વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચકમિત્રો,
વિક્રમ સંવત 2068નું નવું વર્ષ આપને સર્વ રીતે લાભદાયી થાય એ જ પ્રભુ-પ્રાર્થના !

‘વિચાર’ શબ્દનો અર્થ અહિં ‘વિચારવાની ક્રિયા’ અર્થાત ‘વિચારણા’ના અર્થમાં નથી પરંતુ ‘વિચાર’ એટલે વિચારણાનો એક વિષય કે જેના પર વિચારવાની ક્રિયા કરી શકાય છે. ‘વિચાર’નું અંગ્રેજી ‘THOUGHT’ & NOT ‘THINKING’. ઋગ્વેદનું એક પ્રસિદ્ધ વિધાન છે: आ नो भद्रा क्रतवो यंतु विश्वत: અર્થાત ‘વિશ્વમાંથી પવિત્ર વિચારો પ્રાપ્ત થાઓ.’ જેની પાછળ રહેલી આર્યોની સ્વસ્થ માનસિકતા કે જે સંકુચિતતા, પક્ષપાતી મન, શરતી મન કે પૂર્વગ્રહયુક્ત મન જેવા રોગી મનથી મુક્ત છે. વિશ્વભરમાંથી કોઈ શ્રેષ્ઠ વિચાર કે જે માનવજાતને વિકાસના રસ્તે એક ડગલું આગળ લઈ જાય છે તેના સહર્ષ સ્વીકારની વિધાયક ભાવનાને છતી કરે છે. ‘જીવન’ તરફ આપણે કઈ દૃષ્ટિથી જોવું જોઈએ? સામાન્ય માણસ માટે જીવન ‘ખાઓ, પીઓ ને એશ કરો’ માટે છે. ક્વચિત હતાશ માણસ જીવનને બોજ સમજીને અથવા જીવનમાં આઘાત અસહ્ય થઈ પડવાથી ક્ષણિક આવેશમાં આવીને જીવન અંત આણવા માટે છે એમ સમજે છે. ઘણા માણસો જીવન માત્ર પસાર કરવા માટે જીવે છે. વૈદિક દૃષ્ટિએ જીવન વિકાસ કરવા માટે છે. સ્થૂળજીવનથી સૂક્ષ્મજીવન તરફ, બદ્ધજીવનથી મુક્તજીવન તરફ માણસે ગતિ કરવાની છે. ‘કરોડરજ્જૂ’ શરીરને ટટ્ટાર રાખે છે તેમ મહાન વિચાર માનવજીવનમાં કરોડરજ્જૂનું કાર્ય કરે છે. કરોડરજ્જૂ વિનાનો માણસ માંસના લોચાની જેમ કે અળસિયાની જેમ જમીન પર પડી રહે તેમ વિચારહીન માણસ લાચારીભર્યું જીવન જીવે છે.

વિચારનું જીવનમાં ક્યાં સ્થાન છે અને વિચાર જીવનમાં કેવી રીતે કાર્યરત થાય છે તે માટે આપણે ચાર પ્રકારની જીવનશ્રેણી જોવી જરુરી છે. અત્યંત પ્રાથમિક કક્ષાનું જો કોઈ જીવન હોય તો એ ઈન્દ્રિયારામી જીવન છે, જેમાં પાંચ ઈન્દ્રિયોના ભોગનો જ ખ્યાલ રાખવામાં આવે છે. આ કક્ષા મનુષ્ય તેમજ પ્રાણીમાં એક સમાન રીતે જોવા મળે છે. તેથી મનુષ્ય માટે આ કક્ષાનું જીવન તુચ્છ, તિરસ્કૃત, અતિશય નિંદનીય ગણાવું જોઈએ. દુ:ખની વાત છે કે આ જ જીવનને અંતિમ ધ્યેય ગણીને સમગ્ર માનવજાત આજે ભોગજીવન માટે જ સંઘર્ષ કરતી રહી છે અને ‘ખાઓ, પીઓ અને જલસા કરો’માં જ રાચતી રહી છે. તેનાથી ઉપરની કક્ષાનું જો કોઈ જીવન હોય તો એ મનોજગત – લાગણીનું જગત છે, જેમાં ‘બીજા’નો વિચાર કરવામાં આવે છે. માણસ ઉષ્માભર્યા, પ્રેમાળ-હેતાળ સંબંધો બાંધે છે અને વધારે છે. અન્યની લાગણીનો ખ્યાલ કરે છે, તે બીજા માટે જીવે છે અને એ રીતે પોતાનું ભાવજીવન ખીલવે છે. ભોગજગતની સરખામણીએ ભાવજીવન વધુ સુક્ષ્મ છે, જે વિકાસ તરફની ગતિ સૂચવે છે.

ભાવથી ઉપરનું જીવન એટલે વિચારજગત. જેમ વિષયો એ ઈન્દ્રિયોનો આહાર છે, લાગણીઓ મનનો આહાર છે એમ વિચાર એ બુદ્ધિનો ખોરાક છે. વિચારજગત સૂક્ષ્મતમ છે. આ જગતમાં પ્રવેશીને માનવમન વિચારે છે: કયો વિચાર જગતનો શ્રેષ્ઠ વિચાર છે? કયો વિચાર માનવજાતેને શાંત અને સમાધાની કરી શકે છે? કયો વિચાર જગતના સળગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા સમર્થ છે? કયો વિચાર જીવનનું અંતિમ ધ્યેય બની શકે છે? જીવનની ચોથી અને અંતિમ શ્રેણી છે: આત્મજગત અથવા આધ્યાત્મિક જગત, જેમાં આત્મા-પરમાત્માના સંબંધનો વિચાર કરવામાં આવે છે. પરમતત્વ સાથે જોડાઈને આત્મા મુક્તજીવનનો આનંદ માણે છે. વિચારજગતનો વિચાર માનવજીવનને ઈન્દ્રિયારામી જીવન તરફથી એક ડગલું આગળ વધવાની – ભાવજીવન ખીલવવાની અને તેનાથી પણ એક ડગલું આગળ વિચારજગત કેળવવાની તેમજ અંતિમ આધ્યાત્મિકજીવન સજાવવાની પ્રેરણા આપે છે. આ અર્થમાં વિચાર જીવન માટે ખુબ અગત્યનો છે. તેથી જ વિચારદાનને શ્રેષ્ઠદાન ગણવામાં આવ્યું છે. શ્રીમદભગવદગીતા કહે છે:
द्रव्ययज्ञा: तपोयज्ञा: योगयज्ञा: तथा परे
स्वाध्याय ज्ञानयज्ञा: च यतय: संसितव्रता:
કરોડો ભુખ્યા – નગ્ન માનવોને રોટી-કપડા-મકાન અનંત કાળ સુધી આપવામાં આવે તો વિશ્વનો ખજાનો ખાલી થઈ જશે પરંતુ માનવીની ભૌતિક જરુરિયાત પૂરી થઈ શકશે નહિ. પરંતુ જો આ જ માનવોને વિચાર આપવામાં આવશે તો પોતાના જીવનની ચારેય શ્રેણીઓને તેઓ ઉત્તમ રીતે ખીલવી જાણશે. વળી તેઓના જીવનમાં ભૌતિક દાનના માત્ર સ્વીકારને પરિણામે આવનારી લાચારી પણ નહિ આવે. આ અર્થમાં વિચાર જીવનની કરોડરજ્જૂ છે.

ખાબોચિયાના પાણીમાં ગંદકી થતાં વાર નથી લાગતી કારણ કે ખાબોચિયું સંકુચિત તેમજ બંધિયાર હોય છે. તળાવમાં વરસાદનું નવું સંગ્રહાયેલું પાણી પણ વહેલું-મોડું ગંદુ થાય જ છે. કારણ કે ખાબોચિયાની તુલનામાં તળાવ મોટું હોવા છતાં તળાવનું પાણી પણ બંધિયાર જ હોય છે. નદીના પાણીમાં ક્યારેય ગંદકી થતી નથી કારણ કે નદીનું પાણી બંધિયાર નથી. નદીને પ્રવાહ હોય છે. એ જ રીતે મસ્તિષ્કમાં સતત વિચારપ્રવાહ વહેતો હોય તો તે માનવજીવનને શુદ્ધ રાખે છે. અન્યથા તેના જીવનમાં સંકુચિતતા તેમજ અગાઉ વર્ણવ્યા એવા મનોરોગો જોવા મળે છે. પ્રસિદ્ધ અંગ્રેજી કહેવત છે, ‘EMPTY MIND IS DEVIL’S WORKSHOP’ ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.’ ‘ખાલી મગજ શૈતાનનું કારખાનું છે. એનાથી બચવું હોય તો જાતને વ્યસ્ત રાખવી. પરંતુ અહિં સમસ્યા એ છે કે કોઈ પણ કાર્ય નવું હોય ત્યાં સુધી શરીરની સાથે મગજ પણ વ્યસ્ત રહે છે, પરંતુ કાર્ય ઘરેડમાં આવી જાય એટલે શરીર દ્વારા યંત્રવત કાર્ય થયા કરે છે અને છતાં મગજ નવરું રહે છે. આથી મગજને વ્યસ્ત રાખવા એમાં સતત વિચારપ્રવાહ ચાલતો રહે એ જરુરી છે.

માનવસ્વભાવને બદલી શકાય કે નહિ? પશ્ચિમના વિદ્વાનોએ ઠરાવ્યું કે માનવ-સ્વભાવને બદલી શકાતો નથી. માનવ સમાજમાં રહે છે તેથી તેનું મનસ્વી વર્તન ચલાવી લેવાય નહિ અને તેના સ્વભાવને બદલાવી શકાતો નથી – આ બે અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ ત્યાંના જ વિદ્વાનોએ સૂચવ્યો અને તે માનવ વર્તનને નિયંત્રિત કરવાનો. ભય અને લાલચ, ઈનામ અને સજા આ બે માનવ વર્તનને નિયંત્રિત કરનારા પરિબળો તરીકે સ્વીકરવામાં આવ્યા. આપણે ત્યાં આ બે પરિબળો પશુવર્તનને નિયંત્રિત કરવા માટે સ્વીકારાયા છે. આથી સાબિત થાય છે કે પશ્ચિમના વિદ્વાનો માનવ અને પશુ વચ્ચે કોઈ ફરક જોતા નથી. વૈદિક વિચારધારા સ્વીકારે છે કે માનવસ્વભાવ બદલી શકાય છે. ગીતા કહે છે: વિચાર અને પ્રેમ – આ બે પરિબળો દ્વારા માનવસ્વભાવને બદલી શકાય છે. પ્રેમથી માનવને પોતાનો કરવાનો અને જીવનને ઉર્ધ્વગતિ બક્ષે તેવો વિચાર સહજ રીતે તેને આપવાનો. આ પ્રકારે પ્રાપ્ત વિચારના સંપર્કમાં આવેલો માણસ તેના પર ચિંતન-મનન કરીને તેનું સેવન કરે-તેને અપનાવે ત્યારે તે વિચારને આત્મસાત કરે છે. અને આમ તેનું જીવન બદલાય છે.

રત્નાવલિએ વિચાર અને પ્રેમથી પ્રસિદ્ધ સંત તુલસીદાસજીનું જીવન બદલ્યું છે. નારદમુનિએ વાલ્યામાંથી વાલ્મિકી ઋષિ વિચાર અને પ્રેમથી સર્જ્યા. ભગવાન બુદ્ધે વિચાર અને પ્રેમથી અંગુલીમાલને બદલાવ્યો. માણસ જેવું જુએ છે, સાંભળે છે, વાંચે છે, વિચારે છે, જેવો સંગ રાખે છે તેવો એ બની જાય છે. ‘જેવું ચિંતન તેવું જીવન’ – આ નિયમ છે. બાળકોને આથી જ ઈનામ અને સજાથી પ્રેરવાને બદલે વિચાર અને પ્રેમથી બદલવા યોગ્ય છે. વિચારની શક્તિને જાણીને તેનો ઉપયોગ કરી લેવો એ બુદ્ધિમાન મનુષ્યનું લક્ષણ છે. વિચારથી સૂતેલો માણસ જાગે છે, જાગતો ઊઠે છે, ઊઠેલો માણસ ચાલવા લાગે છે, ચાલતો માણસ દોડે છે અને દોડતો માણસ ઊડીને ધ્યેય સુધી પહોંચે છે. આમ વિચાર જીવનની કરોડરજ્જૂ છે.

Advertisements

Comments on: "‘વિચાર’ જીવનની કરોડરજ્જૂ છે." (1)

  1. સુજ્ઞશ્રી, ખૂબજ મનનીય અને અનુસરણીય એવો લેખ બદલ ધન્યવાદ. આધ્યાત્મિક વિકાસ કરવાનો મુખ્ય પાયો વિચાર છે કારણકે વિચાર એ મૂળ પાયો છે..આહાર..નિંદ્રા,ભય, મૈથુંનમ ચ..એતો સર્વ પ્રાણી ઓ ય કરે છે. પણ મનુષ્યાત્માને પ્રભુએ વિશેષ બુદ્ધિ પ્રદાન કરી છે તે આ માટે જ..તેનાથી સમગ્ર માનવજાતનો ઉદ્ધાર સંભવિત છે..અને જીવનના સાચા આધ્યાત્મિક આનંદને પ્રાપ્ત કરી શકે છે.અસ્તુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: