વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અન્યાયનો પ્રતિકાર

એમ.એ. ફાઈનલયરની ઈન્ટર્નલ એક્ઝામ આપવા માટે અમે પરીક્ષાખંડમાં બેઠા હતા. સુપરવાઈઝરે આવતાની સાથે પરીક્ષાર્થીઓને ખખડાવવાનું ચાલુ કરી દીધું. દરેક પરીક્ષાર્થીને આન્સરબુક મળી ગઈ, અમે એમાં વિગતો ભરવાનું શરુ કરી દીધું છતાં તેઓનું ઘાંટાઘાંટ કરવાનું બંધ થયું નહિ એટલે મેં પાછળ ફરીને એમની સામું જોયું. એમણે મને પણ કોઈ અપશબ્દ કહીને ટપાર્યો. હું શાંત રહ્યો.

એક પેપરની પરીક્ષા પૂરી થતાં સ્ટાફ-રૂમમાં જઈને હું એ પડછંદ યુવાન પ્રાધ્યાપકને જઈને મળ્યો ને એમનું નામ પૂછ્યું. “શું કામ છે” – એમણે સામો પ્રશ્ન પૂછ્યો. “તમારા વિરુદ્ધ પ્રિન્સિપાલને મારે ફરિયાદ કરવી છે.” –મેં કહ્યું. તરત જ ઊભા થઈ જતાં એમણે મને કહ્યું, “નામ જ શા માટે, ચાલ, હું પણ તારી સાથે આવું.” અમે પરીક્ષાવિભાગની ઓફિસમાં ગયા અને હું ફરિયાદ કરું એ પહેલાં જ એમણે મારી વિરુદ્ધ આચાર્યશ્રીને ફરિયાદ કરવાનું ચાલુ કરી દીધું. પરીક્ષાની કામગીરી ચાલુ હતી તેથી પૂરી વાત સાંભળી શકાય તે માટે પ્રિન્સિપાલે અમને બન્નેને પોતાની ઓફિસમાં બોલાવ્યા. ત્યાં પણ પ્રાધ્યાપક વરસી પડ્યા. ત્યારપછી મેં કહ્યું, “સર, આ પ્રાધ્યાપકે સુપરવાઈઝર તરીકે પેપર શરુ થતાંની સાથે જ બિનજવાબદારીપૂર્વક વર્તવાનું રાખ્યું છે તેથી અમને પરીક્ષા આપવામાં બહુ તકલીફ પડી છે.” આચાર્યશ્રીએ પ્રાધ્યાપકને ટકોર કરતાં કહ્યું, કે “ફરિયાદ કરનાર વિદ્યાર્થી તેજસ્વી છે અને તે જ્યારે એમ.એ. પ્રિવિયસમાં હતો ત્યારે આપણી કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કરી ચૂક્યો છે તેથી આપણે તેની અવગણના ન કરી શકીએ.” તેમ છતાં આખો કેસ ઉડાડી મુકવાની ગણતરીથી એ પ્રાધ્યાપક મોટે-મોટેથી અંગ્રેજીમાં બોલતાં-બોલતાં ઓફીસની બહાર નીકળી ગયા.

ભક્તાણી

વિદ્યાનગર કૉલેજમાં ટેમ્પરરી લેક્ચરર હતો ત્યારની વાત છે. મારી ઉંમર ત્રીસની હતી. વડોદરાથી આણંદ ટ્રેઈન દ્વારા અને આણંદથી વિદ્યાનગર રીક્ષામાં જવા-આવવાનું થતું. ઘરે પરત આવવા માટે આણંદ સ્ટેશને ઊભો હતો ત્યાં ટ્રેન આવી. હું તેમાં ચઢવા ગયો ને તરત જ તે ઉપડી. મને નવાઈ લાગી. સીઝનટિકીટ(પાસ) ધારક (અપડાઉનવાળા) માટે જાણીતી ‘ભક્તાણી’ લોકલ ટ્રેન સ્ટેશને આવીને લગભગ અડધો કલાક ઊભી રહે છે જ્યારે આ ટ્રેન તો તરત જ ઉપડી. હું આવું વિચારતો ટ્રેનમાં ચઢીને ઊભો હતો. પછી મને ખબર પડી કે મારાથી ભૂલમાં એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવેશ થઈ ગયો છે. હવે શું ? T.C.આવે એટલે દંડ ભરવાની તૈયારી રાખવાની રહી. મારા ચહેરા પરની મુંઝવણ પારખીને એક મજબૂત બાંધાનો ઊંચો, લગભગ પીસ્તાલીસની વયનો યુવાન મારી નજીક આવ્યો. મેં એને ટૂંકમાં વાત કરી. એણે મારી વાતમાં સૂર પુરાવતાં મને કહ્યું, કે “આ ટ્રેનની આવવાની કે ઉપડવાની કોઈ જાહેરાત સ્ટેશને માઈક પર થઈ નથી તેથી તમારાથી આ ભૂલ થઈ છે.” વાંક બન્ને પક્ષે છે. હવે શું? એ મને કહે, “તમે ઉપરની સીટ પર ચઢીને સૂઈ જાવ, T.C.પસાર થઈ જશે, વાંધો નહિ આવે.” મેં કહ્યું, “છુપાવાનું મને નહિ ફાવે, જે થાય તે ખરું.” યુવાને મારા ખીસામાં રહેલી પેન સરખી કરીને મને સૂચના આપી, “T.C.સામું જોતા નહિ.” તરત જ T.C.આવ્યો. મારી પાસે આવીને મને કાંઈ પૂછે તે પહેલા પેલા યુવાને વચ્ચે આવી જઈને T.C.ને વાતમાં વળગાડીને તેને આગળ લઈ ગયો.

ઈન્કમટેક્ષ ઑફિસર

વિદ્યાનગરમાં ટેમ્પરરી લેક્ચરર તરીકે કામ કરતો હતો ત્યારની વાત છે. વડોદરાથી આણંદ ટ્રેઈનદ્વારા અને ત્યાંથી વિદ્યાનગર રીક્ષા દ્વારા જતો-આવતો. એક દિવસ આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં ચઢ્યો. કોઈ સીટ ખાલી ન હોવાથી ઉપરની સીટ પર ચઢી ગયો. ત્યાં એક સજ્જન આડા પડેલા હતા. તે મને આવેલો જોઈને બેઠા થઈ ગયા અને મારી સાથે વધુ પડતી વાતો કરવા લાગ્યા. તેઓ મને અનુકૂળ થઈને વર્તતા હતા તેથી મને તેમના પર કોઈ શંકા ન ગઈ. એ મને કહે, “બેસો, બેસો, છેક અમદાવાદથી સૂતો-સૂતો આવું છું, હવે બેઠા-બેઠા વડોદરા સુધી જવું છે.” પછી મને પૂછ્યું, “શું કરો છો?”
મેં કહ્યું, “કૉલેજમાં ફિલોસોફી ભણાવું છું.”
“કેવા છો?” –બીજો પ્રશ્ન.
“સોની છું.” મેં જવાબ આપ્યો.
એમણે એમની આંખમાં આવેલી ચમક છુપાવતાં પૂછ્યું, “તમારે સોનીનાં વ્યવસાય સાથે સંબંધ ખરો?”
મેં કહ્યું, “પપ્પાએ સમય પસાર કરવા માટે દુકાન લઈ રાખી છે, તે બેસે છે.”
મને કહે, “હમણા આ ધંધામાં બહુ મંદી ચાલી રહી છે, નહિ?”
“સરકાર એવી નીતિઓ ઘડી રહી છે કે નાના કારીગરો અને વેપારીઓ ખતમ થઈ રહ્યા છે અને મોટા-મોટા જ્વેલર્સ કરોડો કમાઈ રહ્યા છે.” મેં વાત કરી.
“શું વાત કરો છો?” એ સજ્જનના હાથમાં આખો લાડવો આવી ગયો હોય એમ અંદરથી એ રાજી થઈ ગયા. મે ઉત્સાહથી કહી દીધું, “ શહેરમાં જઈને જુઓ, રોજનું કિલોબંધ સોનું ટર્નઓવર થાય છે.” બે-ત્રણ વાર મને પૂછીને ખાતરી કરી લીધા પછી એ સજ્જને ધડાકો કરતા કહ્યું, “હું ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટમાં છું.”

એક સેકન્ડમાં મારા મગજમાંથી અનેક વિચારો પસાર થઈ ગયા, “આ માણસે પહેલેથી મને કહી દીધું હોત કે તે ઈન્કમટેક્સમાં છે તો હું તેને માહિતી આપત ખરો? હજુ પણ હું એને કહી શકુ છું, કે “મેં વધારે પડતો આંકડો તમને જણાવ્યો છે, ખરેખર એવું નથી.” વળી મારી આપેલી માહિતીના અધારે આ લોકો દેશની કોઈ સેવા નહિ કરે પરંતુ પોતાના ખીસ્સાં ભરશે.” તેમ છતાં મારા ચહેરા પર છેતરાયા બદલ ભોંઠપની અસર લાવ્યા સિવાય મેં કહ્યું, “મેં તમને જે જણાવ્યું છે તે સાચું છે, તમને યોગ્ય લાગે એમ કરો.” શહેરમાં થોડા સમય બાદ ઈન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને લગભગ દસેક જ્વેલર્સ કરોડો રુપીયા આપીને, કોઈએ પાંચ તો કોઈએ પંદર કરોડની કરચોરી કબૂલી હતી, વાસ્તવમાં આ જ્વેલર્સે કરોડો રુપીયાની કરચોરી કરી હતી.

ઈન્ટરવ્યૂ

ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે માનવીય વિજ્ઞાનો [Human sciences, {સમાજવિજ્ઞાનો(Social sciences)}] ના વિકાસમાં કોઈને રસ નથી. તેથી આર્ટસકૉલેજોના સંચાલકો મોટે ભાગે ટેમ્પરરી લેક્ચરરની નિમણૂક કરી ગાડું ગબડાવે છે. દર વર્ષે માર્ચનાં અંતે તેઓને છૂટા કરવામાં આવે ને જુલાઈ અથવા ઑગષ્ટમાં ઈન્ટરવ્યૂ લઈ તેઓને કામ સોંપવામાં આવે. વેતન પણ એટલું આપે કે જેમાં પોતાનો ખર્ચ પણ માંડ-માંડ નીકળે. મે,2000માં મારી કોલેજના નિવૃત્ત આચાર્ય એવા મારા પ્રાધ્યાપકના આમંત્રણથી ને એમ.એસ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટીના તત્વજ્ઞાન વિભાગના હેડના પ્રેમાગ્રહથી વિદ્યાનગર કોલેજમાં મેં તત્વજ્ઞાન ભણાવવાનું સ્વીકાર્યું. કૉલેજમાં અમારા ડીપાર્ટમેન્ટના હેડ એટલા બધા જ્ઞાની ગણાય કે તેઓ સાથે ચર્ચા કરવા પી.જી.ડીપાર્ટમેન્ટનાય એકેય પ્રોફેસર રાજી ન થાય. ચાર વર્ષ અધ્યાપન કાર્ય કર્યા બાદ દર વર્ષની જેમ ‘04-‘05ના વર્ષમાં એક દિવસ મારો રૂટીન ઈન્ટરવ્યૂ હતો. મંડળમાંથી ખરેખરા જ્ઞાની-સમજુ-શાણા સંચાલક સાહેબ આવ્યા હતા. અમારા હેડ ઈનચાર્જ પ્રિન્સિપાલ પણ હતા. ઈન્ટરવ્યૂ શરુ થયો. ચર્ચા દરમિયાન એક તબક્કે હેડસાહેબે એક શબ્દ જાણવાનો મારી પાસે આગ્રહ રાખ્યો. મેં ગુજરાતીમાં એ શબ્દ જણાવ્યો તો તેઓએ સાચા શબ્દનો મારી પાસે આગ્રહ રાખ્યો. મેં જણાવ્યું કે મારો શબ્દ સાચો છે. તેઓએ સાચો શબ્દ અંગ્રેજીમાં જણાવ્યો એટલે તરત મેં કહ્યું, “સાહેબ, તમે જે શબ્દ અંગ્રેજીમાં કહ્યો તેનો જ ગુજરાતી શબ્દ મેં કહ્યો છે. તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો ને હું ગુજરાતી માધ્યમમાં, તેથી આવું થયું છે.”

સંચાલક સાહેબ લગભગ દોડીને બાથરુમમાં જતા રહ્યા. થોડી વાર બાદ તેઓ પોતાના સ્થાને ગોઠવાયા ત્યારે પણ તેઓના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે અમારી ચર્ચાના કારણે આવતું હસવું રોકીને, બાથરુમમાં જઈને અમને ન સંભળાય એ રીતે ખડખડાટ હસીને તેઓ બહાર આવ્યા હતા. ‘અઠવાડીયાના ત્રણ દિવસનો પગાર મળશે અને છ દિવસ કામ કરવું પડશે’ એવી શરત હેડસાહેબે મૂકી એટલે ‘ના’ કહીને હું આવતો રહ્યો. ત્યાં જ ટેમ્પરરી અધ્યાપક તરીકેની મારી કારકીર્દિનો અંત આવ્યો.

ફ્રોડ

એક સવારે હું આણંદ જવા માટે લોકલ બસમાં ચઢ્યો. છેક પહેલી સીટ પર એક જગ્યા ખાલી હતી, ત્યાં એક સજ્જનની બાજુમાં બેઠો. એ ભાઈ નામ-જપ-સ્મરણ કરી રહ્યા હતા. મેં આણંદની ટિકીટ કંડક્ટર પાસેથી લીધી. મારે ઉતરવાની થોડી વાર હતી ત્યાં એ સજ્જને મારી સાથે વાત કરવાનું શરુ કર્યું. મને કહે, “સવારે મારે ઉઠવાનું મોડું થઈ ગયું તેથી સ્નાનાદિ નિત્યકર્મ કર્યા બાદ પૂજા-પાઠ કરવાના રહી ગયા હતા, વિચારતો હતો કે બસમાં પતાવી દઈશ. પરંતુ મોટી ચિંતા એ હતી કે બાજુમાં કોઈ ખોટી આદતોવાળો આવી જશે તો મારા પાઠ અધુરા રહી જશે. આપે તો મને મોકળાશથી બેસવાની સગવડ આપી ને શાંતિ જાળવી તેથી મારાં જાપ પૂરા થઈ શક્યા. મને ખૂબ આનંદ થયો. આપ શું કરો છો ?”
“હું વિદ્યાનગર કોલેજમાં લેક્ચરર છું.” મેં કહ્યું.
“કઈ શાખામાં?” તેઓએ પૂછ્યું.
“આર્ટસમાં હું તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન ભણાવું છું.” મેં જવાબ આપ્યો.
એ ભાઈ મને કહે, “વોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, હું કેલીફોર્નિયાની કાર્ડિઆક યુનિવર્સિટીનો વાઈસ ચાન્સેલર છું. મારું નામ માર્તંડ પંડ્યા.” ત્યારબાદ તેઓએ ગુજરાતના પોતાના સમકાલીન ઘણા લેક્ચરરના નામ લઈને, હું એ બધાને ઓળખું છું કે કેમ એ અંગે પૂછપરછ કરી. હું કોઈને જાણતો ન હતો. પછી એમણે મને કહ્યું, “જુઓ તમારી શિષ્ટતાપૂર્ણ વર્તણૂકથી હું ખૂબ જ પ્રભાવીત થયો છું. મારી ઈચ્છા તમને કેલીફોર્નિયા લઈ જવાની છે. તમે મારું કેલીફોર્નિયાનું એડ્રેસ લખી લો.” મેં આનાકાની કરી એટલે એ ભાઈ મને કહે, આમાં આશ્ચર્ય જેવું કાંઈ જ નથી. આ બધું ઈશ્વરની યોજનાનો જ એક ભાગ છે. સમર્થ ઈશ્વરે જ આપણો યોગ કરાવી આપ્યો છે.” તેઓનું માન રાખવા મેં એડ્રેસ લખી લીધું ને બસમાંથી ઉતરી ગયો.

મારે આણંદથી રીક્ષામાં વિદ્યાનગર કોલેજ જવાનું હતું. એ ભાઈ ડાકોર જવાના હતા. મને સાથે લેવા તેઓએ છેલ્લો દાવ અજમાવ્યો. એમણે મને બારી પાસે બોલાવ્યો. મને કહે, “તમારી એમ.એ.ની માર્ક્સશીટની ઝેરોક્ષ નકલ, જે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે પ્રમાણીત કરી હોય અને જીલ્લા મેજીસ્ટ્રેટે સહી-સિક્કા કર્યા હોય, તે મને કેલીફોર્નિયાના એડ્રેસ પર મોકલી આપજો. તમારી લેક્ચરર તરીકે ત્યાં નિમણૂક કરીને હું તમને મુંબઈ-કેલીફોર્નિયાની તમારી, વાઈફની અને બાળકોની એર-ટિકીટ મોકલી આપીશ. આવકવેરા વિભાગ તરફથી પૂછપરછ થાય તો કહી દેવાનું કે, “અમેરિકન ઈન્કમ છે તેથી ટેક્સ ત્યાંની ગવર્નમેન્ટે કાપી લીધો છે. અને હા, અહીં તમારો માસિક પગાર પંદર હજાર રુપિયા હશે તો ત્યાં તમારો માસિક પગાર પંદર હજાર યુ.એસ.ડોલર કરી શકીશ, પછી ધીરે-ધીરે એમાં વધારો થયા કરશે. O.K. Good bye.” “આવજો.” કહીને મેં મારી ફરજ બજાવવા માટે વિદ્યાનગર જતી રિક્ષા પકડી.

મારું પ્રકાશીત થયેલું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃતિ દર્પણ’ હું વિદ્યારસિકોને વહેંચતો હતો ત્યાં ત્રણ વર્ષ પૂર્વે ઘટેલી આ ઘટના અને માર્તંડભાઈ મને યાદ આવ્યા. તેઓને મેં કેલીફોર્નિયાના સરનામે મારું પુસ્તક મોકલી આપ્યું. મહિના બાદ ‘Insufficient address’ના સિક્કા સાથે પુસ્તક પરત આવ્યું. ત્યારબાદ બીજા છ મહિના પસાર થઈ ગયા. મારા એક મિત્ર સાથે વાતચીત દરમિયાન મને અચાનક યાદ આવ્યું, કે માર્તંડભાઈનો વડોદરાના રહેઠાણનો સંપર્ક કરીએ તો કેવું? નામ પરથી ટેલીફોન નંબર ને સરનામુ મેળવવા હું ડિરેક્ટરી લઈને બેઠો. મારા આશ્ચર્ય વચ્ચે ડિરેક્ટેરીમાં તેઓના નામ જેવું નામ ધરાવતું બીજું કોઈ નામ ન હતું. તેથી તેઓનું સરનામુ અને ટેલીફોન નંબર સહેલાઈથી મળી ગયા. મેં નંબર ડાયલ કર્યો. રીંગ વાગી. સામે છેડે પુરુષનાં અવાજમાં ‘હેલ્લો’ સંભળાયું. મેં મારું નામ જણાવીને કેલીફોર્નીયા ગયેલા માર્તંડભાઈનો વડોદરાનો આ નંબર અને સરનામું બરાબર છે કે કેમ એ વિશે મેં પૂછ્યું. “બરાબર છે.” મને જવાબ મળ્યો. “આપ કોણ બોલો છો”? એવું જ્યારે મેં પૂછ્યું, ત્યારે “એમના કુટુંબી છીએ.” એવો ઉડાઉ જવાબ મળ્યો. મને શરુઆતથી જ એવું લાગતું હતું કે, ફોન ઉપાડનારને વાત કરવામાં રસ નથી. અત્યારે માર્તંડભાઈ કેલીફોર્નિયા છે કે ભારતમાં? મેં જાણવા માંગ્યું. “માર્તંડભાઈ અહીં જ છે, જુલાઈમાં વિદેશ જવાના છે.” જવાબ મળ્યો. “અત્યારે તેઓ ક્યાં મળશે?” એવું હું પૂછતો હતો ત્યાં ફોન કટ થઈ ગયો.

ત્યાર બાદ બે વખત થોડા-થોડા દિવસને અંતરે મેં ફોન કર્યો તો કોઈ બહેને વાત કરી. બહેન મને કહે, “નિઝામપુરા વિસ્તારની જે પ્રતિષ્ઠીત વ્યક્તિ ગુજરી ગઈ છે તેના બેસણામાં જવા માટે માર્તંડભાઈ ઘરેથી હમણાં જ નીકળી ગયા છે, ને તેઓ પેટ્રોલપંપ પાસે તમારી રાહ જુએ છે.” મને આ બધી ગરબડ સમજાતી ન હતી. મેં પૂછ્યું, “બહેન, તમે કોણ બોલો છો?” તો બહેન મને કહે, “હું એમની વાઈફ બોલું છું.” મને થયું, મારે માર્તંડભાઈને રૂબરૂ મળવું પડશે, એ સિવાય સ્પષ્ટતા નહિ થાય. ‘થોડા દિવસ બાદ મળવા આવું છું’ એવી ફોન પર જાણ કરીને હું એક દિવસ તેઓના ઘરે પહોંચી ગયો. માર્તંડભાઈ બારણે આવ્યા. મેં જોયું કે તેઓએ એમની એક આંખ ગુમાવી છે ને પાંચ વર્ષમાં તો વીસ વર્ષ વહી ગયા હોય એવી એમની ઉંમર જણાય છે.મને કહે, “શું કામ છે? હું કોઈની સાથે વાત કરવા માંગતો નથી.”

મેં કહ્યું, “હું ફોન પર આપને જાણ કરીને મળવા આવ્યો છું. મારે આપનું કોઈ કામ નથી. આપને કેલીફોર્નિયા પોસ્ટ કરેલી મારી બુક, પૂરતું સરનામું ન હોવાથી પરત આવી છે તેથી આપને રૂબરૂ ભેટ આપવા આવ્યો છું.” તો મને કહે, “ફ્રોડ હોય છે ઘણા બધા. કોણ ક્યારે મારી સાથે છેતરપીંડી કરે? હું ક્યારેય કોઈનેય મારું પૂરુ સરનામુ આપતો નથી.” મેં કહ્યું, “મને અંદર આવવાનું નહિ કહો.” ઘર આખું ખાલી હતું, કોઈ સામાન કે રાચરચીલું ઘરમાં ન હતું. એ મને કહે, “મેં શરુમાં જ કહ્યું ને, કે તમને મળવામાં મને કોઈ જ રસ નથી.” પાછળ ઊભેલા એમના ધર્મપત્ની એમને સમજાવી રહ્યા હતા કે શાંતિથી બેસીને વાત કરો. ત્યાં તો એ તાડૂક્યા, “જ્યારે હું ઘરમાં ન હતો ત્યારે તમે ફોન કર્યા છે, ને મારી ગેરહાજરીમાં મારી પત્ની સાથે વાત કરી છે. તમારી સાથે હું આવું વર્તન કરું તો તમને સારું લાગશે? લાવો, મને તમારો નંબર આપો. હું પણ તમને આ રીતે પજવું, પછી તમને મારી પીડા સમજાશે.

મેં કહ્યું, “વડીલ, હું તમારા દીકરાની ઉંમરનો છું, લેક્ચરર છું, ને એક દિવસ આણંદ જતાં બસમાં આપણી મુલાકાત થઈ હતી ને આપે સામેથી મને કેલીફોર્નિયા આવવાનું . . .” “હું વિચારી-વિચારીને પાગલ થઈ ગયો પણ મને યાદ આવતું ન હતું. તમારો ફોન પહેલી વાર આવ્યો ને વાત કરતા મને જણાયું કે કોઈ ફ્રોડ મારા કેલીફોર્નિયાના કનેક્શન્સ શોધે છે, ને સોની છેએએએ . . .મેં મારા બધા સોની મિત્રો યાદ કરી લીધા પણ આ વાત યાદ ના આવી.” કહીને તેઓ દરવાજેથી અંદર ખસ્યા. તેઓની પત્નીએ મને અંદર આવવા કહ્યું. હું બેઠો. બહેન પાણી લઈને આવ્યા. મેં પીધું. ભાઈ અંદરના રુમમાંથી બેઠકરુમમાં આવ્યા એટલે એમને મારું પુસ્તક આપીને મેં જવા માટે રજા લીધી. ત્યારબાદ ઘણી વાર હું મારા પરિવાર સાથે સયાજીબાગમાં ફરવા ગયો હોઉં ત્યારે મેં માર્તંડભાઈને સિનિયર સિટિઝન સાથે બાગમાં મજા કરતાં જોયા છે. અમારી નજર એક થતાં તેઓની બચેલી એક આંખમાં જોવા મળતો અપરાધભાવ મને એવું વિચારવા મજબૂર કરે છે કે તેઓની કેલીફોર્નિયાવાળી વાત, તેઓએ મારી સાથે કરેલો એક ફ્રોડ જ હતો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: