વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઈષ્ટદેવ

સંપ્રદાયોમાં ઈષ્ટદેવનું પ્રાધાન્ય હોય છે. ઈષ્ટદેવના જ દર્શન કરવા, તેનું જ સ્મરણ કરવું સાથે-સાથે અન્ય દેવની પુજા-અર્ચના, કીર્તન-સ્મરણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું . . .વગેરે. વ્યવહારમાં પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની થઈને રહે છે અને તેના તરફથી જ મળતા સુખનો સ્વીકાર કરે છે એ રીતે અધ્યાત્મમાં ભક્ત ભગવાન સાથે જોડાય એ સમજી શકાય છે. પરંતુ ભક્તિમાર્ગી સંપ્રદાયોમાં ઈષ્ટદેવની બાબતમાં અતિરેક થયો છે. પત્ની પતિની સેવા કરે છે તેમ પતિના પરિવારજનોની સેવા કરે, ઘરના મહેમાનોની આગતા-સ્વાગતા કરે તો એ પતિને ગમે છે. તો શું ભક્ત પોતાના ઈષ્ટદેવના પરિવારજનો તેમજ તેના સગાવહાલાઓની(અન્ય દેવી-દેવતાઓની) સેવા કરે એ ભગવાનને નહિ ગમતું હોય? પતિને પ્રિય રહેવું હોય તો પતિના કહ્યામાં રહેવું અનિવાર્ય છે. ભગવાને ક્યારેય ભક્તને કહ્યું છે કે ‘તારે અન્ય દેવના ભજન ન ગાવા કે તેઓના જન્મદિવસ ન ઉજવવા?’ અવ્યભિચારિણી ભક્તિ એટલે શું? પતિ સિવાય અન્ય કોઈ પુરુષ પાસેથી કોઈ પણ પ્રકારના સુખની અપેક્ષા ન રાખવી એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે એ રીતે ઈષ્ટદેવ સિવાય અન્ય કોઈ દેવ પાસે કાંઈ પણ માંગવું નહિ અને અતિશય દુઃખ આવે તો પણ ઈષ્ટદેવના દર્શન-સ્મરણ છોડવા નહિ. આ થઈ અવ્યભિચારિણી ભક્તિ. આમાં અન્ય દેવનું ભજન-કીર્તન ન કરવું એવું ક્યાંય આવે છે?

એક પ્રશ્ન થાય કે અન્ય દેવનું પુજન શા માટે કરવાનું? જેમ અધ્યાત્મના ક્ષેત્રમાં ભગવાનનાં એક સ્વરુપમાં ચિત્તએકાગ્ર કરવું અનિવાર્ય છે એમ પૃથ્વી પરના માનવો એક થઈને ભગવાન તરફ વળે એ માટેનું વાતાવરણ તૈયાર કરવું અનિવાર્ય છે. જે સાધનો દ્વારા એ કાર્ય કરવામાં આવે છે તે સાધનોને સાંસ્કૃતિક સાધનો કહેવાય છે અને એ કાર્ય સાંસ્કૃતિક કાર્ય તરીકે ઓળખાય છે. ભગવાનના અન્ય સ્વરુપમાં નિષ્ઠા ધરાવતા માણસને સાંસ્કૃતિક કાર્યમાં સાથે લેવા સહુએ તેના ઈષ્ટદેવ પ્રત્યે વંદનીય ભાવ રાખવો જરુરી છે. આ દૃષ્ટિથી શ્રીમદ આદ્ય શંકરાચાર્યે પંચાયતન પુજા આપી જેમાં ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબાને સ્થાન આપ્યું. આમ સાંસ્કૃતિક જીવનમાં અન્ય દેવના દર્શન-પુજન અનિવાર્ય બની રહે છે (આથી જ તો હજારો વર્ષ પુર્વે ભારતના વતની એવા આર્યો ‘કૃણ્વન્તો વિશ્વમ આર્યમ’ની ગર્જના કરીને વિશ્વભરમાં ગયા અને ત્યાંના સ્થાનિક લોકોને પોતાના બનાવ્યા. તેથી હિન્દુધર્મના દેવદેવીઓની સંખ્યા તેત્રીસ કરોડ થઈ ગઈ). જ્યારે સંપ્રદાયમાં તો જે ઈષ્ટદેવ હોય છે તેને પોતાના ઈષ્ટદેવ ગણતા માણસનો જ સમાવેશ શક્ય બને છે અને તેના પર અન્ય ઈષ્ટદેવનું કીર્તન-પુજન કરવાની મનાઈ હોય છે. આ બાબતને જે-તે સંપ્રદાયમાં ગૌરવની બાબત ગણવામાં આવે છે.

કેટલાક સંપ્રદાયોમાં તો સંપ્રદાયના સ્થાપક કે અનુયાયી એવા દિવ્ય માનવને જ ઈષ્ટદેવ ગણીને તેના સ્વરુપની પુજા શરુ થઈ જાય છે અને એ સ્થાપકના ઈષ્ટદેવને સ્થાપક કરતાંય નિમ્ન સ્થાન આપવામાં આવે છે. ભક્તિમાર્ગી સંપ્રદાયોમાં આ પ્રકારનું ગાંડપણ સેંકડો વર્ષોથી ઘુસી ગયું છે. માટે આવા સંપ્રદાયોમાં સાફસુફી થવી જરુરી છે. કોણ કરશે આ કાર્ય? આ પ્રકારના ગાંડપણને સારું કહેવડાવે એવા બીજા અનેક પ્રકારના અત્યંત હીન કક્ષાના ગાંડપણ એવા ઘુસી ગયા છે કે એની વાત પણ કરીએ તો આખો સમાજ મારવા દોડે. આ વાત કરવી કોને? એમાંથી એક-બેની વાત કરવી છે :

(1) નિમ્ન શ્રદ્ધાકેન્દ્રો :

થોડી ઘણી અસામાન્યતા ધરાવતા માણસને ઈશ્વરનું સ્થાન આપી તેની મૂર્તિ કરી, મંદિરો બનાવી, તેની પુજા શરુ કરવી તે. બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ-આ આદિદેવ છે. તેના મંદિરો હોવા જ જોઈએ. આજે બ્રહ્મા ને વિષ્ણુના મંદિરો લગભગ જોવા નહિ મળે. ત્યાર પછી વિષ્ણુના અવતાર એવા રામ-કૃષ્ણના મંદિરો બન્યા. આ મંદિરો હોય એ પણ સારી વાત છે. ત્યાર બાદ ભક્તના મંદિરો બન્યા- હનુમાનજી વગેરે. ઉત્તરોત્તર નિમ્ન કક્ષાએ જતા બાબા-ફકીરો તેમજ સંત પ્રકૃતિના માણસોના મંદિરો બન્યા. ગુજરાત તેમજ ભારતના કેટલાક મંદિરો તો એટલા બધા પ્રસિદ્ધ અને મહાન ગણાય છે કે જ્યાં ભગવાનની એક પણ મૂર્તિ એ મંદિરના ખુણામાં પણ સ્થાન ન પામી હોય અને એ મંદિરોના મહંતોની મૂર્તિ જ સર્વસ્વ ગણાતી હોય. અત્યંત નીચ કક્ષાના મંદિરો એટલે રાજકારણીઓ તેમજ ફિલ્મી નટોની મૂર્તિનું સ્થાપન થયું હોય એવા મંદિરો. ભક્તિની આટલી બધી મજાક-મશ્કરી ભુતકાળમાં ક્યારેય થઈ નથી. કુદરતી આપત્તિઓ શા માટે આવે છે એનો જવાબ કોઈ શોધતું હોય તો એ છે –શ્રદ્ધાકેન્દ્રો નિમ્ન કક્ષાએ જતાં આ રીતે થતું ભગવાનનું અવમુલ્યન. ભગવાનનું અવમુલ્યન બીજી કઈ રીતે થાય છે એ જાણવા મારા પુસ્તક ‘જીવન સ્નેહ’ માં લેખ ‘મંદિર સામાજિક કેન્દ્ર’ વાંચો.

(2) ઈષ્ટદેવનું બાલસ્વરુપ :

મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ બાલકૃષ્ણની ઉપાસના આપી. શા માટે? ભક્તિમાં આવેલું ગાંડપણ દૂર કરવા માટે. મહાપ્રભુજીએ જોયું કે ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે લોકો ભગવાનના દર્શન-પુજન કરતા નથી પરંતુ સુખી થવું છે અને ‘ભગવાનને પોતાનુ દુઃખ કહીને તેની આગળ રડશું નહિ, સુખની માગણી કરશું નહિ ત્યાં સુધી ભગવાનને અમારું દુઃખ દૂર કરવાની સમજણ નહિ પડે’ એમ ધારીને લોકો ભગવાનની ભક્તિ કરવાના નામે ભગવાનનો સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. આથી વલ્લભાચાર્યજીએ બાલકૃષ્ણની ઉપાસના આપી કારણ કે આપણે બાળક આગળ રડતા નથી કે તેની પાસે માગતા નથી. પરંતુ લોકો આ સમજ્યા નહિ. બાલકૃષ્ણને પોતાનો દીકરો ગણીને તેની સાથે માબાપ જેવો વ્યવહાર કરવા લાગ્યા. મંદબુદ્ધિને એટલી પણ ખબર નથી પડતી કે અનંત કોટિ બ્રહ્માંડોના ધણીને પોતાનો દીકરો કેવી રીતે ગણી શકાય. વાસ્તવમાં જે દીકરાને તેઓએ જન્મ આપ્યો છે તેની સામુ જુએ તો તેઓને પોતાની લાયકાતની ખબર પડે. ભક્તિમાંથી ભિખારી જેવી માગણવૃત્તિ અને રોદણાં રડવાની દીનતા ચાલી જાય અને તેજસ્વી ભક્તિની શરુઆત થાય એ માટે મહાપ્રભુજીએ ઈષ્ટદેવના બાલસ્વરુપની ઉપાસના આપી છે. પરંતુ આવું સમજવા કોણ તૈયાર છે?

તો શું ભગવાન પાસે માગવું નહિ? જરુર માગવું, પરંતુ કામ કરીને પછી વધુ સારુ કામ થઈ શકે, લોકોના જીવન શાંત, સમાધાની થાય અને વિકાસની દિશામાં આગળ વધે તે હેતુ માગવું. ભગવાન પાસે માગવું એટલે શું? ભગવાન કોઈને સીધેસીધો સહકાર આપી શકતો નથી, તે સજ્જનોને પ્રેરણા કરે છે તેથી સજ્જનો માગનારને સહકાર આપે છે. એ રીતે શ્રેષ્ઠ કામ કરવાનો પ્રયત્ન કરીને માણસ માગી શકે છે. પરંતુ કંઈ પણ ન કરતાં ભિખારીની માફક તે માગતો રહે તો તે બરાબર નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: