વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વેદવ્યાસ રચિત મહાભારત અને આદિકવિ વાલ્મિકી રચિત રામાયણ આ બન્ને ઐતિહાસિક ગ્રંથોનો અભ્યાસ આજે લગભગ બંધ છે. ભાગવતપુરાણ અને તુલસીદાસકૃત રામચરિતમાનસનું શ્રવણ સતત ચાલે છે. ભાગવત સપ્તાહ અને રામકથાના આયોજનો થાય છે, સમાજ એમાં જ ગળાડૂબ છે. પરંતુ આ બન્ને ગ્રંથો આપણો ઈતિહાસ નથી. એનો અર્થ એવો નથી કે ભાગવત અને રામચરિતમાનસ મહાનગ્રંથો નથી. પરંતુ આ બન્ને ગ્રંથોના આધારે વૈદિક સંસ્કૃતિના ઈતિહાસની ચર્ચા શક્ય નથી. કોઈપણ સમાજની અસ્મિતા તેના ગૌરવપૂર્ણ ઈતિહાસ પર આધારિત છે. વ્યક્તિ તેમજ સમાજે મહાન બનવું હશે તો તેનો દિવ્ય-ભવ્ય ઈતિહાસ અંગે જાણવું પડશે. તેના માટે ઐતિહાસિક ગ્રંથોનું અધ્યયન થવું અનિવાર્ય છે. તેજસ્વી ગ્રંથોના અધ્યયનથી માણસમાં તેજસ્વીતા આવે છે. આજે મહાભારત અને વાલ્મિકીકૃત રામાયણના વાચનના અભાવને કારણે કેટલીય બાબતો કે જેનો મહાભારત કે રામાયણમાં ઉલ્લેખ નથી જે બાબતો હકીકત નથી તેની ચર્ચા મહાભારત અને રામાયણની ગણીને કરવામાં આવે છે. વળી પશ્ચિમના વિદ્વાનો કે જેઓ વૈદિક સંસ્કૃતિના ગૌરવપૂર્ણ વારસાને ખલાસ કરવા તથા તેને હીન સાબિત કરવાનો સતત પ્રયત્ન કરતા રહ્યા છે, તેઓ રામાયણ અને મહાભારતનો ઝીણવટથી અભ્યાસ કરી રહ્યા છે અને એવા અટપટા પ્રશ્નો પૂછી રહ્યા છે જેનો જવાબ આપવો ભારતીય પંડીત માટે પણ મુંઝવણભર્યું બનતું જાય છે તો પછી સામાન્ય ભારતીય નાગરિકની તો વાત જ શી કરવી? પુસ્તકોમાં રંગબેરંગી સુંદર ચિત્રો દ્વારા રામાયણ-મહાભારતના પ્રસંગોની વિકૃત રજૂઆત કરીને લાખો નકલો વિશ્વભરમાં ફેલાઈ રહી છે, જે વાંચીને બુદ્ધિ સાથે જેને સંબંધ નથી એવા લોકો તરત જ સ્વીકારી લે એવા પ્રયત્નો પાશ્ચાત્યો તરફથી સતત થયા જ કરે છે.

જે બાબતોની ચર્ચા આપણે રામાયણ અને મહાભારતની બાબતો ગણીને કરતા રહ્યા છીએ અને વાસ્તવમાં એ બાબતોને રામાયણ અને મહાભારત સાથે કોઈ સંબંધ નથી તેની વાત કરીએ. કથાકારો કહે છે કે ‘સીતાજી કંઈ બોલ્યા નહિ એટલે રામાયણ થઈ અને દ્રૌપદી વધુ પડતું બોલી એટલે મહાભારત થયું. માટે સીતાએ બોલવાની અને દ્રૌપદીએ ચુપ રહેવાની જરુર હતી.’ ખરેખર તો સીતાજી જરુર જણાય ત્યાં બોલ્યા છે અને દ્રૌપદી કશુંય વાંધાજનક બોલી નથી. મહાભારત યુદ્ધનું મૂળ કારણ આજે દ્રૌપદી દ્વારા બોલાયેલા “આંધળાના છોકરા આંધળા” વાક્યને ગણવામાં આવે છે. ખરી રીતે મહાભારતમાં દ્રૌપદી આવું વાક્ય બોલી જ નથી. મહાભારતના યુદ્ધનું મૂળ દુર્યોધનની ઈર્ષ્યા છે. દ્રૌપદી કર્ણને ન મળતા અર્જુનને મળી ત્યારબાદ ધૃતરાષ્ટ્ર તરફથી પાંડવોને મળેલા ઈન્દ્રપ્રસ્થને મયદાનવે સ્વર્ગતુલ્ય બનાવ્યું. કૃષ્ણની સલાહથી યુધિષ્ઠીરે વિશ્વવિજેતા થઈને રાજસૂય યજ્ઞ કર્યો. કૃષ્ણએ દુર્યોધનને તેના ખજાનાનો અધ્યક્ષ બનાવ્યો. દુર્યોધન પાંડવોની કીર્તિ અને સંપત્તિને સહન કરી શક્યો નહિ. તેણે જુગાર રમીને પાંડવોને કંગાલ કર્યા. ત્યારબાદની વાતો આપણે સહુ જાણીએ છીએ. આમ મહાભારત યુદ્ધના મૂળમાં દ્રૌપદીનું કોઈ વાક્ય નહિ પરંતુ દુર્યોધનની ઈર્ષ્યા છે.

બીજું કૃષ્ણની પ્રેમિકા તરીકે રાધાનું પાત્ર ભાગવતમાં છે જેનો કોઈ ઉલ્લેખ મહાભારતમાં નથી. રા= રાસ અને ધા= ધસી જવું. આ અર્થમાં રાધા એટલે કૃષ્ણ સાથે રાસ રમનાર તમામ ગોકુળવાસીઓ. દ્રૌપદીના પાંચ પતિ અંગે પણ વ્યાપક ગેરસમજ છે. કુંતા કે જે વિદુષી નારી(વિદ્વાન સ્ત્રી) હતી તેને અબુધ ચીતરવામાં આવે છે. પાંચ પાંડવો દ્રૌપદીને લઈને ઘરે આવે છે. અને બંધ બારણાની પાછળ રહેલી માતાને કહે છે કે “જો મા, અમે શું લાવ્યા છીએ?” ત્યારે કુંતા કહે છે, કે “જે લાવ્યા હો એ સરખા ભાગે વહેંચી લો.” આથી મજબૂર થઈને દ્રૌપદીને પાંચેય પાંડવો સ્વીકારે છે. કેટલું બધું બોગસ છે આ! સાક્ષાત ધર્મરાજ એવા યુધિષ્ઠીર, શિવજી સાથે યુદ્ધ કરવાની હિંમત રાખનાર અર્જુન, અત્યંત બુદ્ધિશાળી એવા ભીમ : આ બધાં શું ઝુંપડપટ્ટીમાં જીવતા બાળકો હતા કે માતા પાસે જઈને હરખઘેલાં થઈને કોઈ વસ્તુ પકડી લાવ્યા હોય તેમ કહે, કે ‘જો મા, અમે શું લાવ્યા છીએ!’ દ્રૌપદી મોટા સામ્રાજ્યના રાજા એવા દ્રુપદની દીકરી હતી. વિશ્વના તમામ રાજાઓ સ્વયંવરમાં આવ્યા હતા. અર્જુનને વરમાળા પહેરાવતાં જ લડાઈ ફાટી નીકળી હતી. તમામ રાજાઓને પરાસ્ત કરીને વિશ્વસુંદરી દ્રૌપદીને લઈને પાંડવો ઘરે આવે – આ તમામ ઘટનાઓથી કુંતા શી રીતે અજાણ હોઈ શકે? માટે દ્રૌપદીના પાંચ પતિવાળી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ.

‘પતિ’ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે – ‘રક્ષક’. લગ્નની વય થતાં પિતા પોતાની પુત્રીને જેના હાથમાં સોંપે છે તે પુરુષ તે સ્ત્રીના રક્ષણની તેમજ ભરણપોષણની જવાબદારી ઉપાડે છે. આથી આ પુરુષ તે સ્ત્રીનો પતિ એટલે કે રક્ષક બને છે. આપણે ત્યાં ‘જેઠ’ શબ્દ પ્રચલિત છે જે મૂળ ‘જ્યેષ્ઠ’ શબ્દનું અપભ્રંશ થયેલું રૂપ છે. જ્યેષ્ઠ એટલે મોટા. પરંતુ મોટા શું? કોઈ સ્ત્રી એમ કહે, કે ‘છગનલાલ મારા જેઠ છે’ અર્થાત છગનલાલ મારા મોટા છે. પરંતુ મોટા શું છે? પટેલસમાજમાં આજે પણ પિતાના મોટા ભાઈને મોટા પપ્પા કહેવાનો રિવાજ છે. જો બાળક પિતાના મોટા ભાઈને મોટા પપ્પા કહે તો સ્ત્રી પતિના મોટા ભાઈને મોટા પતિ – મોટા રક્ષક કહી શકે. આ અર્થમાં ‘આ મારા જેઠ છે’ એમ કહેવાનો અર્થ આ મારા જેઠ પતિ છે’ એવો થાય. દ્રૌપદીના પાંચ પતિ એટલે દ્રૌપદીના પાંચ રક્ષક. સ્વયંવરમાં દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી ત્યારે જે લડાઈ ફાટી નીકળી તેમાં દ્રૌપદીની રક્ષા પાંચેય પાંડવોએ ભેગા મળીને કરી હતી. પાંચેય પાંડવોએ ભેગાં થઈને કૌરવાદિ દુ:શ્મનોને ખદેડી મુક્યા હતાં. આ અર્થમાં દ્રૌપદીના રક્ષકો પાંચેય પાંડવો હતાં. તેથી અને પાંચેય ભાઈઓની એકતા જળવાઈ રહે તે હેતુથી કૃષ્ણની તેમજ વેદવ્યાસની સલાહ પ્રમાણે પાંચેય પાંડવોએ દ્રૌપદીના પતિ થવાનું સ્વીકાર્યું હતું. આજનો ભારતીય સમાજ બૌદ્ધિક દૃષ્ટિએ એટલો પાંગળો છે કે છેલ્લા પાંચ હજાર વર્ષમાં કોઈ ભારતીય પતિ-પત્નીએ પોતાની દીકરીનું નામ દ્રૌપદી રાખ્યું નથી. એ જ રીતે મીરાએ સતિ થવાનું ન સ્વીકાર્યું તેથી છેલ્લા બસો વર્ષમાં રાજસ્થાનમાં કોઈએ પોતાની દીકરીનું નામ મીરા રાખ્યું નથી.

રામચરિતમાનસમાં તુલસીદાસજીએ લક્ષ્મણરેખાનો ઉલ્લેખ કર્યો છે તેવી કોઈ લક્ષ્મણરેખા વાલ્મિકી રામાયણમાં જોવા મળતી નથી. ખરેખર જે ઘટના બને છે તે કાંઈક આવી છે: મારીચ જ્યારે રામ દ્વારા મરાય છે ત્યારે કાવતરાના ભાગ રુપે તે રામના અવાજમાં ‘હે લક્ષ્મણ!’ ‘હે લક્ષ્મણ!’ એવા પોકારો પાડે છે. સીતા એ સાંભળે છે અને વ્યથિત થઈને રામની સહાય માટે લક્ષ્મણને જવાનો આગ્રહ કરે છે. લક્ષ્મણને રામનો આદેશ હોય છે કે સીતાને છોડીને ક્યાંય જવું નહિ. આથી લક્ષ્મણ સીતાનો આદેશ માનવાનો ઈંકાર કરે છે. સીતા ત્યારે અત્યંત વેધક દલીલ કરતા કહે છે, કે ‘પોતે લક્ષ્મણનો ઈરાદો જાણી ગઈ છે. રામ મરાય ત્યારબાદ લક્ષ્મણ સીતાને ભોગવી શકે એવો લક્ષ્મણનો બદઈરાદો પોતે બર નહિ આવવા દે. જો રામ મરશે તો સીતા આત્મઘાત કરશે.’ સીતાની આવી મર્મવેધક દલીલ થી વિહવળ થઈને, રામના આદેશનો ભંગ કરીને લક્ષ્મણ સીતાને છોડીને રામ પાસે જવા નીકળે છે. વાસ્તવમાં લક્ષ્મણે આ આક્ષેપથી ચલિત થવાને બદલે સ્થિર રહેવાનું હતું.

બીજી બાજુ રાવણ સાધુવેશે ભિક્ષા માંગવા આવે છે. સીતા દક્ષ છે. તેને બરાબર યાદ છે કે પોતે કયા કુળની પુત્રવધૂ છે. જે કુળમાં પોતે પરણીને આવી છે તેના ઘરેથી કોઈ ખાલી હાથે પરત ફર્યો નથી. આથી સીતા સાધુવેશધારી રાવણને પર્ણકુટીમાં બેસાડે છે. રામના રઘુકુળમાં રઘુરાજા જ્યારે સર્વદક્ષિણાદાન યજ્ઞ કરીને માટીના પાત્રમાં જમતા હોય છે ત્યારે વરતંતુનો શિષ્ય કૌત્સ ચૌદ કરોડ સોના મહોરો લેવા આવે છે. રઘુરાજા એવા સમયે પણ તેને ખાલી હાથે ન જવા દેતાં ચૌદ કરોડથી પણ વધુ સોનામહોરો લાવી આપે છે. પોતે આ કુળની પુત્રવધૂ છે એ વાત સીતાને બરાબર યાદ છે. પોતાના કોઈ ખોટા નિર્ણયથી શ્વસુરકુળની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એ બાબતમાં સીતા દક્ષ છે. જ્યારે ઘણાં કહે છે કે રાવણના બદઈરાદાની સીતાને જાણ નથી તેથી સીતાને રાવણ ઉપાડી ગયો.

પર્ણકુટીમાં સામસામે બેસીને રાવણ-સીતા વચ્ચે ચર્ચા પણ થયેલી છે. સાધુવેશ ત્યાગીને રાવણ સીતાને જણાવે છે કે પોતે સીતાનું હરણ કરવા આવ્યો છે. ત્યારે સીતા કહે છે કે “હું રામ સિવાય કોઈની પત્ની થઈશ નહિ.” સીતા જ્યારે કહે છે કે ‘રાવણ પૂનમનો ચંદ્ર છે જ્યારે રામ બીજનો ચંદ્ર છે’ ત્યારે રાવણ ફુલાઈ જાય છે. રાવણને સીતાના કહેવાનો અર્થ ખબર નથી. વાસ્તવમાં પૂનમના ચંદ્રને દિવસે-દિવસે ગુમાવવાનું આવે છે. આ અર્થમાં રાવણના નાશના દિવસો નજીક આવ્યા છે. જ્યારે સુદ બીજનો ચંદ્ર દિવસે-દિવસે પોતાની કળાઓ મેળવતો જાય છે. આથી રામના સિદ્ધિ તેમજ પ્રતિષ્ઠામાં હવે સતત વધારો થવાનો છે. આ બધી ચર્ચા રામાયણમાં છે. પરંતુ એ જાણવા માટે રામાયણ ખોલવાની જરુર છે. લક્ષ્મણરેખા હોત તો રાવણે કઈ રીતે પર્ણકુટીમાં પ્રવેશીને સીતા જોડે ચર્ચા કરી?

સીતાની અગ્નિપરીક્ષા શું છે? રાવણના વધ બાદ જ્યારે રામ સીતાને મળે છે ત્યારે સીતાને અનેક અપમાનજનક વચનો કહે છે. રામના મુખેથી અતિશય ક્રોધયુક્ત વચનો સાંભળ્યા બાદ તેમજ વાક-અગ્નિની જ્વાળાઓમાં શેકાયા બાદ પણ સીતાની ચિત્તની અવસ્થા શાંત રહી છે. સીતા રામ પ્રત્યે એટલા જ પ્રેમાળ રહ્યા છે. સીતાને પૂર્ણ શ્રદ્ધા છે કે રામનો પોતાના પ્રત્યેનો પ્રેમ અવિચલ છે. એક એવો પણ પ્રસંગ છે કે અયોધ્યાની એક વ્યક્તિની પત્ની અગાઉથી જણાવ્યા વિના એક રાત્રી ઘરની બહાર રહી તો તેને અપનાવવાનો ઈંકાર કરી દેતા એ વ્યક્તિએ કહ્યું કે પોતે રામ નથી કે સીતાને જેમ એને ઘરમાં પ્રવેશવા દે! વાલ્મિકી રામાયણની દૃષ્ટિએ ખરું તો એ છે કે સમગ્ર અયોધ્યાના જન-જનમાં સીતા અંગે ચર્ચા થતી હતી. રાજા રામ રાણી સીતાનો ત્યાગ કરે એવી સમગ્ર અયોધ્યાની પ્રજાની માગણી હતી. માત્ર એક વ્યક્તિનો પ્રશ્ન ન હતો.

આના પરથી કહી શકાય કે રામાયણ કે મહાભારતના અભ્યાસ વિના એના વિશે કંઈ પણ કહેવું ભુલભરેલું છે.

Advertisements

Comments on: "રામાયણ-મહાભારત" (4)

 1. Sonal b soni said:

  Sachi vat chhe, koina vishe janya vagar aarop ke kai kahi shakay nahi.

 2. ROJE SARA VICHAR NI MANAS NE KHORAK NI JEM JARUR CHE.

 3. nice articale

  can you send articale every day ?

  nisha patel

 4. SUPERB ARTICALE

  THIS IS A VERY USE FUL EVERYWERE AND SUPPOSE YOU HAVE GOOD AUTHERO SO SEND EVERY SEND ARTICALE YOUR WEBSITE BECAUSE IT IS A IMPORATANT FOR OUR CULTURE AND SOCIETY ALSO.

  CHINMAY JOSHI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: