વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પશ્ચિમની સભ્યતા અને પૂર્વની સભ્યતામાં મહત્વનો તફાવત એ છે કે પશ્ચિમમાં તમારી સ્કિલ-ટેલેંટ જોઈને તમને માન મળે છે જ્યારે પૂર્વમાં તમારું જીવન જોઈને તમને માન મળે છે. જો કે પશ્ચિમનું અનુકરણ કરનારા પૂર્વના લોકો વ્યક્તિની માત્ર સ્કિલને જ જુએ છે એ વાત જુદી છે. વાતને જરા વિસ્તારથી સમજીએ તો વ્યસનમુક્તિ પર ભાષણ આપીને કરોડો લોકોને પ્રભાવીત કરનાર પોતે દારૂના બે પેગ ન લગાવે તો સારૂ ભાષણ ન આપી શકતો હોય છતાં પશ્ચિમમાં એને મહાન ગણવામાં આવે જ્યારે પૂર્વમાં એટલે કે આપણે ત્યાં એને કોઈ મહત્વ ન મળે. પશ્ચિમના ફિલોસોફરો ઘણું બધું વિચારે, બુદ્ધિથી ઘણો શ્રમ કરે અને આખી દુનિયા તેઓએ કહેલા વિચારોથી ચકિત થઈને તેઓને જોયા કરે છતાં તેઓના અંગત જીવન જુઓ તો અત્યંત ઘૃણાસ્પદ, દુર્ગુણોથી ભરપૂર હોય. કોઈ સારો લેખક, સારો ગાયક, સારો અભિનેતા, સારો ખેલાડી – આ સર્વને આપણે ત્યાં કેટલું બધું માન મળે છે ! કોઈ તેઓના અંગત જીવન તરફ જોતું નથી.

સેલીબ્રિટી વ્યક્તિત્વોને સમાજ માનની નજરે જોતો હોવાથી તેઓમાં અંદરોઅંદર સ્પર્ધા, એકબીજાની સ્કિલને અથવા ખુદ વ્યક્તિને જ ખતમ કરી નાંખવાની તીવ્ર મનસા માત્ર ટેલેંટેડ વ્યક્તિઓ પૂરતી ન રહેતા ધાર્મિક ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. આપણી સંસ્કૃતિમાં સ્પર્ધા ન હતી છતાં વ્યક્તિ પોતાની પૂરી શક્તિથી કામ કરતો હતો. આજે સ્પર્ધાના યુગમાં માણસ પોતાની તમામ તાકાત કામે લગાડે છે પરંતુ એની આડઅસર રૂપે સમાજના સુખ-શાંતિ ચાલ્યા ગયા છે અને શા માટે સ્પર્ધા ચાલી રહી છે એ જ ખબર પડતી નથી. જીવનમાં સદગુણો કમાવાના હોય છે એને બદલે ધન કમાવાની ઘેલછા માણસને પશુથીય બદતર બનાવી મુકે છે ત્યારે થોભીને વિચારવાની જરૂર છે કે માણસનું જીવન શા માટે છે ! બીજા કરતા ચડિયાતા બનવાની આકાંક્ષામાંથી સંઘર્ષ જન્મે છે અને એમાંથી જ બધા ક્લેશો નિર્માણ થાય છે. આપણી સમાજવ્યવસ્થામાં જીવનારો માણસ મહત્વાકાંક્ષી ન હતો. જીવનનિર્વાહ માટે જરૂર પૂરતું પેદા કરી લેતો અને બાકીનો સમય પ્રભુસ્મરણમાં પસાર કરતો. એને ખબર હતી કે આ જીવન શા માટે છે અને એ હેતુ પરિપૂર્ણ ન થાય એવી કોઈ ઈચ્છાઓ કે કૃતિઓને તેના જીવનમાં સ્થાન ન હતું. આજે આપણે જાણીએ છીએ કે દેખાદેખી, પોતાની મોટાઈ સાબિત કરવા માણસ કઈ હદ સુધી જાય છે !

સ્કિલ્ડ પર્સનાલિટી કે ટેલેંટેડ વ્યક્તિ પોતાની કળાથી સમાજનું મનોરંજન કરે છે ત્યાં સુધી વાત સમજાય છે પરંતુ એ દેશ માટે સમર્પિત છે એમ કહેવું એ મહદ આશ્ચર્ય છે. અન્ય કોઈ વ્યક્તિને પોતાના જેવો ઉત્તમ કલાકાર બનાવવાની એની તૈયારી નથી, છતાં દેશને ગૌરવ અપાવવા માટે એ કલાકાર શ્રમ કરી રહ્યો છે એમ કહેવું એ તો નર્યો દંભ છે. જે બીજા માટે કંઈ ન કરતો હોય, બીજાને પોતાના જેવા ટેલેંટેડ બનાવવા માટે પ્રયત્નશીલ ન હોય એ દેશ જેવા અત્યંત વ્યાપક અસ્તિત્વ માટે બધું કરી રહ્યો છે એમ કહે એ કેવું ? કોઈ વ્યક્તિ શરૂઆતમાં પોતાના ગામ માટે કામ કરે, ત્યારબાદ તાલુકા માટે, જિલ્લા માટે, રાજ્ય માટે અને પછી દેશ માટે કંઈક કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.  સ્કિલ્ડ પર્સંસ એવા હોય છે કે તેઓ ગામથી શરૂ કરીને ક્રમશ: આગળ વધવાને બદલે સીધા જ દેશ માટે કંઈક નક્કર કરી રહ્યા હોય છે. સરહદ પર દેશની સીમાનું રક્ષણ કરતો સૈનિક પણ દેશ માટે જ કામ કરે છે એ સત્ય છે પરંતુ એમ કરવાની સાથે-સાથે તેઓ પોતાના સ્વાર્થનો (પોતાની તેમજ પોતાના પરિવારની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવાનો) પણ વિચાર તો કરતા જ હોય છે. એ જ રીતે કલાકાર પણ કામ કરતો હોવાથી એ માત્ર દેશ માટે તડપે છે માટે વિશ્વમાં પોતાની કલાનું પ્રદર્શન કરે છે એમ કહેવું બરાબર નથી.

અભિનેતા કે ખેલાડી ટોચ પર પહોંચ્યા પછી ઢળતી સાંજની જેમ નબળું પ્રદર્શન કરી રહ્યા હોય, પોતાના ક્ષેત્રના અન્ય સ્કિલ્ડ પર્સનથી હડધૂત થયા કરતા હોય, આખો દેશ તેઓની નિવૃત્તિની રાહ જોઈ રહ્યો હોય, સમાચાર માધ્યમો તેઓના નિષ્ફળ દેખાવ બદલ તેઓના માથે સતત માછલા ધોતા હોય છતાં એ અભિનેતા કે ખેલાડી રુપિયા તેમજ પ્રસિદ્ધિ કમાવાની લાલચના કારણે નિવૃત્તિ ન લઈ રહ્યો હોય છતાં એ વ્યક્તિ દેશ માટે બધું કરી રહ્યો છે એવું કઈ રીતે કહી શકાય ? પાંસઠ વર્ષના એક માણસે જાહેરમાં કહ્યું, ‘મેં ચારસો કાર્યક્રમોનું સફળ સંચાલન કર્યું છે.’ ત્યારે મને સંભળાવી દેવાનું મન થયું, ‘આપે અત્યાર સુધીમાં કેટલા સંચાલકો તૈયાર કર્યા ?’ દસકાઓથી ઉજ્જડ ગામમાં એરંડા જેવા ઊભા છે છતાં એમને એની કોઈ શરમ નથી !

આપણે ત્યાં ભૂતકાળમાં કોઈ પણ કલા પ્રભુ ચરણે ધરવામાં આવતી. ગાયક પ્રભુભક્તિના ગીતો-ભજનો ગાતો. લોકો સમક્ષ જે ગાય છે એ આર્થિક કમાણી માટે છે એ વાત સ્પષ્ટ છે છતાં એ સત્ય ઉચ્ચારવાની હિંમત કોઈમાં નથી. લોકરંજન માટે જે ગાય છે એની કલા ચોક્કસ સ્તર સુધી જ જઈ શકે છે. એનાથી આગળ વધવાનું એના માટે શક્ય નથી. છતાં ઘણા ગાયક કલાકારો એવું કહેતા જોવા મળે છે કે ‘ગાતી વખતે હું ધ્યાનમાં ચાલ્યો જાઉં છું. મને સમાધિ લાગી જાય છે. મારો કિરતાર સાથે તાર મળી જાય છે.’ આપણે કોઈ શ્રેષ્ઠ કલાકારની મજાક ઉડાડવાની વાત નથી કરતા પરંતુ હજાર રુપિયાથી દસ હજાર રુપિયા સુધીની ટિકીટ લીધા બાદ જેને સાંભળી શકાતા હોય, પોતાનો ગાવાનો ચોક્કસ ભાવ નક્કી હોય, એવા કલાકારો ઈશ્વર સુધી પહોંચી શકે છે એ વાત સાવ હમ્બગ છે. જે સતત નિ:સ્વાર્થ કૃતિ કરે છે એની સાથે જ ઈશ્વર બોલે છે. ધન, કીર્તિ કે અન્ય કોઈ પણ સ્વરૂપમાં વળતરની અપેક્ષા નથી એવા કર્તૃત્વશાળી જીવને જ ભગવાન સાથે સંવાદ કરવાનો લાભ મળે છે. તાનસેનની ગાયકીથી સદૈવ પ્રસન્ન રહેતા રાજાએ જ્યારે એક વાર તાનસેનના ગુરુનું ગાયન સાંભળ્યું ત્યારે એ દંગ રહી ગયો. એણે તાનસેનને પૂછ્યું, ‘તમારી પાસે તમારા ગુરુની સરખામણીમાં ઘણું ઓછું જ્ઞાન છે. આવું કેમ ?’ ત્યારે તાનસેને બહુ સુંદર જવાબ આપ્યો હતો, ‘રાજાજી, હું તમારા માટે (દેશના બાદશાહ માટે) ગાઉં છું જ્યારે મારા ગુરુજી પ્રભુ માટે (જગતના બાદશાહ માટે) ગાય છે.’ તાનસેનના ગુરુને લોકપ્રશંસાની કંઈ પડી ન હતી.

ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવવો કે ક્રિકેટમાં વર્લ્ડકપ મેળવવો, વિમ્બલ્ડનમાં ટેનિસમાં, ફિફા ફુટબોલ સ્પર્ધામાં વિશ્વકપ પ્રાપ્ત કરવો, વિશ્વ હોકી સ્પર્ધામાં જીતવું વગેરેથી દેશનું નામ રોશન થાય છે એ ખરું પરંતુ એ બધું કરતી વખતે ખેલાડીની માનસિકતા કેવી હોય છે? તેઓ રમતમાં કરોડો કમાય, જાહેરાતોમાં કામ કરીને અબજો કમાય છતાં દેશના હિતમાં, પ્રજાના લાભાર્થે ટેલીવિઝન પર કે છાપામાં કોઈ સંદેશ આપવાનો હોય તો એ માટે – બે શબ્દો બોલવા માટે પણ લાખો-કરોડો રુપિયા ચાર્જ કરતા હોય એવા ખેલાડીઓ, અભિનેતાઓ દેશ માટે લાગણી ધરાવે છે એવું કઈ રીતે કહી શકાય ?

‘મહાન’ શબ્દ કોને લાગુ પડે ?

આજનો યુગ ડીવેલ્યૂએશનનો યુગ છે. વ્યક્તિ પ્રોડક્ટ બની ગઈ છે, એ ખરીદાય છે અને વેચાય છે. આથી આજના યુગમાં સર્વનું અવમૂલ્યન થઈ રહ્યું છે. હિન્દી ભાષામાં મુસાફરી માટે ‘યાત્રા’ શબ્દ વપરાય છે – શબ્દોનું પણ અવમૂલ્યન ! એવું જ ‘શ્રી’, ‘પૂજ્ય’, ‘મહાન’ વગેરે શબ્દોની બાબતમાં પણ બન્યું છે. મહાભારતમાં કૃષ્ણના નામની આગળ પણ વેદવ્યાસે ‘શ્રી’ શબ્દ લગાડ્યો નથી એટલો ‘શ્રી’ શબ્દ કિમતી છે. આજે તો થર્ડ ક્લાસ સંબંધીઓને પણ ‘પૂજ્ય માસા’, ‘પૂજ્ય માસી’ વગેરે વિશેષણો લાગુ પાડવામાં આવે છે. એવું જ ‘મહાન’ શબ્દ વિશે પણ કહી શકાય. કોઈ પણ સેલિબ્રિટીને ‘મહાન’ શબ્દ લાગુ પાડી દેવામાં આવે છે. પાંચ-પાંચ હજાર વર્ષે સૃષ્ટિને માર્ગદર્શન કરવા માટે અવતાર લઈને આ ધરતી પર આવતા રહેલા પરમ તત્વને ‘મહાન’ કહી શકાય. કોઈ ખેલાડીને કે કોઈ અભિનેતાને ‘ભારતરત્ન’ આપવો હોય તો આપો પરંતુ તેને ‘મહાન’ કહેવાનું બાજુ પર રાખો. અને ખાસ કરીને ‘ભારતરત્ન’ દેશ માટે સમર્પિતને નહિ પરંતુ જે વ્યક્તિથી અન્ય દેશોની તુલનામાં જે-તે ક્ષેત્રમાં આપણા દેશનું ગૌરવ વધ્યું છે એવા વ્યક્તિત્વને ‘ભારતરત્ન’ એનાયત થઈ રહ્યો છે એવું જાહેર કરો. ‘ખેલાડી દેશના ગૌરવ માટે રમે છે’ એમ કહેવું અને ‘ખેલાડીથી દેશનું ગૌરવ વધ્યું છે’ એમ કહેવું એ બન્ને વચ્ચેનો ફરક ધ્યાનમાં આવે એ માટે એક જોક જાણીતી છે: બધાએ ભેગા થઈને એક કાકાને હજાર રુપિયા ઈનામ આપ્યું કારણ કે કાકાએ એક છોકરાને તળાવના પાણીમાંથી ડુબતો બચાવ્યો હતો. બધાએ કાકાનું સન્માન કર્યું. તેઓ માટે વખાણ કરતા ભાષણો થયા. કાકાને હારતોરા થયા. છેલ્લે કાકાને પ્રતિભાવ આપવા માટે કહેવામાં આવ્યું. કાકાએ કહ્યું, ‘બધી વાત સાચી, પરંતુ પહેલા મને એ કહો કે મને તળાવમાં ધક્કો કોણે માર્યો હતો ?’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: