વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મેં ઘણી ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લીધી છે. મારું એવું તારણ છે કે જે સંસ્થાઓ ફ્રીમાં સેવા પુરી પાડે છે ત્યાં નિયમોનું બંધન મજબૂત હોય છે અને જે સંસ્થાઓ સેવાના બદલામાં ફી લે છે એ નિયમો ઓછા બતાવે છે અને કામ વધુ કરે છે. દા.ત. કોઈ સાર્વજનિક લાયબ્રેરીમાં કે ધર્મસ્થાનમાં જાઓ તો ચંપલ ઉતારો, સભ્યતાથી બેસો, મોટેથી વાત ના કરો – વગેરે નિયમોનું કડકાઈથી પાલન થતું હોય છે. જ્યારે મોંઘી સંસ્થાઓમાં આવા નિયમોના પાલનમાં શિથીલતા જોવા મળતી હોય છે. કારણ એટલું જ કે ગ્રાહક આવશે તો સંસ્થાને ફી મળશે અને સંસ્થા બરાબર ચાલશે એવી ગણતરી એની પાછળ કામ કરતી હોય છે. ધર્માદાથી ચાલતી સંસ્થાઓમાં આવનાર માણસ પાસે વિવેકનો, નમ્રતાનો આગ્રહ રખાય છે અને જાણ્યે-અજાણ્યે નિયમનો ભંગ કરનારનું અપમાન કરતા વાર લગાડાતી નથી. એની સામે જે સંસ્થાઓમાં ફી ઉઘરાવાતી હોય ત્યાં આવનાર પ્રત્યે પોતાના કર્મચારીઓ-સેવકો વિવેકી અને નમ્ર રહે તેનું સંસ્થા પોતે ધ્યાન રાખે છે.

ધર્માદા સંસ્થાની ભોજન વ્યવસ્થા જુઓ તો ઘણી જગ્યાએ હજુ પણ પંગત પ્રથા છે. બસો માણસની એક પંગત પડતી હોય તો એટલા માણસો આવે એની રાહ જોવાય. ત્યાં સુધી ધૂન ગવડાવવામાં આવે. ત્યારબાદ પીરસવાનું શરૂ થાય. આજે પણ ઘણી જગ્યાએ ઝાડપાનથી બનેલા ભોજનના અવ્યવસ્થિત વાસણો (પડિયા-પતરાળા) વપરાય છે, જેમાં દાળ-શાક ઢોળાઈ જતા હોવાથી ઘણો બગાડ થાય છે. ઘણી જગ્યાએ થાળી લઈને લાઈનમાં ઉભા રહીને ભોજન સ્વહસ્તે લેવાનું હોય છે. એ સારી વાત છે પરંતુ ટંકે પાંચસો માણસો જમીન પર બેસીને જમતા હોવા છતાં બગડેલી ફર્શની બરાબર સાફસફાઈ થતી હોતી નથી. વળી લોકો સતત જમતા હોવાથી વચ્ચે-વચ્ચે સફાઈ કરવાનું શક્ય પણ નથી. આવા સંજોગોમાં ટેબલ-ખુરશીની પણ વ્યવસ્થા રાખવામાં આવે તો જમવાનું ઘણું સુગમ પડે છે. આપણા ધર્મસ્થાનોમાં આવનારા દર્શનાર્થીઓ મોટે ભાગે દર્શન-પ્રસાદ માટે કોઈ આગ્રહ ન રાખનારા સેવાભાવી લોકો જ હોય છે. ધર્મસ્થાનોમાં, દેવસ્થાનોમાં સગવડનો આગ્રહ રાખવાને બદલે ‘ફાવશે’, ‘ગમશે’ અને ‘ચાલશે’ એવું શીખવા માટે જઈએ છીએ એવી માનસિકતા ધરાવનારો વર્ગ જોવા મળશે તેમ છતાં ભારતના શ્રીમંત વર્ગના લોકો તેમજ આપણા જ વિદેશી ભારતીય ભાઈ-બહેનો કે જેઓને આવી ટેવ પડી નથી તેઓ માટે શરૂઆતમાં સગવડ ઉપલબ્ધ કરાવવી જોઈએ. સાથે-સાથે તેઓને અહિંના લોકો જે રીતે ભોજન તેમજ દર્શન કરે છે એ પણ બતાવવું જોઈએ જેથી તેઓએ શું અપનાવવા જેવું છે એ તેઓ જાતે જ નક્કી કરે !

ઘણા તીર્થોના ભોજનાલયોમાં જમી રહ્યા બાદ થાળી જાતે ઉટકવાનો નિયમ રાખ્યો હોય છે. સારી વાત છે. પરંતુ એ નિયમનું પાલન કરાવવામાં વિવેક જરૂરી છે. જેણે જિન્દગીમાં ક્યારેય કોઈ કામ કર્યું નથી એની પાસે બળજબરીપૂર્વક ને અચાનક વાસણની સાફસફાઈ કરાવવામાં આવે એ યોગ્ય નથી. હમણાં એક છાપામાં વાંચ્યું કે એક તીર્થસ્થાનના ભોજનાલયમાં વિદેશી ભારતીય બહેન પાસે થાળી ધોવડાવવાની બળજબરી કરવામાં આવી. એ પળોજણમાંથી બચવા માટે બહેને સંસ્થાને મોટું દાન આપવાની વાત કરી છતાં એને નિયમમાંથી મુક્તિ ન આપવામાં આવી. આવી બળજબરી દર્શનાર્થીના મનમાં દેવ પ્રત્યે તેમજ દેવસ્થાન પ્રત્યે અભાવ જન્માવે છે, જે એના પોતાના માટે નુકશાનકારક છે. વિદેશી પરંપરામાંથી એકદમ ભારતીય પરંપરામાં પ્રવેશી જવું દરેક માટે સહજ-સરળ નથી. આપણા સૌરાષ્ટ્રના કોઈ ભાભાને અચાનક અમેરિકાના ઉભા જાજરૂમાં બેસવાનું થાય તો તેઓને કેવી તકલીફ પડે ! શું તેઓ સાથે બળજબરી કરવી યોગ્ય છે ? તીર્થસ્થાનોમાં પીરસાતું ભોજન પ્રસાદ ગણાય છે આથી જમનારે જોઈતું લેવું અને અન્નનો બગાડ ન કરવો જોઈએ. કેવી સારી વાત છે ! હવે જાતે પીરસવાનું હોય તો તો કોઈ વાંધો નથી. માણસ પોતાને જોઈતું લઈ શકે. પરંતુ જ્યાં સામેથી પીરસવામાં આવે છે ત્યાં ભોજન લેનાર તરફથી જેટલી માગણી કરવામાં આવે છે એટલું જ પીરસવાની સાવધાની રખાતી નથી. તદ્દન બેફિકરાઈથી વધુ પડતું પીરસી દેવામાં આવે છે. પીરસનાર માટે પણ આ કામ યંત્રવત થતું હોવાથી દરેક વખતે ભોજન લેનારની વાત ધ્યાનપૂર્વક સાંભળીને એને જોઈએ એટલું જ એ પીરસવા જાય તો બધાને પહોંચી જ ન વળે. આથી આ સમસ્યાને સમજવાની જરૂર છે. કોઈ અન્ન છાંડે છે તો કેમ છાંડે છે એ જોવું જોઈએ.

રહેવા માટે પણ ઘણા ધર્મસ્થાનોમાં એક-બેથી વધુ દિવસની છૂટ આપવામાં આવતી નથી. વળી દંપતિ તરીકે દર્શનાર્થી કપલ હોય તો પણ ઘણી જગ્યાએ એક રૂમમાં બન્નેને એકસાથે ઉતારો અપાતો નથી. પતિ ભારતીય વસવાટનો અનુભવી હોય અને એ જેને પરણીને લાવ્યો છે એ છોકરી ભારતીય મૂળની હોવા છતાં એને ભારતીય પરંપરાનો કોઈ અનુભવ ન હોય તો એ છોકરી આવા નિયમથી અકળાશે. પ્રાઈવેટ રહેઠાણ મળતું હોય તો વાંધો ન આવે અન્યથા એ કપલને મુશ્કેલી પડી શકે. આ બધી વાતો કરવાનું કારણ એ કે આપણા તીર્થસ્થાનો વૈશ્વિક દૃષ્ટિથી નિયમો બનાવે અને વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય ભાઈ-બહેનોનો એ સ્થાનો પ્રત્યે ભાવ જળવાઈ રહે એનું ધ્યાન રાખે તો આપણા દેવોના દર્શનનો લાભ ઘણાને મળે.

વૈષ્ણવ સંપ્રદાયના ભગવાનના દર્શન માટે નિશ્ચિત સમય હોય છે. શિવજી સહુને બારેમાસ ચોવીસે કલાક દર્શન આપે એટલે તેઓને મળવા એપોઈંટમેંટ લેવાની જરૂર નહિ. પરંતુ કૃષ્ણપ્રભુના જુદા-જુદા સ્વરૂપોના દર્શન માટે સમયપાલનની જરૂર પડે. ખાસ તિથિ-તહેવારોએ દર્શનાર્થીઓની ભીડ એવી જામે કે ઘણીવાર અકસ્માતે કોઈ-કોઈનું મૃત્યુ પણ નિપજી શકે. ગમે તેટલી વ્યવસ્થા કરી હોય, દર્શનાર્થીઓનો ધસારો એટલો બધો હોય કે તમામ વ્યવસ્થાઓ છિન્નભિન્ન થઈ જાય. આવા સમયે પુજારીજીએ ભગવાનને ઓવરટાઈમ કરવાની નમ્ર વિનંતી કરવી જોઈએ અને પ્રભુને કહેવું જોઈએ કે ‘દેવ, આપે આજે ચોવીસ કલાક અખંડ દર્શન આપવા પડશે. આપના ભક્તોનો પ્રવાહ એટલો બધો છે કે આજે આપ આરામ પણ ફરમાવી શકશો નહિ. વળી પ્રભુ, આજે આપનો શણગાર બદલવા પણ આપ દિવાનખંડની બહાર જઈ શકશો નહિ. આજે આપે ભક્તોની હાજરીમાં જ શૃંગાર કરવો-બદલવો પડશે.’ મંદિર તરફથી આવી જાહેરાત થાય તો દર્શનાર્થીઓને માનસિક રાહત થાય કે દર્શન ખુલ્લા જ છે તેથી વાંધો નહિ આવે. આવી રાહત મળવાથી દર્શન માટે કોઈ અધીરા થતા નથી અને આફત ટળી જાય છે.

આપણા કેટલાય તીર્થો હિન્દુ ધર્મના જુદા-જુદા અનેક વિધિ-વિધાનો તેમજ કર્મકાંડ માટે જાણીતા છે. અમુક તીર્થધામોમાં વિધિઓ કરાવવા માટેનું એટલું સુંદર કાયમી આયોજન થયું છે કે એ તીર્થમાં ગમે ત્યાં ગમે તેની પાસે તમે વિધિ કરાવો, દક્ષિણા કોઈ એક ચોક્કસ જગ્યાએ જમા કરાવવાની ! આથી એ સ્થાનમાં વિધિ કરાવનાર તમામ ગોરમહારાજોમાં દરરોજ નિયમ મુજબ દક્ષિણા વહેંચાઈ જાય. કોઈ ગોરને વ્યક્તિગત દક્ષિણા આપવાની નહિ. આથી કોઈ યજમાનને છેતરાયાની લાગણી થાય નહિ ને યજમાનને પડાવી લેવા ગોરમહારાજોમાં પણ અંદરોઅંદર સ્પર્ધા થાય નહિ. આમ બન્ને પક્ષે રાહત રહે. આની સામે અમુક તીર્થસ્થાનોમાં આવા આયોજનના અભાવે એવી ગેરવ્યવસ્થા જોવા મળે છે કે ગોરમહારાજો રીતસર યજમાન સાથે છીનાઝપટી પર ઉતરી આવે છે. એક યજમાન અને દસ ગોર – ક્યાં જવું ? કઈ વિધિ માટે કેટલી દક્ષિણા ચુકવવી એ ખબર ન હોવાથી સતત એવું લાગ્યા કરે કે આખરે વિધિના અંતે કુલ કેટલા રુપિયા ખર્ચાશે અને જે નાણા ખર્ચાયા એ વધુ પડતા તો નથી ને ! મુખ્ય દેવસ્થાનની સાથે-સાથે તીર્થમાં નાના-નાના એટલા દેવસ્થાનો-મંદિરો હોય કે રસ્તે ચાલતા કોઈ પણ પુજારી નાના સ્થાનોનું પૌરાણિક મહત્વ વર્ણવે અને હાથમાં તૈયાર રાખેલ કંકુ-ચંદનની થાળીમાંથી આપણને તિલક કરી દે. કપાળમાં તિલકનો સિક્કો વાગી ગયો એટલે એની દક્ષિણા પાક્કી. તીર્થસ્થાનોમાં ભિખારીઓનો પણ ભારે ત્રાસ હોય છે. એ લોકો એટલા જક્કી હોય છે કે તમને એવું લાગે કે તેઓ ભીખ માગી નથી રહ્યા પરંતુ તમારી પાસેથી થોડું-ઘણું પડાવી લેવાનો તેઓને અધિકાર મળી ગયો છે. તમે એને કંઈ આપો નહિ તો એ તમને ખરેખર જવા ન દે. દરેક દેવસ્થાને ગોરમહારાજોનું સંકલન કરવું જોઈએ જેથી કોઈ વ્યક્તિગત વિધિ કરાવનાર રહે નહિ. પ્રત્યેક વિધિનો કુલ ચાર્જ નોટીસબોર્ડ પર લખેલો હોવો જોઈએ. આપણા ગોરમહારાજો પ્રત્યે આદરભાવ જળવાય એ જોવાની દેવસ્થાનોની ફરજ છે. ભિખારીઓને સ્થાનિક પોલીસતંત્રની મદદથી દુર કરવા જોઈએ.

ગ્લોબલ વિલેજના કાળમાં આપણા દેવસ્થાનો ડાયનેમિક બનવા જોઈએ. વિશ્વના ગમે તે ખુણેથી દર્શનાર્થી આવે આપણા ધાર્મિક સ્થળો એને પ્રભાવીત કરવાની સાથે એની જીવનશૈલીનો પણ ખ્યાલ રાખે એ જરૂરી છે. આપણે કોઈને મનોરંજન કે એશઆરામી સગવડો ઉપલબ્ધ કરાવવાના પક્ષમાં નથી પરંતુ તેઓ દિલથી આપણા દેવ પ્રત્યે આદર કરતા થાય એ માટે કેટલાક કષ્ટદાયક નિયમપાલનને શરૂઆતમાં તેઓથી દુર રાખવું જોઈએ.

Advertisements

Comments on: "દેવસ્થાનના નિયમો" (2)

  1. VERY GOOD ARTICLE SIR

    YOU HAVE NOT SENT ARTICALE LAST TWO WEEK

    PLEASE SEND AND I HAVE BUY YOUR BOOK SO PLEASE GIVE ME A CHANCE ANOTHER AND I WILL SEND CASH YOUR ADDRESS TODAY OR TOMORROW PLEASE LET ME INFORM ASAP.

  2. Shashi Patel said:

    ખુબ જ સરસ અને પ્રેરણાત્મક લેખ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: