વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નોંધ: આજનો લેખ વિસ્તારથી લખાયેલો હોવાથી સોમવાર દિનાંક: 30-04-‘12નો લેખ પ્રકાશીત થશે નહિ. નવો લેખ દિનાંક: 03-05-‘12ના ગુરુવારના રોજ પ્રકાશીત થશે.

એક ખ્યાલ એવો છે કે માણસે આજીવન વિદ્યાર્થી રહેવું જોઈએ, પ્રાધ્યાપકે સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ, જેનાથી એની અભ્યાસુવૃત્તિની ધાર સતેજ રહે છે, જે તેઓના વિદ્યાર્થીઓ માટે અતિ લાભદાયક છે. પરંતુ પ્રાધ્યાપકની આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે નુકશાનકર્તા સાબિત થાય તો ? પ્રાધ્યાપક સતત અભ્યાસશીલ રહે એ માટે યુ.જી.સી.એ કેટલીક સ્કીમો બનાવી છે, જે અંતર્ગત પ્રાધ્યાપક પોતાની કારકીર્દિને સતત અપડેટ કરતા રહે છે અને બદલામાં તેઓને જુદા-જુદા ઈંસેંટીવ (આર્થિક લાભો) મળ્યા કરે છે. દા.ત. એમ.એ. થયા બાદ કોલેજમાં લેક્ચરરની નોકરી મળી જાય છે. ત્યારબાદ એ લેક્ચરર એમ.ફિલ. કરે તો એના માસિક પગારમાં 500 રુપિયાનો વધારો થાય. જો એ પીએચ.ડી. કરે તો વધુ 1000 રુપિયા પગાર એને મળે. દુનિયાભરમાંથી પોત-પોતાના વિષયને લગતા જર્નલ જુદી-જુદી યુનિવર્સિટી દ્વારા પ્રકાશીત થયા કરે છે. એમાં પ્રાધ્યાપકના કોઈ ને કોઈ સંશોધનલેખો પ્રકાશીત થાય તો લાંબા ગાળે તેઓને વિદેશની ફેલોશીપ મળે. વિશ્વભરની યુનિવર્સિટીની મુલાકાત લઈ ત્યાં લેકચર આપવા જવાની તક, ત્યાં આવવા-જવાની વિમાનની ટિકીટ, ફાઈવસ્ટાર હોટેલમાં રહેવા-જમવાની વ્યવસ્થા વગેરે લાભો ઉપરાંત સંશોધન હેતુ વિશ્વપ્રવાસની તકો પણ તેઓને ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ પ્રકારની વ્યવસ્થાઓ પાછળ યુ.જી.સી.નો હેતુ એ છે કે આ રીતે અપડેટ થયેલા પ્રાધ્યાપક પોતાના જ્ઞાનનો, પોતાની શક્તિનો લાભ નવા વિદ્યાર્થીઓમાં વહેંચે અને તેઓને પોતાના ક્ષેત્રમાં સમર્થ બનાવે. સ્વાભાવિક છે કે પ્રાધ્યાપક આ બધું જ કાર્ય વર્ષ દરમિયાન પોતાને મળતા બે લાંબા વેકેશનમાં કરે અને વર્ષભર ચાલુ રહેનારા શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને તેઓ વર્ગખંડમાં નિયમિત રીતે મળતા રહે અને તેઓ સાથે જ્ઞાનની વહેંચણી કરતા રહે. પરંતુ આવું બનતું નથી. પ્રાધ્યાપક માત્ર પોતાની કારકીર્દિ વિકસાવવામાં વ્યસ્ત રહે છે અને નવા નિમણૂંક પામેલા બિનઅનુભવી તેમજ માત્ર માસ્ટર ડિગ્રી ધરાવતા ટિચિંગ આસીસ્ટંટ વિદ્યાર્થીઓના વર્ગો લે છે. એમાં પણ વિશ્વની મહાન ગણાતી યુનિવર્સિટીની હાલત એ છે કે વર્ષ દરમિયાન દસ જેટલા પણ લેક્ચરનો લાભ વિદ્યાર્થીઓને મળતો નથી.

આપણે જાણીએ છીએ કે ગુજરાતની તમામ શાળાઓ 15 જુનથી શરૂ થઈ જાય છે. જ્યારે યુનિવર્સિટીઓની નવી ટર્મ છેક સપ્ટેમ્બરમાં શરૂ થાય છે અને એ પણ પ્રવેશપ્રક્રિયાથી. અભ્યાસ શરૂ થતા તો કોણ જાણે કેટલી વાર લાગતી હશે ? જેવો અભ્યાસ શરૂ થાય કે તરત ઈલેક્શનનો માહોલ જામે. વિદ્યાર્થીનેતાઓ પોતાના ભાષણોથી વર્ગખંડો ગજાવવાના શરૂ કરી દે. કેમ્પસમાં આખો દિવસ બાઈકના અવાજોની બઘડાટી બોલે. સુત્રોચ્ચારો અને કેમ્પેઈન ચાલે. વિદ્યાર્થીઓનો વ્યક્તિગત સંપર્ક, તેઓને કેંટીનમાં લઈ જઈને મફતમાં નાસ્તો કરાવવો, કોલેજ બિલ્ડિંગ પર ચિતરામણ કરવું વગેરે ચાલ્યા જ કરે. યુનિવર્સિટી સત્તાધીશો તરફથી આ પ્રકારની છૂટ આપવા પાછળનું કારણ કોઈને એવું લાગે કે આજના યુગના તોફાની વિદ્યાર્થીઓને કાબૂમાં કરવાનું ગજુ કોઈ પ્રાધ્યાપકનું કે કોઈ યુનિ. સત્તાધીશનું નથી. પરંતુ હકીકત એ છે કે આ વિદ્યાર્થીઓને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા છે અને આવું કરવા પાછળ પ્રાધ્યાપકો તેમજ યુનિ. સત્તાધીશોની કંઈ પણ કામ ન કરતા માત્ર પગાર લેવાની ભાવના જ કામ કરે છે.

આપણે જાણીએ છીએ કે વડોદરામાં દસકાઓથી સરદાર ભુવનના ખાંચામાં પેરેલલ કોમર્સ ફેકલ્ટી ચાલે છે. ડોક્ટરી કે ઈજનેરી કોલેજની વાત નથી પરંતુ સાયંસ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓ ટ્યુશનના આધારે પાસ થાય છે. આર્ટ્સની તો વાત શું કરવી ! માટે આ ત્રણ કોલેજીસમાં વર્ગશિક્ષણ નહિવત છે. હમણા છાપામાં આ બાબત ચમકી એટલે યુનિ. સત્તાધીશોએ જાણે કે માફીયાગીરી જ આદરી ! તેઓએ વિદ્યાર્થીઓની હાજરી લેવાનું નાટક શરૂ કર્યું. એ મંદબુદ્ધિઓને જાણ છે ખરી કે જેટલી સંખ્યામાં તેઓ એડમિશન આપે છે તેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં હાજરી આપે તો તેઓને બેસાડવા જેટલી ક્ષમતા યુનિ.ના કોઈ વર્ગખંડમાં કે કોઈ બિલ્ડિંગમાં નથી. સવાલ છે પ્રાધ્યાપકોની નિયમિત રીતે વર્ગો લેવાની ભાવનાનો, નહિ કે વિદ્યાર્થીઓની અભ્યાસને લગતી ગંભીરતાને તપાસવાનો ! આળસુ, ડફોળ કે બાપના પૈસે તાગડધિન્ના કરતા મવાલીછાપ છોકરાઓને બળજબરીપૂર્વક વર્ગમાં હાજર રાખો તો શું તેઓ અભ્યાસપ્રિય વિદ્યાર્થીઓને શાંતિથી અભ્યાસ કરવા દેશે ખરા? ત્રણસો વિદ્યાર્થીઓનો વર્ગ સંભાળી શકે એવી ઓડીયો સુવિધા, તેઓને શાંત રાખવાની ક્ષમતા પ્રાધ્યાપકમાં છે ખરી ? વર્ગ દીઠ ત્રણસો વિદ્યાર્થીઓની હાજરી લેવામાં કેટલો સમય બરબાદ થાય ? પછી પ્રાધ્યાપક લેક્ચર ક્યારે આપે અથવા લેક્ચર આપવા એ ફ્રેશ રહે ખરા ? મંદમતિ સત્તાધીશોને એટલી પણ ખબર નથી પડતી કે પ્રાધ્યાપક નિયમિત વર્ગો લે તો જેને ખરેખર ભણવું છે એવા માત્ર અભ્યાસુ વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રાપ્તિનો લાભ મળે અને તેઓને ટ્યુશન પર આધાર રાખવો ન પડે. એમાં તમામ વિદ્યાર્થીઓની હાજરી લેવાનું નાટક કરવાની શું જરૂર હતી?

એ મૂઢમતિઓને જાણ છે ખરી, કે શાળામાં ‘શીખવાડવા’માં આવે છે(ટુ ટીચ એવરીથિંગ), કોલેજમાં માત્ર ‘લેક્ચર આપવા’માં આવે છે (નોટ ટુ ટીચ એનીથિંગ). એ બન્નેમાં પાયાનો તફાવત એ છે કે શાળાના વિદ્યાર્થીમાં પોતાના હિત વિશે વિચારવાની ક્ષમતા કેળવાઈ નથી એવું માની લેવામાં આવે છે અને કોલેજનો વિદ્યાર્થી મેચ્યોર છે, પોતાનું હિત બરાબર સમજે છે એ સ્વીકારીને ચાલવામાં આવે છે. વિદ્યાર્થી હાજર રહે કે ના રહે, તેઓની સંખ્યા ચાર હોય કે ચાલીસ હોય, પ્રાધ્યાપક પગાર લે છે એટલે એની ફરજ છે કે એના સમયે એ વર્ગમાં હાજર હોવો જ જોઈએ. તમારે હાજરી લેવી હોય તો સાથે-સાથે વિદ્યાર્થીઓનો યુનિફોર્મ પણ નક્કી કરો, સવારે તેઓ પાસે પ્રાર્થના અને સાંજે રાષ્ટ્રગીત ગવડાવો !?! વિદ્યાર્થીનેતાઓ પણ વિઝન વિનાના છે. નવાઈ લાગે છે કે તેઓ પાસે યુનિવર્સિટીના આ નિર્ણયને બાલીશ ઠરાવવાની અને ગેરહાજર વિદ્યાર્થીઓમાં પ્રિય થવાની આટલી સરળ તક પ્રાપ્ત થઈ હતી, છતાં તેઓ યુનિ. સત્તાધીશોના તદ્દન ખોટા અને ગેરવ્યાજબી નિર્ણયને તાબે થઈ ગયા ! વિદ્યાર્થીનેતાઓ ગુંડાગીરી કરવામાં જેટલા પાવરધા છે તેટલા જ બુદ્ધિની લડાઈમાં તેઓ બાલીશ સાબિત થયા છે !

ગુજરાતની મહત્વની યુનિવર્સિટીઓની મારી મુલાકાત દરમિયાન મેં અનુભવ્યું છે કે આ પ્રાધ્યાપકો વર્ષ દરમિયાન શું કરે છે? બે મહિનાના બે મોટા વેકેશનો, કોઈ યુનિવર્સિટીમાં છેક સપ્ટેમ્બરથી તો કોઈમાં જુલાઈ-ઓગષ્ટથી અભ્યાસકાર્ય શરૂ થાય. ધાર્મિક તેમજ કૌટુમ્બિક તહેવારો આવે એટલે વિદ્યાર્થીઓ દ્વારા મિનિ વેકેશનો પડે. વર્ષભર કોલેજમાં વિદ્યાર્થીઓની સો દિવસ પણ હાજરી ન હોય ! વર્ગખંડમાં કામકાજના દિવસોની તો વાત જ નહિ પૂછવાની. કોલેજમાં જનારા વિદ્યાર્થીઓ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયા હોવાથી તેઓ અન્યત્ર વ્યસ્ત રહેવાના. ચુટણીના દિવસો, ફનફેરના દિવસો, મ્યુઝિકલ વીક, સ્પોર્ટ્સ વીક, વિવિધ ડેઝની ઉજવણીઓ દરમિયાન શિક્ષણકાર્ય ઠપ્પ જ સમજવાનું.

કોલેજમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી દરમિયાન પણ પ્રાધ્યાપકોએ સતત અભ્યાસશીલ રહેવા માટે સૌથી મહત્વની વાત એ કરવાની છે કે તેઓ દ્વારા કોલેજના એફ.વાય., એસ.વાય., ટી.વાય.ના અભ્યાસક્રમો સતત અપડેટ થયા કરવા જોઈએ. યુ.જી.સી. આ બાબત પર સતત ભાર મુકે છે જેની અવગણના મોટા ભાગની યુનિવર્સિટીઓ કરતી આવી છે. કારણ કામચોરી. અભ્યાસક્રમ બદલવા માટે વિશ્વભરની યુનિવર્સિટીઓ દ્વારા થઈ રહેલા સંશોધનોના આધારે યુ.જી.સી.એ બહાર પાડેલા લેઈટેસ્ટ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવો પડે, એને લગતી ટેક્સ્ટ બુક્સ, રેફરંસ બુક્સનો અભ્યાસ કરવો પડે, બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યોની મિટિંગ બોલાવવી પડે, ગુજરાતભરના પ્રોફેસર્સ બધા સાહિત્યનો અભ્યાસ કરે ત્યારબાદ નવો અભ્યાસક્રમ ઘડવામાં આવે, નવા ચેપ્ટર ઉપરાંત ચેપ્ટરવાઈઝ ટોપિક્સ, જે-તે માધ્યમમાં અભ્યાસક્રમને લગતી બુક્સનો અનુવાદ વગેરે કામ પ્રાધ્યાપકોને સતત અપડેટ રાખે છે અને આ પરસેવો પાડવાની મહેનત યુ.જી.સી. દ્વારા અપેક્ષિત છે, જે કરવાની તૈયારી કોઈ પ્રાધ્યાપકની નથી. અરે, ત્રીસથી વધુ વર્ષની નોકરી દરમિયાન એક પુસ્તક તો જવા દો, હરામ જો 20%થી વધુ પ્રાધ્યાપકોએ એક પણ સંશોધન લેખ લખ્યો હોય તો ! બાર વાગે કોલેજમાં આવવું, છાપામાં આવેલી ગુનાખોરીની ઘટનાઓની, શેરબજારના ભાવોની વધઘટની રસપૂર્વક ચર્ચા કરવી, ચા-નાસ્તો કરવો અને ત્રણ-ચાર વાગે ઘરે જવું.

વિદ્યાર્થીઓને પણ અભ્યાસક્રમ ન બદલાય એમાં જ રસ છે કારણ કે આખું વર્ષ કોલેજમાં આવવાનું પણ વર્ગમાં હાજરી આપ્યા વિના જુની નોટ્સ વાંચીને અથવા એમાંથી કાપલી કરીને પાસ થઈ જવાનું ! આ રીતે ગ્રેજ્યુએટ થયેલા હજારો યુવાનો બેકાર ફરે છે. સીધી વાત છે, સોળમી સદીના અભ્યાસક્રમો આજના યુગમાં આઉટડેટેડ હોવાથી એ શીખીને બહાર પડતા યુવાનો સમાજ માટે કોઈ કામના નથી હોતા. એંજિનિયર થયેલો યુવાન કોઈ ગેરેજમાં મીકેનિક કે ફોરમેનની તો વાત જવા દો, નાના કારીગર જેટલું પણ જ્ઞાન ધરાવતો નથી હોતો. એ જ રીતે ભારતમાં પ્રથમ પચાસમાં આવેલો ચાર્ટર્ડ એકાઉંટંટ કોઈ દુકાનદારની જુની દેશી નામા પદ્ધતિ કે નવી નામા પદ્ધતિને સમજી શકવા માટે અસમર્થ હોય છે. તમામ ગ્રેજ્યુએટ્સને વધારાના બે વર્ષ ફિલ્ડમાં જઈને તાલીમ લેવામાં પસાર કરવા જ પડે છે આથી સાબિત થાય છે કે તેઓને સાચું શિક્ષણ કોલેજમાં નહિ પરંતુ સમાજમાંથી પ્રાપ્ત થાય છે.

યુનિવર્સિટીના સંચાલક મંડળો શું કરે છે ? વર્ષમાં બે વાર વિદેશ ટૂર કરીને ઈંગલેંડ-અમેરિકામાં વસતા વતનના જ્ઞાતિજનોને મળીને વતન માટે, જ્ઞાતિના સંગઠનને મજબૂત કરવાના મુદ્દે, યુનિવર્સિટીના વિકાસ હેતુ લાખો ડોલર્સનું દાન ઉઘરાવી લાવે છે. વતનમાં વસતા ગરીબ ખેડૂતની જમીન એની પાસેથી 40 રુપિયે ગુંઠાના ભાવે ખરીદીને પોતાના જ મંડળને 40,000 રુપિયે ગુંઠાના ભાવે વેચે છે અને એ રીતે દાનમાં આવેલા લાખો ડોલર્સ સંચાલકોના ખિસ્સામાં જાય છે. આ સંચાલકો ચાલાકી વાપરીને મંડળને હંમેશા દેવાદાર તેમજ અઢળક રુપિયાનું વ્યાજ ચુકવતુ બતાવે છે જેથી બીજો કોઈ જ્ઞાતિજન મંડળનો હોદ્દેદાર બનવાનો ઉત્સાહ ન રાખે. નવા નગરની રચના કરીને પચાસ જેટલી સેલ્ફફાયનાંસ વિદ્યાકીય સંસ્થાઓ રાતોરાત ઉભી કરીને વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી ઉઘરાવી લેવાય છે. વિશાળ ઈંફ્રાસ્ટ્રક્ચર તો હોય છે પરંતુ જે-તે અભ્યાસક્રમનું જ્ઞાન પીરસવા માટે કોઈ યુનિવર્સલ તજ્જ્ઞ ફેકલ્ટીને હેડ ઓફ ધ ડીપાર્ટમેંટ તરીકે એપોઈંટ કરવાને બદલે સગાવાદ નિભાવાય છે. અન્ય પ્રાધ્યાપકોને કાયમી નિમણૂંક આપવાને બદલે તદ્દન હંગામી ધોરણે 150 રુપિયા (આદિવાસી મજૂરની રોજી જેટલા) પ્રતિદિન લેખે વેતન આપીને તેઓનું અત્યંત શોષણ કરાય છે. લાયકાત વિનાના સગાઓની કાયમી પ્રાધ્યાપક તરીકેની નિમણૂંકોને કારણે તેઓની સંસ્થા વિશ્વ કક્ષાએ તો નહિ પરંતુ જિલ્લા કક્ષાએ પણ નામ કરવાને બદલે ખાલી ડબ્બા જેવી જણાતી હોય છે. એના સંચાલકનો ઈતિહાસ તપાસો તો શક્ય છે કે ઈલેક્ટ્રિકલ ઈજનેર તરીકે જી.ઈ.બી.માં ભ્રષ્ટાચાર કરતા પકડાતા સસ્પેંડ યા ડીસમિસ થઈને મંડળના સંચાલક થઈ ગયા હોય. આજે તો દાઢી-જટા વધારનાર કોઈને પણ મહાન ગણવામાં આવે છે. પરંતુ સંચાલકને અચાનક દાઢી-જટા વધારવાની જરૂર શા માટે પડે છે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: