વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વ્યવહાર હોય તો વાત જુદી છે પરંતુ સિદ્ધાંતના મામલે બાંધછોડ ના થઈ શકે – એવું બધા કહે છે. પરંતુ સામાન્ય માણસ, મુદ્દો વ્યવહારનો છે કે સિદ્ધાંતનો એ નક્કી કરી શકતો નથી. મોટે ભાગે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા એ વ્યવહારને સિદ્ધાંતમાં ખપાવતો હોય છે. ભ્રષ્ટાચારના મુદ્દે પણ ‘આપવાનું’ થાય તો સિદ્ધાંતનો મામલો અને ‘લેવાનું’ હોય ત્યારે વ્યવહારનો મુદ્દો – સામાન્ય રીતે એવી સ્પ્લિટ પર્સનાલિટી જોવા મળે છે. આથી ભ્રષ્ટાચાર દૂર થતો નથી, થઈ શકતો નથી. ભ્રષ્ટાચાર કોઈને નડતો નથી, નડે છે તો કોઈને કંઈ આપવું પડે છે એ. મફતમાં કામ કઢાવી લેવાની વૃત્તિ ન પોષાય એટલે માણસ ધુંવાપુંઆ થઈને પોતાનો રોષ ઉતારવા માટે ભ્રષ્ટાચારને ભાંડતો હોય છે. પૂરતી આવક મેળવતો એ પોતે વધારાની આવકની લાલચ ન રાખતા બધાના કામ કરી આપતો હોય તો સમજી શકાય. પરંતુ એવું હોતું નથી. અને કોઈ સજ્જનની ભલમનસાઈથી એનું કામ થઈ પણ જાય તો એનો યશ એ સજ્જનને આપવાને બદલે પોતાની લુચ્ચાઈને આવડતમાં ખપાવીને યશ એને આપતો હોય છે.

 ભ્રષ્ટાચારનું ઉદ્ગમસ્થાન કયું? ઈચ્છા તીવ્ર બને ત્યારે તૃષ્ણા જન્મે છે. ઈચ્છા પૂરી ન થાય તો માણસનું મન શાંત થઈ શકે છે પરંતુ ઈચ્છાનું રૂપાંતર તૃષ્ણામાં થઈ જાય પછી યેનકેન પ્રકારે ‘બાય-બોરોવ ઓર સ્ટીલ’ એ પોતાની વાસના પૂરી કરીને જ રહે છે. આથી તૃષ્ણાને ભ્રષ્ટાચારનું ઉદ્ગમસ્થાન કહી શકાય. ચર્ચાનો મૂળ મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર વ્યવહારનો પ્રશ્ન છે કે સિદ્ધાંતનો? ‘બાય’ (ખરીદવું) અને ‘બોરોવ’ (ઉછીનું લેવું) એ વ્યવહાર થયો પરંતુ સ્ટીલ એટલે કે ચોરી અનૈતિક હોવાથી સિદ્ધાંતનો મુદ્દો ગણાય. શું ભ્રષ્ટાચાર માત્ર ‘બાય’ અને ‘બોરોવ’માં આવે છે, સ્ટીલમાં નહિ? અધિકારી પ્રજાનું કામ કરવા બદલ સરકાર તરફથી આવક મેળવતો હોય છે છતાં એ પ્રજા તરફથી પણ આવક રળે તો એ સંદર્ભમાં પ્રજાએ પોતાના દરેક કામ માટે સરકારને વેરારૂપે તેમજ એના અધિકારીને લાંચરૂપે, એમ બે વાર ચુકવણી કરવી પડે છે. કોઈને મકાન ભાડે લેવું હોય તો એણે મકાન શોધી આપનાર દલાલને દલાલી અને એમાં રહેવા માટે મકાનમાલિકને ભાડું ચુકવવું પડે એ બાબત અને સરકારી યોજનાનો લાભ મેળવવો એ બાબત, બન્ને શું એક છે?

 પ્રજાના લાભાર્થે સરકાર યોજનાઓ કરે છે અને એના અમલ માટે અમલદાર રાખે છે. સરકારના અધિકારીઓ પ્રજા પાસેથી પણ આવકની આશા રાખે છે એના મૂળમાં શું છે? જનતા પ્રત્યે એના દિલમાં પ્રેમ કે આત્મીયતાની ભાવના નથી. તે વિચારે છે, કે “હું એનું કામ શા માટે કરું? સરકારને મેં શરીર અને મન ભાડે આપ્યા છે તો સમયસર હાજર થાઉં છું અને વિચારીને તેની યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરું છું, તેમ પ્રજાને લાભ કરાવી આપવાના બદલામાં પ્રજા પાસેથી પણ મને કંઈક મળવું જ જોઈએ (તૃષ્ણા).” અને એ જાણે છે, કે જનતાને મળનારો લાભ થોડા સમય માટે પોતે અટકાવી દેશે તો જનતા સામેથી એને નજરાણું આપવાની જ છે. સામાન્ય માણસ પણ મજબૂરીથી કિંવા લાચારીથી અધિકારીને ખુશ કરી જ દેતો હોય છે. સરકારમાં પણ માણસો કામ કરે છે અને યોજનાઓનું અમલીકરણ પણ માણસો જ કરે છે. જાહેરક્ષેત્રમાં કામ કરનારા માણસો પ્રજાવત્સલ રાજવીઓની જેમ જનતા પ્રત્યે આત્યંતિક પ્રમ ધરાવનારા હોય એ જરૂરી છે. આ વિધાયકતા, સહૃદયતા ન હોય તો કાયદો તો વાંઝણો છે, એનાથી કંઈ સરે એમ નથી. કારણ કે કાયદાનો અમલ કરનાર પણ માણસ જ છે. માની લઈએ કે કાયદાથી કોઈ ગુનેગારને સજા કરીને કાઢી મુકશો તો એના સ્થાને નવો રેડીમેડ સજ્જન ક્યાંથી લાવશો? ‘બકરું કાઢતા ઊંટ પેસે’ અથવા ‘ભૂત જાય ને પલીત આવે’ એવો ઘાટ છે. માનવને ઘડવાની સંકલ્પના જ નથી, એ માટે તપ કરવું પડે છે એ વાતનો ખ્યાલ જ નથી પછી ભ્રષ્ટાચાર નાબૂદ કેવી રીતે થાય? એક કાળે આપણે ત્યાં નિ:સ્વાર્થ સેવા કરનારો વર્ગ હતો, જે બ્રાહ્મણ તરીકે ઓળખાતો હતો. શિક્ષણ એવું હોવું જોઈએ જેના પરિણામે આ વર્ગ ફરી પાછો ઉભો થાય.

 આપણા શાસ્ત્રકારો કહે છે, કે ભગવાન, ગુરુ, રાજા, કે અધિકારી ને ખાલી હાથે મળવા જવું નહિ. આપણે મંદિરે શ્રીફળ, સાકર, ફુલોનો હાર વગેરે લઈને ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. ગુરુ, રાજા તેમજ અધિકારીઓ માટે પણ યોગ્ય નજરાણું લઈને જવાની આપણી પરંપરા છે. જેને મળવા જવાનું છે એના પ્રત્યે પૂજ્યભાવ, આદરભાવ અથવા પ્રેમભાવ હોવો જરૂરી છે, એટલું જ નહિ એની અભિવ્યક્તિ થવી પણ એટલી જ જરૂરી છે કારણ કે એનાથી મળવા જનારની ભાવના સામે પક્ષે પહોંચે છે અને નજરાણું એ ભાવનાને અભિવ્યક્તિ કરવાનું સબળ માધ્યમ છે. જો કે આ નજરાણું, મળવા જનાર માટે સહજ-સરળ રીતે ઉપલબ્ધ હોય છે. દેવું કરીને કે પછી બોજ બને એટલું નજરાણું કીમતી હોતું નથી, ઉપરાંત એ સ્વૈચ્છિક હોય છે. વળી એ શરતી પણ નથી હોતું. તમે જે કામ લઈને ગયા હો એ કામ યોગ્ય હશે તો જ થશે, અન્યથા નહિ. આથી નજરાણું પ્રથમ પેશ કરવામાં આવે છે અને બાદમાં કામ અંગેની રજૂઆત કરાય છે.

 ભ્રષ્ટાચારને આ નજરાણા સાથે કોઈ સંબંધ હશે ખરો? કોઈ સંપન્ન માણસનું કામ થયા બાદ એ ખુશ થઈને જે-તે અધિકારીને પ્રેમથી કંઈ આપે તો એમાં બન્ને પક્ષ રાજી છે. પરંતુ કોઈ સાધારણ માણસનું એ પ્રકારનું કામ કરવાનું થાય અને બદલામાં એ લાગતા-વળગતા અધિકારીને કંઈ ન આપી શકે અથવા સંપન્ન માણસે આપ્યું એટલું ન આપી શકે અને અધિકારી એ કામ ના કરે ત્યારે મુશ્કેલી ઉભી થાય છે. આ જ બાબત ભ્રષ્ટાચાર ગણાય ને ! પ્રેમથી આપવામાં આવે તેનો સ્વીકાર અને બળજબરીથી માગવામાં આવે તેનો અસ્વીકાર – આવી બેવડી નીતિ હોય એ સિદ્ધાંતનો મુદ્દો નહિ પરંતુ વ્યવહારનો મામલો ગણાય. પ્રેમથી આપવામાં આવે તેનો પણ અસ્વીકાર અને બળજબરીથી માંગવામાં આવે તેનો પણ અસ્વીકાર – આ નીતિ છે અને આથી એ સિદ્ધાંતનો મામલો છે. નજરાણું સ્વૈચ્છિક છે અને એ કામ થયા પૂર્વે આપવામાં આવે છે જ્યારે ભ્રષ્ટાચાર એ સોદો છે, જેમાં વ્યક્તિને ખરીદવામાં આવે છે એટલું જ નહિ, એની કાગળ પર નોંધ ન હોવાથી એ ચોરી પણ છે. આથી એ સિદ્ધાંતનો પ્રશ્ન છે. બપોરે બે વાગે ભરતાપમાં પેટ્રોલપંપ પર ફ્રી હવા પૂરી આપનાર પરસેવે રેબઝેબ માણસને બે રૂપીયા આપવાનું મન થાય અથવા રેસ્ટોરંટમાં તમામ વાનગીઓ ઉત્તમ રીતે સર્વ કરનાર વેઈટરને પાંચ રૂપીયા ટીપ આપવાનું મન થાય એ જુદી વાત છે અને વારંવાર હવા પુરાવી જવા છતાં ક્યારેય રુપિયો ન આપનારના વાહનના વ્હીલનો વાલ્વ ખરાબ કરી નાંખવો  અથવા ટીપ ન આપનાર નિયમિત ગ્રાહકને બરાબર સર્વિસ ન આપવી એ જુદી વાત છે. આમ ભ્રષ્ટાચાર અને નજરાણા વચ્ચે પાતળી દીવાલ છે પરંતુ બન્નેના પરિણામોમાં આભ-જમીનનો ફર્ક છે.

 કોઈ સંપન્ન માણસનું કામ થાય અને એ ભેટ આપવા માંગે ત્યારે કામ કરનારે એનો અસ્વીકાર કરવો એ જેટલું જરૂરી છે એટલું જ અગત્યનું છે, જેનું કામ થયું છે એ માણસ પણ પોતાની ભાવનાઓ પર કાબુ રાખે. કારણ કે ભ્રષ્ટાચારરૂપી પેટ્રોલબોમ્બને ચિનગારી ચાંપવા જેવું એ કામ છે. મને લાગે છે કે જેમ ભયંકર ગુનેગાર ગુનાની શરૂઆત એક સુંદર નાના પાપથી કરતો હોય છે એમ ભ્રષ્ટાચારની શરૂઆત પણ આ રીતે જ થતી હોય છે. પોતાના ચાર વર્ષના એકના એક બાળકને અપહરણકર્તાઓના હાથમાંથી જીવના જોખમે હેમખેમ પરત લઈ આવનાર જાંબાઝ પોલીસ ઓફિસરો માટે શું નું શું કરવાનું મન ના થાય? રીક્ષામાં ભુલથી રહી ગયેલા અગત્યના દસ્તાવેજો, જેને ફરીથી તૈયાર કરવામાં બે-પાંચ વર્ષ લાગવાના હોય એ પળવારમાં રીક્ષાડ્રાયવર તરત પરત આપે ત્યારે એના માટે શું ન કરવાનું મન થાય? ત્યારે કોણ સંયમ રાખી શકે?

બીજી એક અગત્યની વાત એ છે કે જે-તે સરકારી અધિકારી પોતાની ફરજના ભાગરૂપે જનતાના કામો કરે છે એ કામો પ્રત્યે જનતા નિર્લેપભાવે વર્તે એ પણ ઠીક નહિ. વ્યક્તિગત તેમજ જાહેરક્ષેત્રના જે-જે કામો અધિકારીઓ દ્વારા થતાં હોય એની યોગ્ય કદર સામાન્યજન કરતો થાય તો એથી પણ અધિકારીઓનો ઉત્સાહ વધતો હોય છે. તેઓ માણસ છે આથી એને એક માત્ર વળતર પગારની અપેક્ષા પૂરતી નથી. સમાજના વિભિન્ન ક્ષેત્રોના સામાન્યોથી લઈને મહાન માણસો તરફથી સલાહ-સૂચન તેમજ ટીકાની સાથે-સાથે કદરની પણ અપેક્ષા હોય છે. આ રીતે વળતર આપવાનું શરૂ કરીને જાગ્રત નાગરિક શરૂઆતમાં ભ્રષ્ટાચારના મુદ્દાને જડમાંથી મુલાયમ બનાવીને બાદમાં એનો સફાયો પણ કરી શકે છે. વ્યક્તિ પોતાના અંગત કામો માટે સરકારમાં સંપર્ક કરે છે એ રીતે જાહેર ક્ષેત્રોના કામકાજ માટે ટેંડર ભરીને સરકારી કોંટ્રાક્ટ્સ મેળવવામાં આવે છે. આ ક્ષેત્રે ભ્રષ્ટાચાર અમર્યાદ રીતે ફુલ્યોફાલ્યો છે. ટેંડર પાસ કરાવવાથી લઈને કામો મંજૂર કરાવવા સુધી બધું જ બોગસ ચાલ્યા કરે છે. આ બાબતે પૂર્ણ સાફસફાઈની જરૂર છે. આથી અહિં એ વિષય ચિંતનની કક્ષાનો હોઈ જ શકતો નથી, એ તો એક્શનનો વિષય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: