વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

લાગણીથી સંબંધોની શરૂઆત થાય છે અને એના જતનથી સંબંધો મજબૂત થાય છે પરંતુ અપેક્ષા એક એવું તત્વ છે જે સંબંધોમાં ખારાશ જન્માવે છે પરિણામે સંબંધો તુટવા સુધી વાત પહોંચે છે. માણસે કોઈની પાસે અપેક્ષાઓ રાખવી જોઈએ નહિ તેમ કોઈ વ્યક્તિ પોતાની પાસે વધુ પડતી અપેક્ષાઓ ન રાખે એનું પણ ધ્યાન માણસે રાખવું જોઈએ. કોઈ વ્યક્તિને કોઈ માણસ પ્રત્યે અપેક્ષા છે એની સ્થૂળ નિશાની એની માગણીઓ છે. ત્યારબાદ અપેક્ષાસૂચક વાણી, વર્તન અને વ્યવહાર આવે છે. માણસને સમજી જતા આવડવું જોઈએ કે કોઈ વ્યક્તિ પોતાની આગળ ચોક્કસ પ્રકારનું વર્તન કરી રહી છે એની પાછળ એની છૂપી માગણીઓ કે અપેક્ષાઓ છે. એ અપેક્ષાઓને ક્યારેય પુરી કરવી જોઈએ નહિ અન્યથા માગણીઓનું લિસ્ટ વધતું જશે અને એ માગણીઓ સંબંધોમાંથી પ્રેમ નામના તત્વને ગાયબ કરી દે છે અને એનું સ્થાન સ્વાર્થ લે છે. સ્વાર્થ સધાય તો ખુશામત શરૂ થાય છે અને સ્વાર્થ ન સધાય તો નિન્દા શરૂ થઈ જાય છે. આવા સંબંધો જીવન પર ભારે બોજ સમા બની જાય છે.

ઉદાહરણ લઈને વાત સમજીએ. દા.ત. રક્ષાબંધનના દિવસે પરણેલી બહેન ભાઈના ઘરે રાખડી બાંધવા આવે છે. દર વખતે સો રુપિયા આપતો ભાઈ આ વખતે પાંચસો રુપિયા આપે છે. બહેનને આશ્ચર્ય સાથે આનન્દ થાય છે કારણ કે ભાઈ હવે સારૂ કમાતો થયો. બીજા વર્ષે પણ ભાઈ પાંચસો રુપિયા આપે છે તેથી બહેન આનંદ તો થાય છે પરંતુ આગલા વર્ષ કરતા થોડો ઓછો. ત્રીજા વર્ષે પણ એવું જ બને એટલે એમાંથી આનન્દનું તત્વ ચાલી જાય છે અને એ સામાન્ય વ્યવહાર અથવા પરંપરા બની જાય છે. કોઈ પણ વાત સતત ત્રણ વાર બને એટલે એ પરંપરા બની જાય છે.  હવે ચોથા વર્ષે ભાઈ પાંચસોથી ઓછા રુપિયા આપે તો બહેનને આંચકો લાગે છે. બહેનને પોતાના સાસરે પણ ભાઈએ કરેલા વ્યવહારની ટીકા તેમજ જેઠાણી, સાસુ અને નણંદના મહેણા-ટોણા સાંભળવાનો વારો આવે છે. આ બાબત પરથી શીખવાનું એ કે આપણા પર કોઈની અપેક્ષાઓ ન બંધાય અને નિયમ ન બની જાય એ રીતે માણસે વ્યવહાર કરવો જોઈએ. કોઈ વાર ભાઈ ગિફ્ટ આપે અથવા ઘરવખરીનો સામાન આપે અથવા રોકડા રુપિયા આપે એમ કરવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખવાનું રહે કે રોકડા કે વસ્તુની કિંમત કોઈ ચોક્કસ રકમ કે સતત વધતી રકમ નહિ પણ એને ઓછી-વત્તી રાખવી જોઈએ જેથી બહેનની કે અન્યની કોઈ અપેક્ષાઓ ન બંધાઈ જાય. આપવામાં કરકસર કે કંજૂસાઈ કરવાની વાત નથી પરંતુ પોતાને તેમજ જેને આપીએ છીએ એને અન્ય સંબંધીઓની ટીકા-નિન્દાનો ભોગ બનવામાંથી બચાવી શકાય અને એ રીતે પ્રેમાળ સંબંધને બોજ બનતો અટકાવી શકાય. માણસની આવકમાં અણધાર્યા ફેરફાર થતા હોય છે. આવા સમયે કરાતા વ્યવહારમાં ઓછુ-વત્તુ અપાય તો પણ બન્ને પક્ષે માણસ ચિંતામુક્ત અને સંબંધો પ્રેમાળ રહે છે.

કોઈ સંબંધી કે મિત્ર આપણા ઘરે આવે એટલે તેઓની રૂચિ જાણ્યા બાદ આપણે એમને કોઈ મેગેઝિનનો સારો વિશેષાંક બતાવીએ અથવા કોઈ સારી ડોક્યુમેંટરી ફિલ્મની સી.ડી. કે એવું-એવું બીજુ ઘણું બતાવીએ અને એ મિત્ર કે સંબંધી એની ચર્ચા કરવાને બદલે એ અંક કે સી.ડી.ને પોતાની સાથે લઈ જવાની માગણી કરે ત્યારે પણ તરત ‘હા’ કહી દેવા કરતા ‘હમણા અમારે જોવાની બાકી છે’ કે ‘અંક વાંચવાનો બાકી છે’ એમ કહીને એ માગણી ટાળવી સારી. કારણ કે એને સારું લગાડવા આપણે કોઈ માગણી તરત સ્વીકારી લઈએ એટલે મિત્ર/સંબંધીને ખાતરી થઈ જાય છે કે ‘અહિં માગવાથી તરત મળી જાય છે.’ કોઈ વાર એવું પણ બને કે ખરેખર આપણે વસ્તુ જોવાની બાકી હોવાથી આપવાની ‘ના’ કહીએ એટલે તેઓને ખોટું લાગી જાય. જે માંગે એ તરત આપી દઈએ ને તેઓ જ્યારે પણ આપણા ઘરે આવે અને કોઈ ને કોઈ વસ્તુ બતાવતા રહીએ એટલે તેઓને એમ થાય કે આપણે ઈચ્છીએ છીએ કે મહેમાન એ વસ્તુ પોતાની સાથે લઈ જાય. આથી આવી સરળતાથી ઉપલબ્ધ ચીજ-વસ્તુની  તેઓને કોઈ કદર રહેતી નથી. આપણે કોઈ મહત્વની વસ્તુની અગત્યતા ઊભી નહિ કરીએ તો કોઈ એની કદર કરવાનું નથી. આ રીતે તો આપણે કિમતી ચીજ-વસ્તુને અન્યાય કરીએ છીએ. ઘણાને પોતાના ઘરે યોજાયેલા લગ્ન જેવા મહત્વના પ્રસંગોની સી.ડી. તેમજ ફોટા બતાવવાનો ઉત્સાહ હોય છે. આવેલા મહેમાનને એનું કોઈ ખાસ મહત્વ હોતું નથી. આથી એવી વસ્તુઓ મહેમાનના માથે મારવી ન જોઈએ.

સંબંધોની મજબૂતાઈ જાળવવા માટે જરૂરી છે કે એપોઈંટમેંટ વિના કોઈને ત્યાં અચાનક જઈ ચડવું નહિ. કેવા ને કેટલા નજીકના સંબંધો છે એના પર જરૂર આ મુદ્દો અવલંબે છે. કોઈ વાર ઈમરજંસીમાં અચાનક કોઈને ત્યાં જવાનું થાય તો પણ ફોન કરીને ખાતરી કરી લેવી સારી કે આપણા આવવાથી તેઓને કોઈ તકલીફ તો પડવાની નથી ને ! ફોન પર તેઓને આપણી મુશ્કેલી જણાવ્યા બાદ તેઓ આવકારે તો જ તેઓને ત્યાં જવું જોઈએ. એ જ રીતે આપણે ત્યાં પણ એપોઈંટમેંટ વિના કોઈ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણો સમય કિમતી છે અને આપણે નવરા નથી એવું સહુને લાગવું જોઈએ. કામ વિના કોઈને ત્યાં જવું નહિ ને કોઈને આપણે ત્યાં બોલાવવા નહિ. હજામતની દુકાને લખેલું હોય છે: ‘કામ સિવાય બેસવું નહિ.’ જો કે એનો અર્થ એવો નથી કે આપણું ઘર હજામતની દુકાન છે !

જે વસ્તુ પોતાની નથી એને વાપરવી નહિ એ વાત નક્કી હોવી જોઈએ. એ જ રીતે આપણી વસ્તુ બીજા કોઈને વાપરવા દેવી નહિ. હા, આપણી વસ્તુનો લાભ બીજાને જરૂર આપવો પરંતુ એનો કમાંડ આપણા હાથમાં રાખવો જરૂરી છે. વેકેશનમાં મિત્રની ઓફર સ્વીકારીને એની કારમાં તીર્થધામોમાં ફરવા જઈએ ત્યારે ડ્રાયવર સીટની બાજુમાં બેઠા રે બેઠા કે સી.ડી. પ્લેયરને કે એ.સી.ને મચેડવાનું શરૂ કરી દઈએ એ બરાબર નહિ. કોણ આગળ બેસશે ને કોણ પાછળ, કયા ગીતો વાગશે, ક્યારે વાગશે, એ.સી. ક્યારે ચાલુ કરવું, ક્યારે બંધ, બારીનો કયો કાચ કેટલો ખુલ્લો રાખવો વગેરે બાબતોમાં કારમાલિકની મરજી સચવાય એ જરૂરી હોય છે. આવું ન થાય તો સમજી ચાલો કે બીજી વાર મિત્રની ઓફર આવવી અશક્ય છે. આ રીતે પણ સંબંધો આગળ વધતા અટકી જતા હોય છે.

આજના કાળમાં મહેમાનગતિ બોજ કેમ બની ગઈ? આવનાર મહેમાન ઘરધણીની મુશ્કેલીની પરવા જ કરે નહિ. ઘરે આવેલા મહેમાનને પાણી ધરવામાં આવે છે એની પાછળનું રહસ્ય એ છે કે જેમ પાણી બધામાં ભળી જાય છે એમ મહેમાને ઘરમાં ભળી જવાનું છે, પોતાનું કંઈ અલગ ઊભું કરવાનું નથી. ઘણાં તો મહેમાન બનીને જાય ને દરેક વાતમાં પોતાની સગવડ સચવાય એ માટે ઘરધણી પર લાગણીયુક્ત દબાણ કરે. ‘મારે તો દર કલાકે ચા જોઈએ. ન્હાવાનું તો દિવસમાં બે વાર ! નાસ્તામાં તાજી ગરમ વાનગી જ ચાલે. મોડી રાત સુધી ટી.વી. જોયા વિના ચાલે નહિ. ક્રિકેટની મેચ આવતી હોય તો જોવાનો ઉત્સાહ વધારવા આજુબાજુના બે-ચાર જણા તો સાથે જોઈએ જ.’ આવી સ્થિતિમાં શરમના કારણે એ વખતે તો ઘરધણી કંઈ કહી શકે નહિ પરંતુ બીજી વાર એવા મહેમાનને ઘરમાં પ્રવેશતો જ અટકાવવાના સબળ કારણો એ જરૂર શોધી કાઢે !

સંબંધોમાં માણસ એકબીજા પાસે જરૂર પડે વાપરવા માટે વસ્તુ માગે છે અથવા આર્થિક ભીડમાં નાણાની પણ માગણી કરે છે, રસોઈ માટે અચાનક કોઈ કરિયાણાની જરૂર પડે ત્યારે પડોશીને યાદ કરાય છે, ઘરે સારી વાનગી બની હોય ત્યારે એકબીજાને ત્યાં એ મોકલવાનો વાટકી વ્યવહાર હોય છે. આવા વ્યવહારો ઘણાને સામાન્ય જણાતા હોય છે પરંતુ બહુ લાંબા ચાલતા હોતા નથી. વ્યવહાર વધે એટલે અપેક્ષાઓ વધે અને એના કારણે માગણીઓ વધે. માગણીઓ ન સંતોષાતા વાંધા પડ્યા વિના રહેતા નથી. આથી આવા વ્યવહારો કે જે સંબંધોમાં રહેલી મધુરતાને કાયમી હાનિ પહોંચાડે છે એને પ્રોત્સાહિત ન કરવા જોઈએ. સંબંધોમાં લાગણીનું તત્વ ભલે પ્રભાવી હોય એના પર બુદ્ધિનો કંટ્રોલ હોવો જ જોઈએ. વ્યવહારોનું સૂક્ષ્મ નિરીક્ષણ અને પરીક્ષણ સતત ચાલતું રહેવું જોઈએ અને તપાસવું જોઈએ કે પરસ્પર અપેક્ષાઓ વધી નથી રહી ને ! વારે-વારે વાંધા પડ્યા કરે છે ? મનમાં ઉચાટ રહે છે ? વહેંચીને રાજી થવાને બદલે કેટલું મળ્યું એનો હિસાબ તો નથી થઈ રહ્યો ને ! એ જ રીતે આપણી ઉદારતાનો, ભલમનસાઈનો લોકો દુરુપયોગ તો નથી કરી રહ્યા ને !

મેં એક લેખ વાંચ્યો હતો: ‘મેનેજર પપ્પા’. એમાં ઘરના વડીલ એવા બાળકોના પિતા અને એમની મમ્મીના પતિ બધા જ કામોનું આયોજન એવું ચીવટપૂર્વક કરે કે ઘરના કોઈ સભ્યને કોઈ પણ સમયે જે જોઈતું હોય એ મળી જ રહે, પછી તેઓ રૂટીન લાઈફ જીવતા હોય કે પ્રસંગોપાત પ્રવાસ કરી રહ્યા હોય ! શરૂઆતમાં બધાને ખુબ સારૂ લાગે કારણ કે દરેકની નાની-મોટી જરૂરિયાતોનો વડીલે ખુબ ખ્યાલ રાખ્યો હોય. પરંતુ સમય જતા વડીલની આ ખુબી ઘરના સભ્યો માટે સામાન્ય બની જતી હોય છે. એની કોઈ ખાસ કદર થતી હોતી નથી. આથી માણસે પોતે બધું આયોજન કરવાને બદલે ઘરના અન્ય સભ્યોને કામની થોડી-થોડી જવાબદારી સોંપવી જોઈએ જેથી વડીલ જે કરી રહ્યા છે એ કેટલું મહત્વનું છે, એમને આ બધું કરવામાં કેવો શ્રમ પડે છે એનો ખ્યાલ ઘરના દરેક સભ્યને આવે. આમ કરવાથી વડીલ પ્રત્યે તેમજ તેઓના કામ પ્રત્યે બધા જ સભ્યોનો પ્રેમ અને આદરભાવ જળવાઈ રહે છે. આમ સંબંધોનું જતન કરીએ અને દક્ષ રહીએ તો જીવનમાં ભાવની સુગન્ધ માણવા મળે છે. અન્યથા સ્વાર્થ અને સંકુચીતતા સંબંધોમાં કડવાશ જન્માવે છે જે જીવનમાં પીડાનો અનુભવ કરાવે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: