વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

બુદ્ધિનો યુગ આવ્યો છે એટલે હવે છુટ્ટા હાથની મારામારી કે ઈવન ગાળાગાળી કરતા લોકો પણ જોવા મળતા બંધ થઈ ગયા છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિ પોતાની વૃત્તિઓને વ્યક્ત કરવા પર સંયમ રાખતો જોવા મળે છે. આથી દબાયેલી વૃત્તિઓને વહાવી દેવાની કે શાંત કરવાની કળા ન જાણતા બુદ્ધિમાનોમાં એ વૃત્તિઓ કાળાંતરે વિષરૂપ (ઝેર) બનીને વિકૃત સ્વરૂપે બહાર આવે છે ત્યારે વ્યક્તિનું ઈંસલ્ટ વિથ મેનર્સ (સભ્યતાથી અપમાન કરવા)ની ઘટનાઓ બને છે. આજે ‘કુલ માઈંડ’ નું મહત્વ છે. વારે-વારે ‘કુલ મેન, બી કુલ’ – એમ કહેવામાં આવે છે. ગુસ્સાને પ્રગટ નહિ કરવાનો એટલે અન્યને પ્રેમ કરવાનો કે પછી એને ક્ષમા આપવાની, ગમ ખાઈ જવી કે પછી કોઈનું દુષ્કૃત્ય સાવ ભુલી જવાનું – એવું તો સંસ્કાર વગર ચારિત્ર્યમાં આવે નહિ એટલે પછી ગણતરીપૂર્વક કોઈનું અહિત કરવાની અને એ માટે મનથી સતત ચાલ ચાલવાની પ્રવૃત્તિઓ થયા જ કરે! પરંતુ એ જોવા માટે તમારી પાસે બુદ્ધિની ધાર અને પાવરફુલ નિરીક્ષણશક્તિ હોવા જરૂરી છે. સિનિયર ડૉક્ટર ઈંટર્નનું કે જુનિયર ડૉક્ટરનું અથવા નર્સનું કે પછી એમ.આર. (મેડિકલ રિપ્રેઝંટેટિવ)નું આ રીતે અપમાન કરતા જોવા મળશે. એપોઈંટમેંટ લઈને મળવા આવનાર એમ.આર.ને બે કલાક બેસાડી રાખ્યા બાદ મળવાનો ઈંકાર કરી દેવો, જુનિયરે કરેલા પરફેક્ટ નિદાનનો માથુ હલાવીને ઈંકાર કરવો, ‘આજે બોડી સ્પ્રે વધારે છાંટ્યુ છે’ એવું કહીને આડકતરી રીતે નર્સ ‘આજે તું ન્હાયા વિના આવી છે’ એવો કટાક્ષ કરવો વગેરે બાબતો કેટલાક ડૉક્ટર માટે સહજ છે. વકીલસાહેબ કોર્ટમાં દલીલ કરતા કહે, “યોર ઑનર, યુ વિલ બી સર્પ્રાઈઝ્ડ બાય નોઈંગ ધેટ . . .” એટલે કે હવે જજસાહેબની પોતાની બુદ્ધિ એમને ચમકારા આપતી બંધ થઈ ગઈ છે અને વકીલસાહેબની બુદ્ધિ ચમકારા બતાવશે ત્યારે જ જજસાહેબ ચમકશે. આ જજનું ઈંસલ્ટ વિથ મેનર્સ છે. સ્કૂલના પ્રિંસિપાલ શિક્ષકનું આ રીતે જ અપમાન કરતા હોય છે. વિદ્યાર્થીઓના સારા માર્ક્સ આવે તો આચાર્ય શિક્ષકને કહે, “તમે તો છુટ્ટા હાથે માર્ક્સની લ્હાણી જ કરવા માંડીને કાંઈ !” ને એ શિક્ષકના વિષયમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય તો કહેશે, “મીસ્ટર, તમે ભણાવવામાં ખાસ ધ્યાન નથી આપતા.”

સાયકલ પર કે ટુ વ્હીલર પર આવનાર ગ્રાહક ફ્રુટ્સની લારીવાળાને ઑફસીઝન ફ્રુટ્સનો ભાવ પુછે તો પહેલા તો એ પુછનારની સામુ જોશે જ નહિ. બીજી વાર પુછવામાં આવે તો એ કાંઈ પણ બોલ્યા વિના ગ્રાહકની સામું જોયા કરશે. આને ઈંસલ્ટ વિથ મેનર્સ કહી શકાય. કોઈ દુકાનદાર પાસે એને ખાસ નફો ન મળતો હોય એવી કોઈ ચીજ માંગો તો એટલી ઝડપથી ‘નથી’ કહી દે કે ગ્રાહક સમસમી જાય. હું નવમા ધોરણમાં હતો ત્યારે ગણિતના શિક્ષકે એક જોક કહી હતી. ઇંટેલેક્ચ્યુઅલ જોક હોવાથી થોડા વિદ્યાર્થીઓ એને માણીને હસી શક્યા. મારા સહપાઠીને જોક ન સમજાઈ એટલે હું એને સમજાવવા ગયો એમાં મારો અવાજ સહેજ મોટો થઈ ગયો એટલે ગણિતના શિક્ષકે તરત આખા વર્ગને કહ્યું, “મીસ્ટર સોની હવે કોલેજમાં જવાની તૈયારી કરી રહ્યા છે.” આને શું કહી શકાય? મારા કોલેજકાળના મારા પ્રિય પ્રાધ્યાપક પ્રો.બેનર્જી રીડરમાંથી પ્રોફેસર બનવાની પુરી લાયકાત ધરાવતા હતા. તેઓની મહત્વાકાંક્ષા ન હોવાથી પ્રમોશન માટે ક્યારેય તેઓ ઈંટરવ્યુ ફેસ ન કરતા. છતાં યુનિવર્સિટીમાંથી તેઓને વિનંતી કરવામાં આવી, કે ‘આપ હેડ ઑફ ધ ડીપાર્ટમેંટ બની શકો એ માટે પ્રોફેસર બનવા માટેનો ઈંટરવ્યૂ ફેસ કરો.’ ઈંટરવ્યૂમાં તેઓના જુનિયર પ્રાધ્યાપક, કે જે માત્ર લેક્ચરર હતા તેઓ સીધા જ પ્રોફેસર તરીકે સીલેક્ટ થયા અને તમામ પૂરતી લાયકાત હોવા છતાં, વળી સિનિયર હોવા છતાં પ્રો.બેનર્જી સીલેક્ટ ન થયા અને તેઓને જુનિયરના અંડરમાં કામ કરવાનું આવ્યું. તેઓએ તરત પોતાના રીડર તરીકેના હોદ્દા પરથી પણ રાજીનામુ આપી દીધું ને વી.આર.એસ. લઈ લીધું. આવું ઈંસલ્ટ વિથ મેનર્સ પણ હોઈ શકે. કલેક્ટર જેવા આઈ.એ.એસ. અધિકારીને તેઓના હોદ્દા કરતા નીચલી કક્ષાના બે હોદ્દા આપવા એ પણ ઈંસલ્ટ વિથ મેનર્સ જ છે.

રાજ્યના કોઈ અંગુઠાછાપ પ્રધાનનું તેઓના જ સેક્રેટરી એવા આઈ.એ.એસ. અધિકારી દિવસમાં દસ વાર ઈંસલ્ટ કરતા હોય તો એ પ્રધાનને એની ખબર પણ પડતી ન હોય એવું બને. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિને એની લાયકાત મુજબનું કામ ન સોંપતા ઉતરતી કક્ષાનું કામ સોંપવું એ યોગ્ય નથી. કોઈ હોંશિયાર વિદ્યાર્થીને તેના શિક્ષક પોતાના પર્સનલ કામ જેવા કે પાન-પડીકી લેવા મોકલતા હોય છે. આ બાબતમાં પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીની દશા બહુ બુરી હોય છે. તેના ગાઈડ તેની પાસે એવા-એવા કામો કરાવતા હોય છે કે આપણને જાણીને ઘૃણા ઉપજે. તેઓની ઘરવાળી માટે શાક લઈ જવું, તેઓના ઘરનું લાઈટબિલ ભરવા જવું વગેરે વગેરે. કેટલાક મવાલીછાપ ઈંટેલેક્ચ્યુઅલ્સ ભુલથી પ્રાધ્યાપકો બની બેઠા હોય છે. તેઓ જાણી જોઈને કોઈ ટોપિકને અઘરો બનાવી મુકે અને વર્ગના બ્રિલિયંટ સ્ટુડંટની એ અઘરા ટોપિકને સમજવાની અશક્તિને પ્રગટ કરીને એનું અપમાન કરવાના ઈરાદાથી એના જ વર્ગની કોઈ ડફોળ ફીમેલ સ્ટુડંટ આગળ ખડખડાટ હસતા જોવા મળે એવું બને.

સેલિબ્રિટી ક્રિકેટર્સ અથવા ફિલ્મી હીરોઝ ઘણાનું ઈંસલ્ટ વિથ મેનર્સ કરી જ રહ્યા હોય છે. એક પત્રકારે સચિનને પૂછ્યું, કે “તમને નથી લાગતું કે તમારું પર્ફોર્મંસ દિવસે-દિવસે નબળું થઈ રહ્યું છે” તો સચિને એ પત્રકારને જવાબમાં કહ્યું, “ગો એંડ ચેક ધ સ્કોર.” એટલે કે ‘તારું કામ સ્કોર નોંધીને છાપામાં છાપવાનું છે.’ એક નવા-નવા પ્રાધ્યાપક સ્ટાફરુમમાં રાખેલા વોટરકુલર આગળ પાણી પીવા માટે ગયા. ત્યાં અગાઉથી એક સિનિયર પ્રાધ્યાપક કુલરના નળમાંથી પ્યાલામાં પાણી ભરી રહ્યા હતા. સિનિયરે જોયું કે નવો ચહેરો આવીને પાછળ ઉભો છે એટલે તેઓએ પોતાનો પ્યાલો બાજુના વોશબેસિનમાં રેડી દીધો ને જુનિયરને કહ્યું, “ઓ.કે. તમે પાણી પી લો. હું પછી પીશ.” જુનિયરનો વાંક એટલો જ કે સિનિયરના મત મુજબ ‘લાઈનમાં ઉભા રહેવું એ વિદ્યાર્થીકાળની નિશાની છે. પ્રાધ્યાપકોએ ધ્યાન રાખવું જોઈએ કે એક વ્યક્તિ કુલર આગળ હોય તો તેઓ વિદાય લે ત્યારબાદ ત્યાં અન્ય વ્યક્તિએ પાણી પીવા જવું જોઈએ.’ એ તો સારું છે કે યુરિનલમાં આવી ઘટના બની ન હતી. નહિ તો ત્યાં એ સિનિયર પ્રાધ્યાપક શું કરત?

કોઈની અણઆવડતને છુપાવવાને બદલે અન્યને જાણ થાય એ રીતે પ્રતિભાવો આપવા એ પણ ઈન્સલ્ટ જ છે. આ માટે એક જોક જાણીતી છે. એક હોડીમાં બેસીને ચાર પ્રાધ્યાપકો દરિયાની સહેલગાહે નીકળ્યા. અંદરોઅંદર ચર્ચા ચાલી. વાતવાતમાં તેઓએ જોયું કે નાવિક બાઘાની જેમ ચર્ચા કરનારા બધાને જોઈ રહ્યો છે. એટલે અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક ફાંકો મારતા કહે, અંગ્રેજી વિશ્વસાહિત્યનો અભ્યાસ નથી કર્યો એની 25% જીંદગી ફોગટ ગઈ. ઈતિહાસના પ્રાધ્યાપક વટ મારતા કહે, વિશ્વનો ઈતિહાસ નથી જાણ્યો એનું 50% જીવન વ્યર્થ છે. એટલામાં દરિયામાં તોફાન શરૂ થયું. હોડી હાલક-ડોલક થવા લાગી. ગમે ત્યારે એ ઉંધી વળી જશે એમ સહુને લાગ્યું. એટલે નાવિકે કહ્યું, “તમારામાંથી તરવાનો અભ્યાસ કોઈએ કર્યો છે? જો ના, તો તમારા બધાની 100 એ 100 ટકા જિન્દગી આજે પુરી થઈ સમજજો.” જો કે આવું કહેવા પાછળ નાવિકનો ઈરાદો પ્રાધ્યાપકોનું ઈંસલ્ટ કરવાનો બિલકુલ ન હતો.

ઈંસલ્ટ વિથ મેનર્સના આ તમામ પ્રકારના કિસ્સાઓમાં એક વાત સમાન છે કે આમાં તમારું અપમાન થતું રહે છે અને તમે કાંઈ કરી શકતા નથી. તમારે માત્ર સમસમીને રહી જવાનું થાય છે. જો તમે આ પ્રકારના તમારા અપમાનનું દુ:ખ ભુલી ન શકો તો તમે આ પરંપરાના વાહક બની જાઓ છો એટલે કે તમે પણ લાગ મળે બીજાનું આ રીતે અપમાન કરવાનું શરૂ કરી દો છો. ‘જે પીડાનો ભોગ હું બન્યો છું તે પીડાનો અનુભવ હું મારા સંપર્કમાં આવનાર તમામને કરાવીશ’ – એવું મનમાં પાકું થઈ જાય પછી તમે એવું કરવાથી બચી શકતા નથી. આ બાબતમાં નુકશાન કોને છે? જેનું અપમાન થાય છે તેને તો માત્ર ક્ષણેકવાર પીડાનો અનુભવ થાય છે. પરંતુ આ પીડાને જે ભુલી નથી શકતો એને સતત દુ:ખ થયા કરે છે. બીજાનું અહિત થશે ત્યારની વાત ત્યારે પરંતુ ‘બીજો લાગમાં ક્યારે આવે ને હું એને દુ:ખી કરું’ – આ દુષ્ટ ચિંતન માણસને અંદરથી ખતમ કરી નાંખે છે. એના નિવારણ માટે મનનું ડિફેંસ મિકેનિઝમ સતત કામે લગાડી રાખવું આપણા માટે હિતાવહ છે. કોઈ અપમાન કરે તો, આવું બનવાનું જ છે એવી પૂર્વ તૈયારી રાખીને શાંત રહેવું, અપમાન કરનારને મનથી ક્ષમા આપવી અને શક્ય હોય તો થયેલું અપમાન ભુલી જવું એ શ્રેષ્ઠ ઉપાય છે. યાદ રહે કે અન્યને પીડા આપવાની દાનત રાખનારે હરપલ પોતાની જાતને પીડા આપવી પડે જ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: