વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

1 સ્વેટર

સ્વેટર એટલે પરસેવો કરનાર. સ્વેટ એટલે પરસેવો. શિયાળામાં આપણે જે સ્વેટર પહેરીએ છીએ એ શરીરને હૂંફ આપે છે પરંતુ પરસેવો નથી કરતું. માટે હવે સ્વેટરના બદલે બોડી વૉર્મર એવો શબ્દપ્રયોગ થાય છે. એ સ્વેટર ઉનાળામાં પહેરીએ તો જ પરસેવો થાય. પરંતુ સ્વેટર ઉનાળામાં પહેરવાનું શા માટે ?

2 વેઈટર

વેઈટર એટલે જે વેઈટ કરે તે – જે રાહ જુએ તે. ભૂતકાળમાં હોટેલ/રેસ્ટોરંટમાં ગ્રાહકોના આવવાની રાહ જોવાતી હશે ? કે પછી ક્યારે ટેબલ પરથી ગ્રાહક ઉઠે અને બીજા ગ્રાહકને જમવાનો મોકો મળે એની રાહ જોવામાં આવતી હશે ? ખરેખર તો ગ્રાહક ફ્રેશ થવા માટે આવે છે અને અંદરોઅંદર હસી-મજાક કરીને હળવા થાય છે. તેઓ ક્યારે વાનગીનો ઑર્ડર આપે એ માટે નોકરે રાહ જોવાની હોય છે માટે એને વેઈટર કહેવામાં આવે છે.

‘રેસ્ટ ટુ રન’ માંથી શબ્દ બન્યો હશે: રેસ્ટોરંટ. વધુ દોડવા માટે થોડો આરામ કરવો એટલે ‘રેસ્ટ ટુ રન.’ કામ કરતા-કરતા થાકી જઈએ એટલે થોડો સમય આરામ કર્યા બાદ ફરીથી કામે ચઢતા પહેલા ચા-પાણી-નાસ્તો કરવો અને એ માટે ઓર્ડરની જે રાહ જુએ એ વેઈટર.

3 મહેરબાની

મહેરબાની એટલે મહેર + બાની એટલે કે મહેર માગતી વાણી અથવા મહેર દ્વારા ઉચ્ચારાયેલી વાણી. મહેર શબ્દનો અર્થ થાય છે: દયા, કૃપા, ઉપકાર વગેરે. પોતાના પર દયા, કૃપા કે ઉપકાર કરવા માટે જે વાણી ઉચ્ચારવામાં આવે છે અને એના પ્રતિભાવમાં જે દયા, કૃપા કે ઉપકાર કરવામાં આવે છે તેને મહેરબાની કહી શકાય.

હિન્દુ સમાજમાં ‘મહેર’ નામની એક જ્ઞાતિ પણ છે. ભૂતકાળમાં અંગ્રેજો તેમજ સવર્ણોએ એ જ્ઞાતિનું અપાર શોષણ કર્યું હતું આથી એ જ્ઞાતિની સામાજિક સ્થિતિ અત્યંત દયાપાત્ર હતી. સંવેદનશીલ માનવસમૂહને આ જ્ઞાતિને થયેલા અન્યાય બદલ એના પ્રત્યે દયા, કૃપા વરસાવવાની ઈચ્છા થઈ તેથી આ શબ્દોનો એક સામુહિક અર્થ મહેર થયો હોઈ શકે. પોતાના પર જુલ્મો ન વરસાવવા માટે મહેર જ્ઞાતિ અંગ્રેજો કે સવર્ણો સમક્ષ જે આજીજીભરી વાણી ઉચ્ચારતી તે એટલે મહેરબાની. આજે પણ મહેરબાની માગતી વ્યક્તિની વાણી દયામણી, ઢીલીઢાલી જ હોય છે ને: ‘મા-બાપ માફ કરો, દયા કરો. આપની આટલી મહેરબાની . . .’ વગેરે.

4. નગરના અર્થો

‘વલસાડ’ શબ્દ સાંભળતા શું તમને એ ‘વરસાદ’ શબ્દનું અપભ્રંશ હોય એવું લાગે છે ? વરસાદ ખુબ પડતો હોય એવો ગુજરાતનો એક જિલ્લો વલસાડ છે. નવસારી – નવસાર એ રાસાયણિક પદાર્થ છે, જે સોનાને ચમકાવવાના કામમાં આવે છે. પારસ દેશથી આવેલી પ્રજા એટલે પારસી. પાટણ – વધુ પડતું જમવું એને ‘પાટવું’ કહેવાય છે. આ અર્થમાં પાટણ એટલે ખુબ ખાવું. પાટડી નામનો એક તાલુકો પણ સૌરાષ્ટ્રમાં છે. સુરત = ‘સુ’ એટલે સારી રીતે અને ‘રત’ એટલે વ્યસ્ત – વેલ બિઝી. હિન્દીમાં સુરત એટલે ચહેરો – એવો અર્થ થાય છે. વડોદરા એટલે વડ + ઉદર = જેના ઉદર પર (પેટ પર) વડના વૃક્ષો છે એવું નગર. ભવ એટલે ‘થવું’ અથવા ‘બનવું’ – આશીર્વાદ આપતી વખતે સૌભાગ્યવતી ભવ, આયુષ્યમાન ભવ એમ કહેવાય છે. ‘કંઈક બનવું છે’ એવી ઈચ્છાનું ક્ષેત્ર સાગર જેટલું વિશાળ છે તેથી સંસારને ભવસાગર કહેવાયો છે. ભાવ એટલે બીજો વ્યક્તિ સુખી થાય, મહાન થાય એવી ભાવના. આ ભાવના જ્યાં વધુ જોવા મળતી હોય એવું નગર એટલે ભાવનગર. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામડું છે જેનું નામ છે ‘આદરિયાણા’. અમેરિકાનું એક રાજ્ય છે ‘એડ્રિયાના’ બન્નેના સ્પેલિંગ લગભગ એક જ થાય છે. ADARIYANA – ADRIYANA. વઢવાણ – વઢવું એટલે કોઈને ઉગ્રતાથી કંઈક કહેવું – બે વ્યક્તિ વચ્ચેનો ઝઘડો એટલે વઢવાણ. સૌરાષ્ટ્રના એક નગરનું નામ વઢવાણ છે !

5. સર્જનનો અર્થ

સર્જનહારે તમામ પશુ-પક્ષીઓને એકસરખા રંગરૂપ અને આકારો આપ્યા છે પરંતુ ગાય, કૂતરા, બિલાડી ગધેડા જેવા પશુઓને અનેકરંગી બનાવ્યા છે. સિંહ, વાઘ, હરણ, ચિત્તા, રીંછ, ઝીબ્રા, જિરાફ, હિપ્પો, ગેંડો, ભેંસ, ભુંડ, ઊંટ, વગેરે પ્રાણીઓ ફોટોકોપી જેવા છે(રીંછ કાળા, છીકણી તેમજ સફેદ રંગના જોવા મળે છે પરંતુ જે-તે પ્રદેશમાં તેઓ એકસમાન રંગના હોય છે). સાથે-સાથે ચકલી, સમડી, કાગડો, ગીધ, ગરૂડ, કાબર, પોપટ, મોર, કબૂતર, પારેવા વગેરેના રંગરૂપ પણ એકસમાન છે. પક્ષીની કોઈ એવી જાત નથી જેમાં આવતા પક્ષીઓ જુદા-જુદા રંગના હોય. જીવજંતુઓમાં મધમાખી એકરંગી છે તો પતંગિયામાં સૌથી વધુ વેરાયટીઝ છે. સાપ, દેડકો વગેરે અનેકરંગી છે જ્યારે કાચિંડો, ગરોળી, નોળીયો, ખિસકોલી, કિડી, ભમરો વગેરે એક પ્રકારના રંગો ધરાવે છે. માણસ એકરંગી છે છતાં રીંછની જેમ કોઈ ધોળા, કોઈ ઘઉંવર્ણા તો કોઈ કાળા હોય છે. સૂર્યપ્રકાશની અસર માણસની ચામડી પર થાય છે એવી અન્ય જીવો પર કેમ થતી નથી ? રૂંવાટીના કારણે હશે કદાચ. આપણે માણસના ચહેરાની અલગતાને ઓળખી શકીએ છીએ પરંતુ ઊંટ, ભેંસ, ગાય, કે પછી ચકલી, મોર વગેરે પશુ-પક્ષીઓને અલગ-અલગ ઓળખી શકતા નથી. ભરવાડ તેમજ રબારી પોતાના પાળેલા પશુઓને જુદા-જુદા ઓળખી શકે છે. જે ગાય-ભેંસ પાળે તે ભરવાડ અને જે ઘેંટા-બકરા પાળે તે રબારી. શીખ સરદારજી ભાઈઓ માફ કરે પરંતુ એકસરખી પાઘડી તેમજ પીલ્લુ-લચ્છી-ગુચ્છો (માથે વાળ એટલે પીલ્લુ, મુછના વાળ એટલે લચ્છી અને દાઢીના વાળ એટલે ગુચ્છો) ધરાવતા હોવાને કારણે તેઓનો ચહેરો લગભગ ઢંકાયેલો હોવાથી અજાણ્યા સરદારજીઓને અલગ-અલગ ઓળખવા ક્યારેક મુશ્કેલ પડે છે. દૂરથી તેઓના ચહેરા પરના હાવભાવ (ફેસિયલ એક્સપ્રેસન) પણ જાણી શકાતા નથી. નેપાળી ગુરખાઓ પણ એકસમાન નાકનકશી ધરાવતા હોવાને કારણે એકસરખા ભાસે છે. ચીન તેમજ જાપાનના લોકોની બાબતમાં પણ એવું જ છે.

6. લોકશાહીનો અર્થ

રાજકીય પક્ષનો કોઈ ઉમેદવાર જે-તે પક્ષની ટિકીટ લઈને ચુંટાયા બાદ સરકાર રચવા માટે રુપિયા લઈને અન્ય પક્ષને ટેકો જાહેર કરે એને રાજકીય અનીતિ ગણવી જોઈએ અને એવા ઉમેદવારને રાજકારણના ક્ષેત્રમાં હંમેશને માટે ગેરલાયક ગણવો જોઈએ. એ જ રીતે ચુંટણી પૂર્વે જે રાજકીય પક્ષોએ એકબીજાની વિરુદ્ધ પ્રચાર કરીને પ્રજામત મેળવ્યો હોય એ જ પક્ષો સરકાર રચવા જોડાણની નીતિ અપનાવે એ પણ રાજકીય અનીતિ જ ગણાય – પ્રજાનો વિશ્વાસઘાત કર્યા બરાબર કહેવાય. દા.ત. કોઈ રાજ્યમાં ત્રણ પક્ષને 33-33 % સીટો મળી. એનો અર્થ એ થયો કે ત્રણેય પક્ષ શાસનનો સમાન હક્ક ધરાવે છે. હવે જો કોઈ બે પક્ષ ભેગા થઈને સરકાર રચે અને ત્રીજા પક્ષને સત્તાથી વંચિત રાખે તો જનતાની મરજી વિરુદ્ધ સરકાર રચાઈ ગણાય. મત આપી દીધા બાદ જનતા દખલઅંદાજી કરીને પોતાના મતનો દુરુપયોગ અટકાવી શકતી નથી. એને કાયદાની આંટીઘુંટી કહો કે પછી શાસકોની ચાલાકી ગણો. લોકશાહી શાસનપ્રણાલીમાં સામાન્ય માણસને મતાધિકાર આપવા જેવી મુર્ખતા બીજી કોઈ નથી. ચુંટણી દર પાંચ વર્ષે આવે છે. આથી કોઈ પણ ઉમેદવારને કે પક્ષને ચુંટનાર મતદાતા પાસે આવનારા પાંચ વર્ષ માટે દેશના ભવિષ્ય અંગે વિચારી શકવાની દૃષ્ટિ હોય એ જરૂરી છે. ભારતના અભણ, ગ્રામીણ માણસ પાસે પાંચ વર્ષની વાત જવા દો, પાંચ દિવસનું ટાઈમ મેનેજમેંટ પણ હોતું નથી. એને ડરાવીને , ધમકાવીને, શરમાવીને કે પછી થોડા ઘણા રુપિયા કે કોઈ ચીજ-વસ્તુ આપીને ખરીદી લેવામાં આવે છે. ત્યારે એના મતની કિંમત કેટલી ? જેના શબ્દની કિંમત હોય એને જ મતાધિકાર હોઈ શકે. કૃષ્ણના સમયમાં ગણરાજ્ય અથવા સંઘરાજ્ય પ્રકારની શાસનવ્યવસ્થા હતી. જેમાં અક્રુર, વસુદેવ વગેરે ચારિત્ર્યવાન સજ્જનોને જ મતાધિકાર હતો.

7. કંજુસાઈનો અર્થ

એક કંજૂસ પ્રોફેસર હતા. તેઓની પત્નીની સાડી ઘસાઈને જુની થઈ જાય એટલે એમાંથી ચાદર અને પોતાની લુંગી બનાવતા. ચાદર ઘસાઈ જાય એટલે એમાંથી શર્ટ અને લુંગીમાંથી ઓશિકાના કવર બનાવતા. છેલ્લે એનું મસોતું/પોતું બનાવતા. ઘરવાળી પિયર ગઈ હોય ત્યારે ભોજનાલયમાં જઈને થાળી જમવાને બદલે ફ્રીમાં થોડું શાક માંગી લેતા અને બ્રેડ ખરીદીને શાક સાથે ખાઈને પેટ ભરી લેતા. એક કંજૂસ કાકાએ પોતાના દિકરાઓને તેમજ વહુઓ તથા પૌત્રોને રસ્તા પરના ઝાડ પરથી ડાળખી પણ પડે તો દોડીને ઘરે લઈ આવવાનું શીખવ્યું હતું. એ જ કાકા ઘરમાં પલસી પડ્યા અને બ્રેઈન હેમરેજ થઈ જવાને કારણે કોમામાં જતા રહ્યા તો ઘરની વહુઓએ એક પણ દિવસની રાહ જોયા વિના કાકાના નાકમાંથી ઑક્સિજનની ટોટી કાઢી નાંખી. રોજેરોજના બળતણ પાછળ એક રુપિયો ન બગાડવાનું શીખવાડનાર કંજૂસ કાકાની સારવાર પાછળ હોસ્પીટલના રોજના પાંચ-દસ હજાર વહુ બગાડે ખરી ? રામ બોલો ભ’ઈ રામ.

8. શબ્દની કિંમતનો અર્થ

એક રજપૂત દરબારને રુપિયાની જરૂર પડી. તેઓ બજારમાં ગયા. એક શેઠની પેઢી જોઈ. મુનિમ ઊંધુ ઘાલીને ચોપડામાં હિસાબ લખી રહ્યો હતો. દરબારે શેઠને અને શેઠે દરબારને ‘રામ-રામ’ કર્યા. દરબારે કહ્યું, ‘શેઠ, લાખ રુપિયાની જરૂર છે.’ શેઠ કહે, ‘લઈ જાઓ રાજા.’ દરબાર કહે, ‘લાવો ત્યારે શેઠ.’ શેઠ કહે, ‘કઈ ચીજ પર રુપિયા લેવાના છે ?’ દરબાર: ‘શેઠ, પાસે કોઈ ઘરેણું નથી. પણ દરબારનું વચન છે, એક મહિનામાં તમારા રુપિયા દુધે ધોઈને પરત કરીશું.’ શેઠ કહે, ‘એમાં તો કોઈ શક નથી પરંતુ આ તો પરંપરા છે, તમારે કંઈ ને કંઈ તો ગીરવે મુકવું જ પડે !’ દરબાર: ‘એમ છે, તો લો શેઠ, આ અમારી મુછનો વાળ ને લાખ રુપિયા ગણી દો.’ દરબારે પોતાની મુછનો એક વાળ ખેંચીને શેઠને આપ્યો. એક મજૂર આ દૃશ્ય જોઈ ગયો. એણે અઠવાડિયા સુધી મુછના વાળ વધાર્યા અને પ્રભાવી દેખાવ કરીને એ શેઠ પાસે ગયો. દસ હજાર રુપિયા ઉછીના માગ્યા. કઈ ચીજ પર નાણા જોઈએ છે એવું પૂછતાં મજૂરે પોતાની મુછનો વાળ તોડીને શેઠને આપ્યો. શેઠને શક પડ્યો. એટલે એને ચકાસવા માટે શેઠે કહ્યું, ‘મુરબ્બી આ વાળ તો વાંકો છે.’ એટલે મજૂરે કહ્યું, ‘એમાં શું શેઠ, લો આ બીજો વાળ.’ એમ કહીને એણે બીજો વાળ ખેંચીને શેઠને આપ્યો. એટલે શેઠે એને પકડીને પોલીસને સોંપી દેતા મજૂરને કહ્યું, ‘તને તારા વાળની કોઈ કિંમત નથી અને મારી પાસેથી એના દસ હજાર રુપિયા જોઈએ છે !’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: