વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સ્ત્રી અને પુરુષમાં નૈસર્ગિક રીતે શારિરીક, માનસિક તેમજ ગુણગત તફાવતો રહેલાં છે. જેના કારણે પરસ્પર આકર્ષણ રહે છે ઉપરાંત સ્ત્રી-પુરુષનો સંબંધ ઘનિષ્ઠ બને છે. સૃષ્ટિચક્ર ચાલ્યા કરે એ માટે આવશ્યક એવા નિ:સર્ગના નિયમને અનુસરીને (નિસર્ગને અનુકૂળ થવામાં માનવનું સુખ રહેલું છે – એવી સમજના કારણે) આપણે સ્ત્રી અને પુરુષના બાહ્ય દેખાવમાં પણ તફાવતો રાખી દીધા. જેમ કે સ્ત્રી વાળ વધારે અને એની સાર-સંભાળ લેવામાં ખુબ આનંદ આવતો હોવાથી શરીરને લગતી તમામ મનગમતી પ્રવૃત્તિઓ કરે. દેહને શણગારવાની ઈચ્છા હોવાથી એના માટે ઘરેણા બન્યા. મહેંદી ઉપરાંત અનેક જુદા-જુદા રંગોથી શરીર પર ચિત્રકામ કરી શકે એવી શોધ પણ થઈ. ઉપરાંત સ્ત્રીના પહેરવેશમાં વિવિધતા રાખી જેથી એમાં મગ્ન બનીને એ સારી રીતે સમય પસાર કરી શકે.

સ્ત્રી-પુરુષમાં રહેલા શારીરિક તફાવતો :

(1)પુરુષમાં સ્ત્રી કરતાં પશુશક્તિ (animal power) વધારે છે.
(2)સ્ત્રી ગર્ભધારણ કરે છે.
(3)વાણીગત તફાવત

માનસિક તફાવત (શરીર રચના પર આધારિત)

સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધનું પરિણામ સ્ત્રીમાં જોવા મળે છે. ગર્ભવતી બનીને નવ માસ સુધી બાળકને પોતાના ગર્ભમાં સાચવ્યા બાદ એ તેને જન્મ આપે છે. આ સમયે તેને અને તેના બાળકને રક્ષણ ઉપરાંત પોષણને માટે અન્યના સહકારની જરુર પડે છે. અહિં સુરક્ષિતતા સ્ત્રીની એકમેવ મુખ્ય માનસિક તેમજ શારિરીક માંગ છે. બાળક સાથેની ઘનિષ્ટતાને કારણે બાળકના જન્મ બાદ તેના ઉછેરની જવાબદારી સ્ત્રી સ્વીકારે એ યોગ્ય છે. સ્ત્રી પોતાના બાળકને સહજ પ્રેમ કરે છે, આથી તેના સર્વાંગી વિકાસને પોતાની મુખ્ય જવાબદારી ગણે એ જરુરી છે. રાષ્ટ્રના વિકાસ માટે તન-મનથી પુષ્ટ એવા ભાવિ નાગરિકો તૈયાર કરી આપનાર માનો ફાળો આ રીતે ઘણો અમુલ્ય ગણાય. પોતે સમાજમાં ફરે તો જ સામાજિક કાર્ય થાય એવું બિલકુલ નથી. આથી સ્વાભાવિક રીતે સ્ત્રીના ભાગે ઘરની જવાબદારી આવે છે અને પરિવારના ભરણપોષણ માટે અર્થોપાર્જનની જવાબદારી પુરુષના ભાગે આવે છે.

અહિં કુટુંબસંસ્થાનો જન્મ થાય છે. પતિ-પત્ની બનેલા સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોના ફળ સ્વરૂપ જન્મેલું બાળક વિજાતીય આકર્ષણનું શમન કરીને પતિ-પત્ની વચ્ચે પ્રેમનું સામ્રાજ્ય સર્જે છે. સંબંધો વધુ ગાઢ બને છે. ‘પતિ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ ‘રક્ષક’ એવો થાય છે. અહિં આપણને કાર્યક્ષેત્રનું વિભાજન થતું જોવા મળે છે, જે વ્યવસ્થાની દૃષ્ટિએ રાખી દીધેલો તફાવત છે. તેમાં ઉચ્ચાવચ્ચતાની ભાવના રાખવી એ ભૂલભરેલું છે. પ્રકૃતિ તરફથી સ્ત્રીને શારીરિક સુંદરતા તેમજ નજાકત મળી હોવાથી એનું રક્ષણ સરળતાથી થઈ શકે એ માટે પણ ઘર જ એના માટે સલામત સ્થળ છે.

અર્થોપાર્જન હેતુ વ્યાવસાયિક સંબંધોમાં સ્વાર્થ તેમજ અહમનો ટકરાવ થતો હોવાથી એવા સંબંધોમાં રુક્ષતા, કડવાશ તેમજ માનસિક ઘર્ષણ સામાન્ય રીતે રહેતા જ હોય છે. બાળઉછેરની મહત્વની જવાબદારી સ્વીકારનારી સ્ત્રી આ પ્રકારના ક્લેશોથી દૂર રહે એ ઈચ્છનીય છે તેથી તેને આર્થિક જવાબદારીથી દૂર રાખવામાં આવી હતી. વળી સ્ત્રીની પ્રકૃતિ ભોગવાદી હોવાથી તેને ધન કમાવા કરતા ખર્ચવામાં વધુ રસ હોવાનો ! આથી સ્ત્રી આર્થિક પ્રવૃત્તિ હેતુ જાહેરમાં નીકળે તો તે ધનની બચત નહિ પણ ધનનો વ્યય જ વધુ કરનારી હોવાથી એ પોતાનો વધુ સમય ઘરમાં વીતાવે એ યોગ્ય છે.

તફાવતમાં ભેદનો પ્રશ્ન કેવી રીતે ઊભો થાય છે?

પતિ-પત્નીના કાર્યક્ષેત્રમાં જે તફાવત તેઓના ગુણગત તફાવતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો તેનું સ્થાન ભેદે લઈ લીધું અર્થાત જવાબદારીના કાર્યક્ષેત્રમાં ઉચ્ચાવચ્ચતાની ભાવના જન્મી અને પુષ્ટ થઈ. આનું કારણ ભોગવાદ છે. ભોગવાદ એટલે ઈન્દ્રિયોને સુખ આપનાર તમામ પ્રકારના વિષયો ભોગવવા અને તેના માટે જ કૃતિ કરવી. અંગત ભૌતિક સ્વાર્થને પોષવાના હેતુથી જ અન્ય વ્યક્તિ કે વસ્તુ તરફ જોવું એ જ ભોગવાદ. ભોગવાદને ભડકાવનારું (પ્રબળ બનાવનારું) પરિબળ અર્થ-ધનસંપતિ છે. ભોગવાદી વિચારધારા પ્રચલિત બને છે ત્યારે અર્થોપાર્જનને વધુ મહત્વ મળે એ સ્વાભાવિક છે. અર્થોપાર્જનની જવાબદારી પુરુષ વર્ગે સંભાળી હતી તેથી પુરુષને મહત્વ મળવા લાગ્યું અને સ્ત્રીની ઉપેક્ષા (અવગણના) થવા લાગી.

એક નિર્વિવાદ સત્ય છે કે ભોગવાદ અને શોષણ સાથે-સાથે ચાલે છે. દા.ત. કોઈને કેરી ખાવાની ઈચ્છા થાય એટલે તે આંબાને પત્થર મારીને કેરીના સ્વાદને ભોગવે છે છે. આંબાને પથરો વાગે છે એ આંબાનું શોષણ છે. ભોગવાદ પ્રબળ બન્યો તેથી તેને પ્રબળ બનાવનારું તત્વ: અર્થ(ધનસંપત્તિ)નું મહત્વ વધ્યું. આથી આર્થિક પ્રવૃત્તિ મુખ્ય ગણાઈ જે પુરુષવર્ગે સંભાળી હતી. તેથી પુરુષનું મહત્વ વધ્યું. અર્થોપાર્જનની તુલનામાં બાળઉછેર તેમજ ઘરની સાર-સંભાળ નગણ્ય બની. સ્ત્રીને નિ:સર્ગે બક્ષેલી શક્તિનું મૂલ્ય ઘટ્યું અને માનવસર્જિત મૂલ્ય-અર્થનું મહત્વ વધ્યું.

અર્થને જ જ્યારે સર્વસ્વ ગણવામાં આવે છે ત્યારે સમાજમાંથી ગુણપૂજા ચાલી જાય છે. માણસ યેન-કેન પ્રકારે અર્થ પ્રાપ્તિ કરવાનો યત્ન કરે છે ત્યારે માનવનો વિકાસ અટકી જાય છે, માણસનું મૂલ્ય ઘટી જાય છે. આવો ભોગવાદી માણસ માત્ર સ્ત્રીનું જ શા માટે, પોતાના સ્વાર્થ માટે પ્રત્યેકનું શોષણ કરે છે. ભોગવાદી વિચારસરણી દૂર થાય તો જ સ્ત્રી શોષણ અટકે. પરંતુ આ કાર્ય કોઈ એક વ્યક્તિના ગજાનું નથી. તેના માટે આખો સમાજ જાગ્રત હોવો જરુરી છે. સ્ત્રીએ વિચાર્યું કે ભોગવાદી વિચારસરણીની અસરમાંથી પોતે મુક્ત રહી શકવાની નથી. અર્થોપાર્જનના અભાવમાં સ્ત્રીની કિંમત ઘટી હોવાથી બાળઉછેરની જવાબદારીના ભોગે સ્ત્રીએ અર્થોપાર્જનની જવાબદારી સ્વીકારી. (ભોગવાદી વિચારસરણી નાબૂદ ન થઈ શકે, પરંતુ સ્ત્રીને યોગ્ય સ્ત્રીશિક્ષણ મળ્યું હોય તો પોતાનું શોષણ જરુર અટકાવી શકે. આ મુદ્દાને ‘સ્ત્રીશોષણ-2’માં ચર્ચવામાં આવ્યો છે.)

સ્વનિર્ભર નારીનું શોષણ :

સ્ત્રીનું શોષણ ઘરમાં થયું, પોતાના જ માણસો દ્વારા થયું. યોગ્ય સ્ત્રીશિક્ષણના અભાવે સ્ત્રી પોતાનું શોષણ અટકાવી શકી નહિ. અર્થોપાર્જન માટે સ્ત્રી ઘરની બહાર નીકળી. પોતાના માણસો વચ્ચેથી નીકળીને એ પારકાની વચ્ચે બેસતી થઈ. સ્વજનોએ શોષણ કરવાનું બાકી ન રાખ્યું હોય તો પારકાં એને છોડે ખરાં? ઊલટાનું તેઓ વધુ શોષણ કરે, અને એવું જ થયું. ઘરમાં સ્ત્રીનું શારિરીક અને માનસિક શોષણ થયું, જ્યારે અર્થોપાર્જન કરતી સ્ત્રીનું જાતીય શોષણ થયું. એક પણ સ્ત્રી, જે આર્થિક પ્રવૃત્તિ કરે છે, જાતીય સતામણીથી બચી શકી નથી. હજારો વર્ષથી ઘરમાં સ્ત્રીનું શોષણ થયું ત્યારે આજે તે શોષણ અંગે વિચાર કરતી થઈ છે અને તેમાંથી નીકળવાનો રસ્તો શોધે છે. એવું જ જાતીય શોષણની બાબતમાં થશે. તેની વિરુદ્ધ બોલવામાં તે બીજા હજારો વર્ષ લેશે. ઘરમાં સ્ત્રીનું શોષણ કરનારા સ્વજનો છે, જેઓની સાથે સ્ત્રીને જીવનભર ચાલનારો આત્મીય સંબંધ છે. સહુ પરસ્પર હૃદયથી જોડાયેલા છે. આથી સ્વજનો દ્વારા થતાં શોષણને મર્યાદા હશે. જ્યારે માત્ર સ્વાર્થી સંબંધ જેની સાથે છે તેવા માણસો સ્ત્રીનું શોષણ કરવામાં કાંઈ બાકી રાખશે ખરાં? જાતીય શોષણ એ સ્ત્રીને શારીરિક અને માનસિક શોષણ કરતાં વધુ અપમાનજનક અને પીડાદાયક અનુભવ કરાવે છે.

અર્થોપાર્જન કરતી સ્ત્રીનું શોષણ ઘરમાં અટકી જાય છે એવું નથી. ઊલટાનું તેનું શોષણ વધી જાય છે. કારણ કે નારીને એકસાથે બે-બે મોરચે લડવાનું રહે છે. અર્થોપાર્જન કરતી થાય એટલે સ્ત્રી ગૃહકાર્યની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી. એટલું જ નહિ તેને ગૃહકાર્યમાં તેના પતિનો સહકાર પણ મળતો નથી. વળી, પતિ-પત્નીના કાર્યક્ષેત્રો સમાન હોવાથી બન્નેના અનુભવો પણ સરખાં જ રહેવાના! એકબીજા સાથે વહેંચી શકાય એવી વિવિધતા તેઓના અનુભવોમાં હોતી નથી તેથી પરસ્પર સંવાદનો ઉમળકો પણ હોતો નથી. બન્ને કમાય છે તેથી અહમના પ્રશ્નો તો રહે જ છે. નારીએ બાળઉછેરની જવાબદારી છોડી હોવાથી બાળકની હાલત વિશે વિચારતા કંપારી છુટી જાય છે. કાળજાનો કટકાને છોડીને જતાં કોમળ હૃદય વાળી નારીની શું હાલત થતી હશે? સ્ત્રીશિક્ષણ મળ્યું હોય તો નારી આર્થિક પ્રવૃત્તિ કર્યા વગર પોતાનું શોષણ અટકાવી શકે છે. જ્યારે સ્ત્રીશિક્ષણના અભાવમાં અર્થોપાર્જન કરતી મહિલા પણ પોતાનું શોષણ અટકાવી શકતી નથી.

નારીસૌંદર્ય

નારી પાસે સૌંદર્ય છે, જેને ભોગદૃષ્ટિથી બચાવવાનું છે. સૌંદર્ય પૂજનીય બનવું જોઈએ. સૌંદર્યપૂજાનું આપણે સામાજિકીકરણ કરી શકતા નથી. સમાજમાં જ્યારે સૌંદર્ય અનાવરિત થાય છે ત્યારે તેના તરફ ભોગદૃષ્ટિથી જોવામાં આવે છે. એમાંય સૌંદર્ય જ્યારે સ્વાર્થ સાધવા જાહેરમાં આવે છે ત્યારે તેનું શોષણ ન થાય એ અશક્ય બાબત છે. સૌંદર્ય પવિત્ર જગ્યાએ (ભગવાનના મંદિરે) ખુલ્લું થાય કારણ કે ત્યાં આવનાર પ્રત્યેક માણસ ભોગદૃષ્ટિનો ક્ષણિક ત્યાગ કરીને જ આવશે એવી ભાવના રાખવામાં આવે છે.

સ્ત્રી અર્થોપાર્જન કરે છે તેમાં સ્ત્રીના ખરા મૂલ્યનું અપમાન થાય છે. સમાજમાં આજે કોઈ સ્વીકરવા તૈયાર જ નથી કે સ્ત્રીને મન-બુદ્ધિ છે. સ્ત્રીના દેહસૌંદર્યને કારણે જ સ્ત્રી અર્થોપાર્જન કરે છે. આ કડવી લાગે છતાં સત્ય વાત છે. અર્થોપાર્જન માટે સ્ત્રીને મળેલો હોદ્દો ગમે તેટલો મહત્વનો હોય પરંતુ તેની પાછળ તેની અન્ય લાયકાત કરતાં તેનું દેહસૌંદર્ય વધુ જવાબદાર હોય છે. સ્ત્રીએ આ વાત બરાબર સમજી લેવાની જરુર છે. અને પોતાનું સ્વમાન જળવાય તે જોવાની જરુર છે.

આવતા સોમવારે દિનાંક: 05-12-2011ના રોજ “સ્ત્રીશોષણ-2” લેખ પ્રકાશીત થશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: