વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચકમિત્રો,

આગળ આપે સ્ત્રીશોષણ-1 લેખ વાંચ્યો. તેના અનુસંધાનમાં આ લેખ વાંચો.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . સ્વચ્છંદી નારી :

અર્થોપાર્જન માટે ઘરની બહાર નીકળેલી નારીનું માનસ આવું છે: ‘ઘરમાં પોતાની કાર્યક્ષમતાની કોઈને કિંમત નથી. પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ નથી. પરિવારના બંધનમાં જકડાઈ જવું ગુલામી છે. તેનાથી વ્યક્તિત્વવિકાસ રુંધાઈ જાય છે. પોતાની કારકીર્દિ પોતે ઘડી શકતી નથી. પોતે સમાજમાં માન-પ્રતિષ્ઠા મેળવી શકતી નથી.’ આ પ્રકારની માનસિકતામાં આપણે વ્યક્તિવાદનો ફુંફાડો જોઈ શકીએ છીએ. ‘સ્વતંત્રતા’ અને ‘સ્વચ્છંદતા’ વચ્ચે પાતળી ભેદરેખા છે. તેથી સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી થઈ શકાય છે. આધુનિક નારીમાં થોડે-ઘણે અંશે સ્વચ્છંદતા આવી ગઈ છે. વ્યક્તિત્વવિકાસના નામે ઘરની બહાર નીકળેલી નારીને વિકાસની કોઈ સ્પષ્ટ કલ્પના હોય એવું જણાતું નથી. પોતાના કયા કાર્યથી સમાજને પોતે એક ડગલું આગળ લઈ જશે એ બાબતમાં નારી ચિંતિત હોય એવું જણાતું નથી.

અમેરિકાનો નારીશોષણનો ઈતિહાસ:

ભારતીય નારી અર્થોપાર્જન માટે દિવસના છથી આઠ કલાક ફાળવે છે. મોટેભાગે તે મદદનીશ તરીકે કામ કરે છે. આથી તેણે અર્થોપાર્જન કરતી અમેરિકન સ્ત્રીએ અનુભવેલી સમસ્યાઓનો સામનો કર્યો જ નથી. અમેરિકન નારીએ જે-તે સંસ્થાની મુખ્ય વ્યક્તિ તરીકે, ધંધાકીય એકમોના મેનેજિંગ ડીરેક્ટર પદે રહીને ટોચના હોદ્દાઓ પર કામ કર્યું છે. મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યરત મહિલાના દિવસના કામકાજના કલાકો નિશ્ચિત હોઈ શકતા નથી. બીઝનેસ ટૂર, મહત્વની મીટિંગ્સ, મોટા કોંટ્રાક્ટ્સ કંપનીને મળે વગેરે કારણોસર સ્ત્રીને પાંચ-સાત કે દસ દિવસ સુધી ઘરની બહાર રાત્રીરોકાણ કરવું પડતું હોય છે. આવી સ્ત્રી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે પતિએ તેના બાળકના પિતા તરીકેની જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધી. એટલું જ નહિ તે પત્નીને તેના બાળક સાથે ઘરમાંથી નીકળી જવાની ફરજ પાડી. આવી સ્ત્રીએ પોતાનું આશ્રયસ્થાન તેમજ સુરક્ષિતતા ગુમાવી.

સૌથી મોટી કરુણતા એ હતી કે બાળક પોતાના મા-બાપના પ્રેમથી વંચિત બન્યું હતું. બાળક પિતાનો સંપર્ક ગુમાવી બેઠો અને ભયભીત તેમજ અર્થોપાર્જનમાં વ્યસ્ત હોવાથી પ્રેમ આપવાની જગ્યાએ પ્રેમની શોધમાં ભટકતી હોય એ ‘મા’નો પ્રેમ તો એ બાળકને ક્યાંથી મળવાનો? ઘણું ચાહતી હોવા છતાં આવી અસ્વસ્થ મા પોતાના બાળકને પ્રેમ આપી શકતી ન હતી. આ સ્ત્રીએ અન્ય પુરુષ દ્વારા થનારા જાતીય શોષણથી પોતાની જાતને બચાવવાની હતી. અમેરિકા જેવા ભૌતિકવાદી દેશમાં નારી હોવાથી એને કોઈ વિશેષ છૂટ અપાતી નથી. આથી કામકાજના કલાકોમાં રાહત મળવાનો તો કોઈ પ્રશ્ન જ હતો નહિ! બાળકને રાખવું ક્યાં? તાજા જન્મેલા બાળકને કોઈ અજાણ્યાના ભરોસે , અજાણી જગ્યાએ કેવી રીતે રાખી શકાય? આ સમસ્યા કોઈ એકની નહિ પરંતુ હજારો-લાખો કામકાજી મહિલાઓની હતી. પોતાના બાળકને એ ખભા પાછળ લટકતા પોટલામાં રાખતી. પોતાની શારિરીક તેમજ માનસિક જરુરિયાતો પૂરી કરવા એણે બીજો પતિ કર્યો. મા-બાપના પ્રેમથી વંચિત એવા બાળકો ભયંકર વિદ્રોહી, ગુનાખોર માનસ ધરાવતા તેમજ સમાજ પ્રત્યે તદ્દન બિનજવાબદાર હતા. તેઓ પણ સમસ્યાઓમાં વધારો કરતા રહ્યા. નવ-દસ વર્ષની છોકરીઓએ અકાળે પરિપક્વતા પ્રાપ્ત કરીને ગર્ભવતી બની. અમેરિકામાં આવેલા ‘હિપ્પીઈઝમ’ની પાછળ પણ આ જ કારણો છે. ભારતીય નારી બરાબર આ જ રસ્તે ચાલી રહી છે. ભવિષ્યમાં તેણે પણ આ જ તકલીફોનો સામનો કરવાનો છે. તેથી પોતાનો રસ્તો બદલવો હોય તો આજે તેની પાસે ઘણી તકો છે.

નારીશિક્ષણ:

આધુનિક શિક્ષણશાસ્ત્રીઓને કલ્પના જ નથી કે સ્ત્રીશિક્ષણ જુદું હોવું જોઈએ. પરિણામે વિશ્વમાં કોઈ ઠેકાણે સ્ત્રીને એ પ્રાપ્ત થતું નથી અને પોતાનું શોષણ અટકાવી શકતી નથી. LIFE IS A STRUGGLE માંથી પસાર થતાં સ્ત્રીને LIFE IS A GAME લાગવા માંડે તેવું સ્ત્રીશિક્ષણ એને મળવું જોઈએ. આને જ જીવનવિકાસ કહેવાય છે. કઠોર વાસ્તવિકતાઓ તેમજ ડગલે ને પગલે સંઘર્ષ છે. તેનાથી પલાયન(ESCAPISM) થવાને બદલે FACE TO FACE સામનો કરવાની હિંમત એ શિક્ષણથી આવે છે. સ્ત્રીનો આત્મવિશ્વાસ વધે છે. ઘરના સભ્યો સાથે હળીમળીને રહેતા એને આવડે છે તેમ એ સભ્યોનું શાસન કરવું પડે, કોઈને સીધાદોર કરવા પડે તો સરળતાથી કરી શકે એ માટે સક્ષમ બનાવે એ સાચું સ્ત્રીશિક્ષણ છે. રસોઈ, કપડાં, વાસણ, કચરા-પોતું એ સ્ત્રીશિક્ષણ નથી. એ તો માથે પડે એટલે કોઈને પણ આવડી જાય. એ ન આવડતું હોય એવી વ્યક્તિની કોઈ મોટી ખામી ગણી શકાય જ નહિ.

જે પરિવારમાં સ્ત્રી રહે છે એ લોકો દ્વારા પોતાનું શોષણ ન થવા દેવું ઉપરાંત સહુને પ્રિય થઈને રહી શકે એવું શિક્ષણ એને મળવું ઘટે. A+B અને A – B આવડી ગયું એટલે શિક્ષિત નથી થઈ જવાતું. સ્ત્રી-પુરુષમાં રહેલા શારિરીક, માનસિક તેમજ ગુણગત તફાવતો અને તેને આધારે તેઓની ભવિષ્યની સામાજિક ભુમિકા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને સ્ત્રીશિક્ષણ અપાવું જોઈએ. સ્ત્રીના હૃદયના ભાવોને ખીલવે, તેની કલ્પના સૃષ્ટિને વિકસાવે, સર્જનશક્તિને બહાર લાવે, નારી સાહિત્યનો આનંદ લેતી થાય એવું શિક્ષણ એને મળવું જરુરી છે. પ્રેમથી સહુને વશ કરી શકે, બધા સાથે સમરસ થઈ શકે, કઠોર માણસને પણ હૃદયભીનો કરી શકે એવી આવડતનો સમાવેશ સ્ત્રીશિક્ષણમાં થાય. વિચારશક્તિને વિકસાવીને દલીલ દ્વારા સામી વ્યક્તિને માનભંગ થયાની લાગણી થવા દીધા સિવાય એના ખોટા મતનું ખંડન કરી શકે, અહમનો મુદ્દો ઉભો ન થાય એ રીતે આત્મવિશ્વાસપૂર્વક પોતાનો સાચો મત રજૂ કરી શકે, વિરોધીના વિરોધનું કારણ પળવારમાં જાણી લઈ, તે કારણ દૂર કરી તેને પોતાની વાત માટે સંમત કરવો – આ બધું સ્ત્રીશિક્ષણથી શક્ય બને છે. જુના કાળની સ્ત્રી ઘરનાં સર્વ સભ્યોની હાજરીમાં પતિને ઉદ્દેશીને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના, તેની સામુ જોયા વિના, પતિને પ્રિય લાગે અને માત્ર પતિ જ તેનો અનુભવ લઈ શકે તે રીતે બોલી શકતી હતી.

સ્ત્રીશિક્ષણ સ્ત્રીને વિપરીત સંજોગોમાં મનની પ્રસન્નતા તેમજ બુદ્ધિની સ્થિરતા જાળવી રાખવાનું શીખવે છે. આઘાતોની અસરમાંથી મનને મુક્ત રાખીને, દુ:ખ તેમજ પીડાને અવગણીને જીવનનો આનંદ માણતા શીખવે છે, અરે દુ:ખને પણ તે માણી શકે છે. સ્ત્રીની અંદર SET થવાનો ગુણ નિ:સર્ગે રાખી દીધો છે પરંતુ સ્ત્રીશિક્ષણના અભાવે તે ગુણને તે ખીલવી શકી નથી તેથી વારેવારે તે UPSET થઈ જાય છે. SET થતા આવડતું નથી તેથી તે MATCH શોધે છે. જે પાત્ર જીવનસાથી તરીકે MATCH થતું લાગે તે પાત્ર સ્ત્રીને નાપસંદ કરે ત્યારે તેના જીવનમાં હતાશા-નિરાશા વ્યાપી જાય છે. ‘મળ્યો તે પતિ.’ તેને પોતાને યોગ્ય કેવી રીતે બનાવવો એ સ્ત્રીના હાથની વાત છે. ‘પતિવ્રતા’ શબ્દનો સાચો અર્થ જ આ છે. ‘પતિને વ્રત આપી શકે તે પતિવ્રતા.’ પતિને વ્રત લેવડાવીને એને પોતાને લાયક બનાવવાનો છે. ‘સમર્પણ’ સ્ત્રીના હૃદયની માંગ છે. સ્ત્રી એવું પાત્ર ઝંખે છે, જેને તે આદરપૂર્વક પોતાનું સર્વસ્વ અર્પણ કરી શકે. સ્ત્રી સામે ચાલીને કોઈ આદર્શ પુરુષને પોતાના પર શાસન કરવા આમંત્રણ આપવા માંગે છે. એવું આદર્શ પાત્ર સ્ત્રીને એના જીવનમાં ન મળે તેથી શું થયું? મળેલા ગેરલાયક પતિને સ્વશક્તિથી ને સ્વઆવડતથી એવા સ્થાને પહોંચાડવાનો છે જે સ્થાન પ્રત્યે તેને ગૌરવ છે. આ જગતમાં READY MADE તો કોઈને મળતું નથી. READY MADE અને સીવડાવેલા DRESS માં ફર્ક તો રહેવાનો જ ને !

સ્ત્રીશિક્ષણના અભાવમાં આજ દિન સુધી નારી ધણીના તાલે નાચતી રહી છે. પોતાને ધણીના ભોગનું સાધન માનીને દેહાત્મબુદ્ધિમાં રાચતી અને દેહને જ શણગારતી રહી છે. મન-બુદ્ધિને શણગારવાનો તો વિચાર સુદ્ધાં તેને આવ્યો નથી. આવી નારીનું શોષણ ન થાય તો જ નવાઈ ! સ્ત્રીશિક્ષણ સ્ત્રીને સમજાવે છે કે સ્ત્રીની સંમતિ વગર પુરુષે લીધેલા નિર્ણયનું અમલીકરણ શક્ય નથી. સ્ત્રીની સંમતિ પસંદગીયુક્ત હોવી જોઈએ, નહિ કે અસહાયતાથી. એ માટે સ્ત્રીમાં અડગ મનોબળ અને અતૂટ આત્મવિશ્વાસ હોવા જરુરી છે, જે સ્ત્રીશિક્ષણથી આવે છે. અલબત્ત સ્ત્રીને ખબર હોવી જોઈએ કે પોતાના મતને કિંમત ત્યારે જ આવે છે જ્યારે તે સ્ત્રીસહજ સ્વાર્થી તેમજ સંકુચિત દૃષ્ટિનો ત્યાગ કરીને અપાયો હોય !

જાહેરજીવન અને અર્થોપાર્જન

શું લગ્ન બાદ સ્ત્રીનું વિશ્વ ઘરની કે રસોડાની ચાર દિવાલો પૂરતું સીમિત છે? ના, એવું નથી. સ્ત્રીએ ઘરની બહાર નીકળીને પોતાનો વિકાસ કરવાનો છે પરંતુ પોતાની મુખ્ય જવાબદારીના ભોગે નહિ. બાળકને જન્મ આપી, આત્યંતિક પ્રેમપૂર્વક તેનો ઉછેર કરી તે સમજણું થાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખ્યા બાદ સ્ત્રી જાહેરજીવનને અપનાવી શકે છે. ‘સ્વ’ના વિકાસ માટે સ્ત્રી રાજકીય, સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરીને પોતાનું વ્યક્તિત્વ ઘડતર કરીને પોતાની આગવી ઓળખ કેળવી શકે છે. સ્ત્રીએ ધ્યાન માત્ર એટલું રાખવાનું છે, કે જે પરિવાર સાથે તે જોડાયેલી છે તેના પ્રત્યે તેની ફરજ પ્રથમ છે, ત્યારબાદ સમાજ છે. કારણ કે પરિવારમાં પણ તે સમાજ માટે જ સારા નાગરિકો તૈયાર કરી રહી છે. આર્થિક પ્રવૃત્તિ કરીને સ્ત્રી સ્વનિર્ભર થઈ શકે છે. સ્ત્રી માટે અર્થોપાર્જન એ આધુનિક છે જ નહિ. આપણી કૃષિ સંસ્કૃતિમાં સ્ત્રી યુગોથી ઉત્પાદનની પ્રવૃત્તિ કરે જ છે. સ્ત્રી ઘરે રહીને ગૃહઉદ્યોગ તેમજ લઘુઉદ્યોગ સ્થાપી શકે. જે પ્રવૃત્તિમાં રસ હોય એ માટેની સંસ્થાની સ્થાપના એ કરી શકે. આ રીતે જાહેરજીવનમાં તે નિ:સ્વાર્થભાવે પ્રવૃત્તિ કરી શકે અને કોઈ પુરુષના આધિપત્ય હેઠળ આવ્યા વિના સ્વતંત્ર રીતે અર્થોપાર્જન પણ કરી શકે. આ માટે તેને ઘરનાં સભ્યોનો સહકાર લઈ શકે.

આ રીતે આધુનિક સ્ત્રી પોતાનું શોષણ અટકાવીને જીવનને જીવવા લાયક તેમજ અન્ય માટે અનુકરણીય બનાવી શકે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: