વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સૃષ્ટિમાં ચાર પ્રકારના જીવોનું સર્જન થયું છે: સ્વેદજ, અંડજ, ઉદભીજ અને જરાયુજ. સ્વેદજ એટલે સ્વેદમાંથી જન્મે તે. સ્વેદ એટલે કે કચરો. આપણા શરીરમાંથી કચરા રૂપે પરસેવો નીકળે છે તેને પણ સ્વેદ કહેવાય છે. કચરાના ઢગલામાંથી (ઉકરડામાંથી), પશુઓના છાણ આદિ મળમાંથી, વાસી થઈ ગયેલા ખોરાકમાંથી, સડી ગયેલી લાશમાંથી કીટાણુરૂપે રહેલા જીવો આપોઆપ જન્મ લે છે અને એ જ પદાર્થને આરોગીને ફરીથી એ જીવો નષ્ટ થઈ જાય છે. આ રીતે કુદરત કચરાનો નીકાલ કરે છે. અંડજ એટલે કે ઈંડામાંથી જન્મ લેતા જીવો. પક્ષીના બચ્ચા તેમજ સરિસૃપ જીવજંતુઓ જેવા કે સાપ, ગરોળી, કાચીંડા આ રીતે જન્મે છે. આવા જીવો પ્રથમ ઈંડારૂપે અને ત્યારબાદ શરીરરૂપે એમ બે વાર જન્મ લેતા હોવાથી પક્ષીને દ્વીજ (બે વાર જન્મ લેનાર) તરીકે ઓળખવામાં આવે છે. ઉદભીજ એટલે કે જમીનને ભેદીને બહાર આવીને જન્મ લેતા જીવો, જેમાં વનસ્પતિજગતનો સમાવેશ થાય છે. અને છેલ્લે જરાયુજ એટલે કે એક શરીરમાંથી સીધેસીધા શરીરરૂપે જન્મ લેતા જીવો, જેમાં પશુઓ તથા મનુષ્યોનો સમાવેશ થાય છે.

વનસ્પતિજગત બાકીના તમામ પ્રકારના જીવોથી એ રીતે જુદું પડે છે કે એને કોઈ ઈચ્છા નથી. તત્વજ્ઞાનની ભાષામાં કહીએ તો વિશુદ્ધ ચૈતન્ય જેને આપણે ‘પરમાત્મા’ કહીએ છીએ તેને માત્ર અહમ ચીટકે ત્યારે વનસ્પતિજગત તૈયાર થાય છે અને ‘અહમ’ અને ‘ઈચ્છા’ બન્ને ચીટકે એટલે બાકીના તમામ જીવો તૈયાર થાય છે. તમામ જીવને જે સંવેદન થાય છે એ અહમના કારણે થાય છે. આથી પત્થર જેવા પદાર્થને સંવેદન ન હોવાથી આપણે જડ તરીકે ઓળખીએ છીએ. મનુષ્યજીવનનો અંતિમ પુરુષાર્થ મોક્ષ મનાયો છે. જીવને બંધનમાં નાંખીને જન્મોજન્મ અનંત પીડાનો અનુભવ કરાવે છે એનું નામ ઈચ્છા છે. આમાંથી મુક્ત થવા માટે જેને ઈચ્છા ન હોય અને છતાં જે સદા પ્રસન્ન રહેતા હોય એવા જીવો એટલે કે વનસ્પતિજગતના સાન્નિધ્યમાં વધુમાં વધુ રહેવું જરૂરી છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત સૂર્યપ્રકાશમાં રહીને તાપ સહન કરતી હોવા છતાં વનસ્પતિ લીલીછમ રહે છે, સુકાઈ જતી નથી. આપણે તો જરા સરખું દુ:ખ પડે તો સુકાઈ જઈએ છીએ. વનસ્પતિમાં ચૈતન્ય કાર્યશીલ છે માટે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં પાણી છેક ઉપર સુધી પહોંચે છે. આથી કહી શકાય કે વનસ્પતિજીવનમાં પ્રયત્નને સ્થાન છે. આ રીતે માણસને પણ ઉદ્યમી બનવાની પ્રેરણા મળે છે.

કણ્વઋષિના આશ્રમમાં ઉછરી રહેલી વિશ્વામિત્ર-મેનકાની દિકરી શકુંતલાનો વનસ્પતિપ્રેમ જાણીતો છે. શકુંતલા ક્યારેય છોડ પરથી ફુલોને ચુંટતી નહિ. માત્ર જમીન પર વેરાયેલા પુષ્પોને એકઠાં કરીને એને ગુંથીને હાથના કંકણ, ગળાનો હાર વગેરે જેવા ઘરેણા બનાવતી અને એને શરીર પર ધારણ કરતી. કોઈ છોડ પર પ્રથમ વખત કળી બેઠી હોય તો શકુંતલા એ છોડની કાળજી એક પ્રસુતા નારીની કાળજી લેવાય એમ એની લેતી. લગ્ન કરીને શકુંતલા પતિગૃહે જઈ રહી છે ત્યારે કણ્વ ઋષિ વૃક્ષો-છોડ-વનલતાઓને અત્યંત આર્દ્રસ્વરે કહે છે: ‘તમારી અતિ પ્યારી બહેન શકુંતલા તમારી વિદાય લઈને આશ્રમમાંથી જઈ રહી છે.’ શકુંતલાની બહેનપણીઓ એને કહે છે, ‘પ્રિય, તેં આ વનજગતને ખુબ પ્રેમથી પાણી પાઈને સીંચ્યું છે.’ ત્યારે જવાબમાં શકુંતલા કહે છે: ‘ન કેવલ તાતનિયોગ:, અસ્તિ મે સોદર સ્નેહ.’ એટલે કે માત્ર પિતાજીના કહેવાથી નહિ પરંતુ મને આ વૃક્ષો-છોડવાઓ-વનલતાઓ પર મારા માજણ્યા ભાઈ-બહેનો (એક માના સંતાનોમાં હોય છે એના) જેવો પ્રેમ છે માટે હું તેઓની કાળજી કરૂં છું.’

વનસ્પતિ અને માનવજીવન પરસ્પરાવલંબિત રહે એ માટે કુદરતે એવું સર્જન કર્યું છે કે દિવસે વનસ્પતિ ઓક્સિજન વાયુ ઉચ્છવાસમાં બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ શ્વાસમાં લે છે. જ્યારે માણસ શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર કાઢે છે. આમ બન્ને અસ્તિત્વો પરસ્પર પૂરક બની રહે છે. તુલસી, વડ અને પીપળો એવા વૃક્ષો છે જે ચોવીસે કલાક (સતત) ઓક્સિજન વાયુ બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ ગ્રહણ કરે છે. આથી ઘર આંગણે તુલસી ક્યારો રાખવાનું આપણા પૂર્વજો કહી ગયા છે. કૃષ્ણ જે ભૂમિમાં નાચ્યા-કૂદ્યા એ ભૂમિ વૃન્દાવન તરીકે જાણીતી છે. વૃન્દા એટલે તુલસી. આપણે તુલસીનું વન તો ન સર્જી શકીએ પરંતુ ઘરઆંગણે તુલસીક્યારો તો બનાવી શકીએ ને ! ભોગવાદી લોકોને સમજાવવા કહી શકાય કે તુલસી, ડમરો તેમજ અજમાનો છોડ ભેજશોષક હોવાથી એને ઘરમાં રાખવાથી ભેજના કારણે આવતા મચ્છર, માખી જેવા જીવજંતુઓ ઘરમાં આવતા નથી. એક શાળાના આચાર્યશ્રી તો પોતાની શાળા અંગે ગૌરવભરી વાત કરતા કહે છે, કે ‘અમારી શાળાના પ્રત્યેક માળે વિશાળ લોબીની પાળી પર ઘણા બધાં છોડના કુંડાઓ રાખ્યા છે જેને શાળાના વિદ્યાર્થીઓ નિયમિત રીતે પાણી પીવડાવે છે અને દાદર પરથી ચઢતી-ઉતરતી વખતે કે લોબીમાં દોડાદોડી કરતી વખતે મસ્તી-તોફાનના મુડમાં હોવા છતાં એ કુંડાઓને ઉપરથી નીચે ગબડાવી દેતા નથી.

વનસ્પતિના સાન્નિધ્ય ઉપરાંત કેટલાક ચોક્કસ સદગુણો ખીલવવા માટે પ્રકૃતિનો સમાગમ કરવો જોઈએ. દા.ત. ખુલ્લા આકાશ નીચે સુવાથી માણસ ઉદાર થાય છે. મહેલ જેવા વિશાળ ખંડમાં પણ માણસનું મન સંકુચિત રહે છે. કારણ કે એવો ખંડ બંધિયાર હોવા ઉપરાંત આકાશની સરખામણીમાં નાનો હોય છે. દરિયાની સામે બેસવાથી એની વિશાળતાનો અનુભવ થાય છે આથી માણસને પોતાની અલ્પતાની જાણ થાય છે. સદીઓથી અસંખ્ય રહસ્યોને પોતાના પેટાળમાં સંઘરીને બેઠો હોવા છતાં દરિયો શાંત છે. માણસ કોઈનું નાનું સરખું રહસ્ય જાણી જાય તો એ કોઈને કહે નહિ ત્યાં સુધી એની ખુજલી મટતી નથી. આવી ચંચળતા કાઢી નાંખવા દરિયા પાસે બેસવું જોઈએ. કેટલાય માણસો એવા છે જેઓને પોતાના અંગત જીવનમાં માર્ગદર્શન મેળવવા માટે બીજાની જરૂર પડે છે. પરંતુ આવા માણસોને બીજા પાસે જતા એ વાતનો ડર લાગતો હોય છે કે જો એ બીજાને પોતાની અંગત મુશ્કેલી વિશે વાત કરશે તો એ બીજો માણસ એ વાત બધાને કહી દઈને સમાજમાં પોતાની સ્થિતિ શરમજનક કરી દેશે. આ ડરના કારણે કંઈ કેટલાય લોકોની સમસ્યાઓનો નિકાલ આવતો નથી અને પરિણામે સમાજ માંદો જ રહે છે. ‘હું આત્મહત્યા કરવા માંગું છું’ એવું કોઈ કોઈને કહી શકે ? ‘મને ગુનો કરવાની તીવ્ર ઈચ્છા રહ્યા કરે છે’ એવું કોઈ કબુલ કરે ? જો નિર્ભયપણે એવું કહેવાતું થાય તો એ કહેનારની સારવાર શરૂ કરી શકાય અને એ રીતે એની સમસ્યાનું નિરાકરણ પણ થઈ જાય. પર્વતને નીરખવાથી એના સ્થૈર્યનો ખ્યાલ આવે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના નિર્ણયોમાં અડગ રહેવાનું બળ માણસને પર્વત પાસેથી પ્રાપ્ત થાય છે. જડતા અને અડગતામાં ફર્ક છે. પોતાનો નિર્ણય ખોટો છે એવી જાણ થાય છતાં પોતાના અહમને પંપાળવા સારું એને વળગી રહેવું એને જડતા કહેવાય છે.

કહેવાય છે કે પ્રકૃતિ એ વિશાળ પુસ્તક છે, જેનો અભ્યાસ કરવાથી માણસ આપમેળે પૂર્ણજ્ઞાની થઈ શકે છે. અહમ તેમજ ઈચ્છાને મર્યાદિત કરવા પ્રકૃતિમાતાના ખોળે ગયા વિના કોઈ આરો નથી. આ બાબતને આપણા દૈનંદિન જીવનમાં વણી લેતાં આપણા પૂર્વજોએ અવકાશના ગોળા સાથે પણ સંબંધો નિર્ધારિત કર્યા હતા. ચંદ્રને તેઓએ ‘મામા’ એટલે કે પૃથ્વી, જે આપણી માતા છે તેનો ભાઈ ઠરાવ્યો. સૂર્યને ‘સુરજદાદા’ કહ્યા. જન્મભૂમિ, નદી, ગાય વગેરેને ‘મા’ કહીને પોકારી અને એની સાથેનો ગાઢ સંબંધ પ્રસ્થાપિત કર્યો. શ્રીમદભગવદગીતાનો દસમો અધ્યાય વિભૂતિયોગ છે જેમાં સકળ સૃષ્ટિના કણકણમાં પોતે વસતા હોવા છતાં ભગવાને કયા સર્જનમાં પોતાનું ઐશ્વર્ય પુષ્કળ પ્રમાણમાં મુક્યું છે એની વાત કરી છે, જેનો અભ્યાસ કરવાથી પ્રકૃતિના સમાગમમાં ઈશ્વરીય અનુભૂતિ માણવા મળે છે એ વાતનો ખ્યાલ આવે છે. ભગવાન કહે છે: ‘જ્યોતિમાન પદાર્થોમાં સૂર્ય મારી વિભૂતિ છે.’ ‘નક્ષત્રોમાં ચંદ્ર, શિખરોમાં મેરૂ પર્વત, સરોવરોમાં સાગર, સ્થાવરોમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ, દરિયાઈ જીવોમાં મગર, નદીઓમાં ગંગા, મહિનાઓમાં માગસર, ઋતુઓમાં વસંત વગેરેમાં પ્રકર્ષ રીતે હું વ્યાપ્ત છું.’ એમ ખુદ ભગવાન ગીતામાં કહે છે. આથી આ તમામ અસ્તિત્વો પાસે જતાં જ આપણને ઈશ સાન્નિધ્યનો સંસ્પર્શ થયા કરે છે.

અભ્યાસશીલ અંગ્રેજોએ તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ બુદ્ધિ ચલાવીને શાસ્ત્રો નિર્માણ કર્યા એટલે તેઓના તારણોમાં વિભાજન માત્ર જોવા મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર સૃષ્ટિ એક જ અસ્તિત્વ છે. એના પશુસૃષ્ટિ, વનસ્પતિસૃષ્ટિ, મનુષ્યસૃષ્ટિ એવા ભાગો પાડવા બરાબર નથી. માનવી પોતાને શ્રેષ્ઠ ગણે છે પરંતુ આ જગતની પરમ સત્તાને મન ‘આ ચડિયાતું’, ‘આ કનિષ્ઠ’ એવું છે જ નહિ. એને મન તો બધા જ સર્જનો એક માતાના એક સરખા સંતાન જેવા છે. આથી પ્રકૃતિમાના ખોળે જઈએ ત્યારે અહમ ઓગાળીને જવું અને પ્રત્યેક સર્જન સાથે સમરસ થવું – આ એક કરવા જેવો અભ્યાસ છે. માણસનો ગર્વ કાઢી નાંખીને એને બંધનમાંથી મુક્ત કરવાની ક્ષમતા પ્રકૃતિમાં છે જ પરંતુ એ માટે માણસ પોતે કેટલો તૈયાર છે ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: