વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અજ્ઞાન એ જ્ઞાન-વિરોધી એવું અસ્તિત્વ ધરાવતું તત્વ છે. જ્ઞાનનો અભાવ એટલે અજ્ઞાન નહી પરંતુ અજ્ઞાન એટલે ભ્રાંતિજન્ય જ્ઞાન. અજ્ઞાને પરમાત્માના સત્ય સ્વરૂપને જાણે કે ઢાંકી દીધું છે. અજ્ઞાન વસ્તુના સત્ય સ્વરૂપને વંચિત રાખે છે. વસ્તુ સામે હોવા છતાં, દેખાય છે છતાં એના સત્ય સ્વરૂપને આપણે જાણી શકતા નથી. વસ્તુ દેખાય છે પરંતુ વિપરીત સ્વરૂપે ! દા.ત. દોરડું સર્પ રૂપે દેખાય છે. અજ્ઞાનની આ આવરણ શક્તિ છે, જેના વડે વસ્તુનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય છે. અહીં જ્ઞાનનો અભાવ નથી. કારણ કે ગાઢ અંધકારમાં જ્ઞાનનો અભાવ હોય છે આથી ત્યાં કોઈ જ પ્રકારનું જ્ઞાન શક્ય નથી. આપણને ભ્રાંતિ શામાટે થાય છે ? જ્ઞાનનો અભાવ છે માટે નહી પરંતુ મંદ અંધકારમાં વસ્તુના સત્ય સ્વરૂપ પર અજ્ઞાન વડે આવરણ થવાથી ! ભ્રાંતિજન્ય જ્ઞાન છે ત્યાં જ્ઞાનનો અભાવ નથી, સાથે-સાથે વસ્તુનું યથાર્થ જ્ઞાન પણ નથી. અજ્ઞાન હોય ત્યાં વસ્તુના યથાર્થ જ્ઞાન માટે પ્રતિબંધ હોય છે. અહીં જ્ઞાન છે પરંતુ પ્રતિબંધ યુક્ત જ્ઞાન છે. દોરડું દેખાય છે અને નથી દેખાતું. અજ્ઞાનમાં સામાન્ય અંશની પ્રતીતિ છે પરંતુ વિશેષ અંંશની પ્રતીતિ નથી. સામાન્ય અંશ : ‘આ … છે’ એવું દેખાય છે પરંતુ વિશેષ અંશ એવા દોરડાની જગ્યાએ સર્પની ભ્રાંતિ થાય છે. દોરડું દોરડા રૂપે ન દેખાય ત્યાં ભ્રાંતિ અવશ્યંભાવિ (Definite) છે. દોરડું તો ન જ દેખાય, અન્ય કોઈ સ્વરૂપે એ દેખાય છે. અજ્ઞાન યથાર્થ જ્ઞાનને અવરોધે છે. અજ્ઞાનના બે કાર્ય છે : (1) આવરણ અને (2) વિક્ષેપ. અજ્ઞાન સત્ય પર આવરણ કરે છે અને જે નથી એનો આભાસ કરાવીને વિક્ષેપનું કાર્ય કરે છે. દા.ત. સર્પ-રજ્જૂ ન્યાય. રજ્જૂ એટલે દોરડું. મંદ અંધકારમાં જમીન પર પડેલું દોરડું સર્પરૂપે ભાસે છે. અજ્ઞાન દોરડા પર આવરણ કરે છે અને સર્પરૂપે આભાસ કરાવે છે.

જીવનમાં સદગુણ લાવીએ અને દુર્ગુણ હટાવીએ. જીવનમાં વ્યસનો હોવા એ જીવનમાં અંધકાર છે, દુર્ગુણ છે, અજ્ઞાન છે એની નિશાની છે. દુર્ગુણ દુર કરવા સદગુણ લાવવાની જરુર છે. અંધકાર હટાવવા પ્રકાશ પાથરવાની આવશ્યકતા છે. અજ્ઞાનના નાશ માટે જ્ઞાનપ્રાપ્તિ અનિવાર્ય છે તેમ વ્યસનો દુર કરવા મનને સારી વાતોનું વ્યસન લગાડવું જરુરી છે. અભ્યાસનું, સદવાચનનું, સત્સંગનું વ્યસન મનને લાગે તો આપોઆપ ખરાબ વ્યસનો ચાલ્યા જાય છે. મનને કંઈક ને કંઈક વાતો પકડીને બેસવાની ટેવ હોય છે. મનને સારી વાતો પકડવાની ટેવ પાડીએ એટલે એની મેળે જ મન ખોટી વાતોને પડતી મુકે. આમ વ્યસનમુક્તિ થાય છે.

મન કોઈ વાતને પકડે, તેનું ધ્યાન ધરે એટલે તે વાત જીવનમાં આવી જાય. આપણે કોઈના જીવનમાં ખોટી વાતો જોઈએ અને તેને દુર કરવાની ઈચ્છા કરીએ તો તેના માટેનો ખરો મનોવૈજ્ઞાનિક પ્રયત્ન એ છે કે એ વ્યક્તિનું મન સારી વાતો પકડે તે માટેનું વાતાવરણ તેની આસપાસ ઉભું કરવું અથવા સારા વાતાવરણમાં એ વ્યક્તિને મુકવો જેથી તે વ્યક્તિના મનનું ધ્યાન ખોટી પકડી બેઠેલી બાબતો પરથી હટાવી શકાશે, તેની અવગણના શક્ય બનશે અને એ રીતે ખોટી વાતો એના જીવનમાંથી દુર થશે. આ સિદ્ધાંતને ધ્યાનમાં લઈને જ આપણા પૂર્વજોએ આપણને સમજાવ્યું કે કોઈની નિંદા કરો નહિ. જેની આપણે નિંદા કરીએ છીએ તે વ્યક્તિની હાજરીમાં નિંદા થતી હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં રહેલી ખોટી બાબતોથી સભાન બનશે. સાથે-સાથે પોતાના સિવાય અન્ય વ્યક્તિઓ પણ પોતાની ખોટી બાબતો વિશે જાણે છે એ બાબતથી પણ એ વ્યક્તિ સભાન બનશે. જાહેરમાં અન્ય વ્યક્તિઓ સમક્ષ પોતાના દુર્ગુણો કબુલ કરવાની, તેને દુર કરવા પોતે તૈયાર હોવાની વાત કહેવાની હિંમત પ્રત્યેક વ્યક્તિમાં હોતી નથી. એ જ રીતે તેની ખરાબ વાતો પ્રત્યે શરમ ઉભી કરવાનું કાર્ય નિંદા કરવાથી શક્ય બનતું નથી. ઉલટાનું જાહેરમાં નિંદા કરવાથી વ્યક્તિ પોતાના દુર્ગુણોને યેનકેન પ્રકારેણ યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરે છે(JUSTIFICATION). આથી નિંદા યોગ્ય નથી.

વળી, કોઈ વ્યક્તિની ગેરહાજરીમાં તેની નિંદા કરીએ છીએ ત્યારે નિંદા કરનારનું મન એ ખોટી વાતોને પકડી બેસીને એનું જ ચિંતન કરે છે તેથી એ ખોટી બાબતો નિંદા કરનારના જીવનમાં ન ખબર પડતાં આવી જાય છે. આથી નિંદા સર્વ પ્રકારે અયોગ્ય છે. સામી વ્યક્તિમાં રહેલી નાનામા નાની સારી વાતની પ્રશંસા જાહેરમાં કરવામાં આવે તો તે વ્યક્તિનું ધ્યાન પોતાનામાં રહેલી સારી વાતો પ્રત્યે દોરાશે, તેથી તેનું ચિંતન તે વ્યક્તિ દ્વારા શરુ થશે. પરિણામે તે સારી વાત તેના જીવનમાં પ્રકાશીત થશે(HIGHLIGHT), જેના અજવાળામાં ખરાબ બાબતો દુર ચાલી જશે.

ખ્રિસ્તી ધર્મ કહે છે કે આ જગતમાં બે તત્વો છે: (1)ઈશ્વર અને (2)શૈતાન(GOD & EVIL OR DEVIL). ઈશ્વર જ્ઞાનનો, પ્રકાશનો, સદગુણનો દેવ છે. જ્યારે શૈતાન અજ્ઞાનનો, અંધકારનો અને દુર્ગુણનો અધિપતિ છે. ઈશ્વર અને શૈતાનની લડાઈ જગતમાં ચાલ્યા કરે છે. જેમાં માણસે ઈશ્વરનો પક્ષ લઈને જીવવાનું છે. જ્યારે વૈદિક ધર્મ અનુસાર જગતમાં કોઈ અનિષ્ટ તત્વ નથી. આ જગતમાં માત્ર ઈશ્વરનું જ શાસન ચાલે છે અને તેના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા પ્રયત્નવાદની અનિવાર્યતા છે. કર્તવ્યપરાયણ થઈએ એટલે ઈશ્વરની પ્રાપ્તિ થાય જ છે. આપણને ગેરમાર્ગે દોરનારું, ભ્રમિત કરનારું કોઈ અનિષ્ટ તત્વ આ સૃષ્ટિમાં પ્રયત્નશીલ છે જ નહિ. અંધકાર, અજ્ઞાન કે દુર્ગુણોનું અસ્તિત્વ છે જ નહિ. પ્રયત્નવાદના અભાવમાં માણસ જ્ઞાનનો દીવડો પ્રગટાવવાનું ચુકી જાય છે તેથી તેના જીવનમાં અંધકાર, અજ્ઞાન વ્યાપેલા દેખાય છે.

ખ્રિસ્તી ધર્મ માને છે તેમ જગતમાં ધરતીકંપ, જ્વાળામુખી, વાવાઝોડા, દુ:કાળ, અતિવૃષ્ટિના પૂર, રોગચાળો વગેરે કોઈ શૈતાનની ઈચ્છાથી થનારી ઘટનાઓ નથી. શૈતાન યુદ્ધો કરાવતો નથી. ભૌતિક અનિષ્ટ અને નૈતિક અનિષ્ટ એ માનવની ઈશ્વરપદ પ્રાપ્ત કરવા સુધીની અનંત જન્મો સુધી ચાલનારી જીવનયાત્રામાં આવનારી અનેક ચડતી-પડતીનું પરિણામ છે. માનવ કુદરત સાથે સાનુકૂલન સાધી શકતો નથી, તેની સાથે સંઘર્ષમાં ઉતરે છે વળી કુદરત જેવી અતિ સામર્થ્યશાળી શક્તિ પર આધિપત્ય જમાવવાની વ્યર્થ ચેષ્ટા કરે છે અને પોતાના ભોગો માટે કુદરતનું વિવેકહીન થઈને શોષણ કરે છે તેના પરિણામે જગતમાં ભૌતિક અનિષ્ટો જોવા મળે છે. માનવ જ્યારે ઈશ્વરનું અસ્તિત્વ નકારે છે અને સૃષ્ટિમાં રહેલા અન્ય જીવનું શોષણ કરે છે ત્યારે નૈતિક અનિષ્ટ ઉદ્ભવે છે. આ બન્ને અનિષ્ટો જ્ઞાનપ્રકાશના અભાવમાં જણાય છે. પરંતુ આ અનિષ્ટોનો કોઈ સર્જક એવો શૈતાન છે અને ઈશ્વરની સત્તાને તે પડકારે છે, ઈશ્વરને ખતમ કરવા પ્રયત્નશીલ છે એમ માનવું અયોગ્ય છે. આથી આપણે ઈશ્વરના પ્રેમાળ રાજ્યમાં રહીને ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરીએ, ઈશ્વરને ઓળખીએ, તેની સૃષ્ટિને જાણીએ, તેને પણ પ્રેમ કરીએ અને જ્ઞાનપ્રકાશની ઉપાસના કરી અજ્ઞાન-અંધકારને દુર કરીએ. ઈશ્વર આપણને સહાય કરે એ જ પ્રાર્થના!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: