વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નોંધ: આવતા અઠવાડિયે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે એ ઉત્સવને ધામધૂમથી ઉજવતા આદિવાસીઓ તેમજ તેઓના મુખ્ય નગર છોટાઉદેપુર વિશેની વાતો આજના આ લેખમાં.

વડોદરાની પૂર્વે સો કિલોમીટરના અંતરે આવેલું આજનું તાલુકા સ્થળ અને આવતી કાલે જિલ્લો બનવા જઈ રહેલું સુંદર નગર એટલે છોટાઉદેપુર. વડોદરાથી છોટાઉદેપુર જતા વચ્ચે આવતા ઐતિહાસિક નગર ડભોઈ તેમજ અન્ય એક નગર બોડેલી પસાર કરો એટલે બસ, માત્ર કુદરતી વાતાવરણ જ જોવા મળે. સડકમાર્ગની બન્ને બાજુ પર છવાયેલા ઘટાદાર વૃક્ષોના કારણે રસ્તા પર ભર બપોરે પણ સૂરજદાદાની દાદાગીરી જોવા ન મળે. સહેજ દુર નજર કરો એટલે બસ લાલ કલરના પર્વત જ પર્વત આંખોને મોહી લે. સડકની સાથે-સાથે ઓરસંગ નદીને વહેતી જોવી એની મજા જ કાંઈ જુદી છે. બોડેલીથી પાવીજેતપુર પસાર કરો એટલે તમને લગભગ જંગલમાં પ્રવેશી ગયા હો એવો અનુભવ થયા કરે. વડોદરાથી બોડેલી જવાનો બીજો એક રસ્તો હાલોલ થઈને વાયા જાંબુઘોડાનો છે. જાંબુઘોડા પણ જંગલ વિસ્તાર છે. તમે નસીબદાર હો તો રસ્તા પર અથવા રસ્તાની બન્ને બાજુએ આવેલી ગીચ ઝાડીઓમાં તમને વન્ય પશુઓ પણ જોવા મળી શકે. બોડેલીથી છોટાઉદેપુર જવાનો એક જ કૉમન રસ્તો છે. છોટાઉદેપુર ગુજરાતની સરહદ છે. ત્યારબાદ મધ્યપ્રદેશની હદ શરૂ થાય છે. ત્યાં જતા સૌથી પહેલું શહેર અલીરાજપુર આવે. છોટાઉદેપુર જવા માટે રેલ્વેમાર્ગ પણ છે. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલું રેલ્વે સ્ટેશન ખાસ ડભોઈ, બોડેલી તેમજ છોટાઉદેપુર જવા માટે જ છે. છોટાઉદેપુરમાં રેલ્વે સ્ટેશન તેમજ બસડેપો બાજુ-બાજુમાં આવેલા છે.

છોટાઉદેપુર રાજવી નગર હોવાથી નગરભરમાં તમને ભવ્ય રાજવી ઈમારતો જોવા મળે. ડેપોની સામે આવેલો રાણી બંગલો, તેના પટાંગણમાં વાંસળી વગાડતા, પગની આંટી વાળીને ઉભેલા નયનરમ્ય કૃષ્ણની મૂર્તિ તેમજ વિશાળ રાજમહેલ જોવા એ એક લ્હાવો છે. વડોદરાના સુરસાગર જેવું જ વિશાળ કુસુમસાગર તળાવ છોટાઉદેપુરની શોભા ખુબ વધારે છે. જો કે સાફસફાઈની બાબતમાં બન્ને તળાવોની ગંદકી શાસકોની નિષ્ક્રિયતા છતી કરે છે. વ્યાપારીકરણ એટલું વધી ગયું છે કે અત્યંત પૌરાણિક એવી રાજકીય વિરાસતના પ્રતીક સમી ઈમારતોની છાતી પર કોઈ રીતે સુંદર નહિ એવા શોપિંગ કોમ્પ્લેક્સીસ બની રહ્યા છે ને દિવસે-દિવસે નગરની શોભા ખતમ કરી રહ્યા છે. નગરની ઉત્તરે મધ્યપ્રદેશની હદ શરૂ થાય તે પહેલા ઓરસંગ નદીનો વિશાળ પટ છે, જેના પર મજબૂત પુલ બાંધેલો છે. ત્યાંથી એક બાજુએથી ઓરસંગમાં ઉતરીને ન્હાવાની મજાનો આનંદ અનેરો છે. ત્યાંથી થોડા આગળ જઈએ એટલે વરસાદની ઋતુમાં પર્વત પરથી પડતા ઝરણામાં ન્હાવાનો આનંદ લઈ શકાય એવા સ્થળો પણ છે. રાત્રે ઘણી વાર પાણી પીવા માટે વાઘ આવતો હોય એવો વાઘપર્વત પણ છોટાઉદેપુરમાં છે. જંગલ વિસ્તાર તરીકે જાણીતો એવો આ પ્રદેશ તેની કુદરતી સંપત્તિ એવા વૃક્ષોને ગુમાવતો રહ્યો છે. દરરોજનું કરોડો રુપિયાનું લાકડું કપાય છે ને સરકારના ચોપડે નોંધાયા વિના બારોબાર સગેવગે થઈ જાય છે. મજુરી માટે કચ્છ-કાઠીયાવાડ સહિત સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા આદિવાસી સમાજની સ્થાનિક વસાહત ખેતી પર ઘણો આધાર રાખે છે. લાલ માટીમાં પકવેલા અનાજ તેમજ રોજબરોજના શાકભાજી એટલા તો તાજા, રસદાર અને સ્વાદિષ્ટ હોય છે કે એક વાર તમે એને ચાખો એટલે એનો સ્વાદ જિન્દગીભર ભુલો નહિ. સીતાફળના નિકાસ માટે આ પ્રદેશ જાણીતો છે. નદીના પટમાંથી ટ્રક ભરીને રેતીના ટ્રાંસપોર્ટનો ધંધો ઉપરાંત નદીના પટમાં ખેતી કરીને પુષ્કળ તરબુચ પકવવામાં આવે છે. તાડના વૃક્ષમાંથી નીકળતો રસ વહેલી સવારના પાંચ વાગ્યાથી સાત-આઠ વાગ્યા સુધીમાં પીઓ તો એ ‘નીરો’ તરીકે ઓળખાય છે. આ પીણું પીવામાં મધુરું અને પૌષ્ટિક હોય છે. એ જ પીણું બપોરે તાપના કારણે ‘તાડી’ બની જાય છે જે કંઈક અંશે નશાકારક ગણી શકાય. મહુડાના ફુલોમાંથી બનતો દારૂ આદિવાસીઓ દ્વારા મોટા પ્રમાણમાં પીવાય છે, જે તેઓની બરબાદીનું મુખ્ય કારણ છે. જો કે તેઓ જંગલની અલભ્ય વનસ્પતિઓના અચ્છા જાણકાર હોય છે. જે-તે રોગ માટે ચોક્કસ વનસ્પતિનો જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરીને તેઓ અકસીર ઈલાજ પણ કરે છે. તમે બિમાર હો તો કાળજીથી તેમજ લાગણીથી તેઓ તમારો ઈલાજ કરશે પરંતુ જંગલની અલભ્ય વનસ્પતિ-ઔષધિઓ અંગેનું પરંપરાગત રીતે સચવાયેલું જ્ઞાન તેઓ કોઈ પણ સંજોગોમાં કોઈનેય આપતા નથી.

સૌથી મોટું વિકાસનું સ્થળ હોવાથી છોટાઉદેપુરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. પોલીસસ્ટેશન, પોસ્ટઑફિસ તેમજ નગરની બે માળની વિશાળ ફતેસિંહ લાયબ્રેરી પણ જુદી-જુદી રાજકીય ઈમારતોમાં આવેલી છે. કોર્ટ, મામલતદારની કચેરી, તાલુકા પંચાયતની ઑફિસ, શાળા-કોલેજો, બેંકો, પી.ટી.સી. સેંટર, જુની તેમજ દરરોજ નવી બંધાતી જતી અસંખ્ય સોસાયટીઓ અને શોપિંગ કોમ્પ્લેક્સીસથી છોટાઉદેપુર ભરપૂર છે. ઉપરાંત રમત-ગમત માટે વિશાળ મેદાનો, મંદિરો તેમજ બાગબગીચાઓ યુવાનોનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. વડોદરામાં જેમ શુક્રવારી બજાર ભરાય છે તેમ છોટાઉદેપુરમાં કુસુમસાગર તળાવના તીરે શનિવારી બજાર ભરાય છે. છોટાઉદેપુરનો એક વિસ્તાર એવો ક્લબરોડ એ વડોદરાના અલકાપુરીની જેમ પોશ એરિયા ગણાય. જો કે એમાં ખારીસિંગ અને કાજુ જેટલો તફાવત તો ખરો જ ! એ વિસ્તારમાં નિયમિત સરકારી કામકાજ માટે આવતા બાબુલોકોને રોકાણ માટે ઠીક-ઠીક કહી શકાય એવા રેસ્ટ હાઉસીસ, તેમજ ભોજનાલયો પણ ઘણા છે. કહેવાય છે કે પાવાગઢથી કાલિકા માતાજીની અવકૃપા પામેલો પતઈ રાજા છોટાઉદેપુર આવીને વસ્યો હતો. ત્યાં તેણે અથવા તેના પછીના વંશજે નવ રાણી કરી છતાં રાજાને સંતાન ન થયું. પછી દત્તક સંતાનથી કામ ચલાવવું પડ્યું. અનેક સ્થળોની જેમ પાવાગઢથી છોટાઉદેપુરના ભુગર્ભ માર્ગની રોમાંચક વાતો પણ નગરના વૃદ્ધો પાસેથી સાંભળવા મળે છે.

છોટાઉદેપુર ત્યાંના સ્થાનિક વસાહતીઓ એવા આદિવાસી પ્રજાથી જાણીતું નગર છે. તેઓ માટે હોળી વર્ષનો સૌથી મોટો તહેવાર ગણાય છે. આ ઉત્સવ તેઓના સામાજિક તેમજ કૌટુમ્બિક પ્રસંગો સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલો છે. હોળી ઉત્સવ દરમિયાન કુંવારા આદિવાસી છોકરા-છોકરીઓ જીવનસાથી તરીકે એકબીજાને પસંદ કરે છે. લગભગ પંદર દિવસ સુધી છોટાઉદેપુરની આજુબાજુના વિસ્તારો જેવા કે કવાંટ, નસવાડી વગેરે સ્થળોએ હોળીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાય છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે. પ્રગટાવેલા લાકડા બીજા દિવસે રાત્રે લાલ અંગારા જેવા કોલસામાં ફેરવાઈ જાય પછી એના પર ચાલવા માટે આદિવાસીઓ જાણીતા છે. પગની પાની પર શરીરનું વજન લાદવાને બદલે હળવા થઈને ધીમે-ધીમે અંગારા પરથી ચાલતા-ચાલતા નીકળી જવામાં તેઓને કોઈ તકલીફ થતી નથી.

હોળીના બીજા દિવસથી ઠેર-ઠેર મેળાનું આયોજન થાય છે જે ભંગોરિયું તરીકે ઓળખાય છે. આદિવાસી સમાજના પરંપરાગત નૃત્યો, ગીતો, તેઓનું સંગીત તેમજ સંગીતવાદ્યો અદ્ભૂત હોય છે. ભાઈઓ-બહેનો દ્વારા એકબીજાની કમરમાં હાથ રાખીને કમર લચકાવીને તેમજ વારાફરથી પગને આગળ-પાછળ તેમજ ડાબી-જમણી બાજુએ લઈ જઈને ઠેકડો મારતા-મારતા કરાતું ટીમળી તરીકે જાણીતું નૃત્ય અત્યંત નયનરમ્ય દૃશ્ય ઉભું કરે છે. “અમે કાકા-બાપુના પોયરા રે અમે ટીમળીમાં રમીએ . . .” એકબીજાના ખભા ઉપર ઉભા રહીને આધુનિક સમાજના પીરામિડ તરીકે જાણીતા આકારો રચવા અને એવા કરતબો દેખાડીને યુવાનો આદિવાસી યુવતીઓના મનને મોહી લેવાની કોશિશ કરતા જોવા મળે છે. યુવક-યુવતી એકબીજાને પસંદ કરી લે એટલે વડીલો દ્વારા વ્યવહારની લેણ-દેણની વાતચીત શરૂ થાય છે. આદિવાસીઓમાં દહેજપ્રથા કંઈક અંશે જુદી છે. તેમાં દિકરાના બાપાએ દિકરીના બાપને રુપિયા ગણી આપવા પડે છે. કારણ કે આદિવાસી યુવતી દરરોજ કામ પર જઈને રુપિયા કમાવી લાવતી હોવાથી એને બેરર ચેક કહી શકાય. દિકરી અગિયાર વર્ષની વયથી સોળ વર્ષની થઈ ત્યાં સુધી એ ચેક એના બાપાએ વટાવ્યો. હવે એને એનો પતિ વટાવશે. એટલે એના સોળ વર્ષ સુધીના ઉછેરના રુપિયા યુવતીના પિતાને ગણી આપવા પડે. આદિવાસી યુવતીઓ સદીઓથી આર્થિક રીતે પગભર હોવા છતાં, પોતાના પરિવાર માટે ઘરકામ પણ કરતી હોવા છતાં ક્યારેય એણે પોતાના અધિકારો અંગે વાત કરી નથી. જ્યારે આજકાલની આધુનિક યુવતી શિક્ષણ લેતી અને કમાતી થઈ ત્યારથી પોતાની સ્વતંત્રતા અંગે એટલી બધી જાગૃત થઈ ગઈ છે કે લગ્ન કરીને જાણે સમાજ પર ઉપકાર કરતી હોય એમ લગ્નપૂર્વે શરતો મુકે છે: “છોકરાની એબ્રોડ જવાની તૈયારી છે? હું પાંચ વર્ષ સુધી બાળકને જન્મ નહિ આપું.” વગેરે વગેરે.

આદિવાસીઓમાં ચાંદીના દાગીના ખુબ લોકપ્રિય છે. સોનાનું ઘરેણું પહેરવાનું તેઓ પસંદ કરતા નથી. તેઓના ચાંદીના ઘરેણા ખુબ જાડા તેમજ વજનદાર હોય છે. ગળાની હાંસડી, કમરપટ્ટો, કંઠી, હાથ-પગના કડાં, માથાની પીનો, નાક-કાનની ચુની-બુટ્ટીઓ બધું જ વજનદાર ! ભણેલા લોકો જેમ બેંકમાં રોકડ મુકે, સોનું ખરીદે કે જમીનમાં રોકાણ કરે તેમ આદિવાસીઓ ચાંદીમાં નાણા રોકે. વર્ષભર તેઓની ખરીદી અને વેચાણ ચાલ્યા જ કરે. આવક-જાવકના બેલેંસમાં ફાવટ ન હોવાથી મોટે ભાગે તેઓ લાખના બાર હજાર કરતા રહે અને તેઓ પર નભનારા ગામડાના સોનીઓને જલસા પડી જાય.

આદિવાસીઓના બે મુખ્ય હથિયાર એટલે એક તો તીરકામઠું અને બીજું પાળીયો. પાળીયો એટલે લંબગોળ આકારનો થોડો લાંબો પત્થર. કામઠા પરથી તીર છોડતા હોવાથી એને અસ્ત્ર અને પાળીયાને હાથમાં રાખીને બીજાને મારતા હોવાથી એને શસ્ત્ર કહી શકાય. છોટાઉદેપુર જેવા આદિવાસી નગરમાં અવારનવાર તમને એવી ઘટના જોવા મળે કે મારામારીના કારણે શરીરથી છુટો પડી ગયેલો હાથ કે પગનો પંજો કે કપાઈને એક બાજુ ખભા પર લટકી ગયેલું માથું પોતાના જ હાથે પકડીને ડોક્ટરના દવાખાને આદિવાસી દોડતો જાય ને પોતે જ ડોક્ટરને સારવાર કરવાનું કહે. તિરંદાજીમાં તેઓ એટલા સારા નિશાનબાજ ગણાય છે કે જો તેઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે તો ઑલિમ્પિકમાં તેઓ ગોલ્ડ મેડલ લાવી શકે. જો કે એ દિશામાં પરિણામલક્ષી પ્રયત્નો શરૂ પણ થઈ ગયા છે. પોલીસની ગોળીઓ કરતા પણ વધુ ઝડપથી તેઓ તીર છોડી શકે છે. વળી અંધારામાં પણ સચોટ નિશાન સાધી શકે છે. એ માટે તેઓ આંખ કરતા કાન પાસેથી વધુ કામ લેતા હોય છે, શબ્દવેધી બાણ જેવું.

આદિવાસીઓની આવકનું એક મોટું માધ્યમ એટલે બાંધકામ ક્ષેત્રે મજુરી કરવી. સદીઓથી તેઓ મજુરી કરવા ટેવાયેલા છે. તેઓ કડિયાકામ કરી શક્યા નથી કે કોંટ્રાક્ટર બની શક્યા નથી. એનું એક મૂળ કારણ તેઓનો નફિકરો, નિજાનંદમાં મસ્ત તેમજ પ્રસન્ન રહેવાનો સ્વભાવ કારણભૂત ગણી શકાય. આદિવાસીઓ ગમે તેવા મોટા માણસને પણ એકવચનથી બોલાવવા ટેવાયેલા છે. એ સાહેબ તું ક્યાંથી આવ્યો? શું ખાવાનો? એમ આપણને તેઓ એકવચનથી છતાં પ્રેમથી અને ખાસ તો દંભ કર્યા વિના સંબોધે. એક જમાનામાં મકાઈના રોટલા સાથે સુકા લાલ મરચાની ચટણી ખાવા ટેવાયેલા આદિવાસીઓ હવે ભોજનમાં ચાર–પાંચ વસ્તુઓ બનાવતા થયા છે તેમજ માત્ર પોલકું-ઘાઘરી પહેરતી આદિવાસી બહેનો હવે સાડી પહેરતી થઈ છે, જે વિકાસની દિશામાં આવેલા પરિવર્તનની નિશાની છે. શિક્ષણ ક્ષેત્રે પણ તેઓ ખુબ આગળ વધી રહ્યા છે. હોકી, ખો-ખો વગેરે રમતોમાં શાળા-કોલેજની આદિવાસી છોકરીઓના દેખાવને, ચહેરા પરના તેઓના આત્મવિશ્વાસને, મેદાનમાં પ્રવેશતી વખતે તેઓની બોડી લેંગવેજને જુઓ તો આશ્ચર્યચકિત થઈ જવાય.

તક મળે તો બે દિવસનો સમય લઈને એક વાર ગુજરાતમાં સૌથી વધુ ઈંચ વરસાદ પડતો હોય એવા આ સ્થળ છોટાઉદેપુરની મુલાકાત લેવા જેવી ખરી !

Advertisements

Comments on: "રમણીય સ્થળ છોટાઉદેપુર" (2)

  1. (આદિવાસીઓના બે મુખ્ય હથિયાર એટલે એક તો તીરકામઠું અને બીજું પાળીયો. પાળીયો એટલે લંબગોળ આકારનો થોડો લાંબો પત્થર. કામઠા પરથી તીર છોડતા હોવાથી એને અસ્ત્ર અને પાળીયાને હાથમાં રાખીને બીજાને મારતા હોવાથી એને શસ્ત્ર કહી શકાય.)પાળીઓ નહિ પણ પાળિયું કે જે દાતરડા જેવું લોખંડ નું હથિયાર હોય છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: