વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસની પાંચ જ્ઞાનેન્દ્રિયો છે: આંખ, કાન, નાક જીભ અને ત્વચા. પાંચેય ઈન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું જ્ઞાન થાય છે, જેને વિષયો કહેવાય છે. ઈન્દ્રિય અને વિષયનો સંપર્ક થાય(દા.ત. આંખ અને રૂપ) ત્યાં મનની હાજરી હોય ત્યારે જ્ઞાનનો અનુભવ થાય છે. ઉપનિષદમાં શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ અને આત્માને સુંદર રૂપક દ્વારા સમજાવાયા છે. શરીર રથ છે જેના ઈન્દ્રિયો ઘોડા છે. મન લગામ છે જ્યારે બુદ્ધિ સારથિ છે અને આત્મા રથમાં બિરાજમાન છે. ઈન્દ્રિયો, મન, બુદ્ધિ સહિત શરીરરુપી રથ આત્માને અનુકૂળ થઈને વર્તે ત્યારે ગતિ-પ્રગતિ શક્ય બને છે. આપણે તપાસવું જોઈએ કે શું આપણી જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ સહિતનો રથ આત્માને અનુકૂળ થઈને વર્તે છે ખરો? આપણને જણાશે કે જ્ઞાનેન્દ્રિયોરુપી ઘોડા બેફામ બન્યા છે. મનરુપી લગામ શિથીલ થઈ છે. બુદ્ધિરુપી સારથિ અસ્થિર છે. આથી શરીરરુપી રથ આડેધડ ભાગે છે. જેથી આત્માની પ્રસન્નતા ચાલી ગઈ છે.

શું જ્ઞાનેન્દ્રિયો પર મનની લગામ છે ખરી? મારે જે જોવું છે તે મને મારી આંખ બતાવે છે કે મારી આંખ મને જે બતાવે છે તે મારે જોવું પડે છે? મારે જે સાંભળવું છે તે મને મારા કાન સંભળાવે છે કે મારા કાન મને જે સંભળાવે છે તે મારે સાંભળવું પડે છે? એવું પ્રત્યેક ઈન્દ્રિય માટે કહી શકાય. જ્ઞાનેન્દ્રિયોરુપી અશ્વો પર સવાર થવાને બદલે જ્ઞાનેન્દ્રિયો આત્મા પર સવાર થઈ ગઈ છે. જેવી રીતે આપણે સારી ગુણવત્તા વાળા ઘંઉ લાવીએ છીએ તેવી રીતે સારી ગુણવત્તા ધરાવતા વિચારો કાનથી સાંભળીએ છીએ ખરાં? આપણા ઘરાઆંગણે આપણે બાગ બનાવ્યો હોય તો આપણે દરરોજ પસંદ કરેલા ફૂલ ચુંટીને બેઠકખંડમાં રાખેલી ફૂલદાનીમાં સજાવીને મુકીએ છીએ. પરંતુ આપણા કાન થુંકદાની જેવા રાખીએ છીએ. જે કોઈ આવે એ આપણા કાનમાં દુનિયાભરનો કચરો: લોકો વિશે ચાડી-ચુગલી-નિંદા વગેરે નાંખી જાય છે અને આપણે પાછા રસપૂર્વક તે સાંભળીએ પણ છીએ. આનો અર્થ એ છે કે ઈન્દ્રિયો આપણા પર સવાર થઈ ગઈ છે. ખરેખર તો આત્માએ ઈન્દ્રિયો પર સવાર થવાનું છે.

સરસ મજાની મોટરબાઈક હોય તો આપણને તેના પર સવારી કરવાનું ગમે. આપણી ઈચ્છા પ્રમાણે એ સ્ટાર્ટ-બંધ થાય, તેજ કે ધીમી ગતિએ દોડે, આપણી મરજી પ્રમાણે વળાંક લે-ઉભી રહે તો આપણને એ ગમે. હવે કોઈ એમ કહે કે બાઈક પર સવાર થવાને બદલે એને ખભે ઊંચકીને ચાલો. તો એવું આપણને નહિ ગમે. આવી માનસિકતા ઈન્દ્રિયોના બારામાં કેમ નથી? ઈન્દ્રિયો આત્મા પર સવાર થઈ ગઈ હોવા છતાં તેનો બોજ કેમ નથી અનુભવાતો? આંખો જે બતાવે તે, ન જોવાનું જોઈને આપણી જાતને હલકી પાડીએ, સ્વાદેન્દ્રિયની ગુલામી કરીને શરીરને રોગનું ઘર કરી મુકીએ, સ્પર્શેન્દ્રિયની ગુલામી કરીને સમાજમાં બદનામ થઈએ વગેરે. સમગ્ર માનવજાત તમામ યાતનાઓ ભોગવી રહી છે છતાં કોઈ ઈન્દ્રિયોની ગુલામી કરવાનું છોડતું નથી. ગુલામી કરવામાં બોજના બદલે આનંદ શેનો આવે છે? આપણે રેલ્વે સ્ટેશન પર કોઈ વૃદ્ધ મજુરને પોતાના કરતાં ત્રણ ગણું વજન ઊંચકીને આખો દિવસ દાદરાઓ ચઢતા-ઉતરતા જોઈએ છીએ. કદી ભારે વજન ન ઉંચકનારા આપણે એ જોઈને પીડાઈએ છીએ પરંતુ એ મજુરને એટલી વ્યથા નથી. કારણ કે એ ભારે બોજ ઉપાડવા માટે ટેવાઈ ગયો છે. આપણે પણ ઈન્દ્રિયોનો બોજ વહન કરવાથી ટેવાઈ ગયા હોવાથી તેની ગુલામી કરવામાં આપણને વ્યથા થતી નથી.

કોઈ મહાપુરુષના સંપર્કમાં આપણે આવીએ, તેના જીવનને નજીકથી જોઈએ, ઈન્દ્રિયોની ગુલામી કર્યા વગર કેવા આનંદથી જીવન પસાર કરી શકાય છે તેનું નિહાળીએ ત્યારે આપણને આપણે જે ગુલામી કરી રહ્યા છીએ તેમાં લાચારીનો અનુભવ થાય છે. મહાપુરુષની સહજ પ્રસન્નતા જોઈને આપણને આપણી જાત માટે હીનતાની લાગણી થાય છે. હવે આપણે જે બોજ ઉપાડીએ છીએ તે આપણને કઠવા લાગે છે. પરિણામે ધીમે-ધીમે એ બોજ છૂટે છે. વિષયોની ગુલામી છૂટે ક્યારે? જ્યારે બીજો વધારે સારો વિષય મળે ત્યારે. વિષયાસક્તિના ત્યાગ માટે વેદાંતે બે રસ્તા સુચવ્યા છે. એક તો વિષયોની ગુલામી કઠવી જોઈએ અને બે: વધુ ઉચ્ચ-દિવ્ય-ભવ્ય વિષયનું આકર્ષણ થવું જોઈએ. મહાપુરુષ-સંસર્ગ, સદગ્રંથવાચન આપણને ઉચ્ચ વિષયનું ઘેલું લગાડે છે. હીન વિષયોનું આકર્ષણ ઘટાડીને ઉચ્ચ વિષયોનું આકર્ષણ વધારવું આ બાબત ખુબ જ કઠીન છે. એમાં જન્મારા ચાલ્યા જાય છે.

ઈન્દ્રિયોના ભોગોથી ઉપર માનસિક લાગણીઓનું સુખ, તેનાથી ઉપર બૌદ્ધિક સુખ અને છેલ્લે આધ્યાત્મિક આનંદ એમ ઉત્તરોત્તર વિષયોની ચઢતી શ્રેણી છે. સામાન્ય માણસ ઈન્દ્રિયાનન્દ માટે ફ્રીઝ, ટી.વી., ડી.વી.ડી. પ્લેયર, બાઈક, બંગલો વગેરે ભૌતિક ચીજવસ્તુઓ વસાવે છે. તેનાથી ઉપર ઉઠેલો માણસ માનસિક સુખ માટે લાગણીના સંબંધો વધારે છે, અનેક માણસો સાથે હૃદયના સંબંધો બાંધે છે. બૌદ્ધિક આનંદ તેનાથી પણ ઉચ્ચ છે. આથી તે બુદ્ધિથી સૃષ્ટિના રહસ્યોની શોધ કરે છે. જગતની પાછળ કામ કરતા સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે. છેલ્લે આત્મિક સુખ મેળવવા માણસ પરમાત્મા સાથે સંબંધ બાંધીને તેની સાથે મિલનનો આનંદ માણે છે. આ વિકાસયાત્રા અનેક જન્મોની છે. સતત સાધના જરુરી છે. કોણ કેટલો સમય લઈને ક્યારે કેટલો વિકાસ કરે છે તે ભગવાન સિવાય કોઈ જાણતું નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: