વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પેટ ગડબડ

તમારું પેટ સાફ નથી આવતું ? એટલે કે સવારે ખુલાસો બરાબર નથી થતો ? જાજરૂમાં ઘણો સમય બેસી રહેવું પડે છે ? એનું શું કારણ ? એનું શું નિવારણ ? શું તમે જાણો છો કે તમારું શરીર એક આજ્ઞાંકિત વિદ્યાર્થી કે કહ્યાગરા કર્મચારીની જેમ વર્તે છે ? એટલે કે આજે સવારે 7:00 કલાકે તમે ચા પીધી હોય તો બરાબર ચોવીસ કલાક બાદ બીજા દિવસે સવારે એ જ સમયે એ તમને યાદ દેવડાવશે કે ચાનો સમય થયો, શરીરને ચા આપો. જો તમે સવારે 9:00 કલાકે નાસ્તો કર્યો હોય તો બીજા દિવસે એ સમયે શરીર નાસ્તાની માગણી કરશે. એવું જ બપોરના તેમજ રાત્રીના ભોજનની બાબતમાં તેમજ સાંજના નાસ્તાની બાબતમાં છે. થાય છે શું કે તમારું દૈનિક રૂટિન રોજેરોજ બદલાય છે. તમારો નાસ્તાનો તેમજ ભોજનનો સમય જળવાતો નથી. એમાંથી બધી ગડબડ ઊભી થાય છે.

દા.ત. આજે તમે બપોરે 12:00 કલાકે જમ્યા. આથી બીજા દિવસે એ જ સમયે તમને ભૂખ લાગશે. પરંતુ કોઈ કારણસર તમે બીજા દિવસે સવારે 10:00 કલાકે જમી લો છો. તે સમયે તમને ભુખ લાગી હોતી નથી. એટલે કે પેટમાં આંતરડામાં ખોરાકને પચાવવા માટે એસિડયુક્ત ગરમાગરમ પાચક રસ ઝરે છે એ હાલ ઝર્યો નથી. છતાં તમે ખોરાક પેટમાં નાંખો છો તેથી એ પચ્યા વિના પડ્યો રહે છે. આ ન પચેલા ખોરાકમાંથી કબજિયાત થાય છે. હવે ધારો કે 12:00 કલાકે જમનારા તમે ભુખ લાગી હોવા છતાં કોઈ કામમાં વ્યસ્ત હોવાથી બપોરે 2:00 કલાક સુધી જમતા નથી. આથી 12:00 કલાકે આંતરડામાં ઝરેલો પાચક રસ ખોરાકના અભાવમાં આંતરડાની દિવાલોને દઝાડે છે, એમાં ચાંદા પાડી દે છે. એમનો એમ પડી રહેલો એસિડયુક્ત પાચકરસ એસિડિટી કરે છે. આમ ભુખ લાગ્યા પહેલા જમવાથી કબજિયાત અને મોડા જમવાથી તમે એસિડિટીના ભોગ બનો છો. જેનું પરિણામ તમને બીજા દિવસે સવારે જાજરૂ જતી વખતે જોવા મળે છે.

શારીરિક બેચેની અને તેનાથી થનારી માનસિક બેચેનીના કારણે તમે તમારું કામ સ્વસ્થતાપૂર્વક કરી શકતા નથી. જેની ખરાબ અસર છેવટે તો તમે જે કંપનીમાં કે ઑફિસમાં કામ કરતા હો એની પ્રગતિ પર જ પડે છે. આથી તમારી કંપનીએ કર્મચારીના રૂટીનનો વિચાર કરીને સમયસર પુરું થઈ શકે એ રીતે કામ આપવું જોઈએ. અને કર્મચારીઓ કે અધિકારીઓએ પોતાના અંગત કામો અને ઑફિસના કામોનું આયોજન એવું કરવું જોઈએ કે જેથી તેઓનું રૂટીન ખોરવાય નહિ. ઑફિસમાં મિત્રો અચાનક કોઈ વાત પર ખુશ થઈને નાસ્તો મંગાવે એટલે એમાં જોડાવું પડે. ઘરે અચાનક મહેમાન આવી જાય તો એમને સાથ આપવા તમારે પણ ક-મને એમની સાથે નાસ્તો કરવા જોડાવું પડે. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય આથી પણ રૂટીન ખોરવાય. આ બધામાંથી બચી શકાતું નથી કારણ કે તમે સામાજિક છો. શું કરી શકાય ?

તમે બધાની સાથે નાસ્તામાં જોડાયા હોવાનું નાટક કરી શકો. એટલે કે નાસ્તાની વ્યવસ્થાનું કામ સંભાળી લો, વાચાળ બનીને વધુ વાતો કરીને બધાને હસાવવા-આનન્દમાં રાખવાનું કામ કરો. વચ્ચે-વચ્ચે તમે એકાદ ભજીયું મોઢામાં મુકવાનું નાટક કરી શકો. ડાયેટિંગ પર છો એમ જણાવીને એ સમયે ઉપલબ્ધ ન હોય એવી વાનગીની ફરમાઈશ કરી શકો. આવેલ નાસ્તાની એલર્જી છે એમ પણ જણાવી શકો. ‘આજે તબિયત સારી નથી’ એમ જણાવીને નાસ્તો ટાળી શકો. કોઈ જ્યુસ કે ફળની ડીશ અથવા છાશ મંગાવીને પી શકો. ઘણા રસ્તા છે એમાંથી બચવાના. પરંતુ થાય છે શું કે મનજીભાઈ માનતા નથી. એટલે કે રસાસ્વાદ માણવાની ઈચ્છા થઈ જ જાય છે અને ખાધા વિના રહેવાતું નથી. તો પછી પરિણામ ભોગવ્યા વિના છુટકો નથી.

મનુસ્મૃતિમાં કહ્યું છે કે માણસને ઉપયોગી શિક્ષણ આપવું જોઈએ. ઘણાને તો એટલી પણ ખબર હોતી નથી કે જાજરૂ કેવી રીતે જવું ? મોટી ઉમ્મરના અને ઘુંટણના દુ:ખાવાની તકલીફ હોય એવા વડીલો માટે ખુરશી જેવી બેઠક ધરાવતા કમોડ જાજરૂમાં ફીટ કરી શકાય. પરંતુ બાળકો, યુવાનો તેમજ પ્રૌઢોએ તો જાજરૂમાં પગ પર ભાર આવે એ રીતે બેસવાના કમોડ પર બેસવું જોઈએ. એનાથી ઘુંટણનો ભાગ પેટના ભાગે દબાણ કરે છે અને આંતરડા પર પ્રેશર આવવાથી મળનિકાલની ક્રિયા સરળ બને છે. પેટ સાફ ન આવતું હોવાને કારણે ઘણાં તો બેઠા-બેઠા મુખથી આંતરડા સુધી જોર મારે છે. તમે વિચારો. ગળામાં છાતી સુધી કફ ભરાયો હોય અને સહેલાઈથી નીકળતો ન હોય તો તમે શું કરો છો ? મુખમાં એક અથવા બે આંગળી નાંખીને એને ગળાની અંદર ઊંડે સુધી આવન-જાવન કરાવો છે એનાથી ઉબકા સાથે કફ બહાર આવી જાય છે. બરાબર એવું જ મળનિકાલ માટે કરવાનું છે. ડાબા હાથની પહેલી આંગળી ભીની કરીને એનો ઉપરનો અડધો ઈંચ જેટલો ભાગ ગુદાના ભાગેથી હળવે-હળવે મળદ્વારની અંદર લઈ જાઓ. એનાથી આંતરડાનો સંકોચાયેલો ભાગ અંદરથી પહોળો થઈ જશે અને મળ સહેલાઈથી બહાર આવી જશે. મળ હજુ હઠીલો હોય અને બહાર ન આવે તો આંગળી વારંવાર અંદર-બહાર લઈ જાઓ અથવા એક આંગળી અને અંગુઠા વચ્ચે ન્હાવાના સાબુની એક ઈંચ લાંબી પાતળી કટકી પકડીને મળદ્વારની અંદર સરકાવી દો. થોડી વારમાં તમે જરૂર તમે સફળ થશો.

ટોયલેટ જઈ આવ્યા બાદ ભણેલા લોકો સાબુથી અથવા લિક્વિડ સોપથી હાથ ધુએ છે. સારુ એવું ફીણ થાય અને હાથ ધોયા બાદ સુગન્ધ આવે એટલે તેઓ માની લે કે હાથ ચોખ્ખા થઈ ગયા. પરંતુ એ ભ્રમ છે. મળના જીવાણુઓ ચીકણા હોય છે અને સાબુ પણ ચીકાશયુક્ત હોય છે. ચીકાશથી ચીકાશ જાય નહિ. માટે જાજરૂ ગયા બાદ લાકડાની અથવા કોલસાની રાખથી અથવા કોરી ચાળેલી માટીથી હાથ ધોવા જોઈએ. કરકરી માટી અથવા રાખ મળના જીવાણુઓને સાફ કરી નાંખે છે.

યાદ રાખવા જેવી વાત એ છે કે તમારું શરીર બહારના તાપમાનને અનુસાર અંદરનું તાપમાન જાળવવાની કોશિશ કરે છે. આથી જ્યારે પણ તમે ઠંડા પીણા કે આઈસક્રીમ જેવી ઠંડી ચીજો ખાઓ-પીવો છો ત્યારે તાપમાન જાળવવામાં શરીરને ખુબ તકલીફ પડે છે. વળી ઠંડા પીણામાં સોડા પાચક દ્રવ્ય તરીકે કામ કરે છે. એક વાર એનાથી ખોરાક પચાવવાની શરીરને ટેવ પડી ગયા બાદ કુદરતી રીતે શરીરમાં ખોરાક પચવાનું બંધ થઈ જાય છે. આ બાબતને કોઈ ધ્યાન પર લેતું નથી જ. તળેલા લીલા મરચાનો સ્વાદ માણવાનું છુટતું નથી પછી ભલે ને એક વાર તો શું બે-ત્રણ વાર ગુદાના ભાગે હરસ-મસા-ભગંદર-ફીશર જેવી બિમારીઓના ઈલાજ માટે ઓપરેશનો કરાવ્યા હોય ! ચરક અને શુશ્રુત જેવા આયુર્વેદના મહાન ઋષિઓએ આરોગ્યને લગતા ગ્રંથો લખ્યા અને પ્રકાશીત કર્યા ત્યારે ભારતના વૈદ્યરાજોએ એ ઋષિઓને જણાવ્યું કે ‘પ્રભુ આપે માનવસેવાનું મહાન કાર્ય કર્યું છે. હવે કોઈ માણસનો રોગ ટકશે નહિ. પરંતુ પ્રભુ અમારી આજીવિકાનું શું ? કોઈની તબિયત બગડશે નહિ તો અમારી પાસે રોગની ફરિયાદ લઈને આવશે કોણ ?’ ત્યારે મંદ-મંદ હસતા ઋષિઓએ કહ્યું, એની ચિંતા તમે કરશો નહિ કારણ કે આ ગ્રંથોમાં ઈન્દ્રિય સંયમની, સ્વાદ પર કાબુ રાખવાની જે વાતો કરી છે એને ભાગ્યે જ કોઈ પાળશે. માટે જ્ઞાન ઉપલબ્ધ હોવા છતાં એને જીવનમાં-આચરણમાં લાવનારા વિરલાઓ કોઈક જ હશે. માટે રોગિષ્ટ મનુષ્યો તો સમાજમાં હંમેશા રહેવાના જ ! તમારી આજીવિકાને કોઈ વાંધો નહિ આવે.’

પાચકશક્તિ મંદ હોય એવા માણસોએ ફરસાણ-મિઠાઈની પરેજી પાળવી જોઈએ, આ વાત કોણ માનશે ? બુદ્ધિજીવી તેમજ ધનવાન વર્ગે ચાલીસની ઉમ્મર વટાવ્યા બાદ રાત્રે અન્નાહાર ત્યજવો જોઈએ, કોઈ માનશે? સૂર્યાસ્ત બાદ બહુ મોડુ જમવું ન જોઈએ. પરસેવો પડે એવો શારીરિક શ્રમ દરરોજ જરૂરી છે. વિરુદ્ધ આહાર જેવા કે ગળ્યું-ખાટું (ડુંગળી-દૂધ, અથાણું-દૂધ, ખાટા ફળો-દૂધ વગેરે) એક સાથે ન જમવા જોઈએ. વહેલા સૂઈને વહેલા ઉઠવું, બપોરે ન ઊંઘવું વગેરેનું ધ્યાન કોઈ રાખે છે ? પેટ સાફ આવવાના અન્ય ઉપચારો જેવા કે રાત્રે સુતા પહેલા દિવેલમાં શેકેલી હરડે પાવડરનું ચુર્ણ અથવા કાયમ ચુર્ણ કે ત્રિફલા ચુર્ણ વગેરે તો લોકો લેતા જ હોય છે. અતિ મહત્વનો મુદ્દો એ છે કે નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારોના આહારમાં સલાડ અને ફળોની ગેરહાજરી હોય છે. ફળ તેમજ શાકભાજીના ભાવ સાંભળીને એને ખરીદવાની વાતથી તેઓ ખુબ ગભરાઈ જાય છે. પરંતુ આરોગ્ય અંગે સભાનતા ન હોવાથી તેઓ આવું કરે છે. આયુર્વેદિક ચુર્ણ સસ્તા નથી હોતા. ડોક્ટરની દવાઓ પણ મોંઘી હોય છે. વારે-વારે માંદા પડીને તેઓ ડોક્ટર્સના બિલ ચુકવશે પરંતુ એવા ખર્ચની સરખામણીમાં નહિવત કહી શકાય એટલો ખર્ચ ફળ-સલાડ પાછળ થતો હોવા છતાં સમજણના અભાવે એને અપનાવવાથી તેઓ દૂર રહે છે.

વાસ્તવમાં સલાડ અને થોડા ફળો ખાવાથી ઉત્તમ સ્વાદનો અનુભવ થાય છે, શ્રેષ્ઠ કક્ષાની પૌષ્ટિકતા મળે છે અને રોગ શરીરમાં આવતો જ નથી. ગાજર, ટામેટા અને કાકડી જેવા સલાડ કોને ન ભાવે ? વળી દ્રાક્ષ, તરબૂચ, નારંગી, ચીકૂ, જામફળ, સીતાફળ, અનનાસ, જામ્બુ, સાકરટેટી વગેરે ફળો ખાવા જ જોઈએ. સલાડ અથવા ફળો ભોજનની સાથે નહિ પરંતુ સાંજના નાસ્તાની અવેજીમાં એકલા જ ખાવા જોઈએ. આમ કરવાથી પેટ ખુબ સાફ આવે છે. પાચનની કોઈ તકલીફ રહેતી જ નથી. રોજ માત્ર ત્રણ નંગ પૂરતા છે. ત્રણ ટામેટા, અથવા બે ગાજર અથવા એક કાકડી અને એક ટામેટુ, નહિ તો બે નારંગી એમ કોઈ વાર સલાડ તો કોઈ વાર ફળ એમ લેવા જોઈએ. બન્ને સાથે ન લો તો પણ ચાલે. સાચા ડોક્ટરે દર્દીને સલાડ અને ફળ ખાવાની સલાહ સૌપ્રથમ આપવી જોઈએ. એ બન્નેને દવાના કાગળ પર પ્રીસ્ક્રાઈબ કરવા જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે ‘એન એપલ અ ડે, કીપ ધ ડોક્ટર અવે.’ આથી તેઓને તો તમે શહેરના દરેક ચાર રસ્તે ઉભેલી ઉકરડાની નિશાની સમી નાસ્તાની લારીઓ પર, રસ્તે પડેલી પશુની લાશ પર માખીઓ બણબણે એ રીતે બણબણ કરતા ઊભા રહીને નાસ્તો કરો અને માંદા પડીને એમના બિલો ચુકવો એમાં વધુ રસ હોય છે. શું તમે કોઈ ડોક્ટરને દર્દીને સલાહ આપતા જોયા કે ‘લારી પરનું ન ખાવું જોઈએ, સલાડ અને ફળો ખાઓ ?’

લાગણીથી વિચારતો હતો ત્યારે એવું લાગતું કે ઘરના બધા સભ્યો લગ્ન જેવા સામાજિક પ્રસંગે બહારગામ જતા હોય ત્યારે હાલી-ચાલી ન શકાય એવા વડીલોનો શું વાંકગુનો કે તેઓને સાથે લઈ જવાને બદલે ઘરે રાખીને બધા જાય છે ? પરંતુ બુદ્ધિથી વિચારતા જણાય છે કે અસંખ્ય લગ્નો જોઈ લીધા બાદ એકનો એક બીબાઢાળ ક્રમ જોયા બાદ વડીલોની રસાસ્વાદની, સામાજિક મેળ-મળાવની ઈચ્છા શા માટે મંદ નહિ પડતી હોય ? શરીર જરાય સાથ ન આપતું હોવા છતાં, બે-ચાર યુવાન હૈયાઓને પ્રસંગ માણવા દેવાને બદલે પોતાની સેવામાં વ્યસ્ત રાખતા અને પ્રસંગમાં મ્હાલતા આ વડીલો શું સાબિત કરવા માગે છે ? શારીરિક મુશ્કેલીઓ વેઠીને પણ પ્રસંગોમાં હાજર રહેતા અને મસાલાયુક્ત તીખો-તમતમતો, ચરબીયુક્ત ગળ્યો ખોરાક આરોગતા વડીલો પોતાની તબિયતની સાથે ઘરના સભ્યોની શાંતિ હણી નાંખતા હોય છે. આરોગ્ય અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે, રૂટીન જાળવવાની જરૂર છે અને સંયમથી વર્તવાની જરૂર છે. કહેવાયું છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા (સ્વાસ્થ્ય), બીજું સુખ તે કોઠીએ જાર(આખા વર્ષ માટે ભરેલું અનાજ). ત્રીજું સુખ તે સંસ્કારી છોકરા ને ચોથું સુખ તે કહ્યાગરી નાર !

Advertisements

Comments on: "પેટ ગડબડ" (1)

  1. Chirag Parihar said:

    Respected Sir, I like this artical’s subject of PET GADBAD. Sir i request to u i want this artical’s hard copy printout. Plz Help me Sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: