વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

છોટાઉદેપુર કોલેજમાં હતો ત્યારની વાત છે. કોલેજ તરફથી અપાયેલ મકાનમાં રહેતો હતો ત્યાં મને મળવા સાયંસ કોલેજના બે પ્રાધ્યાપક મિત્રો આવ્યા. વાતો ચાલી. અમે ભુલી ગયા હતા કે હું આર્ટ્સનો પ્રાધ્યાપક છું અને તેઓ સાયંસના ! એક વાત એવી નિકળી કે હવે વિવિધ પ્રકારના દિવાલ ઘડિયાળ મળે છે. એક પ્રાધ્યાપકે કહ્યું, ‘લોલકની લંબાઈ અડધી થઈ જાય છે ત્યારે એ સ્પીડમાં ચાલવા લાગે છે, એનું શું કારણ ?’ મને હસવું આવ્યું પરંતુ બીજા પ્રાધ્યાપકનો મત જાણવાનો બાકી હતો એટલે હું ચુપ રહ્યો. બીજાએ કહ્યું, ‘લોલકનું વજન ઘટી જાય છે એટલે એવું થાય છે.’ હું ખડખડાટ હસી પડ્યો એટલે બન્ને સભાન થઈ ગયા કે તેઓ સાયંસના છે અને કોઈ ભુલ તો નથી કરી રહ્યા ને ! પરંતુ લોલકની વધતી ઝડપ તેઓની સમજ બહારની વાત હતી એટલે તેઓ એ મતને વળગી રહ્યા કે ખરેખર ઓછી લંબાઈ ધરાવતા લોલકની ઝડપ વધી જાય છે. એક વાર જોશે તો વાચકને પણ આ વાત સાચી લાગશે. મેં એ પ્રાધ્યાપકોને સમજાવ્યું કે ઝડપ વધવી એ દૃષ્ટિભ્રમ છે, એથી વિશેષ કંઈ નહિ. લોલકની લંબાઈ બે ગણી કે ત્રણ ગણી કરી દો તો તમને એની ઝડપ લગભગ ધીમી પડી ગયેલી લાગશે. વાસ્તવમાં કેન્દ્રની નજીક વધુ ગતિનો આભાસ થાય છે અને જેમ-જેમ કેન્દ્રથી દુર થતા જઈએ તેમ-તેમ ગતિ ઘટી ગઈ હોવાનો આભાસ થાય છે. જો ખરેખર લોલકની ગતિ વધઘટ થયા કરતી હોય તો ઘડિયાળના ડાયલ પરના બન્ને કાંટાની ગતિમાં ફર્ક પડે અને જો એવું બને તો ઘડિયાળ ક્યારેય સાચો સમય બતાવે જ નહિ. પ્રાધ્યાપક મિત્રો આ વાત સમજી શકતા ન હતા અને મારું જ્ઞાન તેઓને અપમાનજનક સ્થિતિમાં મુકી રહ્યું હતું એટલે તેઓએ વાતનો વિષય બદલી નાંખ્યો.

એક મિત્રે મને પૂછ્યું, ‘સૂર્યોદય પહેલા નદીનું પાણી ઠંડુ નથી લાગતું અને સૂર્યોદય બાદ એ ઠંડુ કેમ લાગે છે ?’ મેં લોજીક વાપર્યું ને હળવે-હળવે વિચારતા જણાવ્યું કે સૂર્યોદય થાય એટલે એનો તાપ નદીના પાણીનો જથ્થો વધુ હોવાથી એને તરત ગરમ ન કરી શકે પરંતુ આપણા શરીરને તરત ગરમ કરી શકે. આથી ગરમ શરીર પર પાણી વધુ ઠંડુ લાગે છે. સૂર્યોદય પહેલા આપણું શરીર ઠંડુ હોવાથી નદીનું પાણી ઠંડુ લાગતું નથી. મારું લોજીક સાચું છે એમ મિત્રએ ખુશીથી કહ્યું.

ઉનાળામાં મને બે વાર ન્હાવાની ટેવ છે. આખો દિવસ ધાબા પરની ટાંકીનું પાણી સૂર્યપ્રકાશમાં તપ્યું હોવાથી નળમાં પણ ગરમ પાણી જ આવે. આથી ન્હાતા પૂર્વે અંડર ગ્રાઉંડ ટાંકીનું પાણી ધાબા પરની ટાંકીમાં ચઢાવ્યા બાદ ન્હાવા બેસું તો નળમાં આવતા ઠંડા પાણીથી ન્હાવાની મજા આવે. એક વિચાર એવો આવે કે ધાબા પરની ટાંકીમાં ગરમ પાણી ભરેલું હોય છે જેના પર અંડર ગ્રાઉંડ ટાંકીનું નવું ઠંડુ પાણી પડે છે. ધાબા પરની ટાંકીના તળીયાના ભાગેથી નળમાં જે પાણી આવે છે એ ગરમ ન હોતા ઠંડુ કેમ હોય છે ? એનો જવાબ પણ લોજીકથી વિચારતા મને મળી ગયો. ગરમ પાણીમાં બાષ્પ હોય છે જેની ઘનતા ઠંડા પાણીની ઘનતા કરતા ઓછી હોય છે. જેની ઘનતા ઓછી હોય છે એ ઉપર રહે છે અને વધુ ઘનતા ધરાવતો પદાર્થ નીચે બેસે છે. આથી ટાંકીમાં ઠંડુ પાણી પડતાં જ એ તળીયે બેસી જાય છે અને નળમાં ઠંડુ પાણી આવે છે.

અભ્યાસુ મન

અભ્યાસુ મન હંમેશા નિરીક્ષણ કર્યા કરતું હોય છે. આપણે જાણીએ છીએ કે અભ્યાસની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ સૌપ્રથમ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય છે જે નિરીક્ષણ કરવાથી પ્રાપ્ત થાય છે. નિરીક્ષણના પરિણામે જીવન વ્યવહાર સરળ બને એ રીતે વર્તનમાં, ટેવોમાં થોડાઘણા ફેરફારો કરવાના હોય છે. આવું અભ્યાસુ મન ના હોય તો વ્યક્તિને વારેવારે સુચનાઓ આપ્યા કરવી પડતી હોય છે તો અનેકવાર ટોકવી પડતી હોય છે.

તમે આદર્શ ગૃહિણી છો? ચકાસવા માટે કોઈ એક ક્ષેત્ર લો. દા.ત. કપડા ધોવા-સુકવવાનું ક્ષેત્ર. તમારે ત્યાં કદાચ કામવાળી બાઈ કપડા ધોઈને સુકવતી હશે. તમે ભાગ્યશાળી હશો તો કપડાને ગડી કરીને કબાટમાં મુકવાનું કામ પણ બાઈ જ કરતી હશે. જો એ કામ તમારે કરવું પડતું હોય તો શું તમે કપડાને ગડી કરતા પહેલા એને સીધા કરો છો કે પછી ઉલ્ટા કપડાને સીધા કરવાનું કામ તમે ઈસ્ત્રી કરવાવાળા પર છોડી દો છો ? કપડા કબાટમાં મુકતા પહેલા શું તમે ચકાસો છો કે કોઈ કપડાની સિલાઈ નિકળી ગઈ છે, કોઈનું બટન ઢીલું થઈ ગયું છે, ચેઈન બરાબર કામ કરે છે, ક્લીપ નિકળી ગઈ તો નથી ને ? તમે કહેશો કે આવું નિરીક્ષણ કરવાનો સમય જ કોને છે? બાજુવાળી શીલા સાથે ગપ્પા મારવાનો સમય છે? કપડા સુકાઈ ગયા બાદ તરત એને લઈ લેવાનું કામ તમે કરો છો કે તમારી અનુકૂળતાએ સાંજે એને લેવાનું રાખો છો? શું તમે જાણો છો કે સુકાઈ ગયા બાદ સૂર્યપ્રકાશમાં કપડા રહે તો એના રેસા ઢીલા થઈને ઘસાઈ જાય છે, કપડાનો રંગ ઉડી જાય છે પરિણામે કપડાની આવરદા ઘટી જાય છે? કપડાને સુકવવાના કઈ જગ્યાએ? ઘણી સ્ત્રીઓ તો મેઈન ગેટ પર તોરણ બાંધ્યું હોય એમ આંતરવસ્ત્રોને લટકાવે છે. પહેરેલા આંતરવસ્ત્રો જેમ કોઈને દેખાડવાના નથી હોતા તેમ કોઈને દેખાય નહિ એ રીતે એને સુકવવાના હોય  છે. વળી કપડા લોખંડના તાર પર નહિ પરંતુ રેશમી દોરી પર સુકવવાના હોય છે. ઘણી બહેનો તો બે ટુંકા તારને ગાંઠ મારીને એને બાંધે છે અને બરાબર ગાંઠ પર જ કપડું સુકવે છે. પછી બાજુવાળી શીલા સાથે વાત કરતા કરતા એ કપડાને લેવા જાય અને કપડું નિકળે નહિ એટલે જોરથી એને ખેંચે એટલે એ કપડું ભારતના નકશાના આકારે ફાટી જાય ! પછી કહે, અમારા એ નેશનલ પાર્ટીમાં જોડાયા છે એટલે એમના કપડા પર નેશનનો આકાર પાડી દીધો !?!

કપડાનું ક્ષેત્ર જવા દો, પીરસવાનું ક્ષેત્ર લો. ઘરના પુરુષને કોઈ શાક ઓછુ ભાવતું હોય ત્યારે એ ભોજનમાં રોટલી સાથે કેળા લેવાનું પસંદ કરે છે. કેળાના કઈ સાઈઝના કટકા લેવાનું એ પસંદ કરે છે? રોટલીના એક ટુકડા સાથે ચોક્કસ સાઈઝનો કેળાનો એક કટકો લે છે કે નાના-મોટા કટકાને એડજસ્ટ કરી લે છે? થાળીમાં દાળની વાટકી અંદર રાખવાનું કે બહાર મુકવાનું પસંદ કરે છે? દાળની વાટકી જમણી બાજુ રાખે છે કે ડાબી બાજુ? થાળીમાં શાક કઈ જગ્યાએ રાખવાનું પસંદ કરે છે? ચા-ભાખરીનો નાસ્તો લે ત્યારે ચાનો કપ કઈ જગ્યાએ અને નાસ્તાની ડીશ કઈ જગ્યાએ રાખે છે, એનું નિરીક્ષણ કરો છો? ઘણી સ્ત્રીઓ તો લગ્નજીવનના પચાસ વર્ષ બાદ પણ સાસરીમાં પ્રથમ દિવસ હોય એ રીતે જ વર્તે છે. એટલે કે પ્રથમ દિવસે જેટલો ઉત્સાહ-ઉમંગ હોય એ રીતે નહિ પરંતુ પતિના ઘર વિશે પ્રથમ દિવસે જેટલી અજાણ હોય એટલી જ આજે પણ અજાણ હોય એમ વર્તન કરે છે અને પાછી કહે છે તમે આપણા લગ્નની ગોલ્ડન જ્યુબિલી કાં ઉજવી નહિ ?

જાગ્રત-અર્ધજાગ્રત મન

વ્યવહાર કરતી વખતે જાગ્રત અવસ્થામાં માણસનું અર્ધજાગ્રત મન શું નોંધે છે, શું વિચારી રહ્યું છે એનાથી દરેક માણસ સભાન હોતો નથી. આથી ફેસ રિડિંગમાં એલર્ટ એવો કોઈ માણસ એને એના અર્ધજાગ્રત મનમાં ચાલી રહેલા વિચાર અંગે વાત કરે ત્યારે એ સાચું છે એવું કબુલી શકતો નથી. સ્વાભાવિક છે કે જે માણસ અર્ધજાગ્રત મનની વિચારશીલતાથી જ અભાન હોય એમાં શું ચાલી રહ્યું છે એની જ એને ખબર ન હોય ત્યાં એ સાચું છે કે નહિ તેની તો વાત જ થઈ શકે એમ નથી હોતી. દા.ત. કોઈ યુવાન સ્ટેંડ પર બસની રાહ જોતો ઉભો છે. આસપાસના જગતને નિહાળી રહ્યો છે. એના મનમાં જુદા-જુદા વિચારો પણ ચાલી રહ્યા છે. એટલામાં ત્યાંથી એક સુંદર કાર પસાર થાય છે. યુવાનનું ધ્યાન એ તરફ ખેંચાય છે અને કાર એની નજરથી ઓઝલ નથાય ત્યાં સુધી એને જોયા કરે છે. એટલામાં તેની પાસેથી પસાર થનાર કોઈ માણસ એને ધીમેથી કહે કે ‘એક દિવસ એ તારી પાસે પણ હશે.’ આવું સાંભળ્યા બાદ એ યુવાન સમજી જ શકતો નથી કે આ માણસ એને શું કહેવા માંગે છે. જો એ પોતાના અર્ધજાગ્રત મનમાં ચાલી રહેલા વિચારોથી સભાન હોય તો એ માણસની વાત સાંભળીને મલકાશે અને એને ‘થેંક યૂ’ કહેશે.

‘સુથારનું મન બાવળીયે’ એમ ‘વિધવાનું મન પુરુષ મધ્યે’. એક સભ્ય અને સંસ્કારી વિધવા સ્ત્રી પોતાના બાળકોનો ઉછેર કરતી પોતાના પિતાના ઘરે રહેતી હતી. એણે એક દુકાનદારને દુકાનમાં નવરાશની પળોમાં શાકની શિંગો ફોલતો જોયો ને એની આંખો ચમકી ઉઠી. એને લાગ્યું કે આ પુરુષ એકલો હોવો જોઈએ. એની સાથે પરિચય થાય તો વાત આગળ વધી શકે. કેટલાક દિવસો બાદ એ સ્ત્રી સ્કૂટી પાછળ પોતાની ચૌદ વર્ષની દિકરીને બેસાડીને નિકળી અને એ દુકાનદાર તરફ નજર જતાં બન્ને હસી પડી; ખરો છે, પુરુષ થઈને શાક સુધારે છે ! આ પ્રકારની ગતિવિધી સ્ત્રીના અર્ધજાગ્રત મનમાં ચાલી રહેલા અનુકૂળ પુરુષની શોધ માટેના મિશનની છે પરંતુ જો એ સ્ત્રીને એ શું કરી રહી છે એની જાણ કરવામાં આવે તો એ કબૂલ નહિ કરે કારણ કે એ ખરેખર પોતાના અર્ધ જાગ્રત મનમાં ચાલી રહેલા વિચારોથી સભાન નથી. પરંતુ બીજાને આ વાતની જાણ સહેલાઈથી થઈ જાય એવું બની શકે. મેં ઘણી વાર અનુભવ્યું છે કે કોઈ વાહનચાલક અન્ય વાહનચાલકને અત્યંત પરેશાન કરીને (નુકશાન કરીને નહિ) એની પાસેથી પસાર થઈ જાય એટલે અકળાઈને એ આજુબાજુ જુએ છે, પોતાને થયેલી તકલીફ અન્ય વાહનચાલકે જોઈ હોય તો એની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરશે. પરંતુ એને કોઈ એની નોંધ લઈ રહેલું દેખાતું નથી. એની નોંધ લીધી છે એમ જણાવવા એ વાહનચાલક પાસેથી પસાર થતી વખતે એને હું કહું કે ‘કેવો વિચિત્ર હતો એ, નહિ ?’ તો એ વાહનચાલક નવાઈથી મારી સામે જોતો રહે છે અને વિચારે છે કે ‘આ માણસ મને શું કહેવા માંગે છે ?’ સુંદર યુવતીને ઘુરતા યુવાન પાસેથી પસાર થતા આપણે કહીએ કે ‘બહુ મજા આવી, નહિ?’ તો એ ચમકી જશે.

વ્યવહારમાં વિજ્ઞાન એટલે નિરીક્ષણશક્તિને વિકસાવવી ત્યારબાદ માહિતીનું એકત્રીકરણ કરવું અને ઉત્કૃષ્ટ વ્યવહાર કરી શકાય એ હેતુ આપણા વર્તન-વ્યવહારમાં સુધારો કરતા જવું. કેટલાકને સદવર્તન માટે સુચનાઓ આપવી પડે છે તો કેટલાક ઈશારામાં સમજી જાય છે. વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ તો કોઈના ઈશારાની પણ જરૂર પડતી નથી. પરિવારના સભ્યોના અંતરની ઈચ્છા જાણી લઈને એને અનુકૂળ વર્તવાથી પરિવારમાં તેમજ જ્યાં કામ કરીએ છીએ એ સંસ્થામાં સુસંવાદી વાતાવરણ સર્જી શકાય છે.

Advertisements

Comments on: "વ્યવહારમાં વિજ્ઞાન" (1)

  1. કલ્પેશભાઇ, ઘણાં સમયે આપના બ્લોગ પર આવ્યો, મજાનો લેખ છે. વિજ્ઞાન ઘણીવાર આપણી જાતે જ બનાવતા હોઇએ છીએ અને સાચુ પણ પડતું હોય છે. કારણકે આપણે જવાબ પરથી સવાલ તરફ જઇએ છીએ એટલે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: