વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મણિયારો

કાચની બંગડીઓ વેચનારને મણિયારો કહેવાય છે. ગામેગામ ફરીને મણિયારો બંગડી વેચે. બંગડી ખરીદનાર સાત વર્ષની લઈને સિત્તેર વર્ષની ગામની તમામ સ્ત્રીઓના હાથના બન્ને પંજાની આંગળીઓને ભેગી કરીને દબાવી-દબાવીને કાચની બંગડીઓ તુટે નહિ એનું ધ્યાન રાખીને કાંડા સુધી ચડાવી આપવાની જવાબદારી મણિયારાની રહેતી. ગામડાની સ્ત્રીઓ આ દૃશ્ય જોતા ગામના જુવાનીયાઓને ઉશ્કેરતી પણ હશે ને જુવાનિયાઓ મણિયારાની ઈર્ષ્યા પણ કરતા હશે ! કેવા સંયમી હશે એ વ્યવસાયિકો જેના ચરિત્ર પર ભરોસો મુકીને આખા ગામની બહેન-દિકરીઓ એને પોતાના બન્ને હાથ સોંપતી હશે !

પાણીકળો

જમીનમાં કઈ જગ્યાએ થોડું જ ખોદકામ કરતા પુષ્કળ પાણી ઉપલબ્ધ થશે એ જાણવા માટે પાણીકળાની મદદ લેવાતી. ખેડૂતને બારેમાસ પાણીની જરૂર રહે. વળી ઉંડે સુધી ખોદવું ન પડે તો ખોદકામની મજૂરી પણ બચે ને આજીવન પાણી ખેંચવા ઈલેક્ટ્રિક પાવર કે શારિરીક શ્રમ અને સમય આ બધું જ બચે. પાણીકળો એટલે પાણી જમીનમાં કઈ જગ્યાએ છે, કેટલું ઉંડુ છે, કેટલા પ્રમાણમાં છે અને કેટલા વર્ષો સુધી એ સ્રોત ચાલુ રહેશે એ જાણવાની કળા જેની પાસે છે તે માણસ. જમીન પર એક એક ડગલું મુકતા પાણીકળો જમીનના સ્તરોમાં શું છે એનો અનુભવ કરે. વારે-વારે જમીન પર કાન માંડીને અંદરના જળપ્રવાહને સાંભળે. વળી એની પાસે એના બનાવેલા ઘરગથ્થુ સાધનો પણ રહેતા. પાણીકળાનું નિદાન સચોટ રહેતું. આજે આ કળા લગભગ લુપ્ત થઈ ગઈ છે.

નાક-કાન વિંધાવાના

ઉપરના ભાગમાં કાચ હોય એવી લાકડાની પેટીમાં નાકની ચુની તેમજ કાનની વાળીઓ લઈને સોની ગામેગામ ફરે ને બુમો પાડે ‘એ નાક-કાન વિંધાવાના !’ ને ગામ આખાની બહેનો પોતાના નાના દિકરા/દિકરીઓને લઈને એના નાક-કાન વિંધાવા બેસી જાય. મોટી ઉમ્મરની સ્ત્રીઓ પોતાના નાક-કાનની ચુની-વાળીઓ બદલાવવા બેસે. એ જમાનામાં છોકરો-છોકરી બન્નેના કાન વિંધવામા આવતા. આ ક્રિયાને વૈજ્ઞાનિક આધાર પણ છે. શરીરના કેટલાક પોઈંટ્સને વિંધવાની જરૂર હોય છે એ વાત આજે એક્યુપંક્ચર પદ્ધતિના બહોળા પ્રચાર-પ્રસારને કારણે શક્ય બની છે. શહેરમાં આજે આ બાબતે બહેનોને ઘણી મુશ્કેલી છે, નાક-કાન વિંધવાવાળો કોઈ મળતો નથી.

સુપડી-ઢાંકણા બનાવવાના

તેલનો ડબ્બો ખાલી થાય એટલે એના ઉપરના ભાગના પતરામાંથી સરસ મજાનું એટેચ્ડ ઢાંકણુ બનાવી આપનાર તેમજ બીજા વધેલા પતરામાંથી કચરો ભેગો કરવાની નાની સુપડી બનાવી આપનાર લુહાર ગામેગામ ફરતા. એવી ઝડપથી એટલું સુન્દર કામ કરતા કે એ જોવાની બહુ મજા પડતી.

છરી-ચપ્પાની ધાર કઢાવાની

ઘસાઈ ગયેલા છરી, ચપ્પા, સોપારી કાતરવાની સુડી, કાતર, તલવાર વગેરેની ધાર કાઢી આપનાર ગામેગામ ફરતા. સાયકલની ધાતુની રિંગ પર એમરી સ્ટોન લગાવીને એના પર ઘસીને સાધનોની એવી ધાર કાઢી આપતા કે મહિનાઓ સુધી એ સાધનો નવા જેવું જ કામ આપતા. સાધનને એમરી પર ઘસતા પીળા રંગના તણખા ઉડે એ જોવાની ખુબ મજા પડતી. ડિસ્પોઝેબલ કલ્ચર (યુઝ & થ્રો) આવ્યા બાદ સાધન ઘસાઈ જાય એટલે એને ફેંકી દઈને નવું વસાવવાની ટેવના કારણે આ વ્યવસાય પડી ભાંગ્યો.

કલાઈ કરાવાની

એક જમાનામાં રોજિન્દા વપરાશમાં સ્ટેઈનલેસ સ્ટીલના બદલે તાંબા-પિત્તળના વાસણો વપરાતા. આથી વારે-વારે એ વાસણોને કલાઈ કરવાની જરૂર રહેતી. વાસણને તપાવીને એને કલાઈની સ્ટીક સહેજ અમથી અડાડતા જ એક ખાસ પ્રકારની ગંધ વછૂટતી ને નાકને તરબતર કરી દેતી. પળવારમાં એ કલાઈ વાસણના અંદરના ભાગમાં પ્રસરી જતી ને વાસણ ચચકાટ થઈ જતું. વાસણને ગરમ કરવા માટે કોલસાનો અગ્નિ તેમજ એ અગ્નિમાં તીવ્રતા લાવવા માટે જે ધમણ ચલાવવામાં આવતી એ પણ અદભૂત હતી.

મૂર્તિઓ બનાવવાની

તાંબા-પિત્તળના વાસણોને ધમણ વડે અગ્નિમાં ઓગાળીને એમાંથી મૂર્તિઓ બનાવવામાં આવતી. કારીગર પાસે બે પડવાળી એક ડાઈ હોય. બન્ને પડમાં એ માટીને ઠાંસી-ઠાંસીને ભરે ત્યારબાદ એમાં એક મૂર્તિ રાખીને બન્ને પડને કચકચાવીને ફિટ કરે. બન્ને પડને ખુલ્લા કરીને એમાંથી મૂર્તિ કાઢી લેતા એમાં મુર્તીનો આકાર રચાય. બન્ને પડને ફરીથી ફિટ કરીને સાઈડ પરના હોલમાં ધમણ વડે ઓગાળેલા વાસણનો રસ રેડે એટલે મૂર્તિ તૈયાર થઈ જાય. આ બધું આપણી નજર સામે બને તેથી એ જોવાની ખુબ મજા પડે.

પ્રાઈમસ રીપેર કરાવવાના

બગડી ગયેલા પ્રાઈમસને નજર સામે રીપેર થતા જોવાની મજા પડે. કુશળ કારીગર પ્રાઈમસનું લીકેજ તપાસે, વાઈસર ચેક કરે, બર્નર સાફ કરે, સ્ટવમાં પાણી ભરીને પંપથી પ્રેશર મારે અને આ બધું બાળકો ભેગા મળીને જોતા હોય તો કોઈ હસમુખો કારીગર વાઈસરમાંથી પાણીની પીચકારી બાળક પર ઉડાડે એટલે બાળકોનો હરખ માંય નહિ.

કઠપુતળીનો ખેલ

અત્યંત લોકપ્રિય એવો આ ખેલ અદભૂત હતો. રાત્રે ગામના લોકો જમી પરવારીને બેઠા હોય ત્યાં આ ખેલ ભજવાતો. ચાર બાય ચાર ફુટનું એક નાનકડું સ્ટેજ બનાવાતું. સ્ટેજના બન્ને બાજુના ભાગો તેમજ પાછળનો ભાગ કાપડ વડે બંધ કરવામાં આવતો. છતના આગળના ભાગને બંધ કરી પાછળનો ભાગ ખુલ્લો રાખવામાં આવતો. પાછળના ભાગે કોઈને ન દેખાય એમ કલાકાર ઉભો રહેતો અને એ ખુલ્લા ભાગમાંથી કલાકાર પાત્રોની એંટ્રી કરાવતો. એના બન્ને હાથના દસ આંગળા પર દસ દોરીઓ વિંટળાયેલી રહેતી. એ દોરીના બીજા છેડે વાર્તાના અથવા જે વેશ ભજવવાનો હોય એના ઐતિહાસિક એવા દસ પાત્રો જોડાયેલા રહેતા. આ પાત્રો કપડાના ડુચા, વાંસની સાવ ફોરી સળીઓ વગેરેમાંથી બનાવેલા હોય. પાત્રોને જરીકામ, ટીલડીઓ વગેરેથી શણગારીને ખુબ સુન્દર બનાવાયા હોય. જેમ-જેમ વાર્તા આગળ વધે તેમ-તેમ જુદા-જુદા પાત્રોને ઉપરના ભાગેથી  સ્ટેજ પર એંટ્રી મળતી જાય. કલાકારની આંગળીઓના હલનચલનથી પાત્રો અભિનય કરે. એ અભિનય આબેહુબ લાગે. પ્રેમના, યુદ્ધના વગેરે અનેક દૃશ્યો રચાય. કલાકારના મુખમાં એક ખાસ પ્રકારની સિસોટી હોય જેના વડે એ જુદા-જુદા ટોનમાં સુરો કાઢતો રહે. બાજુમાં એક મદદનીશ ઉભો હોય એ સ્ટેજ પરના પાત્રો કોણ છે અને અંદરોઅંદર એકબીજા સાથે શું વ્યવહાર કરી રહ્યા છે એની સમજ આપતો રહે. કદરના અભાવે આ ખેલ પડી ભાંગ્યો. ખરેખર ખુબ દુ:ખની વાત છે. સંસ્કૃતિના હજારો વર્ષના ગૌરવપૂર્ણ ઈતિહાસને સદૈવ ઉજાગર કરતો આ ખેલ ખતમ થઈ ગયો.

નાટકમંડળી

એ જ રીતે ગામેગામ નાટકમંડળી ફરતી અને જુદા-જુદા વેશ ભજવતી. ગાયક કલાકારો, અભિનેતાઓ એમાં કામ કરતા. એ જમાનામાં નાટકમાં સ્ત્રીઓ કામ ન કરતી. કારણ કે સ્ત્રીનો વેશ પુરુષ ભજવે ને કોઈને ખબર ન પડે કે વેશ ભજવનાર સ્ત્રી છે કે પુરુષ એ જ ખરો અભિનય છે એવી અભિનયની વ્યાખ્યા હતી. પુરુષ પુરુષનો રોલ કરે ને સ્ત્રી સ્ત્રીનો રોલ કરે એને અભિનય જ ન કહેવાય એવી દૃઢ માન્યતા એ વખતે હતી. આજે આ કળા શહેરમાં વિકસીત થઈ છે અને ફિલ્મ સુધી વિસ્તરી છે.

આ વિસરાયેલા વ્યવસાયો યાદ આવતાં જ થાય છે કે ફરીથી એ પાછા સજીવન થાય તો કેવું ! પરંતુ આપણે જે દિશામાં આગળ વધી ગયા છીએ એ જોતાં ફરીથી ભુતકાળ તરફ જવું શક્ય જણાતું નથી. રીસાયકલિંગનો યુગ આવે તો આ જ વ્યવસાયો ફરી પાછા પુનર્જિવીત થાય એવી સંભાવના છે. તેમ છતાં બધું જો-તો પર આધારિત છે. અહિં માત્ર કેટલાક વ્યવસાયોનો ઉલ્લેખ કર્યો છે. અન્ય ઘણા વ્યવસાયો હોઈ શકે જે વિસરાઈ ગયા છે જેવા કે દાયણનો વ્યવસાય. ડોક્ટર્સ કે નર્સ ન હતા ત્યારે શું બાળકો જન્મતા ન હતા ? મારા એક મુમ્બઈના પ્રાધ્યાપકે કહ્યું હતું કે ‘હું મારી મા નું અગિયારમું બાળક હતો. મારી મા નદિકિનારે કપડા ધોઈને ઘરે આવતી હતી. એના માથે તગારું/તબડકું ભરીને કપડા હતા ને એ ચાલી જતી હતી ને રસ્તામાં મારો જન્મ થઈ ગયો. મારી મા મને ઉંચકીને ઘરે લઈને આવી.’ આ 1950ની મુમ્બઈની વાત છે બહુ દુરની નહિ. વિચારીએ તો ઘણા વિસરાયેલા વ્યવસાયો યાદ આવશે સાથે-સાથે એની જુદી જ સુગન્ધ પણ આવશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: