વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘મને માન મળે’ એવી ઈચ્છા હું રાખું છું તો બીજાને પણ એવી ઈચ્છા હોય છે, એ વાતનું ધ્યાન મારે રાખવું જોઈએ. હું બીજાનું અપમાન કરતો ફરું અને બીજાઓ મને માન આપે એવી અપેક્ષા રાખું તો એને ડબલ સ્ટાંડર્ડ કહેવાય. હું જ્યાં નોકરી કરું છું ત્યાં જે રીતે આવક મેળવું છું તેવી રીતે મારે ત્યાં કામ કરનારને એવા લાભ મળવા જોઈએ. નોકરી કરનાર ભણેલો માણસ એવી ઘણી-બધી રજાઓ મેળવે છે, કે જે રજાઓનો પગાર કપાતો નથી. તો એ માણસે પોતાના ઘરે કામવાળી બાઈ કે રામો રજા પાડે તો એનો પગાર પણ કાપવો જોઈએ નહિ. આપણે જાણીએ છીએ કે કારીગરો તેમજ મજુરો નોકરી ન કરતા હોવાથી તેઓને માત્ર કામના કલાકો તેમજ કામના દિવસોની જ રોજી મળે છે. આદિવાસી મજુરો, કડીયા વગેરે જે દિવસે કામ પર આવે છે તે દિવસ પુરતી જ રોજી તેઓને મળે છે. તેઓ જે દિવસે રજા પાડે છે એ દિવસની તેઓની રોજી કપાઈ જાય છે. છતાં આપણે તેઓ પાસે કામના કલાકો ઉપરાંત વધુ કામ કરાવવાની અપેક્ષા રાખીએ છીએ અને તેઓ વધારે સમય કામ કરવાની ના પાડી દે તો આપણે તેઓને ચાલાક તેમજ પોતાના અધિકારોની બાબતમાં દક્ષ કહીએ છીએ.

નોકરી કરનારો માણસ કેટલું બધું મેળવે છે: વગર પગાર કપાતની રજા, હક્ક રજા, તહેવારોની રજા, માંદગીની રજા, બોનસ, મોંઘવારી ભથ્થું, ઈંક્રીમેંટ(નિયમિત પગાર વધારો), મેડીકલ એલાઉંસ, પ્રવાસ ભથ્થું, મોંઘવારી ભથ્થું, અને બીજુ ઘણું બધું. શું આવા નોકરીયાતો પોતાના આશ્રિતોને આમાંનું કાંઈ આપવામાં સમજે છે? જો ના, તો એને ડબલ સ્ટાંડર્ડ કહેવાય. જે કંપનીમાં કામ કરીને કર્મચારી પોતાના પરિવારને સેટલ કરી શકે, પોતાના નામે મકાન ખરીદી શકે, પોતાના સંતાનોને અભ્યાસ કરાવીને સારામાં સારી નોકરી અપાવી શકે, તેઓના સારે ઠેકાણે લગ્ન કરી શકે એ કર્મચારી પોતાને ત્યાં કામ કરનાર નાના માણસને, પોતે કંપનીમાંથી જે રીતે સગવડો મેળવી છે એ રીતે સગવડો આપીને એને સુખી ના કરી શકે તો એને ડબલ સ્ટાંડર્ડ કહેવાય.

કોલેજમાં હંગામી ધોરણે કામ કરતા લેક્ચરર અને કાયમી લેક્ચરરના પગારમાં ઘણો તફાવત હોય. એના કારણે સંસ્થા તરફથી તેઓને મળતા માનમાં પણ તફાવત જોવા મળે. ત્યારે હંગામી લેક્ચરર એવી દલીલ કરે, કે ‘બન્ને એકસરખી લાયકાત ધરાવે છે માટે બન્નેને એકસરખું માન મળવું જોઈએ.’ પણ પછી એ લેક્ચરર કોલેજની બહાર બુટને પૉલીશ કરાવે અને રુપિયા ચુકવવાના આવે ત્યારે મોચી આગળ ચાલાકી કરતા કહે, “હું કોલેજમાં નોકરી કરું છું, પણ મારો પગાર ખાસ કંઈ નથી. માટે કાયમી લેક્ચરર પાસેથી લે છે એના કરતા મારી પાસેથી ઓછા રુપિયા લે જે.” જો માન બન્નેને સરખું મળવું જોઈએ તો એ માન મળવા બદલ જે રુપિયા ચુકવવાના થાય છે એ પણ સરખા કેમ નહિ? આને કહેવાય ડબલ સ્ટાંડર્ડ.

માણસ જેની સાથે વ્યવહાર કરે છે એ વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને મુકીને વ્યવહાર કરવાનું વિચારે તો એ ડબલ સ્ટાંડર્ડની સમસ્યામાંથી મુક્ત થઈ શકે. વિદ્યાર્થી અવસ્થામાં માણસને લાગે કે ‘ગમે તે થઈ જાય, શિક્ષકે વિદ્યાર્થીને શારિરીક સજા તો કરવી જ ના જોઈએ.’ પરંતુ શિક્ષક બન્યા બાદ એને લાગવા માંડે, કે ‘માર ખાધા વિના વિદ્યાર્થીઓ સીધા થવાના જ નથી.’ નોકર વિચારે, કે ‘સવારથી લઈને રાત સુધી કામ કરીને તુટી જાઉં છું છતાં શેઠના દિલમાં મારા માટે દયાનો છાંટો પણ નથી.’ જ્યારે એ જ નોકર શેઠ બને ત્યારે વિચારે, કે ‘જરા પણ લાગણી બતાવીશ તો નોકરના નખરાં વધી જશે. માટે ગમે તેટલી દયા આવે, એના પ્રત્યે સહેજ પણ દયા બતાવીશ નહિ.’

માણસ કંપનીના કામે બહાર જાય અને પરત આવીને બિલ બનાવતી વખતે બે-પાંચ હજાર રુપિયા ખોટી રીતે ઉમેરીને બિલ પાસ કરાવી લે. પરંતુ લાંબી મુસાફરી હેતુ એ જ માણસ પરિવારજનો સાથે એસ.ટી. બસમાં જતો હોય અને કંડક્ટર એની પાસે વધારાના બે-પાંચ રુપિયા પડાવી લેવા ચાલાકી કરતો જોવા મળે કે રીક્ષાવાળો મીટરને ફાસ્ટ ભગાવીને દોઢુ ભાડુ માંગે તો એવા વ્યવહારના પ્રશ્નોને સિદ્ધાંતનો મામલો ગણીને એ માણસ મરવા-મારવા પર ઉતરી આવે. આને કહેવાય ડબલ સ્ટાંડર્ડ! વેદનું મહાન વાક્ય “સર્વમ ખલુ ઈદમ બ્રહ્મ” વ્યવહારમાં ચરિતાર્થ ન થાય તો “આપણે વૈદિક છીએ” એવું કહેવડાવવાનો આપણને શું હક્ક છે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: