વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એક  પાટલી પર સાથે બેઠેલા બે વિદ્યાર્થીઓ વિરલ અને તેજસે એકસરખી ભૂલ કરી, છેલ્લા પિરિયડમાં શિક્ષકની વર્ગમાં ઉપસ્થિતિ ન હતી ત્યારે બન્નેએ બ્લેકબોર્ડ પર લખવાના ચોકના ટુકડા કરીને બારીની બહાર ફેંકી દીધા. શિક્ષકને જાણ થતાં જ વિરલને પાસે બોલાવ્યો ને હાથ આગળ કરવા કહ્યું પછી એની હથેળી પર ફુટપટ્ટી ફટકારી અને એને છેલ્લી પાટલી પર આખો પિરિયડ ઊભા રહેવાની સજા કરી. તેજસને શિક્ષકે ઠપકો આપતા કહ્યું, “તારાથી આવી ભૂલ થાય ખરી ? ચાલ બેસી જા. હવે પછી આવું ના કરતો !” આવું દૃશ્ય જોયા પછી ઘણાને એમ થાય કે શિક્ષક પક્ષપાત કરે છે. પરંતુ એ સાચું નથી. બધા વિદ્યાર્થીઓને હકીકતની જાણ થાય એ માટે શિક્ષકે બીજા દિવસે બન્ને જણાને વારા પ્રમાણે આગળ બોલાવ્યા. વિરલને પૂછ્યું, “તેં ગઈકાલે શાળા છૂટ્યા બાદ શું કર્યું?” વિરલે કહ્યું, “સર, ખિસ્સામાં પચાસ પૈસા વધ્યા હતા તેની પિપરમિંટ લઈને મોઢામાં મુકી ને સાયકલ પર ઘરે ગયો, ક્રિકેટ રમ્યો, ખાધું ને ટી.વી. જોઈને સૂઈ ગયો.” “બરાબર, હવે તેજસ તું કહે, તેં શાળાએથી છૂટ્યા બાદ શું કર્યું?” – શિક્ષકે પૂછ્યું. “સર, મારાથી ભૂલ થઈ હતી તેથી ઘરે જઈને મને રમવાનું મન ન થયું. ખાવાનું પણ ન ભાવ્યું એટલે લેસન કરીને ભુખ્યો જ સૂઈ ગયો. સવારે ભગવાનને પ્રાર્થના કરી, કે હવેથી મારાથી આવી ભૂલ ફરી ન થાય એ માટે મને માર્ગદર્શન કરજે.” – તેજસે કહ્યું. શિક્ષકે કહ્યું, “જોયું બાળકો, બન્નેમાં શું ફર્ક છે તે? એકને કરેલી આકરી સજાની પણ અસર થતી નથી, જ્યારે બીજાને આપેલો નાનકડો ઠપકો પણ ભારે અસર કરે છે. શિક્ષકને પ્રત્યેક વિદ્યાર્થીના માનસિક વિકાસની જાણ હોવી અત્યંત જરૂર છે. બધાને એક લાકડીએ હાંકવા જઈએ તો ક્યારેક એવું બને કે સમજુ બાળકને વધુ પડતી સજા થઈ જાય ને એનો વિકાસ રૂંધાઈ જાય, જ્યારે બેફિકર, તોફાનીને કરેલી સજા એને મજા જેવી લાગે ને એની ધમાલ-મસ્તી વધતી જાય!”

તપોવનકાળમાં એક ગુરુજી, ગંગનાથ નામનો શિષ્ય વર્ગમાં આવે પછી જ ભણાવવાનું શરૂ કરતા. બધા બાળકો આવી ગયા હોય છતાં ગંગનાથ ન આવ્યો હોય તો પાઠ શરૂ થતો નહિ. ગુરુપત્નીએ આ જોયું અને ગુરુજીને પોતાની મુંઝવણ કહી, “દેવ, આપ ગંગનાથ માટે આટલો પક્ષપાત શા માટે કરો છો? એ વર્ગમાં મોડો આવે છતાં એની આપ રાહ જોતા બેસી રહો, એ કેવું?” તપોવનકાળ આજના જેવો દલીલબાજીનો કાળ તો હતો નહિ. સમય-સંજોગોને તેમજ સામી વ્યક્તિની સમજણ-ક્ષમતા, વૃત્તિ-અભિરૂચી વગેરેને ધ્યાનમાં રાખીને એને જવાબ આપવાની પદ્ધતિ નક્કી થતી. ગુરુજીએ પત્નીને કહ્યું, “આવતીકાલે તું વર્ગમાં આવનાર બાળકોને કહી દેજે, કે ‘આજે અભ્યાસ બંધ છે.’ કોઈ કારણ પૂછે તો કહેજે, કે ‘ગુરુજી બિમાર છે.’ જો કોઈ બિમારી વિશે પૂછે તો કહેજે, કે ‘ગુરુજીના શરીરમાં કિડો ઘુસી ગયો છે.” બીજા દિવસની સવાર થઈ. ગુરુજી અંદરના રૂમમાં સુઈ રહ્યા છે. કેટલાક સમયપાલનના આગ્રહી બાળકો આવ્યા તો ગુરુપત્નીએ તેઓને કહ્યું, “આજે અભ્યાસ બંધ છે.” તેઓ તો તરત પરત ફરી ગયા. રસ્તામાં આ બાળકોને જે-જે વિદ્યાર્થીઓ મળ્યા તે સર્વને જાણ થઈ, કે આજે વર્ગ નથી એટલે બધા ત્યાંથી જ પાછા વળી ગયા. ગંગનાથ આવ્યો ને એણે ગુરુમાતાને પૂછ્યું, “મા ગુરુજી ક્યાં છે?” ગુરુમાતાએ કહ્યું, “ગુરુજી સુઈ ગયા છે.” ગંગનાથ: “શા માટે?” માતા: “તેઓ બિમાર છે.” ગંગનાથ: “તેઓને શું થયું છે?” માતા: “તેઓના શરીરમાં કિડો ઘુસી ગયો છે.” ગંગનાથ: “મને જોવા દો.” ગંગનાથ ગુરુજીની નજીક જાય છે અને તપાસીને કહે છે, “મા, ગુરુજીના શરીરમાં ક્યાંય કાણુ તો છે નહિ, કિડો ઘુસ્યો ક્યાંથી?” ત્યાં તો બિમારીનું નાટક કરી રહેલા ગુરુજી આનંદથી ઊભા થઈ ગયા અને પોતાની પત્નીને કહ્યું, “દેવી, જોયું આપે? સહુ બાળકોમાં જિજ્ઞાસુ અને મને પ્રેમ કરવાવાળો ખરો વિદ્યાર્થી કોણ છે? અને શા માટે હું એના આવવાની પ્રતીક્ષા કરું છું, તે?” જેને જ્ઞાનની ભુખ છે એવા વિદ્યાર્થીને ભણાવવાનો આનંદ જ જુદો છે. બધા બાળકોને રજા મળવાથી મજા આવી ગઈ જ્યારે આ ગંગનાથને અભ્યાસ અટકે એ મંજૂર ન હતું, તેથી એણે તારી સાથે પ્રશ્નોત્તરી કરી.” જવાબ મળી જવાથી માતા મલકાઈ રહ્યા.

એક શૈક્ષણિક સંસ્થામાં ત્યાંના સંસ્થાપક ગુરુજી અઠવાડિયામાં એક દિવસ એક વર્ગ લેવા આવે. પંચોતેર બાળકોના વર્ગમાં લગભગ દરેક વર્ગ લેતી વખતે બે વિદ્યાર્થીઓ: ખમીર અને જ્વલંત સાથે ગુરુજી આત્મીયતાપૂર્વક સામે ચાલીને વાતો કરે. તેઓના વખાણ પણ કરે. અન્ય વિદ્યાર્થીઓને ક્યારેય સામેથી ન બોલાવે. એનું રહસ્ય શું? એનો એક જવાબ એ છે, કે ગુરુજીની ગેરહાજરીમાં સાતેય દિવસ માટે આ બે વિદ્યાર્થીઓનું વર્તન સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓ માટે આદર્શ રહે અને તેઓની જેમ અન્ય યુવાનોને પણ ગુરુજી બોલાવે એ માટે જરૂરી સુધારા તેઓ પોતાનામાં કરતા જાય. વળી બે વિદ્યાર્થીઓને વખાણવા પાછળનો હેતુ એ, કે એ બન્નેમાં પણ અંદરોઅંદર તંદુરસ્ત સ્પર્ધા થતી રહે, ગુરુજીની નજીક રહેવાની ! આમ સ્માર્ટ શિક્ષક ક્યારેય સમતાની વાત ન કરતા પ્રત્યેકના વિકાસના ગ્રાફને ધ્યાનમાં રાખીને દરેક માટે જુદો-જુદો નિર્ણય લે.

તેઓની વિદ્યાર્થીઓને વ્યવહારુ શિક્ષણ આપવાની પદ્ધતિ પણ ગજબની ! કોઈ એક બાળક પાસે પીવાનું પાણી મંગાવે. અને અમને ‘આપવું’ ને ‘ધરવું’ વચ્ચેનો ફર્ક સમજાવે. તમે પાણીનો પ્યાલો હાથમાં લઈને કોઈને આપો છો ત્યારે તમારો હાથ ઉપર રહે છે અને લેનારનો હાથ નીચે રહે છે. આનાથી લઘુતા-ગુરુતા નિર્માણ થાય છે. એના બદલે તમે પ્યાલાને ટ્રેમાં લઈને આવો ને પછી ધરો તો બન્નેના હાથ સમસ્થિતિમાં રહે છે, કોઈનો હાથ ઊંચો નહિ ને કોઈનો હાથ નીચો નહિ. જે ટ્રેમાં પ્યાલો લાવો એ જ ટ્રેમાં પ્યાલાની બાજુમાં મુખ સાફ કરવાનો નેપકીન રાખવો જરૂરી છે. પાણી પીનાર પાણી પીને મુખ લુછીને નેપકીન પાછો ટ્રેમાં મુકે તે જોવું જોઈએ. તેઓએ પરત મુકવા માટે હાથથી લંબાવેલા નેપકીનને લેવા ટ્રે ધરવાને બદલે આપણે હાથથી લેવા જઈએ તો વળી પાછી ભૂલ થાય: ‘હાથ ઉપર-નીચે રહી જાય.’ વિદ્યાર્થી ભૂલમાં આવું કરે એટલે તેઓ ઝડપથી નેપકીનને ગાદી પર રાખી દે. કંઈ પણ લેવા માટે બાળક હાથ લંબાવે એ તેઓને યોગ્ય ન જણાય. લેવા કે માગવા માટે ટેકનિકલ દૃષ્ટિએ પણ લંબાવેલો હાથ તેઓને મંજૂર નહિ. હા, ભગવાનના પ્રસાદની વાત જુદી છે. એ તો તેઓ પોતે પણ પ્રેમથી હાથ લંબાવીને લે અને અન્ય સહુને એવું કરવાનું કહે. પ્રેમથી, સંબંધોની સુગન્ધથી, ઉષ્માથી, હુંફથી જે વ્યવહાર થતો હોય ત્યાં આપવા-લેવા માટે લંબાવેલો હાથ સહજ સ્વીકાર્ય છે પરંતુ જ્યાં માત્ર દુન્યવી વ્યવહાર છે ત્યાં પ્રત્યેકે પોતાનું સ્વમાન જાળવવું જ જોઈએ.

વળી સૌ યુવાનોને અન્ય એક બોધ આપવા તેઓ કોઈ એક યુવાન પાસે રસોડામાંથી કોફી મંગાવે. એ યુવાનના કાન પાસે પોતાનું મુખ લઈ જઈને ધીમેથી સૂચના આપે કે રસોડામાં ગુરુજીની પત્ની ન જુએ તેમ કોફીના કપમાં થોડી વધારે ખાંડ ઉમેરી દેવાની! ગુરુજીને ડાયાબિટિસ થયો હોવાથી ગુરુપત્ની તેઓને વધુ ગળ્યો સ્વાદ લેવા ન દે. ગુરુજી સ્વાદને જીત્યા હોવા છતાં આવું કરે, તેની પાછળનું રહસ્ય એ, કે યુવાનોએ મોટા થઈને કોઈ મિશનમાં ઝંપલાવ્યું હોય ને નિષ્ઠાપૂર્વક એને વળગી રહ્યા હો તો તમારા બધા રહસ્યો ઘરની સ્ત્રી: માતા કે પત્નીને કહી દેવા નહિ. કારણ કે શક્ય છે કે સ્વાર્થ અને સંકુચિતતાની જન્મજાત બિમારી ધરાવતી સ્ત્રી તમારા આદર્શને સમજવા માટે અસમર્થ હોય ને તમારા વિશે બધું જાણ્યા પછી તમારી ભાવનાને મ્હેણા-ટોણાથી ઘાયલ કરે અથવા તમારી લાગણીઓને ઉશ્કેરીને તમને ધ્યેયચ્યૂત-પથચ્યૂત કરી નાંખે ! ‘ઘરની સ્ત્રીથી થોડું છૂપાવતા શીખવું’ એમ ચોક્ખું ન કહેતા ઈશારામાં યુવાનોને ઘણું શીખવાડી દે.

આટલું વિચાર્યા બાદ એક વાત સમજાઈ જાય છે કે વિદ્યાર્થીઓમાં રસ લઈને તેઓના જીવનને આનંદિત રાખીને તેઓનો વિકાસ કરવા માગતા શિક્ષકે વિદ્યાર્થીને પ્રેમ કરવો જરૂરી છે. આપણે ત્યાં તો કહ્યું છે ને, કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે! પક્ષપાત કરે એને જ મા કહેવાય. પોતાના બે વર્ષના અને બાર વર્ષના દિકરાઓના ભોજનમાં મા જ તફાવત રાખે, કારણ કે મા જાણે છે કે બે વર્ષના દિકરાને ચાર રોટલી ખવડાવે તો એ પચાવી ન શકવાને કારણે માંદો પડી જાય અને બાર વર્ષના દિકરાને ચાર રોટલી આપે તો એ પોષણના અભાવમાં બિમાર થઈ જાય. વીશીવાળો કે લોજવાળો તો સમાન ભોજન આપે. બાળકને માતાથી વધુ પ્રેમ કોણ કરી શકે ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: