વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અગાઉ અવનવા પ્રસંગો – 1 લેખ આ સાઈટ પર પ્રકાશીત થઈ ચુક્યો છે, જે વાંચવા માટે તેના પર ક્લિક કરો.

કૂતરી-બિલાડી

ધો. 10 થી 12ના અભ્યાસ દરમિયાન અમે નવી નર્મદા યોજના વસાહતના કેટેગરી -3ના 20મા બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં હતાં. એક વાઘણ જેવી કૂતરી દરરોજ સવાર-સાંજ અમારે આંગણે આવતી. એને રોટલી ખવડાવવાનું મને ગમતું. એ ખૂબ શાંત હોવાથી મને બહુ ડાહી લાગતી. ઘરની રક્ષા કરવામાં એ ખૂબ પાવરધી હતી. ન જોઈતા વ્યક્તિ અને પ્રાણીને એ દૂર સુધી મૂકી આવતી. એક બિલાડી પણ અમારા આંગણે આવતી. હું એને પણ ખાવાનું આપતો. એક વાર બન્ને ભેગા થઈ ગયા એટલે સ્વભાવ પ્રમાણે કૂતરી બિલાડી તરફ ધસી. મેં મોટા અવાજે એને ખખડાવી એટલે એ અટકી ગઈ. બિલાડી પણ ડરીને ચાર પગે ઊંચી થઈને શરીરે વાંકી વળી ગઈ હતી અને તેના શરીરના બધા વાળ ઉભા થઈ ગયા હતા. કૂતરી પાછી વળી એટલે બિલાડી સ્વસ્થ થઈ ગઈ.

ફરી બન્ને જ્યારે ભેગા થઈ ગયાં ત્યારે કૂતરીએ બિલાડીની હાજરી સામે અણગમો બતાવતા મોઢામાંથી થોડાં સીસકારા(દબાયેલો અવાજ) કાઢ્યા. મેં એને ટપારી એટલે એ શાંત થઈ ગઈ. એની હાજરીમાં બિલાડી નિર્ભય રીતે હરતી-ફરતી થઈ ગઈ હતી. પછી તો હું કૂતરીની કસોટી પણ કરતો. એ આવીને ઊભી હોય, મારા હાથમાં રોટલી હોય છતાં હું તરત એને રોટલી આપું નહી. એટલામાં બિલાડી આવે તો તેને રોટલી આપી દઉં. કૂતરી એક બાજુ બેસી જાય અને બિલાડી શાંતિથી રોટલી ખાઈ શકતી. આવું દૃશ્ય ભજવાતું હોય ત્યારે કેટલીક વખત દરવાજો બંધ કરીને તેની તિરાડમાંથી કૂતરીના ચહેરા તરફ જોતો અને તપાસતો કે મારી ગેરહાજરીમાં તેના વર્તનમાં ફર્ક થાય છે કે નહિ. કૂતરી એમ જ શાંત બેસી રહેતી. પછી તો બિલાડીની હિંમત એટલી બધી વધી ગઈ કે કૂતરીને આપેલું ખાવાનું પણ તરાપ મારીને તે ખાઈ જવા લાગી. મને ખાતરી હતી કે કોઈ દબાણમાં આવીને નહિ પરંતુ સહજ રીતે કૂતરી બિલાડીનાં વર્તનને ચલાવી લેતી હતી. બિલાડી માણસથી નિર્ભય થઈ જાય તો એ માણસનાં શરીર સાથે ઘસાઈને વારંવાર ચાલ્યા કરે છે. મારી ઇચ્છા એવી હતી કે બિલાડીનો કૂતરી સાથે આવો સંબંધ થાય. પરંતુ અમે પછી અમારા પોતાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા એટલે આ પ્રયોગ અહીં અટકી ગયો.

નોંધ : કોઈ પશુ-પક્ષીને પાળવાના નામે તેના ગળામાં પટ્ટો નાંખીને કે તેને પીંજરામાં પૂરીને તેની સ્વતંત્રતા છીનવી લેવાના પક્ષમાં હું નથી.

ધીરજની કસોટી

હું મારી બહેન સાથે અમારા મામાના ઘરેથી પરત આવવા બસમાં બેઠો. મારી બહેન બારી પાસે બેઠી હતી અને હું એની બાજુમાં બેઠો હતો. બસ ઉપડી. થોડી વાર થઈ અને મારી બહેનના ખોળામાં ખારીસિંગના ફોતરા પડ્યા. મેં જોયું કે તેની બરાબર પાછળની સીટ પર બેઠેલા એક ભાઈ ખારીસિંગનું પડીકું એક હાથે ખોળામાં રાખીને બીજા હાથે ખારીસિંગ ફાકી રહ્યા હતા. થોડી વાર થઈને ફરીથી કેટલાક ફોતરા પડ્યા. મેં વિચાર્યુ કે બસ આગળ દોડી રહી છે તેથી પવનથી ફોતરા પાછળ જવા જોઈએ. મેં બહેનને બારી બંધ કરવા કહ્યું. થોડી વાર થઈ હશે ત્યાં તેના ખોળામાં બે-ત્રણ દાણા પડ્યા. મેં ગુસ્સામાં પાછળ જોયું તો પેલા ભાઈ શાંતિથી સિંગ ફાકી રહ્યા હતાં.

તેઓને ખખડાવતા પહેલા છેલ્લી વાર મેં વિચાર કરી જોયો કે અન્ય કોઈ રીતે બહેનના ખોળામાં સિંગ પડી શકે કે કેમ? અચાનક મારી નજર ઉપર ગઈ. સામાન રાખવાની જગ્યાએ નાનકડું પડીકું પડ્યું હતું. ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થવાને કારણે પડીકાની દોરી ઢીલી થવાથી એમાંથી ક્યારેક ફોતરા તો ક્યારેક દાણા પડતા હતા. મેં એ પડીકાના માલિકની શોધ કરીને તે પડીકું તેઓની પાસે રાખવા જણાવ્યું જેથી તેઓના રૂપિયા વ્યર્થ ન જાય. મેં વિચાર્યુ કે કોઈના પર દોષારોપણ કરતા પહેલા ખૂબ જ ધીરજ રાખીને ઘટનાની તપાસ કરવી જરુરી બને છે.

…ને હું બચી ગયો

નારેશ્વર તીર્થના નર્મદા કિનારે હું નદીમાં નહાતો હતો. સાથીમિત્રો પણ પોતપોતાની રીતે સ્નાનનો આનંદ લઈ રહ્યા હતાં. મને એવો ખ્યાલ હતો કે નદીના પાણીમાં આડા પડીને શ્વાસ રોકીએ એટલે શરીર પાણીની સપાટી પર તર્યા કરે પણ પાણીમાં ડુબે નહિ. કમરભેર પાણીએ નદીમાં આડો પડીને હું શ્વાસ રોકતો તેથી શરીર સપાટી પર આવતું અને શ્વાસ લેતો એટલે પગના ભાગેથી શરીર પાણીમાં પડી જતું. વારંવાર આવી રમત કરીને હું શરીર અને નદીનાં પાણી વચ્ચેના સંબંધની કરામતનો આનંદ લઈ રહ્યો હતો. કિનારે વહેણ બિલકુલ હતું જ નહિ તેથી મેં નક્કી કર્યું કે વધુમાં વધુ કેટલો સમય શ્વાસ રોકી શકાય તે ચકાસવું. મને તરતા આવડતું ન હતું. શ્વાસ રોક્યો એટલે શરીર સપાટી પર તરવા લાગ્યું. વધુ સમય શ્વાસ રોકવાની ફાવટ હતી એટલે સપાટી પર પડ્યો રહ્યો. થોડી વારમાં શ્વાસ લીધો એટલે શરીર પગના ભાગેથી પાણીમાં ગયું. પરંતુ આ શું થયું? હું ચમક્યો, ગભરાયો. કમરભેર પાણી આગળથી ઘડિયાળના કાંટાની માફક શરીર ખસતું-ખસતું માથું ડુબી જાય એટલા પાણીના ઊંડાણમાં આવી ગયું હતું. મેં સ્વસ્થતા ધારણ કરી. પાણીના તળીયે બે પગ વડે દેડકાની જેમ ધક્કો મારીને સપાટી પર આવવાની સાથે-સાથે કિનારા તરફ ત્રાંસી દિશામાં જવા લાગ્યો. સપાટી પર આવીને મેં જોયું અને મને જણાયું કે મદદ માટે બુમો પાડીને શક્તિ વેડફવી વ્યર્થ ગણાશે. માટે કિનારા તરફ આવવાનો જે પ્રયત્ન છે એ ચાલુ રાખવાની જરુર છે. વારંવાર તળીયે ધક્કો મારતો મારતો કિનારે આવી ગયો. જો મે સ્વસ્થતા ગુમાવી હોત તો આ પ્રસંગ લખવા માટે હયાત ન હોત.

અમદાવાદી કન્ડકટર

આસ્ટોડીયાથી વાડજ જવા માટે હું સિટી બસના પાછલા દરવાજેથી ચઢ્યો ને બેસવાની જગ્યા ન હોવાથી નજીકની એક સીટ પાસે ઉભો રહ્યો. આગળથી કન્ડક્ટરભાઈ ઝડપથી પાછળ આવ્યા અને અન્ય મુસાફરોની સાથે મને કહેતા હોય એ રીતે બસમાં આગળ વધવાની સૂચના આપી. બે-ત્રણ વખત મને કહ્યું એટલે જે સીટ પાસે હું ઊભો હતો ત્યાં મેં જોયું. એક યુવાન બહેન ત્યાં બેઠી હતી. અમદાવાદ શહેરના કન્ડક્ટરભાઈઓ સ્ત્રીગૌરવ માટે જાગ્રત છે એવી મારી સમજ છે. તો હું પણ સજ્જન છું. શા માટે કન્ડક્ટર મને એ સીટથી ખસીને આગળ જવાનો આગ્રહ કરે છે? આમ વિચારીને હું ત્યાં જ ઊભો રહ્યો. આગ્રહ છોડીને કન્ડક્ટર આગળ ટિકીટ આપવા જતા રહ્યાં.

વાડજ ઉતરીને ચાંદખેડા જવા માટે બસ-સ્ટેન્ડ પાસે હું ઊભો રહ્યો. સહજ મારો હાથ ખીસામાં ગયો ને હું ચમક્યો. મારું પાકીટ ચોરાયું હતું ને મને બ્રહ્મ ! જ્ઞાન થયું. આસ્ટોડીયા સ્ટેન્ડથી, શા માટે એક શખ્સ જે બસ આવે તે “વાડજ જશે, ચડી જાવ” કહીને તેમાં ચઢી જવાનો મને આગ્રહ કરતો હતો? પાકીટચોર રોજ આખો દિવસ બસમાં ચઢ-ઉતર કરતા હોવાથી કન્ડક્ટર તેને ઓળખતા હોય પરંતુ કાંઈ કરી શકે નહિ. મુસાફરનું પાકીટ ચોરીને પાછલા દરવાજેથી ચાલુ બસે ઉતરી જવાનું ચોર માટે આસાન હોય છે તેથી કન્ડક્ટર, મુસાફરોને લુંટાતા બચાવવા તેઓને આગળ વધવાની સૂચના આપ્યા કરે. મારા પ્રત્યે સદ્દભાવનાથી પ્રેરાઈને મને લુંટાતો બચાવવા કન્ડક્ટરભાઈ મને આગળ વધવાનો આગ્રહ કરતા રહ્યા અને હું જુદો જ અર્થ લઈને ત્યાં ઊભો રહ્યો. છેવટે ‘જેવું મુસાફરનું ભાગ્ય’ એમ વિચારીને કન્ડક્ટર આગળ જતા રહ્યા ને જે બનવાનું હતું તે બનીને જ રહ્યું. મારું પાકીટ ચોરીને ચોર પાછલા દરવાજેથી ઉતરી ગયો.

જેવી દષ્ટિ તેવો હું

સવિતા, અમારા ઘરની કામવાળી બાઈ. સદાય હસતી. એને બોલીને અથવા ઘરના સ્ત્રી-સભ્યોને અડપલા કરીને વારે ઘડીએ તેમની સાથે મસ્તી કરવા જોઈએ. કોઈ વાર એ કામ પર ન આવી હોય તો હું સ્કૂટર પર એના ઘેર જઈને એને લઈ આવું. એક દિવસ એ કામ પર આવી અને ખૂબ હસવા લાગી. મેં એને હસવાનું કારણ પૂછ્યું તો જવાબ આપવાને બદલે એ વધુ જોરથી હસવા લાગી. પછી કહે, “કલ્પેશભાઈ, કાલે તમે મને લેવા આવ્યા તે જમાદારનો ડ્રેસ પહેરીને આવ્યા હોત તો બહુ મજા પડી જાત.” મેં પૂછ્યું, “કેમ?” તો કહે, “તમે સાદા કપડામાં આવો છો તો પણ તમને પોલીસવાળા સમજીને અમારા વાસ(રહેઠાણ)નો કલાલ(દારુ ગાળીને વેચનાર) એનો બસો-પાંચસો લીટર દારૂ ઢોળી નાંખીને માટલાં ફોડી નાંખે છે, તો જમાદારના ડ્રેસમાં આવો તો એ શું કરે?” મને થયું, મારી ભારેખમ કાયા ને ચહેરા પરની ગંભીરતા જોઈને કોઈને હું જમાદાર લાગું છું, તો મિલિટરીના યુવાનો મને સિનિયર સમજીને સલામ ઠોકે છે. ટ્રેન દ્વારા અપ-ડાઉન કરતો ત્યારે ચાલુ ટ્રેનમાં ક્યારેક બાથરૂમ તરફ જતો હોઉં તે વખતે ડબામાં ટિકીટ વગરના, એક જગ્યાએ બેસવાને બદલે આમ-તેમ ફર્યા કરતા મુસાફરો, ટ્રેન ધીમી હોય તો મને જોઈને ડબામાંથી કૂદી પડતા, અન્યથા મને સલામ ઠોકતા તો કોઈ “કેમ છો સાહેબ?” કહીને લાગવગ લગાવતા.

કૉલેજમાં તો વળી જુદી જ સ્થિતિ હતી. ટેમ્પરરી લેક્ચરર હોવા છતાં યુનિવર્સિટી-ઓફિસમાંથી અથવા બીજી કૉલેજમાંથી આવેલા માણસો સ્ટાફ-રુમમાં સીધા હું જ્યાં બેઠો હોઉં ત્યાં મને હેડ સમજીને મળવા આવી જતા. હું તેઓને મારી બાજુમાં બેઠેલા મારા હેડ પ્રો.દવેસાહેબને મળવાનું કહેતો. આ દૃશ્ય જોઈને હિન્દી વિભાગના હેડ પ્રો.ભટ્ટસાહેબ મોટેથી બોલતા, “સોનીસાહેબ હેડ લાગે છે અને દવેસાહેબને તેઓ ઢાંકી દે છે.” તે વખતે હું ગાંગો તેલી ને રાજા ભોજનું દૃષ્ટાંત મનોમન યાદ કરી લેતો.

એક વાર ભાલેજ નજીકના એક અંતરિયાળ ગામડાં તરફ ત્રણ કિલોમીટર પગે ચાલીને જતો હતો ત્યારે પગદંડીની બાજુમાં એક ઝુંપડીની બહાર ગરીબ માના ખોળામાં કોકડું વળીને બેઠેલો સૂકલકડી છોકરો મારા પસાર થવાની સાથે દબાતા અવાજે એની માને કહેતો હતો, “કેવડો મોટો રાખસ(રાક્ષસ) જાય છે!” મેં ધીરેથી માથું ઘુમાવીને એ છોકરાના ચહેરાના ભાવ વાંચવાની કોશિશ કરી હતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: