વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1) લવમેરેજમાં મિસિંગ પોઈંટ

લવમેરેજની ગાડીમાં બે અથવા બન્ને ડ્રાયવર હોય છે તેથી એ ગાડી ખોટકાતી ચાલે છે અને મોટે ભાગે અકસ્માત થાય છે. ‘જે કામ એક જણ કરે એ જ કામ બે જણ કરે તો કામ બમણું થાય’ એવું ગણિત બધી બાબતે એકસરખું લાગું પડતું નથી. નિર્ણય કરવાનું કામ એક જણ કરે તો જ એ ઝડપથી થાય. ભગવાન બે હોય તો સૃષ્ટિ ચાલે જ નહિ. એક કહે કે ‘વરસાદ પાડું’ અને બીજો કહે કે ‘વરસાદ નહિ પાડું’ તો સૃષ્ટિનો અંત જ આવી જાય. લવમેરેજમાં લિડરશિપ શક્ય નથી. એરેંજ મેરેજમાં પતિ સ્વાભાવિક રીતે જ લીડર હોય છે. એરેંજમેરેજમાં પત્ની પતિનો આદર કરે છે અને પતિ પત્નીને પ્રેમ કરે છે. લવમેરેજમાં કોઈ કોઈનો આદર નથી કરતું, બન્ને એજબીજાને પ્રેમ કરે છે. આદર એટલે શું? ન સમજાય છતાં, સ્વીકાર્ય ન હોય છતાં એક વ્યક્તિ સ્વેચ્છાએ બીજી વ્યક્તિએ કહેલું કરે – એ વ્યક્તિ પ્રત્યેનો આદર છે. જીવનમાં ‘સમજાશે એ જ કરીશ’ એ ભાવના જોખમી છે. ક્યારેક ન સમજાય છતાં કરવું જરૂરી હોય એવું ઘણું છે કારણ કે પોતાનું હિત સમજવા માટેની શક્તિ ઘણી વાર મોડેથી આવે છે. બધી વાતો સમજીને કરવાના આગ્રહના કારણે ઘણી વાર આપણે આપણું નુકશાન કરી બેસીએ છીએ. બાળકો એવું વિચારે કે તેઓ માબાપનું કહ્યું નહિ કરે, તેઓની સમજણમાં ઉતરશે ત્યારે જ એ કામ કરશે, તો એ કેટલું ઉચિત છે? એક પ્રશ્ન થાય કે પતિનું કહ્યું પત્નીએ શા માટે કરવું? પતિમાં જ અક્કલ હોય છે, પત્નીમાં નહિ એવું કોણે કહ્યું? સ્ત્રીમાં બુદ્ધિ વધારે હોય છે એ વાત સાચી પરંતુ જેની બુદ્ધિ વધુ ચાલતી હોય છે એ લોકો ખુબ વિચાર કરતા હોવાથી એમનામાં નિર્ણયશક્તિનો અભાવ હોય છે. આપણે સ્ત્રીની ચંચળતા વિશે જાણીએ છીએ. વળી લગ્ન કરનાર સ્ત્રી-પુરુષની ઉમ્મર વિશે વિચારીએ તો પુરુષની વય સ્ત્રીની વય કરતા વધુ જ હોય છે. કામશાસ્ત્રની દૃષ્ટિએ પણ બન્નેની ઉમ્મરમાં પાંચ થી દસ વર્ષનો તફાવત હોય એ જરૂરી છે કારણ કે સ્ત્રીની કામેચ્છા પુરુષની કામેચ્છા કરતા દસ વર્ષ વહેલી મંદ થાય છે. 45 વર્ષની સ્ત્રી અને 55 વર્ષના પુરુષની કામેચ્છા શિથિલ થાય છે. જો બન્ને વચ્ચે પાંચ-સાત વર્ષનો તફાવત હોય તો જીવનમાં એ બાબતે અસંતોષ નથી રહેતો. વળી કુદરતી રીતે જ સ્ત્રી કરતા પુરુષની લંબાઈ પણ વધુ હોય છે. વળી સ્ત્રીમાં અનુકરણશીલતા(ફેશન) જેવા ગુણો વધુ હોય છે. આ બધી બાબતો પુરુષને લીડર તરીકે ઉપસાવે છે.

(2) ચાવી કે કરંટ ?

હવે ચાવી આપીને ઘડિયાળને ચલાવી શકાતી નથી. એને ચલાવવા માટે કરંટ (સેલનો વિદ્યુતપ્રવાહ) આપવો પડે છે. એ જ રીતે બોસ પોતાના કર્મચારીને કે સાસુ પોતાની વહુને પણ ચાવી આપી શકતી નથી. બન્નેને કરંટ આપવો પડે છે. ચાવી આપવી, ચાવી ભરાવવી કે ચાવી ચડાવવી – એવા શબ્દો છે. ચાવી ભરાવવી અને ચાવી ચડાવવી એ બન્ને શબ્દોનો એક જ અર્થ થાય છે: ઉશ્કેરણી કરવી અથવા કાનભંભેરણી કરવી. પરંતુ ચાવી આપવી એટલે શું? જુના જમાનાની સાસુ નવી આવેલી વહુને પોતાની બાજુમાં જમીન પર બેસાડતી. વહુનો કોઈ વાંક જણાય તો સાસુ પોતાનો હાથ વહુની સાડીના પાલવની અંદર હળવેથી જવા દઈને એની લચકદાર કમર આગળની મુલાયમ ચામડીને અંગુઠા તેમજ પહેલી આંગળી વડે સાણસીની જેમ ફિટ પકડીને હાથને ઘુમાવતી (બાઈક અથવા કારનું ઈગ્નીશન સ્ટાર્ટ કરતી વખતે ચાવી ઘુમાવીએ છીએ એમ). આવું થાય એટલે વહુને રાડ ફાટી જાય એટલી પીડા થતી. છતાં વહુએ પોતાનું મુખ હસતું રાખવું પડતું કારણ કે આ દૃશ્ય ઘરના દિવાનખંડમાં બધાની હાજરી હોવા છતાં કોઈને ખબર ન પડે એમ ભજવાતું. સાસુ-વહુ એકલા જ હોય તો-તો વહુ પણ પ્રતિકાર કરી શકે ને ! પરંતુ બધાની હાજરીમાં પરણીને સાસરે નવી-નવી આવેલી વહુથી બળવો કેમ થાય? જો, કે એકાંતમાં પણ સાસુના ચાવી આપવાના ત્રાસને વહુ સહન કરી લેતી. રસોડામાં વહુ રસોઈ કરી રહી હોય ત્યારે છાનામાના સાસુ પાછળથી જોતી હોય. રસોઈ બનાવતા વહુ કોઈ ભુલ કરે એટલે એને ચાવી આપવાની ! બન્ને એવું માનતા કે કંઈ શીખવા માટે આ પીડા જરૂરી છે. એ જમાનાના માસ્તર પણ વિદ્યાર્થીને કેટલું મારતા ! કોઈ છોકરો વાંકમાં આવે એટલે શિક્ષક એને ઉભો કરે ને એની પાસે પગના અંગુઠા પકડાવે. છોકરો વાંકો વળે એટલે શિક્ષક એની પીઠ પર આંકણી અથવા નેતરની સોટી રાખે. છોકરો હલે ને સોટી પડી જાય તો એ જ સોટી છોકરાની પીઠ પર મારવામાં આવે. હવે તો હળવો કરંટ આપવાનો જમાનો આવ્યો છે. કોઈ કોઈને કંઈ કહે નહિ, ને મારે તો બિલકુલ નહિ. બસ, હળવો કરંટ (બુદ્ધિનો ચમકારો) આપે એટલે જેને સમજ પડે એ ફાવી જાય ને ન સમજે એણે ગો’મડે જઈને બળદના પુંછડા આમળવાના ને ખેતી કરી ખાવાની !

(3) ભવિષ્યમાં અંધકાર શા માટે?

ભવિષ્યમાં શું બનવાનું છે એની આપણને જાણ કેમ થતી નથી? જો એની જાણ થાય તો આપણી વર્તમાનની સ્વસ્થતા ચાલી જાય માટે. પોતાનું ભવિષ્ય જાણવા છતાં વર્તમાનમાં જે વિચલિત થતો નથી એને પોતાનું તેમજ બીજાનું ભવિષ્ય ખબર પડવા માંડે છે. પરંતુ એની કસોટી વર્તમાનમાં થાય છે. એટલે કે જે વ્યક્તિ વર્તમાન જીવનમાં બની રહેલી ઘટનાઓને સહજતાથી સ્વીકારે છે એને ભવિષ્યનું જાણવાની લાયકાત છે એવું કુદરત અથવા ઈશ્વર સમજે છે અને એને ભવિષ્યમાં શું બનવાનું છે એની સહજ જાણ કર્યા કરે છે. ત્યારબાદ પણ કસોટી તો ચાલુ જ રહે છે. જેને આ રીતે બનનારી ઘટનાની જાણ અગાઉથી થઈ જતી હોય એણે અન્યની સ્વસ્થતા ચાલી ન જાય એ માટે મૌન રહેવાનું હોય છે. આ રીતે મૌન જાળવનાર માટે ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું વિશ્વ વિશાળ બનતું જાય છે. આવો માણસ પોતાના કર્તૃત્વને વધુ ધારદાર બનાવી શકે છે એ જ ભવિષ્યને જાણવાની એની શક્તિનો મુખ્ય ફાયદો છે. દા.ત. પાંચ વર્ષ એકાઉંટ ક્ષેત્રે નિષ્ફળ ગયા બાદ માણસ મેનેજમેંટમાં આવે એના બદલે પોતાની સફળતાના ક્ષેત્ર વિશે અગાઉથી જાણી જાય તો એના એટલા વર્ષો બચી જાય.

(4) જાહેરાતો અને બાળકો

એક જમાનામાં પત્નીની માગણીઓ પતિનું બજેટ ખોરવી નાંખતી હતી. હવે બાળકોની વધારાની માગણીઓ આર્થિક સ્થિતિ ડામાડોળ કરી નાંખે છે અને એનું કારણ છે ટી.વી. પર આવતી જાહેરખબરો. અવનવી હજારો આકર્ષક ચીજ-વસ્તુઓ ટી.વી. પર આવતી જાહેરાતોના માધ્યમથી બાળકો જુએ છે અને એ લાવી આપવાની જીદ પોતાના માતા-પિતા સમક્ષ કરે છે. આના કારણે માબાપ અને એમના સંતાનો વચ્ચેના સંબંધોમાં કર્કશતા જન્મે છે. જેનું પરિણામ એ આવે છે કે બાળક પોતાની ઈચ્છાઓને સંતોષવા વહેલું પગભર થવાનું વિચારે છે. આથી એક જમાનામાં લગ્ન બાદ યુવાનો પરિવારથી જુદા થવાનું વિચારતા હતા. હવે કિશોરાવસ્થાથી જ ઘરથી જુદા રહેવાનું પસંદ કરનારી પેઢી આવશે. માબાપથી જુદા રહેતા બાળકો વર્ષમાં એક દિવસ માબાપને મળવા આવે તેથી તેઓ ‘મમ્મી ડે’ અને ‘પપ્પા ડે’ ઉજવે. આપણે ત્યાં આખું વર્ષ માબાપ સાથે રહેનારા સંતાનો પણ પશ્ચિમનું અનુકરણ કરીને એવા ડે ઉજવે છે. બાળકોને ન મારવાના કાયદા થવા પાછળ પણ છુપી રીતે આ જ બાબત સંકળાયેલી છે. બાળકોની વધુ પડતી માગણીઓ માબાપ માટે બોજ બની જાય છે. આ બોજથી કંટાળેલા માબાપ સંતાનો પર હાથ ઉપાડી બેસે છે. બાળકોને લલચાવીને કોઈ વસ્તુ ખરીદવા માટે ઉશ્કેરવાનું કામ જાહેરાતો દ્વારા થયા જ કરતું હોય છે. દક્ષ માબાપ બાળકોને મોંઘી ચીજ-વસ્તુ વેચતી દુકાનોમાં લઈ જતા નથી. પરંતુ ટી.વી. પર આવતી જાહેરાતોના માધ્યમથી એ વસ્તુઓની માહિતી બાળકો સુધી પહોંચી જ જાય છે તેનાથી કેવી રીતે બચવું? હવે બાળકોને એવું સ્પષ્ટ કહેવાના દિવસો આવી ગયા છે, કે ‘માબાપ બાળકોની દરેક માગણી પુરી કરે એટલી આર્થિક ક્ષમતા ધરાવતા નથી. માટે બાળકોએ પણ વિચારીને માગણી કરવી. અન્યથા અભ્યાસની સાથે-સાથે પોતાની વધારાની જરૂરિયાતો પુરી કરવા તેઓએ જાતે કમાવાનું શરૂ કરી દેવું.’ બાળકો કમાવા જાય એવું આપણે નથી ઈચ્છતા પરંતુ આવી સ્પષ્ટતા કરવાથી તેઓ કોઈ ચીજથી આકર્ષાઈને તરત એની ફરમાઈશ કરતા પહેલા એની અનિવાર્યતા અંગે જરૂર વિચાર કરશે.

Advertisements

Comments on: "થોડુંક સાંપ્રત ચિંતન" (1)

  1. SIR,

    GOOD ARTICALE,

    BUT PLEASE SEND ARTICALE EVERY DAY AS PER READGUJARATI .COM

    BECASUE IT IS A VERY NECESSAY FOR OUR CULTURE AND OUR FUTURE GENEARTION ALSO.

    HOPE YOU WILL ACCEPT MY REQUEST.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: