વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એસ.ટી. બસમાં બેઠા પછી ટિકીટ લેવાની હોય છે. ટ્રેનમાં પ્રવેશતા પહેલા ટિકીટ લેવાની હોય છે. બસમાં કે ટ્રેનમાં બેસવાની જગ્યા હોય કે ન હોય તમને ટિકીટ મળી જાય છે. જો કે રીઝર્વેશન માટે તમારે બસ અને ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વિમાનની મુસાફરીની જેમ અગાઉથી ટિકીટની વ્યવસ્થા કરવાની રહે છે. મુસાફરીના દિવસથી જેટલા વધુ દિવસ પહેલા તમે ટિકીટ બુક કરાવો છો એટલું તમને વિમાનનું ભાડું સસ્તું પડે છે. એવું બને કે મહિના પહેલા તમે જે સિટની ટિકીટ 25000 રુપિયામાં લીધી હોય એની જ બાજુની સિટના મુસાફરે બે દિવસ પહેલા 45000 રુપિયામાં ટિકીટ ખરીદી હોય. હાસ્ય: વિમાનમાં ઉભા-ઉભા મુસાફરી કરવાની છુટ નથી. એ જ રીતે બસ અને ટ્રેનમાં કરીએ છીએ એ રીતે ચાલુ વિમાને ચડવા-ઉતરવાની પણ છુટ નથી. :હાસ્ય પુરું. કોઈ વાહન દ્વારા તમારા સામાન સાથે એરપોર્ટના કમ્પાઉંડમાં દાખલ થયા બાદ વાહનમાંથી સામાન ઉતારીને એને તમારે કમ્પાઉંડની બહાર અથવા પાર્કિંગ સ્થળે મોકલી દેવાનું રહે છે. સામાનને ટ્રોલીમાં ચઢાવીને એરપોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરતા પૂર્વે તમને મુકવા આવેલા તમારા સગાવ્હાલાઓ તમને વિદાય આપે છે.

પ્રવેશ આપતા પહેલા સિક્યુરિટીના જવાનો તમારી ટિકીટની તપાસ કરે છે. અંદર જઈને સૌપ્રથમ તમારા સામાનની તપાસ થાય છે. એનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોય તો કાં તો વધુ વજનનું તમારે ભાડુ ચુકવવું પડે છે અથવા તો વધારાનો સામાન કાઢી નાંખવાનો રહે છે. તેમ છતાં તમે અમુક મર્યાદામાં જ વધારાનો સામાન લઈ જઈ શકો છો. સામાનમાં ઈજા થઈ શકે એવી ધારદાર વસ્તુઓ જેવી કે છરી-ચપ્પુ, નેઈલ કટર, કાતર ઉપરાંત પ્રતિબંધિત હથિયાર તમે લઈ જઈ શકતા નથી. રાંધેલો ખોરાક ઉપરાંત પીણાની બોટલ્સ લઈ જવાની પણ મનાઈ છે. સામાનને સ્કેનિંગ વે માંથી પસાર કર્યા બાદ એનું પેકિંગ થાય છે. એ સામાન એરપોર્ટ ઓથોરિટીને સોંપી દીધા બાદ નચિંત થઈને સાથે માત્ર હેંડબેગ રાખીને હળવા થઈને તમે મુસાફરી કરી શકો છો. તમારી મુસાફરી જ્યાં પુરી થતી હોય ત્યાં તમારો સામાન તમને સહીસલામત મળી જાય છે. અરે મુસાફરી દરમિયાન તમારે એક વિમાનમાંથી બીજા વિમાનમાં બેસવાનું થાય તો પણ તમારો સામાન એ વિમાનમાં ટ્રાંસફર થઈ જાય છે, તમારે એની ચિંતા કરવાની રહેતી નથી. સામાન સોંપાઈ જાય ત્યારબાદ રીફ્રેશ થવા તમારા ખર્ચે તમે સ્ટોલ પરથી હળવો નાસ્તો, પીણા લઈ શકો છો, વિશાળ વૉશરૂમમાં જઈ શકો છો. ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યા વિના ઑટોમેટિક ડ્રાયર મશીન વડે ભીના હાથ કોરા કરી શકો છો.

હવે તમારું સિક્યોરિટી ચેકિંગ થાય છે. સ્કેનિંગ ડોરમાંથી પસાર થવાની સાથે-સાથે સિક્યુરિટીના જવાનો તમારી પાસે હથિયાર જેવું કોઈ જોખમી સાધન તો નથી ને એની તપાસ કરે છે. એ જ સમયે બીજી તરફ તમારી હેંડબેગ, ખિસ્સામાં રહેલી વસ્તુઓ જેવી કે પર્સ/વૉલેટ, લેપટોપ, મોબાઈલ ફોન વગેરેનું સ્કેનિંગ કરીને તમને પરત સોંપે છે. ત્યારબાદ માંડ સો મીટરનું અંતર હોવા છતાં તમને વિમાન સુધી લઈ જવા માટે બસ આવે ત્યાં સુધી તમે ઈચ્છો તો એક રેકમાં રાખેલા ફ્રી મેગેઝીન વાંચી શકો છો તેમજ તમારી સાથે એ લઈ જઈ શકો છો. વિમાનમાં પ્રવેશવા માટેની સિડીને વિમાનના દરવાજા સુધી લઈ જવા માટે ટ્રેક્ટરની મદદ લેવાય છે. વિમાનના બન્ને દરવાજે ચઢવા-ઉતરવા માટે સિડી લાગેલી હોય છે. બસની જેમ પાછલા દરવાજેથી ચઢીને આગલા દરવાજેથી ઉતરવાને બદલે જે દરવાજેથી તમે વિમાનમાં ચઢ્યા હો તે જ દરવાજેથી તમારે ઉતરવાનું રહે છે. મારી સમજણ એવી હતી કે બિઝનેસ ક્લાસ, ઈકોનોમી ક્લાસ તેમજ પ્રિમિયમ ક્લાસ એવા જે વિમાનના ભાડાના દરો છે એમાં સગવડરૂપે સિટ્સ વિશાળ હશે, આજુ-બાજુ વધુ જગ્યા મળતી હશે, સર્વ થનારી ચીજ-વસ્તુઓની ક્વોલિટી-ક્વોંટિટીમાં ફર્ક હશે, ઉપલબ્ધ ટેક્નોલોજીસનું પ્રમાણ વત્તુ-ઓછું હશે વેગેરે વગેરે. પરંતુ ગોલા મેથડ પ્રમાણે સમજાવું તો બિઝનેસ ક્લાસ એટલે વિમાનના આગળના – મુખના ભાગેથી વિમાનમાં ચઢવાનું અને ઈકોનોમી ક્લાસ એટલે પૂંછડીના ભાગેથી ચઢવાનું. જે લોકો પાછળના ભાગે બેઠા હોય એને ભાગે તકલીફ વધુ આવે અને આગળના ભાગે બેસે એને મુસાફરી વધુ આરામદાયક લાગે. કોઈ ફંક્શનમાં દાન આપનારાઓ આગળની ખુરશીમાં બેઠા હોય છે ને તાળીઓ પાડનારા પાછળના ભાગે બેઠા જ હોય છે ને ! બસમાં પણ એવું નથી થતું ? મોટે ભાગે છેલ્લી સીટ પર બેઠેલાને જ ઊલટીઓ થતી હોય છે ને ! જો કે દરેક ક્લાસ મુજબની વિમાની સગવડોમાં પણ થોડો-ઘણો તો ફર્ક હશે જ !

વિમાનમાં પ્રવેશ કર્યા બાદ તમારી સિટ શોધીને તમારે બેસવાનું રહે છે. વિમાન ઉપડવાનો સમય થાય એ પહેલા એરહોસ્ટેસ, જે યુવક તેમજ યુવતી બન્નેમાંથી કોઈ પણ હોઈ શકે છે, એ તમને જરૂરી સુચનાઓ આપે છે: જેમ કે તમારા મોબાઈલ ફોનને સ્વીચ ઑફ અથવા ફ્લાઈટ મોડ પર રાખવાનો રહે છે, વધુ ઊંચાઈએ વિમાન ઊડતું હોય ને તમને વધારાના ઓક્સિજનની જરૂર જણાય તો માથાના ઉપરના ભાગે રાખેલ માસ્ક ખોલીને નાક પર લગાવવાનો રહે છે. વિમાનને દરિયામાં અચાનક ઉતરવાનું થાય તો સિટની નીચે રાખેલું પાણીમાં તરી શકાય એવું જેકેટ પહેરીને એમાં હવા ભરવાની રહે છે. ટેક ઑફ તેમજ લેંડિંગ વખતે સિટ બેલ્ટ બાંધવાનો રહે છે તેમજ સિટને ટટ્ટાર રાખવની રહે છે, આરામદાયક – પાછળ તરફ ઢળેલી સ્થિતિમાં નહિ રાખવાની વગેરે વગેરે.  ઘણી બધી સુચનાઓ રૂટીન હોય છે. દરેક મુસાફરી વખતે જોખમ આવતું નથી પરંતુ ફરજના ભાગ રૂપે એરહોસ્ટેસ એ સુચનાઓ તમને આપતા હોય છે.

તમારી આગળની સિટનો પાછળનો ભાગ તમારી આંખ સામે હોય છે ત્યાં રાખેલા સ્ક્રીન પર તમે ઈચ્છો તો ટી.વી. ઓન કરીને જુદી-જુદી ચેનલ્સ જોઈ શકો છો. મ્યુઝિક સાંભળી શકો છો. સ્ક્રીનથી સહેજ નીચે એક ટ્રે રાખેલી હોય છે જેને આડી કરીને વિમાનમાંથી પીરસાતો નાસ્તો તેમજ ભોજન કરી શકો છો. હવે બધું જ ચાર્જેબલ થઈ ગયું છે. કોઈ વસ્તુ ટિકીટ સાથે ઇંક્લુડ નથી. કોઈ વિમાની કંપની તમને ચોકલેટ્સ પણ ફ્રીમાં આપવા તૈયાર નથી તો જ્યુસ વગેરેની તો વાત જ ક્યાંથી થઈ શકે ? ટ્રેની નીચેની બાજુમાં એક જાળીવાળુ ખાનું હોય છે જેમાં વાંચવા માટે અથવા ફોટા જોઈને તમને કોઈ વસ્તુ ખરીદવા લલચાવવા માટે મોંઘાદાટ આર્ટ પેપર પર છપાયેલી જાહેરાતોવાળા મેગેઝિંસ રાખેલા હોય છે. આટલું તમે જોઈ રહો ત્યાં સુધીમાં પાયલોટ ગર્વીલા પ્રભાવી અવાજે માઈક પર પોતાનો પરિચય આપે છે અને વિમાનનું એંજિન સ્ટાર્ટ થાય છે. ઉડવા માટે જરૂરી રન અપ લેવા માટે ઉડવાની દિશાની વિરુદ્ધની દિશામાં ચોક્કસ અંતર સુધી વિમાન ચાલતું જાય છે. ક્રિકેટની રમતમાં બોલર બોલ નાંખતા પહેલા પૂરતી ઝડપથી બોલ નાંખી શકે એ માટે જે રન અપ લે છે એની સાથે આ બાબતને તમે સરખાવી શકો. રન અપ માટેનું અંતર કાપ્યા બાદ વિમાન ઉડવાની દિશા તરફ મુડે છે. હવે વિમાનના બધા જ એંજિન એક સાથે સ્ટાર્ટ થાય છે જેનો પુષ્કળ અવાજ થાય છે. વિમાન દોડવાનું શરૂ કરે છે. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરીને ઉડવાનું હોવાથી વિમાન અતિશય વેગ પકડે છે અને વેગની તીવ્રતમ માત્રાએ પહોંચીને વિમાન આગળથી ઊંચું થાય છે અને એ જ ઘડીએ વિમાન હવામાં ઉડવા માંડે છે. એ જ સેકંડે જમીન પરના તમામ રસ્તાઓ, સોસાયટીઓ વગેરે તમને કિડી-મકોડા જેવા લાગે છે. વિમાન આગળથી ઊંચું થાય છે એની પાછળ વિજ્ઞાનનો કયો સિદ્ધાંત કામ કરે છે એની મને હજી સુધી ખબર પડી નથી.

બસ અને ટ્રેનમાં જેમ રસ્તા પરના વૃક્ષો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવો આભાસ થાય છે એવો કોઈ પદાર્થ હવામાં વિમાનમાં મુસાફરી કરતી વખતે જોવા મળતો નથી આથી વિમાન ગતિ કરી રહ્યું છે એવું ન અનુભવાતા એ એક જ જગ્યાએ હવામાં ઊભું છે એવું તમને લાગ્યા કરે છે. પ્રથમ વાર મુસાફરી કરતી વખતે બારી પાસેની સિટ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. કાચની બંધ બારીમાંથી બહારના દૃશ્યો જોવાની મજા કંઈ ઓર હોય છે. શરૂઆતમાં તમને વિમાનની વચ્ચેથી વાદળો પસાર થઈ રહેલા જોવા મળશે. વિમાન થોડી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે વાદળોનો ઉપરનો ભાગ તમને જોવા મળશે. પૃથ્વી પરથી વાદળોનો નીચેનો ભાગ શુભ્ર સ્વચ્છ લાગે છે પરંતુ એ જ વાદળોનો ઉપરનો ભાગ, વરસાદમાં પલળેલી ગોદડીનું કૉટન/રૂ ગંદુ થઈ ગયું હોય એવા વાદળો દેખાય છે. હજી થોડી વધુ ઊંચાઈએ ગયા બાદ તમને માત્ર ભૂરો રંગ દેખાયા કરે છે. એ દરિયો છે કે આકાશ છે એ નક્કી થઈ શકતું નથી. બ્રહ્માંડમાં માત્ર તમે છો અને સ્થિર ઊભેલું લાગતું વિમાન છે.

પ્રથમ વાર તમે વિમાની મુસાફરી કરતા હો તો તમને જુદા-જુદા પ્રકારની પ્રતિકૂળતાઓ – અનકમ્ફર્ટનેસનો અનુભવ થાય છે. વિમાનની ગતિવિધિ સાથે તેમજ ઊંચાઈ પરના હવામાન સાથે શરીરને તાલમેલ જાળવવાનું અઘરૂં લાગે છે એમાંથી બધી પળોજણ શરૂ થાય છે. કહેવાય છે કે ફિયર કોમ્પ્લેક્સમાંથી – એક પ્રકારના અજ્ઞાત ડરમાંથી આ બધું શરૂ થાય છે. હું બારીમાંથી બહાર જોઉં ત્યારે મને સારૂં લાગતું હતું અને હું વાતો કરું ત્યારે મને વધુ પ્રતિકૂળ જણાતું હતું. રૂટીન મુસાફરી કરી રહેલા લોકો વિમાનમાં હરતા-ફરતા હતા, કોઈ-કોઈ છાપા વાંચી રહ્યા હતા. મને તો ગળેથી પાણીનો ઘુંટડો ઉતારવો અશક્ય હતો ત્યાં કેટલાક લોકો ભોજન-નાસ્તો-જ્યુસ વગેરે આરામથી લઈ રહ્યા હતા. એરહોસ્ટેસ એક નાની ટ્રોલી-કેબિન લઈને મુસાફરોને ખાદ્ય સામગ્રી સર્વ કરી રહી હતી. જુદી-જુદી એનાઉંસમેંટ્સ પણ થતી હતી. બહારનું હવાનું દબાણ તેમજ વાતાવરણ સાથે સંતુલન સાધવા માટે વિમાનને ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ વાળવું પડે છે. વળી ક્યારેક એને આગળથી કે પાછળથી ઊંચું-નીચું પણ કરવું પડે છે. આ બધી ગતિવિધિને તમે આકાશમાં બહું ઊંચે ઊડતા સમડી, ગીધ વગેરે પક્ષીઓની જુદી-જુદી સ્થિતિઓ સાથે સરખાવી શકો. વિમાનની પાંખો તેમજ એની પૂંછડીને સ્વીચીસ દ્વારા જુદી-જુદી રીતે વાળીને વિમાનને મૂવ કરી રહેલા પાયલોટ વિમાનને બેલેંસમાં રાખતા હોય છે.

ગામડાના ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થતાં જેમ તમારું વાહન આંચકા ખાય અને સાથે-સાથે તમારું શરીર પણ હલે-ડુલે એવું વિમાનમાં પણ વારંવાર થયા કરે છે. 1000 કિમીથી પણ વધુ ઝડપે હવામાં ઉડી રહેલા વિમાનને તેજ ગતિથી વહેતી હવાની થપાટો લાગતા ખખડધજ રસ્તાઓ પરથી પસાર થઈ રહેલી રીક્ષાની જેમ વિમાન ખખડવા લાગે છે. વિમાનમાં આવું થયું એટલે મને તો જુના કાળના વિરમગામના રસ્તાઓ યાદ આવી ગયા. વીસ મિનિટની વડોદરાથી મુંબઈની સમગ્ર મુસાફરી દરમિયાન શરીરની બેચેની યથાવત રહી. વિરારની ખાડી દેખાઈ ત્યારબાદ સાંતાક્રુઝ ડોમેસ્ટિક એરપોર્ટ પર નીચે ઉતરવાનો રસ્તો વિમાને લીધો એટલે મારી ડાબી આંખની ઉપર લમણાના ભાગે કોઈએ તીણું તીર ઘુસાડ્યું હોય એવી વેદના થવા લાગી. જેમ-જેમ વિમાન નીચે આવતું ગયું તેમ-તેમ મારી વેદના વધતી ગઈ. તીર વધુ ને વધુ ઊંડે ખુંપી રહ્યું છે એવું મને લાગતું હતું. એમાંય વળી નીચે ઉતરતી વખતે વિમાન પાછું ઉપર જતું હતું ને ફરી નીચે ઉતરતું હતું. આથી ઉતરવા માટે વિમાન વધુ સમય લઈ રહ્યું છે એવું લાગતું હતું. મને થતું કે વારે-વારે ઉપર-નીચે ગયા વગર વિમાન સીધું નીચે ઉતરી જાય તો મારી પીડા તો જલ્દી દૂર થાય. વાસ્તવિકતા એ છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણનું બળ વિમાનને જમીન તરફ ખેંચી રહ્યું હોય, એમાંય વિમાનનું વજન એને ઝડપથી નીચે લાવતું હોય ત્યારે જો સીધું જ વિમાન આગળની બાજુએથી નીચે આવી જાય તો એ ખાડો પાડીને જમીનમાં ઘુસી જાય ને સળગી જાય. એવું ન બને માટે વારે-વારે આગળથી ઊંચું-નીચું થતું-થતું વિમાન પૃથ્વી પર આવે છે અને અંદર બેઠા હોવાથી આપણને એવો ભાસ થાય છે કે વારે-વારે વિમાન ઉપર-નીચે જઈ રહ્યું છે.

જમીનથી માત્ર પચ્ચીસ મીટર ઊંચે વિમાન હતું ત્યારે મને ઉબકા આવવાના શરૂ થયા. સારું થયું કે ઘરેથી નીકળતા પહેલા બહુ થોડો નાસ્તો કર્યો હતો. આથી છેલ્લે એક મોટો ઉબકો આવ્યો ને વિમાન ઊભું રહ્યું. મને ઊલટી થઈ નહિ. હવે એ વિમાન હૈદ્રાબાદ જવાનું હતું. અમે વિમાનમાંથી નીચે ઊતરીને એરપોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ્યા. એક મોટા મુવિંગ રૉલર પર બધાનો સામાન આવી રહ્યો હતો. સહુ પોતાના સામાનની બેગોને ઓળખીને એને લઈ જઈ રહ્યા હતા. બહાર નીકળતાં જ જોવા મળ્યું કે જુદા-જુદા ગ્રુપ્સ દ્વારા અનેક કંપનીઓના અધિકારીઓને આવકારવાની વિધિ ચાલી રહી હતી. ફુલ-હાર, પ્રત્યેક મોમેંટ્સને યાદગાર બનાવવા માટે કેમેરાની ક્લિક્સના અવાજો, વિડીઓ રેકોર્ડિંગ્સ વગેરેથી માહોલ ભરપૂર હતો. મુસાફરી માટે એરપોર્ટ પર આવીએ ત્યારે ટેક્સીભાડુ ઓછું થાય છે કારણ કે આપણે ઘરેથી ટેક્સીમાં બેસીએ છીએ જ્યારે એરપોર્ટ પરથી ઘરે જવા માટે ટેક્સી કરો ત્યારે ભાડુ વધુ થાય છે કારણ કે તમે વિમાનની મુસાફરી કરીને આવેલા મોંઘેરા મહેમાન છો. યુ હેવ ટુ પે ટુ મેઈંટેઈન યોર ડિગ્નિટી.

વિમાનમાં ક્યારેય ન બેઠા હોય એને વિમાનની મુસાફરીનો ક્રેઝ હોય છે પરંતુ પ્રથમ વાર મુસાફરી કર્યા બાદ એ ક્રેઝ બોજમાં ફેરવાઈ જાય એવું બને ! મને જાણ હતી કે મુસાફરી કરીને ઘરે આવ્યા બાદ પણ લગભગ મહિના સુધી જુદા-જુદા અનુભવો થતા રહેશે. એ મુજબ મને ઘણા દિવસો સુધી રાત્રે નિદ્રા ગાયબ થઈ જવાની સાથે-સાથે મુસાફરી દરમિયાન અનુભવાતી શારિરીક પ્રતિકૂળતા ફરીથી અનુભવાવાની તેમજ મહિના સુધી હઠીલી ખાંસીની તકલીફ રહી હતી. વિમાની કંપનીઓને એક વણમાગી સલાહ છે કે જેમ સામાનના વધુ પડતા વજન માટે વધારાનો ચાર્જ લો છો તેમ ચોક્કસ વજનથી વધુ વજન ધરાવતા માણસ માટે પણ વધારાનો ચાર્જ લેવો જોઈએ. ચાલીસ કીલો વજન અને એકસો દસ કીલો વજન એમ બે જુદા-જુદા વજનના માણસ માટે ટિકીટનો દર એકસરખો: એ કેવી રીતે ચાલે ? વજન ઉતારવા માગતા માણસો માટે આ સુધારો અસરકારક નીવડશે એવી આશા છે.

Advertisements

Comments on: "વિમાનમાં પ્રથમ વાર મુસાફરી" (1)

  1. મેં હજી સુધી એક પણ અનુભવ કરેલો નથી પણ હજી નજીક તો નજીક ડિસ્ટન્સમાં એકાદ વાર તો વિમાનમાં બેસવું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: