વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કૈસે ઈસકી લે લું મૈં !

ઠંડા પીણાની જાહેરાતમાં એ પીણું પીનારો બીજાની ગર્લફ્રેંડને ચાલાકીપૂર્વક પડાવી લેવાની ઈચ્છા કરે છે અને પીણું પીધા બાદ એના બદઈરાદો પાર પાડવામાં એ સફળ થાય છે. આવી માનસિક ગંદકી કેળવાતી હોય એવા ઠંડા પીણાની શી જરૂર છે?

આપ આ ગયે ?

ઓફિસેથી ઘરે આવતા પિતાને પોતાના પતિ તરીકે ટ્રીટમેંટ આપતી ત્રણ વર્ષની એક બાળકીને બિસ્કીટની જાહેરાતમાં દર્શાવી છે. કેવું વિચિત્ર ! બાળકો નકલખોર હોય છે એની ના નહિ પરંતુ પિતામાં પતિ જોવો એ નકલનો વિષય હોઈ જ શકતો નથી. એ બાળકી શું બોલે છે ? ‘આપ આ ગયે ? ફ્રેશ હો જાઓ, મૈં ખાના લગાતી હૂં. કૈસી રહી આપકી મિટિંગ ? ખાના શુરુ કીજીએ, વર્ના ઠંડા હો જાયેગા.’ પોતાની માતાને આ બાળકીએ આ રીતે બોલતા જોઈ છે પરંતુ પોતે દિકરી છે, પત્ની નહિ. દિકરી તરીકેનું પિતા સાથેનું એનું જોડાણ એટલું ઉત્કટ હોય છે કે અન્ય કોઈ પાત્ર એના પિતા સાથે કયા ભાવથી જોડાયેલું છે, એની સાથે કેવા સંવાદો કરે છે, એ વિષય એની કલ્પના બહારનો છે. કોઈ જ સંબંધથી ન જોડાયેલ, નિર્લેપ હોય એ જ વ્યક્તિ આ રીતે અન્ય પાત્રની નકલ કરી શકે.

મજબૂત દાંત

મજબૂત દાંત માટે ટુથપેસ્ટની જાહેરાતમાં એક છોકરાને  મકાઈડોડો, અખરોટ તેમજ શેરડીનો સાંઠો ખાતો બતાવ્યો છે. એ જે રીતે મકાઈ અને અખરોટ ખાઈ જાય છે એ જોતા જાહેરાત મજબૂત દાંતની નહિ પરંતુ છોકરાના ભુખાળવા સ્વભાવની હોય એમ લાગે છે.

પલમેં કનેક્ટ

મોબાઈલ ફોન સર્વિસ પ્રુવાઈડર એક કંપનીની જાહેરાતમાં ટીન એજ પહેલાના બાળકોને વિજાતીય આકર્ષણ અનુભવતા બતાવ્યા છે. એક કુતરો એ બન્નેને ભેગા કરી આપે છે. કુતરાની જાતીયવૃત્તિ ટોચની હોય છે એ વાત જાણીતી જ છે. પરંતુ એવી માનસિકતા સામાજિક સ્વીકૃત હશે કે જેથી એ કંપનીના સીમકાર્ડ આવી જાહેરાતથી વધુ વેચાતા હશે ?

છાપામાં જાહેરાત

છાપામાં એક જાહેરાત આવે છે: ‘ચાલ્યા ગયા છે’ એમાં લખવામાં આવે છે કે ‘બેટા/બેટી, તું ગયો/ગઈ છે ત્યારથી મમ્મીની તબિયત નાજુક છે, ઘરે બધા તારી ચિંતા કરે છે, તારી વાત સ્વીકારવા પપ્પા તૈયાર છે, તું જલ્દી ઘરે આવી જા. તને કોઈ વઢશે નહિ.’ આહિં સુધી લખાણ બરાબર છે. પરંતુ આવી તમામ જાહેરાતોમાં આટલું લખ્યા બાદ તરત નીચે લખવામાં આવે છે: ‘ઉપરના ફોટાવાળી વ્યક્તિની જાણ આ નંબર પર કરશો. માહિતી આપનારની યોગ્ય કદર કરવામાં આવશે.’ આ લખાણ પોતાનીએ વ્હાલસોયી વ્યક્તિને ઉદ્દેશીને લખાયેલા ઉપરના લખાણનો દ્રોહ કરનારું નથી ? આવી મંદબુદ્ધિ શા માટે ? કોણ તમારી મદદ કરવા નવરું છે? અને જેને મદદ કરવી છે એ ઉપરના લખાણ પરથી પણ તમને મદદ કરશે જ.

લાલચુ રહો

બાગમાં બાકડા પર બેઠેલી એક યુવતીને ઘાસમાં ચોકો ગોળી પડેલી દેખાય છે. માટીમાં પડેલી હોવા છતાં એ ગોળીને એ યુવતી ખાઈ જાય છે. ત્યાં તો જમીનમાંથી બીજી અઢળક ગોળીઓ નિકળે છે જેને બન્ને હાથ વડે એ યુવતી ખાયા કરે છે. જાહેરાતનો સંદેશ એવો છે કે જીવનભર તમે લાલચ રાખો. વસ્તુ કેવી રીતે, ક્યાંથી મળે છે એનો વિવેક રાખવાની જરૂર નથી.

લગેજ બેગ

લગેજ બેગની એક જાહેરાત છે જેમાં પોતાના ઘરના બેડરૂમમાં એક સ્ત્રી એના બોયફ્રેંડ સાથે પથારીમાં છે. અચાનક એનો પતિ આવી જતા એ સ્ત્રી રજાઈથી શરીર ઢાંકે છે અને એનો બોયફ્રેંડ વોર્ડરોબ (કપડાના કબાટ)માં સંતાઈ જાય છે. પતિ કપડા બદલવા કબાટ ખોલે છે ત્યાં એ સ્ત્રીનો બોયફ્રેંડ એને દેખાય છે. સાથે લાવેલ લગેજ બેગનો સેલ્સમેન છે એવું બતાવવા બોયફ્રેંડ સ્ત્રીના પતિને બેગની ખુબીઓ જણાવવાનું શરૂ કરે છે. બેગ કબાટમાં બહુ ઓછી જગ્યા રોકે છે એ બતાવવા પોતે કબાટમાં બેઠો છે એવું એ કહે છે. એના શરીર પરના ખુલ્લા કપડા સ્ત્રીના પતિના ધ્યાનમાં આવતા નથી. મુર્ખ પતિ, પત્નીના બોયફ્રેંડની વાતમાં આવી જાય છે અને એની પત્નીને એ બેગ ખરીદવા જેવી છે એમ કહે છે. પતિને મુર્ખ બનાવીને એ સ્ત્રીનો બોયફ્રેંડ ભાગી જાય છે. અંતમાં એ સ્ત્રી પોતાના બોયફ્રેંડની ચાલાકી પર ફીદા થતી બતાવી છે. જાહેરાત બેગ વેચવા માટેની છે કે એ લગ્નેતર સંબંધોનું પ્રમોશન કરી રહી છે ?

ડિઓડરંટ

પુરુષ જે ડિઓડરંટ છાંટે છે તેની ગંધથી કામોત્તેજક થઈને સ્ત્રીઓ પોતાની ભડકેલી વાસના સંતોષવા એ પુરુષ પાસે ખેંચાઈ આવે છે. મોટા ભાગની ડિઓડરંટની જાહેરાતો પશ્ચિમના દેશના બેકગ્રાઉંડમાં શુટ કરવામાં આવી છે એ સમજી શકાય છે. પરંતુ એક જાહેરાત દક્ષિણ ભારતના કોઈ પરિવારમાં પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાનની મહાપૂજાનું આયોજન થયું હોય એવા ઘરમાં મુખ્ય પૂજામાં બેસવાવાળી સ્ત્રી, ઘરે આવેલા કોઈ મવાલી મહેમાન યુવાને છાંટેલા ડિઓડરંટથી ઉત્તેજીત થઈને એની સાથે સહવાસ માણવા તત્પર થતી બતાવી છે એ વાંધાજનક છે.

ઈંસલ્ટ વિથ મેનર્સ

જાહેરાત સ્લીમ મોબાઈલ ફોનની છે. રેસ્ટોરંટમાં એક ટેબલ પર પોતાના હાથની કોણી ટેકવીને હથેળી પર ગાલ રાખીને એક યુવતી બેઠી છે. તેની બરાબર સામે થોડે દુર એક ટેબલ પાસે પચાસ વર્ષની વયના સુટેડ-બુટેડ જેંટલમેન બેઠા છે. પોતાના વિચારોમાં મગ્ન એવા પેલા સદગૃહસ્થનું ધ્યાન અચાનક એ યુવતી તરફ જતાં એમને જોવા મળે છે કે એ યુવતી પોતાને વારંવાર સ્માઈલ આપી રહી છે અને કંઈક કહી રહી છે એટલે એ સજ્જન યુવતી પાસે જાય છે અને કહે છે: ‘યસ પ્લીઝ’. જવાબમાં એ યુવતી હથેળી પરથી પોતાનો ચહેરો હટાવે છે અને જેંટલમેન જુએ છે કે યુવતીની હથેળી અને ગાલ વચ્ચે મોબાઈલ ફોન છે અને ફોન પર એ કોઈની સાથે વાત કરી રહી છે. યુવતી આવેલા સજ્જનને વેઈટર સમજીને ‘એક બ્લેક કોફી’ એવો ઓર્ડર કરે છે અને એ સજ્જન ભોંઠા પડે છે. મોબાઈલ ફોન સ્લીમ બતાવવા માટે મોટી ઉમ્મરના સજ્જનનું અપમાન કરવાની શું જરૂર છે? બે-ત્રણ છેલબટાઉ જુવાનિયાને સામેના ટેબલ પાસે બેઠેલા અને એમાંથી કોઈ એકને એ યુવતી પાસે જતો ને પછી ભુલ કરીને શરમાતો બતાવી ના શકાય ?

શરીર હલાવો કોલ્ડ કોફી બનાવો

કોલ્ડ કોફી બનાવવા કોફીજારની સાથે-સાથે શરીરના તમામ અંગોને હલાવતી દિપીકાને જોઈને એક જુની મિમિક્રી યાદ આવે છે: સ્ટેજ પર એક છોકરો જલેબી બનાવનારની નકલ કરીને બધાને હસાવે છે. ચણાના લોટનું ખીરું એક કપડામાં બાંધી રાખીને ઝડપથી હાથને ગોળ-ગોળ ઘુમાવતા કપડાના નીચેના ભાગેથી ઉકળતા તેલમાં જલેબીના ગુંચળા પાડતા કંદોઈની નકલ કરતા છોકરો કપડામાં બાંધેલા ખીરાવાળા હાથને હલાવવાને બદલે પોતાની કમર હલાવે છે ને બધા હસી પડે છે.

અવિસ્મરણીય જાહેરખબરો

શુદ્ધ તેલ

સબ મુઝ પર ગુસ્સા કરતે હૈ, મૈં ઘર છોડકર જા રહા હૂં’ એવું કહીને ત્રણ વર્ષનો બાળક ઘરેથી નિકળીને બજારમાં જઈને એક ઓટલા પર બેસે છે. એને મનાવવા આવેલા એના દાદા કહે છે: ‘પર ઘરમેં મમ્મીને ગરમાગરમ જલેબિયાં બનાઈ હૈ.’ ‘જલેબીઈઈઈ’ કહીને દાદાની આંગળી પકડીને ઘરે પાછો ફરતો એવો નાના છોકરાનો ઉચ્ચાર યાદ રહી જાય એવો છે.

રોશન હોતા . . .

એક ઘરડાની આપવીતી દ્વારા બલ્બની જાહેરાત

એ બાળક હતો ત્યારે . . .

જબ મૈં છોટા બચ્ચા થા, બડી શરારત કરતા થા.

મેરી ચોરી પકડી જાતી, જબ રોશન હોતા . . .

એના લગ્ન થયા ત્યારે . . .

ક્યા રંગીન જવાની થી, એક રાજા ઔર એક રાની થી.

રાજા-રાની પકડે જાતે, જબ રોશન હોતા . . .

આજે વૃદ્ધાવસ્થામાં . . .

આજ મૈં બિલકુલ બુઢા હૂં, ગોલી ખાકર જીતા હૂં.

લેકિન આજ ભી ઘર કે અંદર, રોશની દેતા . . .

ગોળીની મીઠાશ

એક ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો મકાનમાલિક પાનના સ્વાદની ગોળી ખાધા બાદ કેવું મીઠું બોલે છે એની જાહેરાત આવતી હતી. ‘ભાડા નહિ દેના હો તો મકાન ખાલી કર દો.’ એવું સત્તાવાહી અવાજે કહીને ભાડુઆતને ધ્રુજાવતો માલિક પાનગોળી ખાધા બાદ ભીનો-ભીનો થઈને કહે છે ‘ભાડા નહિ દેના હૈ તો ક્યું ન યે મકાન ખાલી કર દો !’ જો કે એ ગોળીમાં એટલી બધી મીઠાશ લાવવાની શક્તિ નથી કે એને ખાઈને માલિક કહે ‘ભાડા નહિ દોગે તો ભી ચલેગા !’

જાહેરાતો પર આજનો યંત્રયુગ નભે છે. અબજો ડોલર્સનો ઈંટરનેશનલ કારોબાર જાહેરખબર પર આધારિત છે. એનું મુખ્ય માધ્યમ ટી.વી. છે. માણસની ઈમોશનને અપીલ કરીને એના ખિસ્સાને હળવું કરવામાં આવે છે. બાળકોની માસુમિયત તેમજ મોટેરાઓના ચહેરા પર અતિશય આશ્ચર્યજનક ભાવો દર્શાવીને, એનાથી અભિભૂત કરીને  ગ્રાહકને જે-તે ચીજ વસ્તુ ખરીદવા મજબૂર કરવામાં આવે છે. જાહેરાતનો મુદ્દો માત્ર આર્થિક ન રહેતા એ જે-તે પ્રદેશની સાંસ્કૃતિક તેમજ સભ્યતાલક્ષી બાબતોને અસર કરે છે ત્યારે દર્શક તરીકે આપણી જવાબદારી બને છે કે અભદ્ર જાહેરાતો સામે સક્રિય વિરોધ દર્શાવીએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: