વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચક ભાઈઓ અને બહેનો,

ખ્રિસ્તના શરૂ થતા નવા વર્ષ 2012થી કલ્પેશસોની.વર્ડપ્રેસ.કોમ બ્લોગ પર હવે માત્ર સોમવારને બદલે સપ્તાહમાં બે વખત: દર સોમવારે તેમજ દર ગુરુવારે લેખો પ્રકાશીત થશે. આથી હવે આપ સપ્તાહમાં બે લેખના વાચનનો લાભ લઈ શકશો.

લેખક અને એડમિનિસ્ટ્રેટર 

(1)”લગ્ન” શબ્દના અર્થમાં જ “પોતાની સ્વતંત્ર ઓળખ મિટાવીને સંયુક્ત ઓળખ ઊભી કરવી” એ બાબતસમાયેલી છે. સંતાન એ સંયુક્ત ઓળખની નિશાની છે. જેને પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરવાની તમન્ના છે એણે લગ્ન ન કરવા અને જેને પ્રેમ કરવાનો સમય ના હોય એવા દુર્ભાગી સંતાનો તો પેદા ના જ કરવા.

(2)ગર્ભપરીક્ષણના વિરોધમાં ગર્ભમાં રહેલી દિકરી એક લાગણીભરી દલીલ કરતા કહે છે, “મમ્મી, પપ્પા, હું જીવન માંગું છું. મારે તમારી સાથે રમવું છે.” શું, ગર્ભપરીક્ષણ કરાવ્યા વિના એબોર્શન કરાવનારાને આ દલીલ લાગુ પડતી નથી ? પરીક્ષણ વિનાની ભૃણહત્યા પણ શા માટે ?

(3)કામ = મેળવવાની ઈચ્છા
ક્રોધ = ન મળે તો ગુસ્સો
લોભ = મળે તો વધુ મેળવવાની ઈચ્છા
મોહ = મળેલું સાચવી રાખવાની ઈચ્છા
મદ = “મારી પાસે આટલું બધું છે” એવો અહંકાર
મત્સર = “કોઈ પાસે વધુ છે” તેથી એનો તિરસ્કાર

(4)શિકાર મેળવવા સિંહે દોડવું પડે છે અને અજગરે એક જગ્યાએ પડી રહેવું પડે છે. સૂતેલા સિંહના મુખમાં ભલે હરણ ઘુસી જતું નથી પરંતુ અજગરના મુખમાં જરૂર જાય છે. મહેનત કરવાથી નહિ પરંતુ પોતાની પ્રકૃતિ અનુસાર વર્તવાથી ફળ પ્રાપ્ત થાય છે.

(5)બે જણા વાત કરતા હોય ત્યારે અચાનક ત્રીજો માણસ આવી ચડે, તો બોલવાનું શરૂ કરતાં પહેલાં એ થોડી રાહ જુએ એવું બન્ને દ્વારા અપેક્ષિત છે. પરંતુ બન્નેમાંથી કોઈનો ફોન આવે તો વાત અટકાવીને ફોન કરનાર ત્રીજાની વાતને તરત સાંભળવામાં આવે એને જ કહેવાય: માણસને માણસ કરતાં સાધનનો વધુ ક્રેઝ છે.

(6)કોઈને ત્યાં જઈને નાના-નાના કામ કરી આપનારો સામાન્ય માણસ રૂબરૂમાં એને નૂતન વર્ષના અભિનંદન પાઠવે એના કરતાં કશાય કામમાં ન આવનારા શ્રીમંતે ધંધાની જાહેરાત અર્થે મોકલેલું મોંઘુ દિવાળીકાર્ડ એને વધુ કિમતી લાગે છે. પછી દુ:ખી થઈને એ કહે છે, “હું એકલો પડી ગયો છું.”

(7)શહેરની કોલેજો એડમિશન આપે છે એ બધાં યુવાઓ કેમ્પસમાં ફરવાની સાથે-સાથે વર્ગમાં હાજરી આપવાનું શરૂ કરે તો કોલેજોએ અનેક નવા બિલ્ડિંગો બાંધવા પડે. બેસતા વર્ષે શહેરના રસ્તાઓ પરનો ટ્રાફીક જોતાં લાગે છે કે ખાસ પ્રસંગ સિવાય લોકો એકબીજાના ઘરે જતા હોય તો અનેક ઓવરબ્રીજ બાંધવાની જરૂર પડે.

(8)પાણી ભરેલા વાસણમાં તેલનું ટીપું પડતાં જ એ પાણીની સપાટી પર ફેલાઈ જાય છે એમ વિષયપ્રવેશ કરતાં જ વિષયને વ્યાપક રીતે ગ્રહણ કરે તેવી બુદ્ધિ એટલે તૈલ બુદ્ધિ.

(9)તહેવારોમાં સાવ ફાલતુ હોટેલોમાં પણ વેઈટિંગ, પર્યટનસ્થળોએ રૂપીયા વહાવવા છતાં ન્હાવા-સૂવાની પાયાની સગવડ પણ ન મળે, ઘણાં તો ટ્રાવેલિંગની હાડમારી પણ ભોગવે. કારણ માત્ર એટલું જ કે કોઈને ઈમ્પ્રેસ કરવા ગર્વભેર કહી શકાય ને, કે “રજાઓમાં અમે ફરવા ગયા !” દેખાદેખી ને પોતાની શ્રીમંતાઈને બીજાનો સિક્કો મરાવવા આટલી બધી માનસિક ગુલામી ! ! !

(10)તહેવારોમાં બહાર જમવાનો ધખારો રાખનારા થર્ડ ક્લાસ રેસ્ટોરંટની બહાર અડધો કલાક લાઈનમાં ઊભા રહી વારેવારે અંદર નજર નાંખતા રહે, કે “પેલો કેટલે આયો? એણે ભાત લીધા કે નહિ?” જમવા બેઠેલો પાંચમી રોટલી માંગે એટલે વેઈટર નિર્લેપભાવે સામું જોયા કરે. જમનારે ભૂલથી બહાર નજર કરી તો લાચાર ચહેરાઓ એને બહાર નીકળવાની વિનંતી કરતા જોવા મળે !

(11)કોઈ સ્ત્રીની પાછળ-પાછળ એનો પોતાનો કે પરાયો પુરુષ ચાલી રહ્યો હોય તો એ સ્ત્રી ડર, સંકોચ કે અણગમો અનુભવે છે. એને ઓવરટેક કરીને પુરુષ આગળ નીકળી જાય તો એ સ્ત્રીને રાહત થાય છે. સ્ત્રી નેતૃત્વનો નહિ પણ અનુકરણનો જ ગુણ ધરાવે છે. અપવાદ હોઈ શકે.

(12)અણીદાર ધાર વાળા “કુશ” નામના ઘાસને ચુંટતી વખતે ધ્યાન ન રખાય તો એ હથેળીમાં ઘુસીને લોહી કાઢે છે. કોઈ પણ વિષયમાં પ્રવેશીને એને આરપાર ભેદીને એના સમગ્ર ઉંડાણને માપી-સમજી લે એવી બુદ્ધિ એટલે કુશાગ્ર બુદ્ધિ.

(13)પ્રશ્નો કરવાથી નહિ પરંતુ કોઈ પણ બાબત પર શાંતિથી વિચાર કરવાથી સમજણ કેળવાય છે.

(14)માણસને રૂપીયા કે ચીજ-વસ્તુથી મળતા આનંદના જથ્થાનો આધાર એના LIVING STANDARD પર છે. 1000 રૂપીયા કમાતી વ્યક્તિને વધારાના 100 રૂપીયા મળવાથી જે આનંદ મળી જાય છે એટલો આનંદ મેળવવા લાખ રૂપીયા કમાતી વ્યક્તિએ દસ હજાર રૂપીયા વધારે કમાવા પડે છે.

(15)જથ્થામાં વધઘટ થતાં સદગુણ ડગમગે છે. જે સહજતાથી રસ્તા પર પડેલી સો રૂપીયાની નોટ તરફ જોવાય છે એ જ સહજતાથી લાખ રૂપીયા ભરેલી બેગ તરફ જોઈ શકાય ખરું? નાની ખોટથી મનની શાંતિ જળવાય છે, મોટી ખોટ થાય તો? પોતાના માણસની નાની-નાની અને થોડી-ઘણી ભૂલો સહન થાય છે, પણ જો એ મોટી કે ઘણી બધી ભૂલો કરે તો?

(16)સમાજના કેટલાય વર્ગોને આપણે પછાત ગણ્યા. સફાઈ કામદાર, આદિવાસી, વનવાસી, ગિરિવાસી, ગુફાવાસીને આપણાથી દૂર રાખ્યા. ભાઈબીજના પવિત્ર દિવસે તેઓને આપણા ભાઈ ગણીને એમની સાથે ભાવ-પ્રેમ વહેંચીએ. તેઓની અસ્મિતાને જગાડીએ કે જેથી “અનામત” છોડીને આપણી સાથે ખભેથી ખભો મિલાવીને જીવન જીવતા થાય.

(17)કામ કરવામાં જેને આનંદ આવે છે એ જ જીવનને માણી શકે છે કારણ કે કામ સતત કરતા રહેવાનું છે. કામની પસંદગી કરતી વખતે આ એક જ વાત મહત્વની છે. દિલથી કરેલું કામ એવું ખિલી ઉઠે છે કે દૂર-દૂર સુધી સહુને એની સુવાસ-સ્વાદ માણવા મળે છે. આથી કામ કરનારના તમામ પ્રશ્નો તો ઉકલી જ જાય છે પરંતુ આવો માણસ વનમાં કે ગુફામાં સંતાયો હોય તો ત્યાંથી પણ લોકો એને શોધી કાઢે છે. ભગવાન આ રીતે કામ કરે છે માટે તો આખી દુનિયા એની દિવાની છે.

(18)ધન એટલે લક્ષ્મી. લક્ષ્મી નારાયણની વફાદાર પત્ની છે. જે લોકો નારાયણના ભક્ત છે એને ત્યાં લક્ષ્મી સ્વયં જઈને રહે છે. ભગવાનને છોડીને જે લોકોએ ધન ભેગું કર્યું છે એને ત્યાં લક્ષ્મી નહિ પરંતુ અ-લક્ષ્મીનો વાસ છે. એવા લોકોને ત્યાં ચિંતા, કજીયા, કંકાસ જોવા મળે. તેઓને સુખ, શાંતિ, પ્રસન્નતા કેવી રીતે મળે?

(19)પરિસ્થિતિ મોટી કે હું મોટો? માણસને પરિસ્થિતિ પર સવાર થતાં આવડવું જોઈએ. મોટા ભાગના લોકો ફરિયાદ કરતાં કરતાં પરિસ્થિતિ પાછળ ઘસડાયા કરતા હોય છે. “પરિસ્થિતિ સારી ન હતી એટલે માણસ બગડ્યો” – એમ કહેવામાં માણસને મળેલી સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને કર્તૃત્વશક્તિનું અપમાન થાય છે.

(20)ઈચ્છા અને પૂરી કરવાની ક્ષમતામાં તફાવત છે. ક્ષમતા વધારવી કે ઈચ્છા ઘટાડવી? બન્ને વચ્ચે અગ્નિ-ઘીનો સંબંધ છે. પૂરી થતી જશે એમ એ અનેકગણી વધતી જશે. પરિણામનો ડર કે ઉગ્ર તપશ્ચર્યા (ઋષિમુનિઓ)થી પણ મન પર કાબૂ મેળવવો અશક્ય છે. ઈશ્વર પ્રત્યેની એકનિષ્ઠા જ આમાંથી ઉગારી શકે. માટે ઈશ્વરની જરૂર છે.

(21)તમે કંઈ નવું કરો એટલે . . . . .
(1)શરુઆતમાં અવગણના-ઉપેક્ષા થાય.
(2)પછી મશ્કરી-વિરોધ થાય.
(3)ત્યારબાદ સામાન્ય નોંધ લેવાય.
(4)હવે વખાણ શરુ થાય.
(5)અને છેલ્લે લોકો એને અપનાવે.
તમારા સાતત્યને સમાજ નમસ્કાર કરે છે, ચંચલતાને નહિ.

(22)શહેરની પ્રખ્યાત સ્કૂલનું દૃશ્ય: જે બાળકોએ ફી ભરી હોય એને જ રીઝલ્ટ મળવાનું હતું. ફી બાકી હોય એવા મા-બાપોની, ફી ભરવા માટે લાંબી લાઈન લાગી હતી. પિતાઓ ફોર વ્હીલર લઈને અને માતાઓ લેટેસ્ટ ટુ વ્હીલર લઈને આવ્યા હતા. ચહેરો અને પહેરવેશથી બધા ‘રોયલ’ હતા. પરંતુ હપ્તેથી હદબહાર વસાવેલી વસ્તુઓના કારણે તેઓના ચહેરા પર “બે કલાક” માટે લાચારી ઝલકતી હતી. અહો આશ્ચર્યમ !!!

(23)કાયદાથી માણસ સીધો ચાલે એ માણસાઈનું અપમાન છે. પશુમાં સમજણ નથી ને માણસમાં છે છતાં પશુ સીધા ને માણસ વાંકો ચાલે છે.

(24)અનેક અનિશ્ચિતતાઓને કારણે ભરપૂર ઉત્તેજનાઓ હોવા છતાં જેને નિરાંતે ખાતા-પીતા માણી શકાય એવી એક માત્ર રમત એટલે ક્રિકેટ, માટે એ લોકપ્રિય છે. બાકીની તમામ રમતો એટલી બધી ફાસ્ટ છે, કે એને માણવા બધું છોડીને એનામય બની જવું પડે.

(25)ગરીબ કોણ ? “ગરીબાઈ”ની કોઈ વ્યાખ્યા જ નથી. જેની પાસે દસ કાર છે એ હેલીકોપ્ટર વાળાને જોઈને પોતાને ગરીબ સમજે છે. રોટી-કપડા-મકાન પણ ન હોય એવો માણસ જો કોઈ આગળ લાચારી કરતો નથી તો એ ગરીબ નથી. આજે તો ભલભલાને ગરીબ ઠરાવવાની ફેશન થઈ ગઈ છે. જો કોઈ ગરીબ રહે જ નહિ તો રાજકારણીઓ પ્રચાર-એજન્ડામાં “અમે ગરીબી હટાવીશું” એવું લખે કઈ રીતે ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: