વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભૂતકાળમાં ભારતમાં પેપર કરંસી (ચલણી નોટ) ન હતી. ત્યારે વિનિમયપ્રથા (બાર્ટર સીસ્ટમ) હતી અને એ જ ભારતનું અર્થશાસ્ત્ર હતું: એવી એક ગેરસમજ આધુનિક વિદ્વાનોમાં પ્રવર્તે છે. વિનિમયપ્રથા ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલા બગાડનું સ્વરૂપ છે. ભારતીય અર્થશાસ્ત્ર મૂળ સેવાનું અર્થશાસ્ત્ર છે. વિનિમયપ્રથા અનુસાર ‘વસ્તુના બદલામાં વસ્તુ’ અથવા ‘વસ્તુના બદલામાં સેવા’નું ચલણ હોય છે. ખેડૂત ઘઉં પકવે અને ઘઉંના બદલામાં કુંભકાર પાસેથી માટલું, ચર્મકાર પાસેથી ચપ્પલ વગેરે મેળવે. એ જ રીતે વાળંદ વાળ કાપીને બદલામાં અનાજ મેળવે. આ હતી વિનિમયપ્રથા. આ પ્રથાને ભારતીય અર્થશાસ્ત્રની બગડેલી વ્યવસ્થા એટલા માટે કહેવાય છે કે પ્રત્યેક માણસ સ્વાર્થપ્રેરિત કૃતિ કરે છે. ખેડૂત અનાજ ઉગાડે કે કારીગર વર્ગ ચીજ-વસ્તુઓનું ઉત્પાદન કરે કે સેવા કરે, સહુની કૃતિના પાયામાં સ્વાર્થ માત્ર રહ્યો છે.

જ્યારે વૈદિક અર્થશાસ્ત્રને નિ:સ્વાર્થ કૃતિ અભિપ્રેત છે. માનવમાત્ર એક પિતા-ઈશ્વરના સંતાનો હોવાથી પરસ્પર ભાઈના સંબંધની ઉષ્મા અનુભવે અને એ જ ભાવથી કૃતિ કરે. ખેડૂત અનાજ ઉગાડે ત્યારે આખા ગામ માટે ઉગાડે અને ઘર-ઘરમાં અનાજ પહોંચતું કરે. કુંભકાર માટલા ઘડે અને ઘરે-ઘરે વહેંચી દે. ચર્મકાર સહુના માટે ચપ્પલ બનાવે. વાળંદ પ્રત્યેક ઘરે જઈને વાળ કાપી આવે. વસ્ત્રકાર બધા માટે કપડા તૈયાર કરે. આ રીતે સહુની ભૌતિક જરુરિયાત પૂરી થઈ જાય. એક સમયે માણસ અપરિગ્રહી હતો. કારણ કે તેને ધનવાન થવાની મહત્વાકાંક્ષા ન હતી. પ્રત્યેક વર્ષે નવું ઉત્પાદન થતું હોવાથી લોકો વર્ષભર ચાલે તેટલો જ સંગ્રહ કરતા. તેમ છતાં તકેદારીના પગલાંરૂપે કુદરતી ઘટનાઓ ખોરવાઈ જાય તો પણ માનવજીવન સ્વસ્થ રીતે ચાલે એ માટે દસ વર્ષ સુધી ચાલે તેટલો સંગ્રહ કરવાની છૂટ આપણા શાસ્ત્રકારોએ આપી હતી. બગડી ન જાય એ હેતુથી અનાજ વર્ષ પૂરું થાય એ પહેલા વાપરી નંખાતું. આથી જ આપણે ત્યાં સારા-માઠા પ્રસંગે જમણવારનો રિવાજ પ્રચલિત થયો હતો. કુદરતી જીવન જીવનારો માણસ કુદરત સાથે સંઘર્ષમાં ઉતર્યો ન હતો. તેથી પોતાના સ્વાર્થ માટે તે કુદરતનું શોષણ કરતો ન હતો. આથી ઋતુઓ નિયમિત હતી. કોઈ ખર્ચ વિના અનાજનું પુષ્કળ ઉત્પાદન થતું. આવું દર વર્ષે બનતું હોવા છતાં અનાજનો સંગ્રહ કરવાનો વિચાર કરનારા સંકુચિત મન ત્યારે ન હતા. નાના-મોટા પ્રસંગે ગામને જમાડીને વર્ષમાં અનાજ ખુટવાડી દેવાતું અને નવું અનાજ પકવવાનો પુરુષાર્થ શરુ થતો. આજે કુદરત રૂઠી છે, વસ્તી વધી છે, ખેતી મોંઘી થઈ છે. પરિણામે અનાજની તીવ્ર અછત વર્તાય છે ત્યારે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જેઓ નાણાભીડ અનુભવે છે તેઓએ જમણવારને પોતાના પ્રસંગોની ઉજવણીમાંથી બાકાત કરી દેવો જોઈએ.

પશ્ચિમનું અર્થશાસ્ત્ર એકમાર્ગી છે. ધન કેવી રીતે કમાવવું માત્ર તેનો જ વિચાર પશ્ચિમના અર્થશાસ્ત્રમાં છે. જ્યારે વૈદિક અર્થશાસ્ત્ર દ્વિમાર્ગી છે. તે ધન કેવી રીતે કમાવવું તેની સાથે-સાથે ધનનો કેવી રીતે ખર્ચ કરવો તેનો પણ વિચાર કરે છે. પશ્ચિમના વિદ્વાનો ધનના ખર્ચના વિચારને વ્યક્તિની અંગત બાબત ગણીને તેની અવગણના કરે છે. વૈદિકધર્મની માનવમન પર કેટલી પકડ હતી તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદ્વાન વાચકને અહિં પ્રશ્ન થાય કે ધનનો ખર્ચ કેવી રીતે કરવો એ મુદ્દો અર્થશાસ્ત્રનો ગણાય કે નીતિશાસ્ત્રનો? તેનો જવાબ એ છે કે ભારતીય પરંપરા સંયોજનની હોવાથી કોઈ શાસ્ત્ર અહિં સ્વતંત્ર નથી. પ્રત્યેક શાસ્ત્ર અન્ય તમામ શાસ્ત્રો સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલું છે.

‘ગરીબ’ને ભારતીય અર્થશાસ્ત્રમાં કોઈ સ્થાન નથી. ‘ગરીબ’ શબ્દ મુસ્લિમ છે. મુસલમાનો ‘યા ગરીબ નવાઝ’ એમ કહે છે. વૈદિક ધર્મમાં દરિદ્રતા પાપ છે. આપણે ત્યાં ગરીબને, ભિખારીને સ્થાન નથી. કારણ કે આપણી વર્ણવ્યવસ્થાનો એક વર્ણ છે: વૈશ્ય. ઘર-ઘરમાં જેનો પ્રવેશ છે તે વૈશ્ય. શ્રીમદભગવદગીતા કહે છે: ખેતી, પશુપાલન અને વેપાર એ વૈશ્યવર્ગનો સ્વભાવ- ધર્મ- કર્તવ્ય છે. આ અર્થમાં ખેડૂતવર્ગ વૈશ્ય છે. તે માત્ર અનાજ ઉગાડતો નથી પરંતુ સમાજનો છેલ્લામાં છેલ્લો માણસ ભુખ્યો સૂઈ ન જાય તેનું ધ્યાન રાખે છે. એક સમયે વૈશ્ય નાનામા નાની વ્યક્તિને પોતાનો ભાઈ ગણીને પોતે ઉગાડેલું અનાજ કોઈને ખબર ન પડે એમ એના ઘરે પહોંચાડી આવતો. કાળક્રમે પ્રેમથી નહિ તો કર્તવ્યભાવનાથી, પોતાની જવાબદારી સમજીને એ આ કામ કરતો. તેથી કોઈનું ગરીબ રહેવાનું શક્ય જ ન હતું. આજે વર્ણવ્યવસ્થા બગડી છે તેથી સમાજમાં ગરીબો, ભિખારીઓ જોવા મળે છે. જે સમાજમાં ગરીબ-ગુરબાઓ, ભિખારીઓનો વધુ વિચાર કરવામાં આવતો હોય, જે સમાજમાં આવા દરિદ્રો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય તે સમાજ વ્યવસ્થાની દૃષ્ટિએ અત્યંત હીન સમાજ ગણાય. આમ ભારતીય અર્થશાસ્ત્ર વિશિષ્ટ અર્થશાસ્ત્ર છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: