વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નવલકથા શું છે?

હું માનું છું કે નવલકથા લેખકની માનસિકતાનું પ્રતિબિંબ છે. આથી એના પરથી લેખકના વિચારો જાણી શકાય છે. લવ-ટ્રાયેંગલ (પ્રણય ત્રિકોણ)ની વાર્તાને લઈને અસંખ્ય હિન્દી ફિલ્મો બની છે. જેમાંથી કોઈને કોઈ વાર્તાનો સમાવેશ નવલકથામાં હોય જ. અલબત્ત પાત્રોના વ્યવસાય જુદા હોઈ શકે. પરંતુ પાત્રોની પરસ્પર લાગણીઓનું ખેંચાણ – સામાન્ય બાબત છે.

પાત્રના આધારે “રીવોલ્યુશન 2020” (ચેતન ભગતની અંગ્રેજી નવલકથા) વાર્તાની ચર્ચા:

વારાણસીમાં વસતા ગોપાલ-આરતી-રાઘવ: આ કથાના મુખ્ય ત્રણ પાત્રો છે. ગોપાલ લેખકનો લાડકો દિકરો અને રાઘવ ઓરમાન દિકરો હોય એવું લાગે છે. આરતી પ્રત્યે લેખક તટસ્થ રહ્યા છે. ગોપાલ, કારકીર્દિ બનાવવા માટે સંઘર્ષ કરી રહેલી આજની યુવા પેઢીનો તાદૃશ નમુનો છે. બારમા ધોરણ બાદ એંજિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માગતો ગોપાલ સતત નિષ્ફળ જાય છે. આથી કેટલીક ગણતરીબાજ આધુનિક યુવતીઓની પ્રતિનિધિ એવી આરતી સ્વાભાવિક રીતે ગોપાલની ગર્લફ્રેંડ મટીને રાઘવની ગર્લફ્રેંડ બની જાય છે. કારણ કે રાઘવ પ્રવેશ પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ખુબ યશસ્વી રીતે પાસ થાય છે અને સમાજમાં એની સારી એવી નોંધ પણ લેવાય છે. ગોપાલ એંજિનિયરિંગમાં પ્રવેશ મેળવવામાં સફળ થવા માટે વારાણસી છોડીને કોટા-રાજસ્થાન જાય છે. એમાં એનો ઘણો સમય અને એના પિતાએ દેવું કરીને મોકલાવેલા ઘણા રૂપિયા બરબાદ થઈ જાય છે છતાં ગોપાલ સફળ થતો નથી. “દેવું કેવી રીતે ચુકવાશે” વળી “ગોપાલનું ભવિષ્ય શું?” એ ચિંતાથી અને નિષ્ફળતાનો આઘાત ન જીરવી શકાવાને કારણે ત્રણ દિવસ સુધી મૌન રહેલા એના વિધુર પિતાજી ગુજરી જાય છે. ગોપાલની માતા, એ નાનો હતો ત્યારે જ અવસાન પામી હતી. માતા, પિતા અને પ્રેમિકા આ ત્રણેયને તેમજ અભ્યાસ, પૈસો અને પ્રતિષ્ઠાને ગુમાવી ચુકેલો ગોપાલ હવે શું કરશે?

છોકરીઓને સમજવામાં લેખકે ગોપાલને બુદ્ધુ બતાવ્યો છે. આરતી, કોટા-રાજસ્થાન ગયેલા ગોપાલ સાથે સંપર્ક ઘટાડીને રાઘવ સાથે સંપર્ક વધારે છે અને ગોપાલને એની જાણ થવા છતાં, “આરતી હવે પોતાની નથી રહી” એ વાત સમજવામાં ગોપાલ ખુબ વાર લગાડે છે. ગોપાલ અને આરતી વારાણસીમાં સાથે હોય છે ત્યારે સહવાસ દરમિયાન પ્રેમને અભિવ્યક્ત કરવામાં તેમજ સંવનનને ઘનિષ્ટ બનાવવા ગોપાલ હંમેશા તત્પર હોય છે. ગોપાલ અને આરતીની મૈત્રી ગોપાલને મન એક સંપૂર્ણ પ્રેમસંબંધ છે જ્યારે “પૈસો અને પ્રતિષ્ઠા મેળવવામાં ગોપાલ સફળ થશે કે કેમ?” એનો વિચાર કરતી આરતી ગોપાલને પસંદ કરતી હોવા છતાં એની સાથે સ્ત્રી-સહજ એક અંતર બનાવી રાખે છે, જે ગોપાલની નિષ્ફળતા બાદ ખુબ વધી જાય છે.

વધુ એક વાર નિષ્ફળ ગયેલો ગોપાલ રાજસ્થાન-કોટાથી વારાણસી પરત આવે છે અને એનો સંપર્ક સ્થાનિકન ધારાસભ્ય શુકલાજી સાથે થાય છે. લેખક ગોપાલને આ કથામાં અઢળક પ્રેમ કરે છે, શુકલાજીના માધ્યમથી ! શુકલાજી ગોપાલને એની વિવાદાસ્પદ વારસાઈ જમીન પાછી અપાવે છે, એ જમીન પર એની પોતાની નવી એંજિનિયરિંગ કોલેજ ખોલી આપે છે, એને બંગલો-ગાડી, નોકર-ચાકર તેમજ એની ગુમાવેલી ગર્લફ્રેંડ આરતી પરત અપાવે છે. એક સમયનો બેકાર ગોપાલ પોતાની કોલેજમાં ડીન તેમજ પ્રોફેસર્સની નિમણૂંક કરે છે અને તેઓને મહિને લાખોનો પગાર ચુકવતો થાય છે. વાઈસ-ચાન્સેલરથી લઈને યુજીસી તેમજ કોર્પોરેશનના ટોચના અધિકારીઓને મળવું અને તેઓને ચપટી વગાડતામાં ખરીદી લઈને પોતાનું કામ કઢાવી લેવું એને મન રમત વાત બની જાય છે.

નવલકથાની સમજવી મુશ્કેલ એવી વાતો:

1.રાઘવ એંજિનિયરિંગની ડિગ્રી મેળવે છે ત્યાં સુધી એક ઉત્તમ હોંશિયાર વિદ્યાર્થી જણાય છે. કોઈ પણ એવી ઘટના નથી બની કે જે રાઘવની માનસિકતામાં ટર્નિંગ પોઈંટ જન્માવે. છતાં અચાનક એ મૂલ્યવાન ડિગ્રીને ફેંકી દઈને રાઘવ પત્રકાર બની જાય છે. એને કૌભાંડો ખુલ્લા કરવામાં રસ પડી જાય છે. ભ્રષ્ટાચાર દુર કરવાનું ઝનુન એને ચડી જાય છે.

શરૂઆત એ કોલેજ મેગેઝિન શરૂ કરવાથી કરે છે. ત્યારબાદ એ એક ન્યુઝપેપરમાં કામ શરૂ કરે છે. અને એની અડફેટે ધારાસભ્ય શુકલાજી ચડી જાય છે. એ શુકલાજીના કૌભાંડો ઉઘાડા કરે છે. શુક્લાજી જાણે છે કે રાઘવ અને ગોપાલ મિત્રો છે આથી એ ગોપાલને રાઘવને સમજાવવા કહે છે. “રાઘવને સમજાવી શકાય એમ નથી” એવું જાણ્યા બાદ શુકલાજી રાઘવને નોકરીમાંથી કઢાવી મૂકે છે. પોતે અભ્યાસમાં નિષ્ફળ અને રાઘવ સફળ થયો હોવાથી, વળી એની ગર્લફ્રેંડ આરતી પણ એક સમયે રાઘવ પાસે જતી રહી હતી એ યાદ કરીને ગોપાલ રાઘવને સતત સ્પર્ધાભાવથી જોતો હોય છે. એમાંય જેની મહેરબાનીથી પદ-પૈસો-પ્રતિષ્ઠા તેમજ ગર્લફ્રેંડ પરત મેળવવામાં સફળ થયો છે એવો ગોપાલ પોતાના મસીહા શુકલાજીને હેરાન કરતા રાઘવને નીચો બતાવવા તત્પત રહે છે. અલબત્ત રાઘવને ગોપાલ પ્રત્યે ક્યારેય ઈર્ષ્યાભાવ હોવાનું આ કથામાં જણાતું નથી. ઉલ્ટાનું ભ્રષ્ટ શુકલાજી ગોપાલના માધ્યમથી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા હોવાથી રાઘવ મનોમન ગોપાલની દયા ખાય છે. આદર્શવાદી રાઘવ ગોપાલના કૌભાંડો પ્રત્યે શા માટે ચુપ છે એ લેખકે જણાવ્યું નથી.

2.બીજી એક નવાઈ લાગે એવી વાત એ છે, કે રાઘવને નિષ્ફળ અને ગોપાલને સફળ થતો જોઈને ચાલાક આરતી ગોપાલ પાસે પરત આવી ગઈ છતાં “એ સતત રાઘવને જ પ્રેમ કરી રહી છે” એવો બકવાસ એ ગોપાલ સમક્ષ શા માટે કરી રહી છે, એ સમજાતું નથી. આધુનિક યુવતી છુપી રીતે એક સાથે અનેક છોકરાઓને ફેરવવાની માનસિકતા ધરાવે છે ત્યારે એક પ્રેમી સમક્ષ પોતાના અન્ય પ્રેમીની યાદમાં પોતે દુ:ખી થતી હોવાની સોળમી સદીની માનસિકતા લેખકે આરતીમાં કેવી રીતે કલ્પી લીધી, એ સમજાતું નથી.

3.સંમત થવામાં અઘરી એવી એક વાત: એક તબક્કે રાઘવ પોતાનું સ્વતંત્ર ન્યુઝલેટર શરૂ કરે છે, જેમાં એ શુકલાજીના ગંગાનદીની સાફસફાઈની યોજના અંતર્ગત કરેલા કૌભાંડને પુરાવા સાથે બહાર લાવે છે. પરિણામે સી.એમ. વારાણસી દોડી આવે છે, કૌભાંડની વિગતો જાણે છે અને શુકલાજીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે. તમામ મુખ્ય ન્યુઝ ચેનલ્સ પોતાના પત્રકારો તેમજ ફોટોગ્રાફર્સ સાથે આવીને રાઘવનો ઈંટરવ્યૂ કરે છે, તમામ છાપાઓમાં એના પરાક્રમના સમાચાર છપાય છે. આટલી બધી પ્રસિદ્ધી છતાં કથાલેખક આગળ લખે છે, કે શુકલાજીની પાર્ટીએ રાઘવના પ્રેસને ખતમ કરી નાંખ્યું અને એ એક ગેરેજના ખુણામાં નાનકડી જગ્યામાં બેકાર બનીને એક ગરીબ અને દુ:ખી ખેડૂતની વ્યથા સાંભળતો બેઠો છે. આજના યુગમાં આવા એનર્જેટીક પત્રકાર-તંત્રીની શક્તિઓનો લાભ લેવાનું કોઈ ચેનલ છોડે ખરી ? અરે, એને પોતાની ન્યુઝ ચેનલ શરૂ કરવી હોય તો પણ અન્ય રાજકીય પક્ષ તમામ મદદ કરવા તૈયાર થઈ જાય ! લેખક લખે છે: રાઘવ ફરીથી કોઈ છાપામાં નોકરી શોધી રહ્યો છે. અરે, કૌભાંડો તેમજ ભ્રષ્ટાચાર વિશે ન લખવાની શરતે એ એક છાપામાં કામ શરૂ પણ કરી દે છે ! આરોપો બદલ જેલમાં ગયેલા શુક્લાજી ધારાસભ્ય હોવા છતાં ક્યારેય જેલની બહાર આવી શકતા નથી, જામીન પર પણ !

4.વાર્તાનો અંત નવાઈ પમાડે છે. અત્યંત મહત્વાકાંક્ષી એવો ગોપાલ સફળતાની સિડી સડસડાટ ચડતો-ચડતો ઘણો ઉપર પહોંચી જાય છે. એટલી હદ સુધી કે આરતી એનામાં પોતાનો ભાવિ પતિ જુએ છે. એટલું જ નહિ, માત્ર એક ક્રાંતિકારી લેખ લખીને શુક્લાજી જેવા ભ્રષ્ટ ધારાસભ્યને ડિસમિસ્ડ કરાવી નાંખનાર આદર્શવાદી રાઘવને સત્તાધારી પક્ષ પોતાના પક્ષના ભાવિ મુરતિયા તરીકે પસન્દ નથી કરતા અને ભૂતકાળમાં ધારાસભ્ય બનીને પક્ષની સેવા કરનારા આરતીના દાદાને યાદ કરીને આરતીના પિતાને, આરતીને અથવા આરતીના ભાવિ પતિને ટિકિટ આપવાનું નક્કી કરે છે! શુકલાજી તો ભાવિ ઉમેદવાર તરીકે (આરતીના પતિ તરીકે તેમજ ધારાસભ્ય તરીકે) ગોપાલને એડવાન્સમાં અભિનંદન પણ આપી દે છે. અને આશ્ચર્યજનક રીતે લેખક લખે છે: ગોપાલમાં રહેલો રાવણ મરી જાય છે અને એનામા રહેલા રામની જીત થાય છે. લેખકનો ગોપાલ શું કરે છે, ખબર છે? જેની સાથે અનેક વાર શરીરસંબંધથી જોડાયો છે એવી, એક માત્ર પોતાને જ પ્રેમ કરતી હતી, કરે છે અને કરતી રહેશે એવી આરતીને આઘાત આપીને એ એને રાઘવ પાસે પરત જવા મજબૂર કરી દે છે. આહાહા, પોતે કેવો ભવ્ય ત્યાગ કર્યો છે, રાઘવ માટે ! અને ગોપાલને તન-મન અર્પી ચુકેલી આરતી ખુશી-ખુશી રાઘવ સાથે લગ્ન કરી પણ લે છે, જાણે એક નટને એના બોલ્ટથી ખોલીને બીજા બોલ્ટ સાથે ફિટ કરી શકાય એમ !

5.શીર્ષક “રીવોલ્યુશન 2020” એટલે શું ? રાઘવ સુધારાવાદી બની જાય છે ત્યારે એ જ્યોતિષીની માફક ભવિષ્યકથન કરે છે, કે પોતાની ચળવળ 2020ની સાલમાં ભારતમાં સંપૂર્ણ પરિવર્તન (ક્રાંતિ) લાવી દેશે ! અલબત્ત એ માટે પ્રત્યેક વ્યક્તિએ જાગ્રત બનવું પડશે. જો કે, નેતા જેવો રાઘવ પોતે જ સુધારાવાદ પર વિરામ મુકીને આરતી સાથે લગ્ન કરીને “ખાધુ, પીધું ને રાજ (આનંદ) કર્યા” થી સંતોષ માની લે છે ત્યાં સામાન્ય માણસો કેવી રીતે ચળવળ પર કંટીન્યુ રહી શકે ?

કથા વિશે અન્ય વાતો:

લેખકે વારાણસીનું જે વર્ણન કર્યું છે, ત્યાંના જુદા-જુદા ઘાટો વિશે તેમજ સમગ્ર નગર વિશે વાંચતા એવું જણાય છે, જાણે આપણે ત્યાં જ છીએ. રાજસ્થાન-કોટામાં ચાલતા એંજિનિયરિંગ કોચિંગ ક્લાસીસના કલ્ચર વિશે ઝીણામાં ઝીણી વિગતો જાણીને આશ્ચર્યચકિત થઈ જવાય છે. અલબત્ત એંજિનિયરિંગ ક્ષેત્રની વિવિધ પરીક્ષાઓ તેમજ પધ્ધતિઓ વિશે લેખકનો અભ્યાસ કથાને અદ્ભૂત વાસ્તવિક સ્પર્શ આપે છે. યુવાવર્ગને ઉત્તેજીત કરે એવી બિનજરૂરી ઘણી બાબતો આ નવલકથામાં ભરપૂર છે: પાત્રો ઈંટરનેટ પર ચેટિંગ કરે છે, મોબાઈલ ફોનથી એસ.એમ.એસ. કરે છે, ત્યાં સુધી બરાબર છે પરંતુ નોટબુકની આપ-લે તો જુની વાત થઈ ગઈ, અહિંયા તો પાત્રો કિસીસની ભરપૂર આપ-લે કરે છે, સંવનનથી સહશયન સુધીના વર્ણનો છે, નદીમાં બોટની સફર, હોટેલ-ભોજનની વાતો વગેરે વગેરે. શુદ્ધ-સ્વચ્છ સાહિત્ય માટે આ પ્રકારનું લખાણ ત્યાજ્ય છે. છોકરીઓને સમજી શકવાની પોતાની અસમર્થતા તેમજ તેઓના સ્વભાવની અનેકાનેક વિચિત્રતાઓ લેખકે ગોપાલના માધ્યમથી વર્ણવી છે, જે સ્વતંત્ર અભ્યાસનો વિષય છે.

આ નવલકથા, અંગ્રેજી નવલકથા વાંચવાનું શરૂ કરનાર વાચક માટે ખુબ સારી શરૂઆત છે. અલબત્ત એ સારું મનોરંજન કરવાની સાથે-સાથે ભારતની એજ્યુકેશન સિસ્ટીમ, પોલિટિકલ સિસ્ટીમ સમજવામાં મદદ પણ કરે છે. વાર્તામાં એક રાજકારણી કહે છે, ભારતની પોલિટિકલ અને એજ્યુકેશન સિસ્ટીમ જ એવી વિચિત્ર અને અટપટી છે કે વિદ્વાનોને એમાં કશીય સમજણ ના પડે, નહિ તો એ લોકો જ નવી સંસ્થાઓ ના ખોલી દે ! આ સિસ્ટીમમાં તો તમે ક્યાંય ફાવી શકો જ નહિ કારણ કે એમાં કશુંય પારદર્શી નથી, બધું જ મોઘમ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: