વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સૃષ્ટિનાં તમામ જીવો પોતપોતાની યોનિની માદાનું જ દૂધ પીવે છે. માણસ જ એવી યોનિ છે જેણે બીજી યોનિની માદાનાં આંચળને મોઢું લગાડ્યું છે. આપણે ગાય-ભેંસ-બકરી વગેરેનું દૂધ તેમજ દૂધની બનાવટો ખાઈએ છીએ. પરંતુ શું એના પર આપણો અધિકાર છે? ગાય-ભેંસનાં આંચળમાં દૂધ એનાં બચ્ચાં માટે આવે છે, આપણાં માટે નહિ. પરંતુ માણસ એ બચ્ચાનાં ભાગનું દૂધ પોતે પી જાય છે અને એને વેચે પણ છે. મધમાખી ત્રીસ દિવસ સુધી રોજનાં અઢાર કલાક, હજારો કિલોમીટરની મુસાફરી કરીને લાખો ફુલોનો રસ ચુસીને મધ ભેગું કરે છે અને અમાસનાં દિવસે મધનું ભોજન કરવા જાય તે પહેલાં જ માણસ એ મધ લુંટીને ખાઈ જાય છે અને એને વેચીને નાણાં પણ કમાય છે. આ કામ કરતી વખતે સેંકડો મધમાખીઓનાં જીવ જાય છે, એ વધારામાં.

કિડી દિવસના અઢાર કલાક કામ કરીને કણ-કણ કરીને પોતાના દરમાં અનાજ ભેગું કરે છે. ગરીબ માણસો તેમજ દુ:કાળનાં વર્ષોમાં અન્નની જરુરિયાતવાળા માણસો કિડીનાં દરને ખોદીને તેનું મહામહેનતે એકઠું કરેલું ખરા પરસેવાનું અન્ન ખાઈ જાય છે.  બળદ દ્વારા જ્યાં ખેતી થાય છે ત્યાં તેની પાસે કામ લેવા તેના પર કેટલો બધો અત્યાચાર કરવામાં આવે છે! ગાયનાં વાછરડાં પાસેથી ખેતી માટે મજુરીનું કામ લઈ શકાય એ માટે એનાં વૃષણને પથ્થર વડે કચરી નાંખવામાં આવે છે જેથી તેના શરીરમાંથી વીર્યનું સ્ખલન અટકી જાય. આ રીતે વાછરડો બળદ બને પછી તેની શક્તિ સેક્સમાં વહી જતી નથી ને તેનો સ્વભાવ પણ ઉગ્ર કે આક્રમક રહેતો નથી. તેથી એ શક્તિને ખેતી જેવા ઉત્પાદક કામમાં લઈ શકાય છે. પછી આખી જિંદગી માણસ તેની પાસે વેઠ કરાવ્યા કરે છે.

ઉપરાંત બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી, ગધેડાગાડી, કૂતરાગાડી વગેરે બનાવીને મોટા ભાગનાં તમામ પ્રાણીઓ પાસે વૈતરું કરાવવામાં આવે છે. હાથી પાસે પણ ભાર વહન કરાવાય છે. જૂનાકાળમાં ક્ષત્રિયો પોતાની ધનુર્વિદ્યાની પ્રેક્ટીસ કરવા દોડતા હરણનો શિકાર કરતા. અંગ્રેજો પોતાની બહાદુરીનો દંભ પોષવા સંપૂર્ણ સુરક્ષા વચ્ચે ઘેરાયેલા રહીને વાઘ તેમજ સિંહોનાં શિકાર કરતા. હલકા મનોરંજન માટે ગધેડાની પુંછડીએ ફટાકડાંની લુમ બાંધી-ફોડી-ગભરાવી-દોડાવીને કે કૂતરાંની ગુદાનાં ભાગે પેટ્રોલ નાંખી, તેને અતિશય બળતરા થતાં તેમાંથી છૂટવા રઘવાયા બનીને દોડતા કૂતરાને જોઈ વિકૃત આનંદ લેનારા માણસો પણ છે. કૂકડાંયુદ્ધ, આખલાંયુદ્ધ, કૂતરાંયુદ્ધ કરાવીને બર્બર આનંદ લેનારો માણસ બોક્સિંગ જેવી પ્રાણઘાતક રમત રમાડીને માણસનાં માધ્યમ દ્વારા પણ બિભત્સ આનંદ માણવાનું ચૂકતો નથી.

સર્કસનાં પ્રાણીઓ પાસે જે રીતે કામ કરાવાય છે એ તો વાંચી કે સાંભળી શકાય એમ જ નથી. અતિશય સ્વમાની એવા સિંહ તેમજ હાથીને ગુલામ બનાવવા તેઓનાં અહમને નમાવવા મહિનાઓ સુધી ભુખ-તરસની પીડા ઉપરાંત તેઓ ઉંચા સાદે રડે તેટલી મારની પીડા તેઓને આપવામાં આવે છે.(જો કે આજે સર્કસમાંથી પશુ-પક્ષીઓની બાદબાકી થઈ ગઈ છે.) દવાઓ બનાવતી કંપનીઓ દવાઓની આડઅસર તપાસવા અનેક પ્રકારની યાતનાઓ પશુ-પક્ષીઓને આપે છે. તેઓના શરીરમાં અનેક રોગો જન્માવવામાં આવે છે, અંગવિચ્છેદ પણ થાય છે. મરઘીનાં ઈંડા, પશુ-પક્ષીઓનું તેમજ સમુદ્રી જીવોનું માંસ પણ માણસ ખાઈ જ જાય છે ને! ચામડાના પર્સ, પટ્ટા, જાકીટ નરમ રહે તે માટે નાજુક પ્રાણીઓને ઉકળતા પાણીમાં જીવતા નાંખી દેવામાં આવે છે જેથી તેઓના શરીર પરની ઉપરની ચામડી તરત છુટી પડી જાય. ત્યારબાદ તેના શરીરના માંસનો આહાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

માંસાહારી મનુષ્યોને અહિંસા વિશે વાત કરવાનો શું અધિકાર છે? ‘અમારો ધર્મ વિશ્વશાંતિની વાત કરે છે, તે અહિંસામાં માને છે.’ એવું કહેનારનો ધર્મ એના અનુયાયીને માંસાહારની છૂટ કેવી રીતે આપી શકે? માણસ પાસે બુદ્ધિ છે એનો ઉપયોગ માણસે સૃષ્ટિમાં પોતાનું આધિપત્ય જમાવવામાં કર્યો અને અન્ય જીવોનું શોષણ જ કર્યું છે, ત્યારે મનુષ્ય જીવદયાની વાત કરે તેનો શું અર્થ છે? ગાય-કૂતરાંને રોટલી કે પારેવાને ચણ નાંખનારો માણસ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે અન્ય જીવસૃષ્ટિને કેટલી બધી તકલીફ પહોંચાડે છે! આ રીતે છેવટે તો માણસે પોતાના પગ પર જ કુહાડો માર્યો છે. વનસ્પતિસૃષ્ટિનું શોષણ કર્યું તેથી ઉદ્ભવેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિશે તો આપણે જાણીએ જ છીએ. માણસ સમર્થ છે તેથી તે સૃષ્ટિના અન્ય અસમર્થ જીવોનું શોષણ કરે છે એટલું જ નહિ, એ અસમર્થ અને મજબૂર તેમજ લાચાર માણસોનું પણ શોષણ કરવાનું છોડતો નથી. આ માટે તે ડબલ સ્ટાંડર્ડ રાખે છે. ‘પોતાના માટે એક માપદંડ અને અન્યો માટે જુદો માપદંડ’ – એને કહેવાય ડબલ સ્ટાંડર્ડ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: