વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સીતા નિર્દોષ હોવા છતાં રામે એનો ત્યાગ શા માટે કર્યો? સામાન્ય માણસને આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પરંતુ જેઓ રાજધર્મના અભ્યાસી છે તેઓને આ બાબત સમજાઈ જાય એવી સરળ છે. રાવણવધ બાદ રામ અને સીતા એકમેકને મળે છે ત્યારે રામ સીતાને જે રીતે ધિક્કારે છે, એને અપમાનજનક વચનો કહે છે એ રામના હૃદયની લાગણી નથી. રામ દક્ષ છે. રાવણને ત્યાં લગભગ એક વર્ષ જેટલું રહેલી સીતા પર સમાજ અનેક પ્રકારના આક્ષેપો કરવાનો એ નક્કી છે. સમાજ કેટલી હદે જઈ શકે છે એ અંગે વિચારીને રામે સીતા પર આક્ષેપો કર્યા છે. એનું પરિણામ એ આવ્યું કે સીતાએ પોતાના પાવિત્ર્ય માટે અગ્નિપરીક્ષા આપવી પડી. સીતાનું શરીર રાવણથી જેટલું અસ્પર્શ્ય રહ્યું છે એટલું જ, શરીર સાથે જોડાયેલું સીતાનું મન પણ આસક્તિરહિત રહ્યું છે એ બાબતની ખાતરી સીતા અગ્નિમાંથી હેમખેમ બહાર આવ્યા એટલે બધાને થઈ ગઈ. આવી ખાતરી સામાન્ય નારી આપી શકે નહિ.

રામની ગણતરી એવી હોઈ શકે કે ભવિષ્યમાં ઘરેથી ભાગી ગયેલી કે અપહૃત નારી અગ્નિપરીક્ષા આપી શકે તો એનો સ્વીકાર એના પતિ દ્વારા થઈ શકે, અન્યથા નહિ. અને આ રીતે સમાજની નીતિમત્તા જળવાઈ રહે. પરંતુ એવું બન્યું નહિ. અયોધ્યાના જનમાનસમાં રામ દ્વારા સીતાના સ્વીકાર અંગે વિરોધ શરૂ થયો. મુદ્દો એ હતો કે સીતાનું દૃષ્ટાંત આપીને સમાજની સામાન્ય નારી પોતાનો વ્યભિચાર પોષતી થાય તો એ અંગે એનો પતિ કંઈ બોલી શકે નહિ. અને આવું બને તો સમાજ પર ખોટો દાખલો બેસે. અને આવનારા હજારો વર્ષ સુધી નારી બેફામ વર્તે. આ અધ:પતન માટે રામ જવાબદાર ગણાય એટલું જ નહિ, રામ દ્વારા આવું અઘટિત પગલું ભરવામાં આવે એ રામ માટે પર બરાબર ન ગણાય. આજે રામાયણના હજારો વર્ષ બાદ પણ સ્ત્રી માટે પરપુરુષ અસ્પૃશ્ય રહ્યો છે એના મૂળમાં રામનો સીતાત્યાગ છે.

 સામાન્ય વ્યક્તિ અને રાજકીય વ્યક્તિના જીવનમાં જે ફર્ક છે તે ધ્યાનમાં આવવો જોઈએ. રાજકીય પરિવારમાં કોઈ સભ્યને પોતાનું અંગત જીવન કે વૈયક્તિક રાગદ્વેષને કોઈ સ્થાન હોતું જ નથી. રાજા માટે પ્રજા સર્વોપરિ ગણાય છે. રાજા પ્રજાના સુખે સુખી અને એના દુ:ખે દુ:ખી હોય છે. પોતાનું વ્યક્તિગત મોટું નુકશાન થઈ રહ્યું હોય અને એ જ સમયે સામાન્ય નાગરિકનું નાનું નુક્શાન થતું દેખાય તો પોતાનું નુક્શાન થવા દઈને નાગરિકનું નુક્શાન અટકાવવું એ રાજાની ફરજ ગણાય છે. રાજકીય પરિવારના સભ્યોને જન્મથી જ આ પ્રકારની તાલીમ આપવામાં આવી હોય છે. આથી સીતાને રામ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. રાજા અથવા રાજકુમાર સામાન્ય પરિવારની આ રીતે ન ઘડાયેલી કન્યાને શા માટે ન પરણી શકે એ બાબતનો અહિં ખ્યાલ આવે છે.

આજના હળાહળ કળિયુગમાં અમેરિકા જેવા ભોગવાદી દેશના સામાન્ય નાગરિક સ્ત્રી-પુરુષો બેફામ સેક્સ એંજોય કરે છે છતાં એવા દેશના રાજપુરુષ માટે મી.ક્લીનની છાપ જાળવવી અનિવાર્ય ગણાય છે. આથી જ તો અમેરિકાના પ્રેસિડેંટ બિલ ક્લિંટન અને મોનિકા લેવેંસ્કીનું લફરું બહાર આવ્યું ત્યારબાદ ક્લિંટન બીજી ટર્મ માટે અમેરિકાના પ્રેસિડેંટ બની શક્યા નહિ. તો આખા જગતને આધ્યાત્મિકતાના પાઠ ભણાવનાર એવા ભારત દેશમાં આ બાબતે રાજકીય પુરુષોએ કેટલું બધું ધ્યાન રાખવું પડે એ સમજી શકાય એવી બાબત છે. આપણને બીજો પણ એક દાખલો મળે છે. કોઈ એક દેશમાં એક રાજકુમારને સામાન્ય છોકરી સાથે પરણવું હતું. રાજાએ કુમારને કહ્યું, કે એણે જો પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા હશે તો રાજકીય પુરુષ મટી જઈને એણે સામાન્ય નાગરિક બનવું પડશે અને પરિણામે એ રાજકીય વંશવારસ તરીકે બેદખલ થઈ જશે. અને કુમારે એ વિકલ્પ પસંદ કરીને સામાન્ય છોકરી સાથે લગ્ન કર્યા હતા.

રામનો સીતાત્યાગ એ રાજકીય છે. પતિ-પત્ની તરીકે રામ-સીતાએ પરસ્પર કોઈ આક્ષેપો કર્યા નથી કે બન્નેમાંથી કોઈને એકબીજા પ્રત્યે વેરભાવ કે અણગમો નથી. ઉલટાનું સીતાએ ભૂમિપ્રવેશ સમયે ભવોભવ રામને જ પોતાના પતિ તરીકે ઝંખ્યા છે. એ સમયે સીતાનો જે આક્રોશ છે એ સમાજની નાદાનિયત, બાલીશતા પ્રત્યે છે. રામના વિયોગથી દુ:ખી થયેલી નારી તરીકે સીતાનો એ સહજ સ્વાભાવિક પ્રકોપ છે. સીતા જેટલી આશ્રમમાં દુ:ખી છે એટલા જ રામ અયોધ્યામાં દુ:ખી છે. રામે બીજી પત્ની નથી કરી એ રામના સીતા પ્રત્યેના પ્રેમ અને વફાદારીની સૌથી મોટી સાબિતી છે.

 श्रीमदभगवदगीता કહે છે: મહાજનો યેન ગત: સ પંથા. સામાન્ય માણસો હંમેશા સમાજના મોટા માણસોનું અનુકરણ કરે છે. આથી મહાનુભાવોએ પોતાનું વર્તન અણિશુદ્ધ તેમજ વિવાદથી પર રાખવું જ પડે છે. એમાં ઘણીવાર સામાન્ય માણસને એવી લાગણી થાય છે કે જે-તે મહાન સ્ત્રી કે પુરુષને અન્યાય થયો છે. પરંતુ મોટા માણસોએ અંગત સુખ-દુ:ખની પરવા કરવાની હોતી જ નથી. આ મહાન માણસો સમાજ સમક્ષ વિવિધ ઉચ્ચ ધ્યેય પ્રસ્થાપિત કરે છે જેથી સમાજને હંમેશા ઉર્ધ્વગતિ કરવાની પ્રેરણા મળે છે. જો તેઓને પણ સામાન્ય માણસની જેમ ઐન્દ્રિય લાડ લડાવવાના હોય તો તેઓના મહાનપણામાં ને સામાન્યોના ન્યૂનપણામાં શું ફર્ક?

(2) શિક્ષણજગત

(અ)

આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં સરદારપટેલ ગૃહપ્રધાન હતા ત્યારે તેઓના સેક્રેટરી તરીકે ડૉ.એચ.એમ.પટેલ હતા, જેઓ બાદમાં ભારતના નાણાપ્રધાન પણ બન્યા હતા. ડૉ.એચ.એમ.પટેલ દિલ્હીમાં હતા ત્યારે વલ્લભવિદ્યાનગરમાં યુનિવર્સિટી શરૂ કરવાની દરખાસ્ત લઈને માનનીય શ્રીભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) દિલ્હી પહોંચેલા. ઈન્દિરા ગાંધીએ ભાઈકાકાને એક અણિયાળો પ્રશ્ન પૂછ્યો હતો, કે “સો કિલોમીટરના અંતરે ગુજરાતમાં બે મોટી યુનિવર્સિટીઓ આવેલી છે (અમદાવાદમાં ગુજરાતયુનિવર્સિટી અને વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટી) તો એ બે શહેરની વચ્ચે તમારે નવી યુનિવર્સિટી શા માટે શરૂ કરવી છે?” ત્યારે ચતુરાઈપૂર્વક ભાઈકાકાએ જવાબ આપ્યો હતો, કે “મેડમ, ગુજરાતયુનિ. ગુજરાતી માધ્યમમાં અને એમ.એસ.યુનિ. અંગ્રેજી માધ્યમમાં ચાલે છે, સરદારપટેલયુનિ.નું માધ્યમ હિન્દી રહેશે.” અને એ યુનિ.ને માન્યતા મળી ગઈ.

પછી તો સરદારપટેલના કહેવાથી દિલ્હી દરબારમાંથી નિવૃત્ત થઈને ડૉ.એચ.એમ.પટેલ યુનિવર્સિટીના સંચાલનના કાર્યમાં ભાઈકાકાને સાથ આપવા માટે કાયમ માટે વલ્લભવિદ્યાનગર આવીને વસ્યા. મિત્રો, આપને જાણીને નવાઈ લાગશે, કે ભારતના એક વખતના નાણાપ્રધાન એવા ડૉ.એચ.એમ.પટેલ વલ્લભવિદ્યાનગરની બરોની ચુંટણીમાં હારી ગયા હતા !!! તેઓને હરાવનાર પ્રતિસ્પર્ધી ઉમેદવાર કોણ હતો, જાણો છો? એક ચાની લારી ચલાવનારો !!! જૂથબંધી વિના આવું બનવું શક્ય નથી. અને વિદ્યાનગરના સ્થાનિક જૂથે ડૉ.એચ.એમ.પટેલની વિરુદ્ધમાં એક થઈને તેઓને હરાવ્યા હતા. યુનિવર્સિટીના સંચાલનમાં તેઓના ઉદારમતવાદી વિચારો સ્થાનિક લોકો પચાવી શક્યા ન હતા તેથી આવું બન્યું.

(બ)

આજે પ્રાથમિક શાળામાં ભણાવવા માટે પી.ટી.સી.ની ડિગ્રી, માધ્યમિક માટે ગ્રેજ્યુએશન ઉપરાંત બી.એડ.ની ડિગ્રી, ઉચ્ચતર માધ્યમિક માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત બી.એડ.ની ડિગ્રી, કોલેજમાં ભણાવવા માટે માસ્ટર ડિગ્રી વત્તા નેટ/સ્લેટની પરીક્ષા પાસ ઉપરાંત પી.એચ.ડી.ની ડિગ્રી (ઈચ્છનીય કક્ષાએ), એજ્યુકેશન કોલેજમાં ભણાવવા માટે પોસ્ટગ્રેજ્યુએશન વત્તા એમ.એડ.ની ડિગ્રી અનિવાર્ય છે. એક સમયે એસ.એસ.સી. (ધો.10) પછી પી.ટી.સી.નું એક વર્ષ કર્યા બાદ પ્રાથમિક શાળામાં નોકરી મળી જતી હતી. હવે એચ.એસ.સી. (ધો.12) કર્યા બાદ બે વર્ષ પી.ટી.સી.ના કરવા પડે છે એટલે કે કુલ ત્રણ વર્ષ વધુ ભણવાનું. બી.એડ.ના પણ એક વર્ષ ને બદલે બે વર્ષ કરવાની વિચારણા ચાલે છે. દરેક હોદ્દાનું મહત્વ જુદું-જુદું અને પગારધોરણ પણ અલગ-અલગ. શાળામાં ભણાવવા માટે પી.ટી.સી. તેમજ એજ્યુકેશન કોલેજની ડિગ્રીઓ કેટલી બધી વ્યર્થ છે એ કોઈ શિક્ષકને સમજાવવાની જરૂર નથી. સહુ જાણે છે કે શિક્ષણની કોઈ પદ્ધતિ શાળાકીય શિક્ષણ કાર્યમાં અમલમાં મુકવામાં આવતી નથી અને એમ કરવું કોઈ રીતે વ્યવહારુ પણ નથી. શું કરી શકાય ?

કોઈ પણ શાળાકીય શિક્ષણ આપનારની એક માત્ર લાયકાત – “ફરજિયાત ગ્રેજ્યુએશન” કરી શકાય. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક – કોઈ પણ કક્ષાએ પી.ટી.સી. કે અન્ય કોઈ એજ્યુકેશન કોલેજની ડિગ્રીની જરૂર જ નહિ. હા, કોલેજમાં ભણાવવા માટે માસ્ટર ડિગ્રી ફરજિયાત બનાવી શકાય. અને માસ્ટર ડિગ્રી માટે અધ્યાપન કરાવનાર અધ્યાપક પાસે પીએચ.ડી.ની ડિગ્રી વત્તા દસ વર્ષનો સ્નાતક કક્ષાએ અધ્યાપનનો અનુભવ અનિવાર્ય બનાવી શકાય.  પણ એક વાત નક્કી, સહુના પગારધોરણ એક જ, સહુના હોદ્દાનું મહત્વ એકસરખું. કોઈ પણ વિષય સાથે સ્નાતક થયેલો યુવાન પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી ભણાવી શકે. માધ્યમિક તેમજ ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણમાં જે-તે વિષયનું અધ્યાપન કરાવનાર અધ્યાપક પાસે તે–તે વિષય સાથે સ્નાતકની ડિગ્રીને તેમજ સ્નાતક કક્ષાએ અધ્યાપન કરાવનાર અધ્યાપક પાસે તે-તે વિષય સાથે માસ્ટર ડિગ્રી અનિવાર્ય બનાવી શકાય.

 આ તો વાત થઈ શિક્ષક બનવા માગતા શિક્ષિતોની, જેને અન્ય ક્ષેત્રમાં જવું છે એ લોકો વિશે પણ વિચારી શકાય. જનમાનસને વ્યવસાયિક અભ્યાસક્રમોની અનિવાર્યતા સમજાવી જરૂરી છે. ગરીબ, નિમ્ન મધ્યમ પરિવારના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં દાખલ થવું જરૂરી ગણાવું જોઈએ. અન્ય વર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણથી જ સ્પેશિયલાઈઝેશન મળી જવું જોઈએ. આર્ટ્સ તેમજ કોમર્સ કોલેજીસમાં બિનજરૂરી વિષ્યો ભણાવાતા નથી પરંતુ જેને મેડીકલ ક્ષેત્રે જવું છે એને ફિઝિક્સ કે મેથ્સ ભણાવવા નહિ ને એંજિનિયરિંગમાં જનારને બાયોલોજી ભણાવવું નહિ. આઈ.ટી.માં કે મેનેજમેંટમાં જવા માગતા હોય એને પણ માધ્યમિક કક્ષાએ ખાસ લાઈન મળી જવી જોઈએ. આ રીતે થોડું વિચારાય તો બાળકોના વર્ષો બરબાદ થાય છે એમાંથી બચી શકાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: