વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

2005માં ભારે વરસાદને કારણે આજવા સરોવરમાં પાણીએ ભયજનક સપાટી વટાવતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું. આખું વડોદરા જળબંબાકાર થઈ ગયું. અમારું ઘર વિશ્વામિત્રી નદીને કાંઠે જ આવેલું છે. સાંજે ચાર કલાકે ચાલીને ઘર માટે રોજિન્દી ચીજ-વસ્તુ લેવા નીકળ્યો. એક કલાક બાદ પરત ફર્યો તો ઘરે ન પહોંચી શક્યો. સાવ કોરો રસ્તો પળવારમાં ગળાડુબ પાણીના ધસમસતા પ્રવાહયુક્ત બની ગયો ને અચાનક મદદે આવી ચડેલા બે લબરમુછીયા યુવાનો મને પકડીને અડધો કિલોમીટર ચાલીને સેંટ્રલસ્કુલ સુધી લઈ આવ્યા, જ્યાં ડુબી જવાય એટલું પાણી અત્યંત વેગથી વહેતુ હતું. તરતા ન આવડતું હોવાથી મને છોડીને એ યુવાનો ચાલ્યા ગયા. પ્રસંગની ગંભીરતા ન સમજી શકનારા ત્રણ કિશોરો પાણીમાંથી બેફિકરાઈપૂર્વક નીકળવા જતા તણાઈને મૃત્યુ પામ્યા હતા. ઘર મારી નજર સામે જ હતું. છતાં વચ્ચેના પ્રવાહને કારણે હું ઘરે પહોંચી શકતો ન હતો. ફરીને ઘરે આવતા ઘુંટણ સુધીના પાણીમાં ચાલીને મારે દસ કિલોમીટર અંતર કાપવું પડ્યું.

ઘર આવવાને ત્રણ કિલોમીટર બાકી હતા ત્યારે થાકીને લોથ થયો હોવાથી ઘરે ફોન કરીને, ‘મને લેવા માટે કોઈ આવો’ એમ કહ્યું. ઘરનો કોઈ સભ્ય બોલવાની સ્થિતિમાં ન હતો. ગણતરીની મિનિટોમાં આખા ઘરમાં ચાર ફુટ સુધી પાણી ભરાઈ ગયું હોવાથી તમામ સામાન ખલાસ થઈ ચુક્યો હતો. કમ્પાઉંડમા મુકેલા ટુવ્હીલરે જળસમાધિ લઈ લીધી હતી, અને હું વાત કરતો હતો, ‘મને લેવા આવો’ની! ઘુંટણભેર પાણીમાં સાડા પાંચ કલાક ચાલીને રાત્રે અગિયાર કલાકે હું ઘરે પહેલા માળે આવેલી ઓરડીમાં પહોંચ્યો. અંધારામાં અમે ઘરના દસ સભ્યો બેઠા હતા. આખી રાત ‘એ ફલાણાનો મકાનનો ભાગ પડ્યો’, ‘એ પેલાનું મકાન બેસી ગયું’ એવા ભયંકર અવાજો સાંભળવામાં વીતી. એ સમયે વડોદરામાં સામાન્ય માણસથી લઈને ઘણા મોટા ગજાના વિદ્વાનોએ ચિત્તભ્રમ ઉપરાંત મગજના ઘણા ચિત્ર-વિચિત્ર કહી શકાય એવા રોગોની સારવાર મહિનાઓ સુધી લેવી પડી હતી.

રાતના ઉજાગરા બાદ સવારે આખું શરીર થાકનું દુ:ખ સહન ન થવાથી બંડ પોકારતુ હોવા છતાં આખા ઘર માટે બે-ત્રણ દિવસ ચાલે એટલા દુધ-શાકભાજી, બાળકો માટે નાસ્તા, ફ્રુટ, કઠોળ, લોટ, દવા વગેરે લાવવાનું હતું. સવારે સાત વાગે ઘરેથી નીકળેલો હું, મારી એ સ્થિતિ હતી કે રસ્તામાં જ્યારે જે મળે એ લઈ લેવું પડે. ‘પાછા વળતા લઈશું’ એવું ચાલે નહિ. કોઈ દુકાન ખુલ્લી હોય નહિ. દુધના બદલે પાઉડરથી કામ ચલાવવાનું. મારા બે હાથના દસ આંગળામાં પ્લાસ્ટીકની કુલ વીસ થેલીઓએ ઉંડે સુધી કાપા પાડી દીધા હતા. અને મારે આવતા-જતા વીસ કિલોમીટર ચાલવાનું હતું. એક જગ્યાએ પાંચ મુસાફરો ભરેલી એક રીક્ષાવાળાને, મને થોડી રાહત મળે એ માટે માત્ર પચાસ મીટર સુધી બેસાડવાનું કહ્યું તો એણે સાઈઠ રુપિયા ભાડુ કહ્યું.

વુડાસર્કલથી મિલિટરી વિસ્તાર સુધીના રસ્તે છાતી સમાણું પાણી ભયંકર વેગપૂર્વક વહી રહ્યું હતું. મજબૂત જાડા દોરડા બાંધીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવાનો નાગરિકોને રસ્તો પાર કરાવવા ઉભા હતા. આપણે મજબૂત હાથે છાતી સુધી આવતું દોરડું પકડી રાખવાનું, પગ ઉપાડ્યા વિના સરકતા-સરકતા આગળ વધવાનું અને એક યુવાન આપણને ખભેથી પકડીને બીજા યુવાનને સોંપે. જમીન પરથી પગ ઉપાડીએ તો યુવાનોના હાથમાંથી પાણી આપણને ખેંચી જાય. આગળ વધતા પહેલા મારી થેલીઓ એ યુવાનોને સોંપી. તેઓ સવારના સાત વાગ્યાથી ભુખ્યા, વરસાદમાં ન્હાતા, ચાર કલાકથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. પાણીના વેગ સામે ઝીંક ઝીલવામાં તેઓની ભારે શક્તિ ખર્ચાતી હતી. થેલીઓ હાથમાં આવતાં, એમાંની ખાદ્યસામગ્રી જોતાં શરીરની ભુખ કેવી જાગૃત થઈ જાય! છતાં એ બાહોશ યુવાનો માત્ર મજાક કરીને સંતોષ માની લેતા હતા: “અરે ભાઈઓ, જુઓ, આ ભાઈ આપણા માટે ખાવાનું લઈને આવા પુરમાં નીકળી પડ્યા છે.”

ડોક્ટરે પ્રીસ્ક્રાઈબ કરેલી દવા આખા વિસ્તારમાં ક્યાંય ન મળતા દસેક કિલોમીટર ચાલ્યા બાદ છેવટે હું હોસ્પીટલ પહોંચ્યો. એનો એક આખો માળ પાણીમાં ડુબેલો હતો. પાછળના ભાગે સ્ટાફક્વાટર્સ આગળ પહોંચીને મેં મોટેથી બુમ પાડી. મુખમાંથી નીકળેલા શબ્દોનો અર્થ મને પણ ખબર ન હતો છતાં ઉચ્ચારની અસર એવી થઈ, કે ચોવીસ કલાક ધમધમતા છતાં પુરને કારણે તદ્દન નિર્જન અને ભેંકાર બનેલા સ્થળે એક જ બુમ સાંભળીને ત્રીજા માળનો એક યુવાન ગેલેરીમાં આવ્યો. મને ઈશારાથી રાહ જોવા સમજાવી, ઝડપથી એ નીચે ઉતર્યો. આવી સ્થિતિમાં કોઈ શા માટે આવે એ જાણતો હોવાથી મને કહે, “ગણતરીની મિનિટોમાં એક માળ ડુબી ગયો છે તેથી બધી દવાઓ અમે માળીયામાં નાંખી દીધી છે. મારી પાસે બચેલી દીવાસળીથી છાપાનું એક પાનું સળગાવો, હાથ ઉંચો કરીને મને દવાઓ દેખાય એ રીતે ધરો અને દવા મળે ત્યાં સુધી આ ક્રમ ચાલુ રાખજો.” ભગવાનની કૃપા જ ગણાય કે એ ભાઈના હાથમાં પહેલી જે દવા આવી એ મારા કામની હતી. એ યુવાન સ્તબ્ધ થઈને મારી સામું જોઈ રહ્યો. કળ વળતા કુદીને એ નીચે ઉતર્યો. મેં એનો ખભો થપથપાવ્યો. પરત ફરતા, સદીઓ જુના જે ઝાડને ટેકે ઊભા રહીને તેર વર્ષની વયે હું કાચની દિવાલમાંથી દુકાનની અંદર વિડીઓ-ગેમ રમતા યુવાનોને જોયા કરતો હતો, એ ઝાડને મેં ધરાશાયી થયેલું જોયું. સવારે સાત થી બપોરના બે વાગ્યા સુધી, સાત કલાક ચાલ્યા બાદ બે-ત્રણ દિવસનો સામાન લઈને ઘરે આવ્યો હોવાથી બધા ખુશ હતા. મને થયું કે હવે આરામ કરીએ. પરંતુ અન્ય એક દુરના વિસ્તારમાં આવેલી અમારી કૌટુમ્બિક દુકાનમાં ચાર ફુટ પાણી ભરાય એ પહેલા એકલે હાથે તમામ સામાન માળીયા પર ચઢાવી દેવા ઘુંટણભેર પાણીમાં દસ કિલોમીટર ચાલીને જવું-આવવું પડ્યું.

નદિકિનારે ભુતપૂર્વ મુખ્યમંત્રીના દીકરાએ બાંધેલા ફ્લેટસના ધાબા સુધી પુરના પાણી પહોંચી ગયા હતા. લાખો રુપિયા ખર્ચીને જેમણે એ ફ્લેટ્સ ખરીદ્યા હતા એ બધા આખી રાત ધાબા પર મરણચીસો પાડતા ઉભા રહ્યા હતા. સવારે દવા લેવા માટે હું ઘરેથી નીકળ્યો ત્યારે હેલીકોપ્ટરમાંથી ફ્લેટ્સ પર ફુડપેકેટ્સ વરસવાના શરુ થયા. પાણીમાં ડુબેલા અમારા ઘરો આગળથી ફ્લેટ્સમાં બચાવ કામગીરી માટે ફાયરબ્રીગેડના જવાનો, રેસ્ક્યુ ટીમના જવાનો રબ્બરની બોટ્સને હલેસાથી હંકારતા પોતાની સાથે ટ્યુબ્સ, રસ્સી વગેરે બચાવ-સામાન લઈને પસાર થઈ રહ્યા હતા. ટેલીવિઝનની ચેનલટીમો ભારેખમ કેમેરા લઈને આવી ગઈ હતી. બાજુમાં વસતા મિલિટરી પરિવારોને ખસેડવા માટે અસંખ્ય રણગાડીઓ આખી રાતથી દોડધામ કરી રહી હતી. સૂર્ય ઉગ્યા બાદ દિવસ દરમિયાન સેંકડો નગરજનો અમારી સ્થિતિને માણી રહ્યા હતા તો કેટલાક શબ્દોથી સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. ચેનલના સંચાલકોને કે અન્ય કોઈને પાણીમાં ફસાઈને ટાપુ બની ગયેલી અમારી સોસાયટી દેખાતી ન હતી. કારણ, આપણે જાણીએ છીએ કે સમાચાર પણ એક સિરિયલની સ્ટોરી જેવા જ હોય છે ને!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: