વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસની પાંચ જ્ઞાનેન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ પાંચેય ઈન્દ્રિયો દ્વારા માણસને જુદા-જુદા પાંચ વિષયો (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ)નું સંવેદન થાય છે, જેની અસર મન પર પડે છે અને એની પ્રતિક્રિયારુપે માણસના મનમાં ગમા-અણગમા (LIKING-DISLIKING)ની ભાવના જન્મે છે. માણસ ગમતું સંવેદન વારંવાર અનુભવવાની ઈચ્છા કરે છે અને અણગમતા સંવેદનથી દૂર રહે છે. ઈન્દ્રિયસુખ મેળવવું એ માણસની ઈચ્છાનો એક પ્રકાર છે. ઈન્દ્રિયસુખ માણસને આનંદનો અનુભવ કરાવે છે. આથી માણસ એમ માને છે કે આનંદ ઈન્દ્રિયોના વિષયોમાં (બહારની વસ્તુ કે વ્યક્તિમાં) રહેલો છે. વાસ્તવમાં આનંદ માણસનો સ્વભાવ છે, જે માણસની અંદર રહેલો છે, જેનો અનુભવ લેવા માટે માણસને બાહ્ય વિષયો (વસ્તુ કે વ્યક્તિ)ના અવલંબનની જરુર પડે છે. જો આનંદ બહાર વિષયોમાં હોત તો કોઈપણ સંજોગોમાં એ બહારના વિષયો માણસને આનંદનો અનુભવ કરાવી શકવા જોઈએ. પરંતુ એવું બનતું નથી. ઉનાળાની ગરમીમાં જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આઈસ્ક્રીમ ખાવાથી આનંદનો અનુભવ થાય છે. પરંતુ કોઈ અંગત સ્વજનના મૃત્યુ સમયે આઈસ્ક્રીમ આનંદનો અનુભવ કરાવી શકે નહિ. આ રીતે પોતાના આનંદસ્વરુપનો અનુભવ લેવા માટે માણસને બાહ્ય ભૌતિક વસ્તુ કે વ્યક્તિનું અવલંબન લેવું પડે છે. એ જ બંધન છે. કોઈપણ પ્રકારના બાહ્ય ભૌતિક અવલંબન વગર માણસ પોતાના આનંદસ્વરુપનો સતત અનુભવ લઈ શકે તો તે મુક્ત (મોક્ષ પામેલો) છે. આથી કહી શકાય કે બંધનનું મૂળ ઈચ્છા છે અને ઈચ્છાના મૂળમાં એવો ભ્રમ છે કે ‘આનંદ વિષયોમાં છે.

જેવી રીતે માણસને ઈન્દ્રિયસુખ માણવાની ઈચ્છા થાય છે તેવી રીતે માણસને કંઈક બનવાની(TO BE) ઈચ્છા થાય છે, જેના માટે સંસ્કૃતભાષામાં શબ્દ છે: ‘भव’ જેનો અર્થ થાય છે: ‘થવું’, ‘બનવું’. ‘भव’ પરથી શબ્દ બન્યો છે: ‘भवसागर’ જે ‘થવાની’ કે ‘બનવાની’ ઈચ્છાનું ક્ષેત્ર સાગર જેટલું વિશાળ છે એમ બતાવે છે. માણસને કંઈક બનવાની ઈચ્છા થાય છે તેના મૂળમાં ભ્રમ છે. કંઈક બનવાની ઈચ્છા અપૂર્ણતાના ખ્યાલમાંથી જન્મે છે. માણસ પોતાની જાતને અપૂર્ણ ગણીને તે પૂર્ણ બનવા અનેકવિધ ઈચ્છાઓ કરતો રહે છે. વાસ્તવમાં માણસ પોતાના સ્વરુપમાં પૂર્ણ જ છે. પરંતુ તે પૂર્ણત્વનો અનુભવ લઈ શકતો નથી. કારણ કે માણસ પોતાને ચૈતન્યસ્વરુપ નહિ પરંતુ દેહસ્વરુપ માને છે અને દેહના ગુણધર્મો (લક્ષણો)ને પોતાના (આત્માના) ધર્મો ગણે છે, જે એક ભ્રમ છે. ભવસાગરને તરી જવું એટલે ‘થવાની’ કે ‘બનવાની’ ઈચ્છાનું શમન થવું. માણસ પોતાના સ્વરુપનો (પૂર્ણતાનો) અનુભવ લઈ શકે ત્યારે તેનામાં ‘બનવાની’ કે ‘થવાની’ ઈચ્છાનો અંત આવે છે.

આપણે જે બે પ્રકારની માણસની ઈચ્છાઓ જોઈ: (1)ઈન્દ્રિયસુખ મેળવવાની અને (2)કંઈક બનવાની. તેની સામે ઈશ્વરની યોજનાનો વિચાર કરવો જરુરી છે. (1)માણસ ગમતું મેળવવાનો અને અણગમતાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઈશ્વરની યોજના મુજબ તેને અનુભવ થાય છે કે માણસ જેને પસંદ કરે છે તે વસ્તુ કે વ્યક્તિ તેનાથી દૂર રહે છે અને જે વસ્તુ કે વ્યક્તિથી માણસ દૂર ભાગવા માંગે છે તે વસ્તુ કે વ્યક્તિ માણસ પાસે સામે ચાલીને આવે છે. આવું કરવા પાછળ ઈશ્વરની યોજના માણસને ગમા-અણગમાની અસરમાંથી મુક્ત કરવાની છે, જે તેના બંધનનું કારણ છે. (2)એ જ રીતે માણસ કંઈક બનવાની ઈચ્છા કરે છે. તેની સામે ઈશ્વરે માણસને અમર્યાદ ઈચ્છા અને તેની પૂર્તિ માટે મર્યાદિત શક્તિ આપી છે. આમ ઈચ્છા અને પૂર્તિ માટેની શક્તિમાં બહુ મોટો તફાવત રાખ્યો છે. વળી, જે વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિ માટે અવિરત આતુરતાપૂર્વક લાંબા સમયથી માણસે ઝંખના કરી હોય તે વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્ત થતાંની સાથે ‘તે મળવાથી મને ખુબ આનંદ થશે’ એવી કલ્પના ભ્રમ સાબિત થાય છે અને તેનાથી વધુ મુલ્યવાન કહેવાતી વસ્તુ કે વ્યક્તિને પ્રાપ્ત કરવાની ઝંખના માણસ કરવા લાગે છે. આમ માણસ વસ્તુ કે વ્યક્તિ પર માલિકીભાવથી આનંદ મેળવવાની કોશિશ કરે છે. પરંતુ તે વસ્તુ કે વ્યક્તિ તેનાથી દૂર હોય કે તેની થઈને રહી હોય, માણસને આનંદ આપી શકતી નથી. આ દિશામાં માણસના આનંદ મેળવવાના તેમજ પૂર્ણત્વનો અનુભવ લેવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે. આમ કરવા પાછળ ઈશ્વરની યોજના એવી છે કે તે માણસને ફળપ્રાપ્તિ માટે નહિ પરંતુ કર્તવ્ય અંગેની સભાનતા કેળવવાનું અને તે માટે પ્રયત્ન કરવાનું શીખવાડવા માંગે છે. કોઈપણ પ્રકારની ભૌતિક સિદ્ધિ માટે નહિ પરંતુ જીવનવિકાસ માટે માણસ સભાન પ્રયત્ન કરે એ ઈશ્વર દ્વારા ઈચ્છિત છે. ઈશ્વરની આ ઈચ્છાના મૂળમાં ભ્રમ નહિ પરંતુ માનવ પ્રત્યેનો પ્રેમ માત્ર છે. જીવનવિકાસના અર્થ તરીકે આપણે એવું કહી શકીએ કે માણસ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરીને ઈશ્વર સાથે તાદાત્મ્ય(IDENTIFICATION)નો અનુભવ લે. કારણ કે ઈશ્વરમાં અપૂર્ણતા નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: