વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એક દુકાનદારે સિંગદાણા તોલવા માટે એને વજનકાંટા પર રાખ્યા. 500 ગ્રામના બદલે 498 ગ્રામ વજન થયું. બે ગ્રામ ઉમેરવા માટે નવો કોથળો ખોલવો પડે એમ હોવાથી મારી નજર ચુકવીને દુકાનદાર સિંગદાણા પેક કરવા ગયો ત્યાં એનો દસ-બાર વર્ષનો દિકરો દોડીને કોથળામાં સોયા વડે કાણું કરીને પાંચેક ગ્રામ સિંગદાણા કાઢી લાવ્યો ને ત્રાજવામાં રાખી દીધા. વજન 500 ગ્રામથી વધુ થયું એ જોઈને ખુબ રાજી થયો. ગ્રાહકને સંતોષવાની નહિ પરંતુ પોતાનું કામ પ્રમાણિકતાપૂર્વક કરવાની દિકરાની મથામણ જોઈને દુકાનદાર રાજી થવાને બદલે નારાજ થયો. ગ્રાહક તરીકે હું ખુશ થયો હોવાથી મેં એ જ દુકાનમાંથી નાસ્તાનું 5 રુપિયાનું પેકેટ ખરીદીને એ છોકરાને આપવા માંડ્યું. દુકાનદારે એમ ન કરવા મને કહ્યું. મેં આગ્રહ ચાલુ રાખ્યો તો એ દુકાનદાર મને કહે, “તમે મારા છોકરાની આદત બગાડી રહ્યા છો. આમ પણ આખો દિવસ દુકાને રહીને એ નાસ્તાના પેકેટ ખાયા જ કરે છે.” કોણ કોના સંસ્કાર બગાડી રહ્યું હતું એ કહેવાની જરૂર નથી. બાળકોના ઉછેર પર તેઓની સંસ્કારિતાનો ઘણો આધાર રહેલો છે. આ કિસ્સામાં દુકાનદાર બાળકની પ્રમાણિકતાને જરાય પોષવા માંગતો ન હતો. આથી ભવિષ્યમાં એ બાળક પણ દુકાનદારની જેમ ચાલાકી કરતા શીખી જશે.

ઘણા માબાપો પોતાના બાળકોને-યુવાન સંતાનોને કથા-વાર્તા-સત્સંગમાં જતાં રોકે છે. કારણ એ જ કે નવું લોહી નવી વાત તરત સ્વીકારી લે છે. પ્રવચનકાર સદવર્તનને-સદવૃત્તિને પોષે એવી વાત કરે તો નવયુવાનોને એ ખુબ માફક આવે છે પરંતુ તેઓના માબાપો એવું નથી ઈચ્છતા કે પોતાના બાળકો સજ્જન બને. આ નવાઈ લાગે એવી પરંતુ ખુબ સાચી વાત છે. પાકટ ઉમ્મરના ધીટ, ખડ્ડુસ થઈ ગયેલા ઘરડાઓ કથા સાંભળી-સાંભળીને કાન ફુટી જાય છતાં અંદરનો આતમરામ  જરાય હલે નહિ, બદલાવાની કોઈ તૈયારી નહિ એવા થઈ ગયા હોય છે. તેઓ પણ એવું જ ઈચ્છે છે કે પોતાના વારસો પણ પોતાના જેવા જડ થઈ જાય પછી જ કથા-વાર્તા-સત્સંગમાં જાય તો વાંધો નહિ, કારણ કે હવે તેઓ સદવર્તનની અસરમાંથી મુક્ત રહેતા શીખી ગયા હશે. પોતાનું બાળક સ્વામી વિવેકાનન્દ બને એવી ઈચ્છા જો માબાપની હોય તો તેઓએ સમજી લેવું જોઈએ, કે પોતાના ઘરે માગવા આવનારને આપવા માટે કંઈ ન હોય તો સ્વામીજી તિજોરીમાંથી પોતાની માની મોંઘામા મોંઘી સાડીઓ કાઢીને માગનારને આપી દેતા હતા. પોતાનું બાળક આવું કરે એવું કયા માબાપ ઈચ્છે? સો કિલોમીટરની ઝડપે જતી ગાડીમાં બેઠા પછી રસ્તા પર ઘવાયેલ પશુ-પક્ષી પર નજર પડતા ગાડી ઉભી રખાવીને એની સારવાર કરવાની તૈયારી કેટલાની હશે? જો એવી સંવેદનશીલતા ન હોય તો ડૉક્ટર કે નર્સિંગના વ્યવસાય માટે એને કેવી રીતે લાયક ગણી શકાય? સ્કૂલે જતા બાળકને નાસ્તામાં કાજુકતરી કે એવી જ મોંઘી ચીજ આપતા મા એને સુચના આપતી હોય છે, કે જોજે, બધું તારા દોસ્તોને ખવડાવી દેતો નહિ. મમરા-ચણા લાવે એની સાથે નાસ્તો કરવા બેસવાનું નહિ” વગેરે વગેરે.

એક દુકાને હું એડ્રેસપ્રુફ માટે ઝેરોક્ષ કોપી કઢાવવા ગયો. દુકાનદાર મને કહે, નવું એક્ટીવા લેવાના છો કે શું? મેં કહ્યું, “ના, હું સ્કુટી લેવાનો છું.” “એક્ટીવા સારું આવે છે. તમે એ લઈને નજીકના શહેરમાં પણ જઈ શકો. વળી એ બે સવારી માટે પણ સારું છે. તમારી પાસે રુપિયાની સગવડ હોય તો એક્ટીવા સારું પડે.” – દુકાનદાર કહે. હું એને કેમ સમજાવું કે મારે મારા માટે નહિ પરંતુ મારા કિશોરવયના બાળક માટે લાયસંસ વિના ચલાવી શકાય એવું ઈલેક્ટ્રીક સ્કુટી લેવું છે. તલવારથી મોટા કામો થતાં હોય છે એ વાત સાચી પરંતુ દાઢી કરવા માટે તો બ્લેડ જ ચાલે ને ! એક દુકાને હું કરિયાણું લેવા ગયો. એ દુકાનદાર મને કહે, “નવા ડ્રાયફ્રુટ્સ આવ્યા છે, લઈ જાઓ.” મેં કહ્યું, “અત્યારે મારે જરૂર નથી. પછી લઈ જઈશ.” અરે, લઈ જાઓ ભાઈ, તમારા છોકરાઓ ખુશ થઈ જશે. મારો દિકરો તો આખો દિવસ દુકાને બેઠો-બેઠો ડ્રાયફ્રુટ્સ ખાયા કરે છે.” મને થયું કે આને બરાબર જવાબ આપવો પડશે. મેં કહ્યું, “સોનીનો દિકરો દરરોજ નવી સોનાની વીંટી પહેરે છે તેમ તમે તમારા દિકરાને રોજ નવી વીંટી પહેરાવો એટલે હું પણ રોજ તમારે ત્યાંથી ડ્રાયફ્રુટ્સ ખરીદીને લઈ જઈશ.”

દુકાનદાર હંમેશા તમારી ખરીદશક્તિને ઉશ્કેરે એવી વાતો કર્યા કરશે. તમે કંઈક માંગો એટલે એનાથી મોંઘી, વિદેશી કંપનીની ચીજ વસ્તુ તમને ઑફર કરશે. એ વખતે એ તમારી સામે એવી રીતે જોશે કે તમે એ વસ્તુ ખરીદવાની ના પાડો છો તો તમે ગરીબ ગણાઓ છો અને જો તમે એની ઑફર સ્વીકારો છો તો એ તમારી સામે ગૌરવભરી નજરે જુએ છે. એ વખતે ગ્રાહકે બેલેંસ રાખીને વિચારવાની જરૂર છે, નહિ કે એના પ્રભાવમાં આવીને બજેટને ખોરવી નાંખવાની ! ફ્રુટ્સની લારીએ તમે જાઓ ને કેળા માંગો એટલે લારીવાળો સાંભળ્યુ – ન સાંભળ્યું કરશે. એની ઈચ્છા એવી છે કે તમે મોંઘા ભાવના સફરજન વગેરે ફ્રુટ્સ ખરીદો. દરેકને રુપિયાવાળા થવું છે પરંતુ ગ્રાહકને સંતોષ થાય એવું કાંઈ નથી કરવું. લારીવાળો તમને સારા ન હોય એવા ફ્રુટ્સ પકડાવી દેવા ઘણેભાગે તૈયાર જ હોય છે. ગ્રાહક જાતે ચુંટીને લે તો એને પરમ સંતોષ થાય છે એવું સમજી શકવાની તૈયારી કેટલા લારીવાળાની છે? પફ વેચનાર દુકાનદાર એ ગરમ હોય એની તેમજ કોલ્ડ ડ્રિંક્સ વેચનાર એ ખુબ ઠંડુ હોય બરાબર કાળજી નથી લેતો. છતાં લખે છે: ‘ગ્રાહકનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે.’ ગ્રાહક કોઈ ચીજ માંગે એટલે સાચવીને અલગથી રાખેલું થોડી-ઘણી નુકશાનીવાળું પેક તમને પકડાવી દેવા ઘણા દુકાનદાર તૈયાર હોય છે. તમે બીજું પેક માંગો એટલે એ નારાજ થઈ જશે અને પૂછશે, શું તમારે બે પેકેટ જોઈએ છે? બ્રેડ તેમજ મીઠાઈ વેચનાર દુકાનદાર ન વેચાયેલી વાસી આઈટમ્સ ફેંકી દેવાની તૈયારી રાખતો હશે ખરો? છોટાઉદેપુરમાં એક વખત મેં ફરાળી ચેવડો માંગ્યો તો દુકાનદારે એક મોટી પ્લેટમાં બરણીમાંથી ચેવડો ઠાલવ્યો અને ઘઉંમાંથી કાંકરા વીણે એમ ચેવડામાંથી ઉંદરની સો જેટલી લિંડિ વીણીને દૂર કરી ને પછી એ ચેવડો તોલવા લાગ્યો. એક્સપાયરી ડેટ પછીની ચીજવસ્તુઓ વેચનારા તેમજ અમુક વસ્તુ સાથે અમુક વસ્તુ ફ્રી આવતી હોવા છતાં એ ન આપનારા ઘણા વેપારીઓ હોય છે. ભેળસેળ કરનાર માટે તેમજ ડુપ્લીકેટ માલ વેચનાર માટે તો ઘણું લખાયું છે એટલે એનો ઉલ્લેખ અહિં ઉચિત નથી.

ઈંગલેંડમાં કોઈ ગ્રાહક નવો શુટ ખરીદે અને લગ્નપ્રસંગે પહેરીને બે-ત્રણ દિવસ પછી દુકાનદારને એમ કહીને પરત કરી દે, કે “હું શુટ ખરીદીને ઘરે લઈ તો ગયો પરંતુ મને હવે પસંદ નથી.” તો દુકાનદાર કોઈ રકઝક કર્યા વિના એ પરત લઈ પણ લે છે ને પૂરા નાણા ગ્રાહકને આપી પણ દે છે. કોઈ સજ્જને દુકાનદારને પૂછ્યું, કે ગ્રાહકની આવી ચાલાકી તમે શા માટે ચલાવી લો છો? ત્યારે દુકાનદારે જવાબ આપ્યો, કે અમારા માનવંતા 90% ગ્રાહકોનું સન્માન સાચવવા 10% જેટલા આવા ગ્રાહકોને ચલાવી લેવા પડે છે. આપણે ત્યાં તો ‘વેચેલો માલ પરત નહિ લેવામાં આવે’ કે ‘બદલી આપવામાં નહિ આવે’ એવી નોંધ વેપારીઓ બિલમાં ભારપૂર્વક લખતા હોય છે. કેટલીયે ચીજ-વસ્તુઓ એવી હશે કે જેની કોઈ ગેરંટી-વૉરંટી વેપારીઓ આપતા નથી. સારામાં સારી શોપમાં પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ સાથે આવનારી એક્સેસરીઝ તેમજ સ્કીમની ફ્રી વસ્તુઓ આપવામાં વેપારીઓ અથવા સેલ્સમેનો ચાલાકી કરતા જોવા મળે છે. ‘આપણને જાણ નહિ હોય તો અચુક આપણે એનો લાભ લેવામાંથી રહી જઈશું’ એવો ભય આપણને રહ્યા જ કરતો હોય છે. આવી સ્થિતિમાં ‘ગ્રાહકનો સંતોષ એ જ મારો મુદ્રાલેખ છે’ એ વિધાન કેટલું સત્ય છે?

Advertisements

Comments on: "ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ" (1)

  1. સરસ લેખ… મજા આવી વાંચવાની

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: