અંગે વિચારીને આમીરખાને એ પત્રકારને કહ્યું, ‘તમારી વાત સાચી છે. આજે ચારે બાજુ અસત્યનો જ જય થાય છે. પરંતુ હું એમ ઈચ્છુ છું કે સત્યનો જય થવો જોઈએ.’ અરે મહાબુદ્ધિ ! એક બાજુ આપ કહો છો કે એ સિદ્ધાંત છે અને તરત તમે કહો છો કે એ તો મારી શુભેચ્છા છે. તો ખરેખર એ છે શું ? પહેલા બરાબર નક્કી કરો અને પછી જવાબ આપો.

આપણે વાત કરતા હતા કે સત્યનો સદા જય થાય છે કે જીવનના અંતે. એ સંદર્ભમાં મહાભારતના યુદ્ધના અંતનું દૃશ્ય જોઈએ. દુર્યોધન મૃત્યુની નજીક જઈ રહ્યો છે. છતાં એની વાણી એક ક્ષત્રિયને છાજે એવી આત્મવિશ્વાસ તેમજ ગૌરવથી ભરપૂર છે. અટ્ટહાસ્ય કરતો દુર્યોધન પાંડવો તેમજ કૃષ્ણને ઉદ્દેશીને કહે છે, ‘અસત્યનું આચરણ કરીને હું આજીવન જીવ્યો અને જગતના તમામ સુખો મેં ભરપૂર માણ્યા છે. આજીવન સત્યનું આચરણ કરનારા તમે સહુ માત્ર દુ:ખી થયા છો. ભુખ, તરસ, જંગલનો રઝળપાટ, અપમાન આ બધાથીજ તમારા સહુનું જીવન પસાર થયું છે. અને અંતે તમે જે વિજય મેળવ્યો છે એમાં ગૌરવ લેવા જેવું છે પણ શું? તમારા વિજયને જોવા અને એની વધાઈ આપવા આ પૃથ્વી પર કોઈ જીવિત રહ્યું છે ખરું? તમે તમારા પરિવારજનો, સગાવ્હાલાઓ, મિત્રો, સેનાપતિઓ, મંત્રીઓ, સલાહકારો સર્વને ગુમાવી ચુક્યા છો. તેઓના વિરહના ગમમાં મળેલા વિજયનો અંશમાત્ર આનંદ માણી શકો એવી સ્થિતિમાં તમે છો ખરા?’

મોટા ભાગના લોકો એવું માને છે કે સત્ય એ જ્ઞાનનો વિષય છે. પરંતુ એવું નથી. સત્યની વ્યાખ્યા શું? ‘સતે હિતમ સત્યમ.’ એટલે કે જે ‘સત’ની નજીક લઈ જાય એ સત્ય. તો પછી પ્રશ્ન થાય કે ‘સત એટલે શું?’ સત એટલે કે ઈશ્વર. એને આપણે પરમાત્મા, ભગવાન તરીકે પણ ઓળખીએ છીએ. માત્ર જ્ઞાન આપણને ઈશ્વરની નજીક લઈ જતું નથી. જ્ઞાનની ઉપાસનાની સાથે-સાથે કર્મ એટલે કે પુરુષાર્થ કરીને જીવન જીવવાથી સતની નજીક જઈ શકાય છે, કોઈ એક પરિબળનો સાથ લઈને સત્યને પામી શકાતું નથી. આ સંદર્ભમાં આપણે વિચારી શકીએ કે જેમ સત્યનો સદા જય થાય છે તેમ જેનો જય થાય છે એ સત્ય તરીકે ઓળખાય છે. એટલે કે કર્મની પ્રબળતાથી આપણે જેને સિદ્ધ કરવા માગીએ છીએ એ સિદ્ધ થઈ શકે છે. આથી કહી શકાય કે સત્યના જય માટે પણ બળની જરૂર પડે છે. નિર્બળ લોકો સત્યની ઉપાસના કરે એમાં સત્યની વિડંબના – સત્યનું અપમાન છે. સત્યને વિજય અપાવવો હોય તો પ્રભાવી કર્મ પણ કરવું પડે છે. આપણે આજે પણ માનસિક રીતે અંગ્રેજોના ગુલામ છીએ. શા માટે? કારણ કે અંગ્રેજ એવી પ્રજા છે જેણે હંમેશા પરાક્રમ કરીને વિજય જ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર વિશ્વ સદીઓ સુધી એને તાબે થયું છે. આથી તો બ્રિટિશનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એવું કહેવાય છે. આથી જ આજે પણ વિશ્વ માને છે કે અંગ્રેજો શ્રેષ્ઠ છે, અંગ્રેજો સત્ય છે. આપણા પુરાણોમાં દૈવાસુર સંગ્રામની વાતો આવે છે. દેવો હંમેશા સત્યના ઉપાસક છે જ્યારે અસુરો અસત્યનો જ પક્ષ લે છે. છતાં તેઓના યુદ્ધમાં ક્યારેક દેવોનો તો ક્યારેક અસુરોનો જય થતો બતાવ્યો છે. જે સુચવે છે કે જેનો પ્રયત્ન પ્રભાવી હોય છે તે યુદ્ધમાં વિજય મેળવે છે. આ સૃષ્ટિનો કોઈ કર્તા જેને આપણે ભગવાન, પરમાત્મા કે ઈશ્વર માનતા હોઈએ તો એ પણ બળવાનને, શૂરવીરને, પરાક્રમીને, કર્મયોગીને વિજય આપવા બંધાયેલો છે, પછી ભલે એ કર્મઠ મનુષ્ય અસત્યને સાથ આપી રહ્યો હોય. અહિં એક વાત નોંધવાની રહે કે આવો પ્રયત્નશીલ મનુષ્ય અસત્યનો પક્ષ લઈને સદાય વિજયી રહી શકતો નથી. કારણ કે અસત્યના બંધારણમાં જ એનો નાશ રહેલો છે જ્યારે સત્યનું બંધારણ જ એવું છે કે એનો ક્યારેય નાશ થતો નથી.

એકતાના-સામુહિક પ્રયત્નના અભાવમાં ભારતીય સંસ્કૃતિ આજે ખાડામાં પડી છે. આપણે છેલ્લા હજાર વર્ષથી પરાભૂત છીએ તેથી આપણી તમામ બાબતો શ્રેષ્ઠ હોવા છતાં એનો કોઈ પ્રભાવ જગત સ્વીકારવા તૈયાર નથી. કૌરવ-પાંડવ યુદ્ધમાં કૃષ્ણે ભાગ લેવાની જરૂર શી હતી ? કૌરવ-પાંડવોનો રાજગાદી મેળવવાનો તેમજ સત્તા-સંપત્તિની વહેંચણીનો પારિવારીક મામલો છે એવું સમજીને જે રીતે બલરામ યુદ્ધથી દૂર રહ્યા હતા એવું કૃષ્ણ ના કરી શક્યા હોત? પરંતુ ના, કૃષ્ણ જાણતા હતા કે પાંડવો આજીવન સત્યના, ધર્મના પક્ષે રહ્યા છે અને કૌરવોએ આજીવન અધર્માચરણ કર્યું છે. હવે જો બળના જોરે કૌરવો યુદ્ધ જીતી જાય તો આવનારા પાંચ હજાર વર્ષો સુધી જગત દૃઢપણે એવું માનીને ચાલે કે કૌરવો સત્ય હતા. આજે આપણે પાંડવોને સત્ય માનીએ છીએ કારણ કે તેઓ યુદ્ધમાં વિજયી થયા હતા. તેઓની હયાતીમાં કૌરવો દુષ્ટ છે અને પાંડવો સજ્જન છે એવી કોઈ સામાજિક છાપ તેઓની હતી જ નહિ. આથી તો જગતના મોટા ભાગના રાજ્યોએ યુદ્ધમાં કૌરવોને સાથ આપ્યો હતો. યુદ્ધના વિજયે પાંડવો તેમજ કૌરવોની ઈમ્પ્રેસન બદલી નાંખી જે આજે પણ બરકરાર છે.

કહેવાનું તાત્પર્ય એ કે સત્ય કોઈ ગરીબ ઘરની છોકરી નથી કે કોઈ પણ એની સાથે મન ફાવે એવી હરકત કરી શકે. સત્યને પોતાના પક્ષે લેવા અપ્રતિમ બળની જરૂર પડે છે જે સુપર એફર્ટ કરવાથી પ્રાપ્ત થાય છે. આજે આપણે સાચા હોઈએ છીએ પરંતુ બળવાન નહોતા નિર્બળ હોઈએ છીએ આથી આપણી સત્યતા પુરવાર થતી નથી. શાળાના વર્ગમાં પોતાનું સત્ય હિંમતથી રજૂ ન કરી શકતો વિદ્યાર્થી વિના વાંકે શિક્ષકની સજાનો ભોગ બની જાય છે. એ રીતે પુરતા પ્રયત્ન વિનાનો માણસ સાચો હોવા છતાં હારી જાય છે. આપણા મહાન ગ્રંથ ઉપનિષદમાં લખ્યું છે, કે ‘નાયમાત્મા બલહીનેન લભ્ય.’ એટલે કે નિર્બળને ક્યારેય આત્મજ્ઞાન- સત્ય પ્રાપ્ત થતું જ નથી. કોઈ છોકરી કોઈ યુવાન પર ફિદા હોય અને એને પત્ર લખીને જણાવે કે તેના પિતા કોઈ મવાલી સાથે એના લગ્ન કરાવી દેવા તૈયાર થયા છે અને પોતે જેને પત્ર લખી રહી છે એ યુવાનને એ ચાહે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. સાથે-સાથે માગણી કરે છે કે પત્ર મળતા જ એ યુવાન એ છોકરીને ઉઠાવીને લઈ જાય. આટલું જાણીને આ યુવાન એ છોકરીનું અપહરણ કરે તો યુવાને સત્યનો પક્ષ લીધો કહેવાય. પરંતુ એણે યુવતીના પિતાનો સામનો કરવો અનિવાર્ય બની જાય છે. શક્ય છે કે છોકરીના પિતા પોલીસ-કોર્ટ અથવા ગુંડા વગેરેની મદદ લે અને યુવાનને થકવી નાંખે. હારીને યુવાન છોકરીનો સાથ છોડી દે તો બળના અભાવમાં સત્ય હારી ગયું ગણાય અને અસત્યની જીત થઈ ગણાય. આમ સત્યને જીરવવા માટે મર્દાનગીની જરૂર પડે છે. નિર્બળો સાથે સત્ય ક્યારેય પરણતું નથી.

Advertisements

Comments on: "સત્યમેવ જયતે" (2)

  1. saras che bhai

    please send articale monday and thrusday

  2. BAHU J SARAS CHE ANE TAME LAKHTA RAHO
    TAMARO PHONE NATHI LAGTO

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: