વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આપણે મંદિર શા માટે જઈએ છીએ? ભગવાનનાં દર્શન કરવા. આપણાથી મોટા માણસને મળવા જવાનું થાય ત્યારે આપણે કહીએ છીએ કે અમુક માણસનાં દર્શન કરવા જવાનું છે. ભગવાન આપણાથી મોટા છે તેથી તેમના દર્શન કરવા જવાનો અર્થ એ કે આપણે તેઓને મળવા જઈએ છીએ. કોઈ એમ કહે કે ભગવાનનું ધ્યાન ધરવા મંદિરે જઈએ છીએ તો એ વાત ખોટી છે. જાહેરમાં ભગવાનનું ધ્યાન આપણા જેવા સાધકથી ન થઈ શકે. ભગવાનનું ધ્યાન એકાંતમાં નિરવ સ્થળે થાય. મંદિરનું વાતાવરણ નિરવ હોવું જોઈએ, હોય છે. પરંતુ ત્યાં એકાંત હોતું નથી. માટે ખરેખર તો આપણે ભગવાનને મળવા મંદિરે જઈએ છીએ. મંદિર ભગવાનનું ઘર છે. આપણા ઘરો ભગવાનના મંદિર થાય એ આદર્શ છે. પ્રત્યેક ઘર આવું આદર્શ ઘર બને ત્યારે પણ ગામમાં મંદિરની અનિવાર્યતા તો છે જ. અને મંદિર ગામના પાદરમાં હોય એટલે ત્યાં જવા-આવવામાં સમય પસાર થઈ શકે, ચાલવાની કસરત પણ શરીરને મળે, સહુ ત્યાં એકઠાં થઈને એકબીજાને મળે એટલે સ્વાભાવિક રીતે પ્રેમભાવ વધે. મંદિરે બજારની કે સંસારની ફાલતુ વાતો તો કરવાની હોય નહિ એટલે સહુની ધાર્મિકતા તેમજ આધ્યાત્મિકતા વધારવા માટેનું બળ પ્રત્યેકને મળી રહે. છુટા પડતી વખતે સહજ એકબીજાના સુખ-દુ:ખની પૃચ્છા થતી રહેતી હોવાથી એકલતાની કે અસહાયતાની પીડા કોઈને કનડે નહિ.

આપણે ભગવાનને મળવા શા માટે જઈએ છીએ? અને ત્યાં જઈને શું કરવાનું? તેના જવાબમાં આપણે વિચારીએ કે કોઈના ઘરે આપણે શા માટે જઈએ છીએ? અને ત્યાં જઈને શું કરીએ છીએ? કામ સિવાય આપણે કોઈને ત્યાં જતા નથી. અને જો કોઈ જતું હોય તો એ બરાબર નથી. ઘણા સમયથી આપણે કોઈ સ્નેહીને ત્યાં ન ગયા હોઈએ તેથી ત્યાં જઈએ તો એ પણ એક કામ થયું – સંબંધો સાચવવાનું. આપણે જેને ત્યાં જઈએ છીએ તેના ખબર-અંતર પૂછીએ છીએ અને આપણા વિશે જણાવીએ છીએ. હવે વિચારો, ભગવાનના મંદિરે(તેના ઘરે) તેને મળવા જઈએ છીએ ત્યારે કોઈ દિવસ તેના કુશળ સમાચાર પૂછીએ છીએ ખરા? કોઈ દિવસ આપણે ભગવાનને પૂછ્યું, કે “ભગવાન તમે કેમ છો? તમારી બનાવેલી દુનિયામાં તમે મજામા તો છો ને! આજે તો સોમવાર અથવા ગુરુવાર કે શનિવાર અથવા જે કોઈ વાર હોય તે – ભગવાન તમારે OVERTIME કામ કરવું પડ્યું હશે, નહિ? તમને તો બધા APPOINTMENT લીધા વગર જ મળવા આવે અને તમે કોઈને ના પણ કહો નહિ. તેથી આજે ખુબ થાકી ગયા હશો. અને કંટાળતા પણ હશો જ ને! તમારી પાસે આવનાર લાખો દર્શનાર્થીઓમાંથી એક પણ માણસ માત્ર તમારા પ્રત્યેની પ્રીતિથી આવનારો નહિ હોય. અને કોઈ તમારા સમાચાર પણ પૂછે નહિ. આવનાર પ્રત્યેક પાસે માગણીનું લિસ્ટ અને ફરિયાદોની લાંબી યાદી હોય. કોઈ તમને કમિશન એજંટ(દલાલ) સમજે તો કોઈ નોકર! કોઈ માને છે કે તમે લાંચરુશ્વતખોર છો તો કોઈ વળી તમને ગુંડા-મવાલી ગણે છે. અને પાછા પોતાને તમારા ભક્ત ગણાવે છે અને પોતે ખુબ શ્રદ્ધાળુ છે એવો દેખાવ કરે છે. જો આવું ન હોય તો આવનાર તમારી પાસે ચિત્ર-વિચિત્ર માગણીઓ કેમ કરે છે?”

આપણે ભગવાનને કહેવું જોઈએ, “હે પ્રભુ, તમે મારી ચિંતા કરશો નહિ. તમારી બનાવેલી દુનિયામાં હું આનંદ કરું છું. સુખ-દુ:ખ બન્ને મારા જીવનમાં છે, પરંતુ મને ખબર છે કે તમારી આ મિથુની સૃષ્ટિમાં બધું જ જોડકામાં જ અસ્તિત્વ ધરાવે છે. જીવન ખીલવવા માટે બન્નેની એકસરખી જરુર છે. આથી સુખની માગણી નથી અને દુ:ખની ફરિયાદ નથી. આપના પ્રત્યેની પ્રીતિથી હું આપને મળવા આવ્યો છું. આપના દીકરાઓ આપનું નામ લજવાય એવું જીવન જીવે છે, પરંતુ ફીકર કરશો નહિ. તમારો આ દીકરો તમારા બગડેલા દીકરાઓને તમારી વ્યથા સમજાવશે અને તેઓના જીવનો બદલાય એ માટે પ્રયત્ન કરશે. પ્રભુ, આપ મને શક્તિ આપો.”

ભગવાનને લોકો શું સમજે છે?

ભગવાન – કમિશન એજંટ:
“ગણપતિ દાદા, મને ગાડી લઈ આપો, હું સવાસો નારિયેળ વધેરીશ.” (ગણેશજી ઉંદર પર સવારી કરે છે, ને તારે ગાડી જોઈએ છે?) હનુમાનદાદા, મને પાંચ લાખની લોટરી લગાડી દો, હું દર શનિવારે તમને તેલ ચઢાવીશ.” (કુવો બનાવીને તેમાં પાંચ લાખ રુપિયાનું તેલ ભરીને હનુમાનજી ધુબાકા ના મારે! તારા બે રુપિયાના તેલની આશા શા માટે રાખે?) અહિં દર્શનાર્થી ભગવાનને કમિશન એજંટ ગણે છે.

ભગવાન – નોકર
“ભગવાન, મારી તબિયત સારી કરી દો.” “મારો બગડેલો સંબંધ સુધારી આપો.” “મને સુંદર છોકરી સાથે પરણાવો.” કચરા જેવું ખાઈને શરીરને રોગનું ઘર બનાવી દે પછી ભગવાન નોકર હોય એમ એને શરીર સાફ કરવાનું કહે. કામ-ક્રોધ વગેરે વિકારોથી માણસ સંબંધો બગાડતો ફરે અને ભગવાન એની પાછળ એણે બગાડેલી બાજી સુધારતા ફરે! પોતાની આર્થિક, સામાજિક સ્થિતિની તુલનામાં અધિક ચઢિયાતી છોકરીની લાલચ રાખે અને ભગવાને એની ગેરવ્યાજબી માગણીઓ એવી રીતે પૂરી કરવાની જેમ કોઈ નોકર શેઠના બગડેલા છોકરાની તમામ મરજીઓ સાચવતો હોય!

ભગવાન – લાંચ-રુશ્વતખોર
અનીતિમાન કામો કરાવવા માટે લાંચ આપવી પડે છે. આથી ભગવાનને અનીતિયુક્ત કામ કરવા કહેવું અને બદલામાં એને કંઈક આપવું એને લાંચ જ કહેવાય. “ભગવાન મને પરીક્ષામાં પાસ કરી દેજો.” “પ્રભુ, મને મારા ગુનાની સજા ન થાય તે જોજો. હું મંદિરે અમુક રુપિયા ભેટ લખાવીશ.” “હે હરિ, મારું ટેંડર પાસ થઈ જાય તેવું કરશો. હું સત્યનારાયણની કથા કરાવીને પાંચ બ્રાહ્મણોને જમાડીશ.” સુપરવાઈઝર પ્રમાણિક હોવાથી ચોરી ન થઈ શકી હોવાથી ભગત ભગવાનને ફોડવાની કોશિશ કરે છે. એ જ રીતે ન્યાયાધીશ તેમજ સરકારી અધિકારીને ભ્રષ્ટ બનાવવાની સુચના ભગત પોતાના ભગવાનને આપે છે. આમ કરીને એ ભગવાનને એ માણસ કરતા પણ ઉતરતી કક્ષાનો અને લાંચ-રુશ્વતખોર સમજે છે.

ભગવાન – ગુંડા-મવાલી
ઘણાં માથાફરેલા ભગતો પોતાના દુ:શ્મનો, હરિફો-પ્રતિસ્પર્ધીઓ, પાડોશીઓ તેમજ સગાવ્હાલાઓનું અહિત કરવાની માગણી ભગવાન સમક્ષ મુકે છે. “ભગવાન, મારા પાડોશીને ત્યાં નવું આવેલું ટી.વી. ચોર ચોરી જાય એવું કરજો.” “મારા ધંધાકીય હરિફને કોઈ કેસમાં ફસાવી દેજો.” “મારા ભાડુઆતનું/મકાનમાલિકનું નિકંદન કાઢી નાંખજો.” મારા ફલાણા સગાએ નવી કાર લીધી છે ને મારી પર બહુ રોફ મારે છે, એનો એક્સિડંટ કરી નાંખજો. “પ્રભુ, ગયા શનિવારે હું મંદિરે ન આવી શક્યો, મને બિમાર ના કરી દેતા.” આ પ્રકારની માનસિકતા ભગવાનને ગુંડા-મવાલી સાબિત કરે છે.

આમ, ભગવાન પાસે શું માગવું અને શું નહિ તેનો વિવેક માણસ પાસેથી ચાલ્યો ગયો છે. ભગવાન પાસે સાધનોની માગણી કરનારને એટલુંય ભાન નથી કે ભગવાનને મારા કરતા સારી સમજણ છે તેથી તેને જે યોગ્ય લાગ્યું તે મને આપ્યું છે. તેથી એમાં મારે કાંઈ ટકટક કરવાની જરુર નહિ. ભગવાન કૃષ્ણે નરસિંહ મહેતાને કહ્યું હતું, “મહેતાજી, આપના દિકરા શ્યામને એના લગ્નના બીજા જ દિવસે હું મારી પાસે બોલાવી લેવાનો છું. આપની કોઈ ઈચ્છા છે?” ત્યાએ નરસિંહજીએ કહ્યું હતું, “પ્રભુ, શ્યામ આપનો દિકરો છે. આપ તેને બોલાવી લો કે અહિં રાખો, બન્ને સ્થિતિમાં એનું કલ્યાણ જ છે.” વ્યવહારબુદ્ધિ વાપરનાર દોઢડાહ્યો બનીને જરુર કહે, “પ્રભુ, લગ્નના બીજા દિવસે બોલાવીને શ્યામની પત્નીને આજીવન વિધવાનું દુ:ખ આપવા કરતા એના લગ્ન થાય એ પહેલા જ એને બોલાવી લો ને!” પરંતુ ભગવાનને સમર્પિત એવા નરસિંહજીએ પ્રભુને એવું કાંઈ કહ્યું જ નહિ.

આપણે માંગવું જ હોય તો એવું માંગવું, કે “પ્રભુ, તારા પ્રેમને ઓળખવાની શક્તિ, સમજણ અને ભાવ આપ. તારા કર્તાપણાનો સ્વીકાર થાય તેવી દૃષ્ટિ આપ. તારા બળે અર્જુનની જેમ લડી શકું એવી કર્તૃત્વશક્તિ આપ. મારો આત્મવિશ્વાસ તેમજ તારા પરની મારી શ્રદ્ધા વધારે દૃઢ બનાવ જેથી જીવનના સંઘર્ષો સામે લડી શકું અને મારું જીવનપુષ્પ ખીલવી શકું. હે ઈશ્વર, મને એવી વૃત્તિ આપ જેથી મારું જીવન સુંદર, સમાજને ઉપયોગી, તારા વિચારોની પ્રતિષ્ઠા વધારનારું, તારી આબરુ તેમજ લોકોનો તારા પર વિશ્વાસ વધારનારું તેમજ તારા દિકરાઓ સુધરે એ માટે પ્રયત્ન કરનારું બને.

ગામમાં વ્યવહાર કરતી વખતે કોઈ નાનો છે તો કોઈ મોટો છે. પરંતુ ભગવાનના મંદિરમાં સહુ સમાન છે. કોઈ બ્રાહ્મણ હોય તો કોઈ શૂદ્ર, સમાજમાં તેઓની પ્રતિષ્ઠા અલગ-અલગ. પરંતુ સૌ ભગવાનના દિકરા તરીકે એક સરખા. જેમ મંદિરમાં પ્રવેશતા પહેલા ચપ્પલ ઉતારીએ છીએ તેમ અહમરુપી વસ્ત્રો ઉતારીને પ્રવેશવાની જગ્યા એટલે મંદિર. સહુ ત્યાં ભેદભાવ ભુલીને એકબીજાને પ્રેમથી મળે, ભેટે, એકબીજાના કુશળ પૂછે. આ રીતે પરસ્પર જીવવાનું બળ આપે. દિવસ દરમિયાન સફાઈ કાર્યમાં વ્યસ્ત હોવાથી જેના શરીર પર અશુદ્ધિ લાગી છે એવા સફાઈ કામદારને ન અડાય. પરંતુ નાહી-ધોઈને સ્વચ્છ થઈને એ મંદિરે આવે એટલે સમાજના તમામ વર્ગના લોકો કોઈ ભેદભાવ રાખ્યા વિના એને પ્રેમથી મળે. આ રીતે મંદિર સામાજિક તેમજ ધાર્મિક એકતા વધારનારું, દૃઢ કરનારું મહત્વનું પરિબળ છે.

મંદિરમાં દાનપેટી પણ એટલા માટે જ છે. માણસ સમજે છે કે ભગવાન મારા દેહમાં રહેલો છે તેથી હું કામ કરી શકું છું. માટે આવકમાં એનો હિસ્સો છે. એના ભાગની આવક મારી ન હોવાથી એને મંદિરમાં રાખી દેવાની. આ રીતે આખા ગામના લોકો જે રકમ મંદિરમાં રાખે એમાંથી જરુરિયાતમંદ લોકોને સહકાર મળે. એ સહકાર પ્રભુ તરફથી મળતો હોવાથી ભગવાનનો પ્રસાદ ગણાય. ને એ પ્રસાદ લેનાર હલકો ન ગણાય ને દેનાર અહંકારી બને નહિ. આમ ગામના સહુનો આર્થિક પ્રશ્ન પણ મંદિર જ હલ કરે. ગીતા કહે છે, કે ‘જે માણસ ભગવાનનો ભાગ કાઢતો નથી તે ચોર છે.’ મંદિર આપણને શીખવાડે છે કે દરેકે ભગવાનનો નિશ્ચિત ભાગ કાઢવો જોઈએ. પ્રમાણિકતાથી ભગવાનનો ભાગ કઢનારા કેટલા? પ્રત્યેક માણસે આત્મનીરિક્ષણ કરવું રહ્યું.

Advertisements

Comments on: "મંદિર શા માટે?" (1)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: