વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નોંધ: આ લેખમાં કેટલાક સંસ્મરણો એવા છે જેને વિવેક દૃષ્ટિએ કંઈક અંશે વાંધાજનક ગણી શકાય. પરંતુ કિશોરાવસ્થાને સમજવા માટે એ જરૂરી હોવાથી એનો સમાવેશ આ લેખમાં કર્યો લખ્યો છે.

કિશોરાવસ્થાના શાળાના દિવસોની યાદ આવે છે. મિત્રના ખભે હાથ રાખીને અલક-મલકની વાતો કરતા કરતા ચાલવાનો આનંદ હવે ગયો. ચાલતા-ચાલતા ક્યારેક જાણી જોઈને મિત્રના ખભા પર આખા શરીરનું વજન નાંખી દઈ એને પાડી દેવાનો અને સાથે-સાથે પોતે પણ ગબડી જવાની મજા, એ નફિકરાઈ, મસ્તી-ધમાલ ! રસ્તા પર કિડીની જેમ હારબંધ જવાને બદલે ત્રણ કે ચાર મિત્રો એકસાથે સાયકલ હાંકીએ ત્યારે સ્કૂટર પર જતા ને ઓવરટેક કરતા અટવાતા વડિલોનો ઠપકો સાંભળીને એકબીજાને તાળી આપીને હસવાનો આનંદ કેવો હતો ! શાળામાં ધોરણ આઠ થી દસ દરમિયાન હંમેશા પહેલો કે બીજો નંબર આવતા અમે પાંચેક મિત્રોનું સાયકલ ગ્રુપ હતું – મિતેશ, મિતેન, માયા, મિતા અને હું. માયા ખુબ જાડી હતી. અમે એને ચીડવવાની કોશિશ કરીએ છતાં એના મિલનસાર, હસમુખા સ્વભાવને કારણે ત્રણ વર્ષમાં ક્યારેય એ મુદ્દે સફળ થયા ન હતા. એનો પ્રથમ નંબર કોઈ છીનવી શકે નહિ એટલી એ હોંશિયાર હતી. “માયા, આગળનું ટાયર ઊંચુ થયું, જો.” “માયા, પાછળનું વ્હીલ બેસી ગયું, ઉતરી જા.” એવું-એવું અમે કહેતા. અને એ હસી પડતી. શનિવારે સવારની સ્કૂલ હોવાથી પાંચ વાગે ઉઠીને તૈયાર થઈ છ વાગે સ્કૂલે જવા નિકળી જવું પડતું. જેમ-જેમ રસ્તો કાપતા જઈએ તેમ-તેમ મિત્રોના ઘર રસ્તામાં આવતા જાય અને તેઓ સાથે જોડાતા જાય. અમને બધાને પાકી ખબર કે મિતેશના ઘરે અમે જઈશું એટલે પહેલા તો એની મમ્મી ઉઠશે ત્યારપછી એ મિતેશને ઉઠાડશે અને પછી મિતેશ તૈયાર થઈ રહે ત્યાં સુધી મનમાં એને ગાળો બોલતા ઘરની બહાર એની રાહ જોતાં ઉભા રહેવાનું ! આગળ વધીએ એટલે એની સાયકલને બન્ને બાજુથી અમારી સાયકલ અથાડતા-અથાડતા છેક સ્કૂલ સુધી પહોંચતા અને એ રીતે એના પર અમારો ગુસ્સો ઉતારતા. મિતેશ પણ સદાય “સોરી, સોરી.” કહેતો ને હસ્યા કરતો.

વર્ગમાં એ વખતે સ્કોલર વિદ્યાર્થીઓનો દબદબો હતો. રમત-ગમત, ગીત-સંગીત, અભિનય કે ચિત્રકળા જેવા અન્ય ક્ષેત્રમાં આગળ હોય એવા વિદ્યાર્થીઓનું ખાસ મહત્વ ન હતું. ભણવામાં હોંશિયાર ગણાતા હોવાને કારણે અમને તો વિટો પાવર મળતો. નબળા વિદ્યાર્થીઓ હંમેશા અમારાથી દબાયેલા રહેતા. આજે જાહેરમાં કોઈ અજાણ્યા માણસને સહેજ અડી પણ જવાય તો પણ ‘સોરી’ કહેવું પડે છે પછી ભલે ને એનું વ્યક્તિત્વ તદ્દન નગણ્ય હોય ! પરંતુ વર્ગખંડમાં તો વાત-વાતમાં મસ્તી ખાતર અંતર્મુખી વિદ્યાર્થીઓને ટપલા-ટપલી કરવી, એની ધોલધપાટ કરવી એવી બાબતોની ઘણી છૂટ હતી. અને એ વિદ્યાર્થીઓ પણ, ‘હોંશિયાર વિદ્યાર્થીએ મારી નોંધ લીધી, મારી સાથે આત્મીયતા જતાવી’ એમ સમજીને એવા વર્તનથી રાજી થતાં. પરંતુ હાલ સંયમિત વર્તન કરવું પડે છે ત્યારે ‘ક્યાં ચાલ્યા ગયા એ નચિંત વર્તનના દિવસો !’ એવો અફસોસ થયા કરે છે. હોંશિયાર વિદ્યાર્થી પ્રાર્થના ગવડાવે, વક્તૃત્વસ્પર્ધામાં આગળ હોય, ભણવામાં આગળ હોવાથી એ વર્ગમાં મોનિટર પણ બને. હા, સ્પોર્ટ્સ ડેઝ દરમિયાન એથ્લેટસ તેમજ રમત-ગમતમાં આગળ વિદ્યાર્થીઓનો ભાવ ઊંચકાતો. પોતાના વર્ગનું કે શાળાનું નામ રોશન કરવા બદલ અથવા એ માટે પ્રોત્સાહન પુરું પાડવા માટે જે-તે વર્ગની છોકરીઓ ખેલાડીઓને ખુબ પાનો ચડાવતી. છોકરીઓ ક્યારેય સ્પોર્ટ્સમાં કે એથ્લેટ્સમાં આગળ ન હતી. હા, કબડ્ડીમાં છોકરાઓ અને ખો-ખોની રમતમાં છોકરીઓનો પ્રભાવ હતો. પરંતુ પુરતા ઈંફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે લોન ટેનિસ, ટેબલ ટેનિસ, બેડ મિંગ્ટન, ક્રિકેટ વગેરે રમતોમાં છોકરીઓ ઝીરો હતી. ચિત્ર, સંગીત, અભિનય વગેરે કળાઓમાં પણ કોઈ ખાસ ઝળકતું નહિ. ગીત, નૃત્ય તેમજ વક્તૃત્વકળામાં છોકરીઓ હંમેશા મેદાન મારી જતી.

હંમેશા પહેલી પાટલીએ જ બેસવું, શિક્ષક પ્રશ્ન પુછી રહે એ પહેલા જવાબ આપવા આંગળી ઊંચી કરવી, તેઓ થોડું સમજાવે ત્યાં તો આખો ટોપિક સમજાઈ ગયો હોવાની જાણ કરીને શિક્ષકની મહેનત ઓછી કરી નાંખવી અને નબળા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી દેવી, શિક્ષક લખાવે એટલે ઝડપથી લખીને તરત શિક્ષક સામે જોવું અને તેઓને આગળ લખાવવા પ્રેરવા અને એ રીતે ઓછી ઝડપે લખનાર વિદ્યાર્થીઓને તકલીફ આપવી – એવું ઘણું અમે કરતા જે યોગ્ય ન જ હતું. નવમા ધોરણમાં વિજ્ઞાનના વિષયમાં સ્ત્રી અને પુરુષના પ્રજનનતંત્ર વિશે સ્વસ્થતાપૂર્વક ભણાવી શકે એવા કોઈ શિક્ષક અમારી ખ્યાતનામ શાળામાં ન હતા. અમારા આદર્શ શિક્ષકો પણ એ બાબતે તદ્દન નિષ્ફળ ગયા હતા. જો કે મારી સ્પષ્ટ માન્યતા મુજબ જાતીયતાનું શિક્ષણ વર્ગખંડમાં ન જ આપી શકાય. પરંતુ આ તો ભૂતકાળની એક યાદ માત્ર છે. આઠમા ધોરણથી વર્ગમાં ગુલ્લી મારવાનું છતાં રેંક જાળવી રાખવાનું મારા માટે શક્ય હતું. એક મિત્રે મને ઠંડા પીણાની બોટલના ઢાંકણા નીચે આવતા ડોનાલ્ડ ડક, ગુફી પેંટલ અને મીકી માઉસના રબરના સિક્કા કલેક્ટ કરીને જંગલ બોય મોગલીની બુકમાં ચોંટાડીને વિવિધ ગિફ્ટ મેળવવાનું આકર્ષણ લગાડ્યું હતું. જેના કારણે મારેલા બંકની ખરાબ અસર છેક દસમા ધોરણમાં દેખાઈ. એ વખતની પરંપરા પ્રમાણે હોંશિયાર વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં જતા અને મારે નબળા પરિણામને કારણે સામાન્યપ્રવાહમાં જવું પડ્યું.

હોંશિયાર વિદ્યાર્થીઓના વર્ચસ્વના કારણે શાળામાં ક્યારેય હડતાળ પડી ન હતી. એવું મનાતું કે હડતાળ પાડવી એ લોર્ડ ઑફ ધ લાસ્ટ બેંચ (એલ.એલ.બી)ના ભણવામાં નબળા વિદ્યાર્થીઓનો ઈજારો છે. ફ્રી પિરિયડ હોય એટલે અંતાક્ષરીની મહેફીલ જામતી. ભણવામાં નબળી છોકરીઓનો પ્રભાવ ગીતો ગાવામાં રહેતો. ક્યારેક તો શિક્ષકના મુડને પારખી જતી કોઈ છોકરી તેઓને, “આજે ન ભણાવશો ને સર, અમારે અંતાક્ષરી રમવી છે !” એવું લહેકા સાથે કહેતી ને વાત મનાઈ જતી. એકલા હોંશિયાર વિદ્યાર્થીઓ અંતાક્ષરી રમે તો એ બ્લેકબોર્ડ પર રમે. કેવી રીતે ? છોકરાઓનું એક ગ્રુપ અને છોકરીઓનું બીજુ ગ્રુપ બને. એક છોકરી અંગ્રેજીમાં એક સ્પેલિંગ બોર્ડ પર લખે ને એના છેલ્લા અક્ષર પરથી છોકરાઓએ નવો સ્પેલિંગ લખવાનો. મોટે ભાગે છેલ્લો અક્ષર ‘ઈ’ આવે અને ‘ઈ’ પરથી સ્પેલિંગ્સ બહુ ઓછા મળે. મને યાદ છે, હું હંમેશા એરોપ્લેનનો ખોટો સ્પેલિંગ બોર્ડ પર લખી આવતો – પહેલો અક્ષર ‘એ’ થી શરૂ કરવાને બદલે ‘ઈ’ થી શરૂ કરતો. છતાં કોઈ એમાં ભુલ ન કાઢતું. એક વખત અમે ગણિતના અમારા પ્રિય શિક્ષક (જેઓ હાલ હયાત નથી)ને કહ્યું, “સર, આજે ભણાવશો નહિ ને !” તેઓ જીભને મુખમાં ગોળ વાળીને હસતા. અમને કહ્યું, “તો શું કરશો?” અમે કહ્યું, “કંઈ નહિ સર, ધીમેથી અંદરોઅંદર વાતો કરીશું.” વર્ગમાં શિક્ષક હોય છતાં તેઓ ભણાવ્યા વિના બેસી રહે એ દૃશ્ય શિક્ષક માટે અસહ્ય જ હોય. પરંતુ હોંશિયાર વિદ્યાર્થીઓની ફરમાઈશ એટલે એને માન આપ્યા વિના ચાલે નહિ ને ! તેઓએ પોતાના ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી, ને અમને પૂછ્યું, “આ નોટ કેવી રીતે બને છે? કોણ એને છાપે છે? શા માટે સરકાર ઢગલાબંધ નોટ્સ છાપીને નાગરિકોને વહેંચીને બધાને પૈસાદાર નથી બનાવી દેતી?” પ્રશ્નોત્તરી ખુબ રસપ્રદ રહી. બેલ વાગ્યો છતાં અમે કહ્યું, “સર વાતો કંટીન્યુ કરો ને! અમે જેનો વર્ગ છે તે સરને સમજાવી દઈશું.” ત્યારે ગણિતના સરે રહસ્ય ખોલતા કહ્યું, “આપણે જે વાતો કરી એ તમારો નવો ટોપિક ‘આંતરરાષ્ટ્રિય કરંસી વ્યવહાર’ હતો જે આજે એક પિરિયડમાં શરૂ પણ થયો ને પુરો પણ થઈ ગયો. તમે કહ્યું એ પ્રમાણે આજે ભણ્યા પણ નહિ ને છતાં બહુ ભણ્યા.” “સર તમે બહુ સ્માર્ટ છો.” – અમે લગભગ ચિચિયારીઓ પાડતા કહ્યું.

માધ્યમિક શિક્ષણ સુધી શિક્ષકોની ખીજ પાડવી, શિક્ષક આગળ એકબીજા વિદ્યાર્થીની ચાડી-ચુગલી કરવી, મિત્રોએ ભેગા મળીને અંદરોઅંદર કાનાફુસી કરવી એવું બધું ચાલ્યા કરે. આંખે ચશ્મા હોય એ શિક્ષકને ખાનગીમાં ‘બેટરી’ કહેતા. જો તેઓનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો એમને ‘સિંગલ બેટરી ડબલ પાવર’ તરીકે ઓળખતા. કોઈ પ્રૌઢ શિક્ષક ફેશન મારતા દેખાય તો તેઓની ખીજ ‘ઘરડી ઘોડી લાલ લગામ’ પડી જતી. ઓછી લંબાઈ ધરાવતા શિક્ષકને ‘બટકો’, દાંત હોઠની બહાર દેખાતા હોય એવા ટીચરને ‘દોંતરી’, માથે ટાલ હોય એને ‘શાકાલ શેટ્ટી’, બહુ સજા કરે એને ‘જલ્લાદ’ વગેરે વગેરે ખીજો છોકરાઓ પાડી દેતા. એમાં હોંશિયાર હોય કે નબળો, બધા વિદ્યાર્થીઓ એક થઈને અંદરોઅંદર વાત કરતી વખતે એ શિક્ષકોનો એમની ખીજથી ઉલ્લેખ કરતા. જો કે જેને જાણવામાં રસ હોય એ સિવાયના કોઈ શિક્ષકને ક્યારેય તેઓની કઈ ખીજ છે એ ખબર ન પડવા દેતા. કોઈ હોંશિયાર છોકરાએ સુંદર છોકરીને પ્રેમપત્ર લખ્યો હોય ને છોકરી પ્રિંસિપાલને જાણ કરી દે ને બન્નેના વાલીઓને સ્કૂલમાં બોલાવવામાં આવે ને જે ચણભણ થાય એનાથી વાતાવરણમાં ગરમાવો આવતો. અમારા વર્ગનો એક વિદ્યાર્થી એક દિવસ બ્લેડ-રેઝરથી આંખની ભ્રમરોના વાળ કાઢીને આવ્યો હતો.  કેવો વિચિત્ર લાગતો હતો ! એક દિવસ એ અમને કહે, “મારા પપ્પાને દુરથી ઈશારાથી ગલી-ગલી કરીએ તો પણ તેઓ કુદવા માંડે છે. એક વખત વાલીઓ સાથે બાળકોએ સ્કૂલ તરફથી સિનેમા જોવા જવાનું હતું. ત્યાં એ મિત્રના પપ્પાને આવેલા જોઈ અમે ઈશારાથી ગલી કરીને તેઓને કુદાવવાની કોશિશ કરી હતી. પરંતુ એમાં અમે સફળ થયા ન હતા. એક છોકરી માલતી ‘સ’નો ઉચ્ચાર જુદી જ રીતે કરતી. ‘સ’ ઉચ્ચારતી વખતે નીચેના દાંતના આગળના ભાગને જીભ અંદરથી સ્પર્શે છે. જ્યારે ઘણા લોકો ‘સ’ બોલતી વખતે ઉપર-નીચેની એમ દાંતની બન્ને પંક્તિની બહાર જીભને લાવે છે, જે ઘણું વિચિત્ર લાગે છે.

શાળાની બાજુમાં બાગ હોવાથી અમે રિસેસમાં નાસ્તો કરવા ત્યાં જતા. પાછળના ભાગે આવેલા લવર્સ ઝોનમાં અમારા વર્ગની જ એક છોકરીને એના પડોશી છોકરા સાથે ત્યાં બેઠેલી કે એને મળવા જતી-આવતી જોતાં અમને થોડું વિચિત્ર લાગતું. અમારા એક ઓછી ઉંચાઈ ધરાવતા મિત્ર પિંકેશને વઘારેલા મમરા કે પૌંઆના ચેવડાનો નાસ્તો પુરો થયા પછી છેલ્લે વધેલો મસાલો ખુબ ભાવતો. અમને એનો ખારો સ્વાદ ન ભાવતો હોવાથી એ મસાલો મિત્રને આપવામાં ઉદાર બનતા. સ્કૂલના સિનિયર મોસ્ટ શિક્ષકની દિકરી ને હું એક  જ વર્ગમાં ભણતા હતા. એની ને મારી વચ્ચે પ્રથમ નંબર માટે હરિફાઈ થયા કરતી. એનું નામ પણ કલ્પના ‘ક’થી શરૂ થતું હોવાથી અમારી સ્પર્ધા ‘કોમ્પીટીશન કે સ્ક્વેયર’ (કે નો વર્ગ – કે ગુણ્યા કે)ના નામથી જાણીતી હતી. માધ્યમિક શાળાના આવા તો કંઈક સંસ્મરણો છે જેને કિશોરાવસ્થાની નિશાની કહી શકાય. આજે રસ્તે ચાલવા જતા એક શાળા છુટ્યા બાદના દૃશ્યો જોયા ને મારા સંસ્મરણો તાજા થઈ ગયા. પ્રાથમિક શાળા તેમજ કોલેજ કાળના સંસ્મરણો ફરી ક્યારેક !  (પાત્રોના નામ બદલ્યા છે.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: