વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(01)શહેરોમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં નાગરિકોને ભાડામાં રાહત આપવા માટે સિટી બસો દોડાવામાં આવે છે એના કારણે મુસાફર મેળવવા માટે એક રીક્ષાવાળો ક્યારેક બીજાનું ખુન કરી નાંખે એટલી હદે સ્પર્ધા થાય છે. છતાં તેઓના વધુ લાયસંસ ઈસ્યુ કરવા પર કે રીક્ષા ઉત્પાદક કંપની પર રોક લગાવાતી નથી.

(02)તત્વજ્ઞાન(Philosophy)માં તત્વમિમાંસા(Ontology), જ્ઞાનમિમાંસા (Epistemology), સૃષ્ટિમિમાંસા (Cosmology), અને નીતિશાસ્ત્ર(Ethics)ની ચર્ચા આવે. તત્વમિમાંસામાં જીવ અને ઈશ્વરનું સ્વરુપ અને બન્ને વચ્ચેનો સંબંધ, જ્ઞાનમિમાંસામાં જ્ઞાન કયા સાધન-પ્રમાણથી મળે, સૃષ્ટિમિમાંસામાં જગતના સ્વરુપ વિશે ચર્ચા અને નીતિશાસ્ત્રમાં સત્ય, અસ્તેય વગેરે મૂલ્યોની ચર્ચા આવે.

(03)ભારતીય તત્વજ્ઞાન છ દર્શનશાસ્ત્રોમાં સચવાયું છે: સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, પુર્વમિમાંસા દર્શન, ઉત્તરમિમાંસા દર્શન (વેદાંત). તેના રચયિતા ક્રમશ: કપિલમુનિ, પતંજલિમુનિ, ગૌતમ મુનિ, કણાદ મુનિ, જૈમિની મુનિ અને મહર્ષિ વેદવ્યાસ (ભગવાન બાદરાયણ) છે. સાંખ્ય અને પુર્વમિમાંસા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી.

(04)’સુર્ય પૃથ્વીની નહિ પરંતુ પૃથ્વી સુર્યની પ્રદક્ષિણા કરે છે’ એવું સંશોધન કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં કોપરનિકસે જે રીવોલ્યુશન કર્યું એવું રીવોલ્યુશન જર્મનીના મહાન તત્વચિંતક કાંટે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં કર્યું. એણે કહ્યું, “જ્ઞાનનું સ્વરુપ પદાર્થ પર નહિ પરંતુ બુદ્ધિમાં આવેલી બાર category પર આધારિત છે.”

(05)અનુભવવાદી તત્વચિંતક જહોન લૉક કહે છે: “પદાર્થના પ્રાથમિક ગુણો (primary qualities) પદાર્થમાં રહેલા છે. દા.ત. વજન, આકાર, કદ વગેરે. કારણ કે એ ગુણો બધાને એકસરખા અનુભવાય છે. અને ગૌણ ગુણો (secondary qualities) જોનારના અનુભવ પર આધારિત છે. દા.ત. રંગ, રુપ, સ્પર્શ વગેરે.

(06)પશ્ચિમના તત્વચિંતકોમાં ત્રણ ગ્રીક છે: સોક્રેટીસ, પ્લેટો અને એરિસ્ટોટલ. ‘જ્ઞાન બુદ્ધિથી મળે છે’ એવું કહેનારા : રેને ડેકાર્ટ, બેનેડીક્ટ સ્પીનોઝા અને લેઈબ્નીઝ – એમ ત્રણ બુદ્ધિવાદી છે. ‘જ્ઞાન અનુભવમાંથી પ્રાપ્ત થાય છે’ એવું કહેનારા : જહોન લૉક, જ્યાર્જ બર્કલે અને ડેવીડ હ્યુમ – એમ ત્રણ અનુભવવાદી છે છેલ્લે આવે છે સમીક્ષાત્મક તત્વચિંતક ઈમેન્યુઅલ કાંટ, જે કહે છે: ‘જ્ઞાનની શરુઆત ઈન્દ્રિયાનુભવથી થાય છે અને જ્ઞાનનો ઉદ્ભવ બુદ્ધિ દ્વારા થાય છે.

(07)ભારતીય દર્શન અનુસાર પરમાત્માનું સ્વરુપ છે: સત + ચિત + આનંદ = સચ્ચિદાનંદ. તેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયકર્તા છે. જગત મિથ્યા છે એટલે જેને સત પણ ન કહેવાય અને અસત પણ ન કહી શકાય તે. સત એટલે જેમાં કોઈ પરિવર્તન નથી અને અસત એટલે જેનું અસ્તિત્વ જ નથી તે. જગત બદલાય છે માટે તે સત નથી અને તે અનુભવાય છે એટલે તે અસત પણ નથી.

(08)ચેદિ દેશના રાજા અને ચંદ્રિકા નામની અપ્સરાનું સંતાન સત્યવતી માછીમાર ખારવાને ત્યાં ઉછરી. પરાશરમુનિ સાથેના સંબંધથી સત્યવતીએ વેદવ્યાસને જન્મ આપ્યો અને શાંતનુ સાથે સંબંધ કરીને એણે વિચિત્રવીર્યને જન્મ આપ્યો. વિચિત્રવીર્યથી બાળકો ના જન્મ્યા તો એની પત્ની સાથે વેદવ્યાસનો સંબંધ કરાવીને વંશ આગળ વધાર્યો. કેવી હોંશિયાર બાઈ!

(09)પતિ(રાજા)ની સંમતિથી નિયોગ સંબંધ કરીને અન્ય શ્રેષ્ઠ પુરુષથી રાજ્યના ઉત્તરાધિકારીના પદ માટે ઉત્તમ સંતાન મેળવવું એ મહાભારતકાળના રાજકીય પરિવારની સ્ત્રી(રાણી)ને મળેલી વૈકલ્પિક વ્યવસ્થા હતી.

(10)સ્વામી વિવેકાનંદનું ગૃહસ્થ નામ નરેન્દ્ર હતું. કોલેજમાં તેજસ્વી રહ્યા છતાં કલકત્તાની ગલી-ગલીમાં બે હાથ ઊંચા કરી-કરીને “મને કોઈ નોકરી આપો, નોકરી આપો” એવી બુમો પાડવી પડી હતી. એક સુંદર સ્ત્રીએ પહેલે માળ પોતાના ઘરમાં બોલાવીને કુકર્મ કરવાના બદલામાં નરેન્દ્રને નાણાં આપવાની ઑફર કરી હતી. જે તેમણે ઠુકરાવી દીધી હતી.

(11)ફિલ્મ જોતી વખતે ડાયરેક્ટર યાદ નથી આવતો, ગાડી ચલાવતા એનો એંજિનિયર યાદ નથી આવતો તેમ જગતને માણતી વખતે ઈશ્વર યાદ નથી આવતો. પણ એ છે તો ખરો જ !

(12)તેજસ્વી વિદ્યાર્થીને ક્યારેય ગોલ્ડમેડલ મળે નહિ કારણ કે એ તો શિક્ષકની પણ ખોટી વાતનો વિરોધ કરતાં અચકાતો નથી. મેડલ મેળવવા ‘ચાપલુસી’ નામનો ગુણ ! હોવો અનિવાર્ય છે.

(13)સ્ટીયરિંગ હાથમાં આવી ગયા પછી બસનો ડ્રાયવર, લાકડી ઉગામ્યા પછી પોલીસદાદા, માઈક હાથમાં આવ્યા પછી નેતા, વર્ગખંડમાં બાળકો સામે ઉભેલો શિક્ષક, છોકરીએ પ્રપોઝલ સ્વીકારી લીધા પછી છોકરો – પોતાને જગતનો શહેનશાહ માનવા લાગે છે. આ બધાને તો એમની ઘરવાળી જ સીધાદોર કરી શકે.

(14)તમને ધીમે-ધીમે એકધારું સુખ મળે એ ગમે કે એટલું જ સુખ એકસામટું મળી જાય એ ગમે – એ ચકાસવા મુખમાં પીપરમિંટની ગોળી મુકો. ગોળી ઓગળી જાય ત્યાં સુધી એને મમળાવી શકો છો કે પછી એને ચાવી જવાનું પસંદ કરો છો? ‘ધીરજ’ નામનો ગુણ વિકસાવવા માગતા હો તો ગોળી ઓગળી જાય ત્યાં સુધી એને ચુસવાની ટેવ પાડો.

(15)’ગુરુ’ એ સાપેક્ષ ખ્યાલ નથી. જેના શિષ્ય હોય એ જ ગુરુ – એવું નથી. માણસે ‘લઘુ’માંથી ‘ગુરુ’ એટલે કે ‘નાના’ નહિ પણ ‘મોટા’, ‘હલકા’ નહિ પણ ‘ભારે’, ‘સસ્તા’ નહિ પણ ‘મહત્વના’ બનવાનું છે. ‘ગુરુપૂજા’, ‘ગુરુવાદ'(guru ism)માં ન પરિણમે એ જોવું જરુરી છે.

(16)કૃષ્ણે ક્યારેય અન્યાય સહન કર્યો નથી. એક સામાન્ય નાગરિક હોવા છતાં કૃષ્ણે કંસ જેવા દુષ્ટ રાજાને પણ ભરી સભામાં તેના વાળ ખેંચીને સિંહાસન પરથી પટકીને તેની છાતી પર ચઢી બેસીને એક તમચા વડે યમસદન પહોંચાડી દીધો હતો. આપણે સાઈઠથી વધુ વર્ષથી એવા જ દુષ્ટ રાજકારણીઓ તરફથી થતો અન્યાય સહન કરી રહ્યા છીએ. આજે સંસદમાં કૃષ્ણ જેવું પરાક્રમ કરી બતાવવાની જરુર છે. એ વિના કોઈ રાજકારણીની સાન ઠેકાણે નહિ આવે.

(17) ‘આપવા’ની બાબતમાં સ્ત્રી એટલી બધી કંજૂસ હોય છે, કે અંતરમાં ઉર્મિનો સાગર ઉછળીને ચંદ્ર સુધી પહોંચી રહ્યો હોવા છતાં ચહેરા પર એના એક્સ્પ્રેસન આપવામાં પણ કંજૂસાઈ કરે છે.

(18) ‎”ગુજરાતી ભાષાની માર્કેટવેલ્યૂ કંઈ નથી માટે ‘બાબા’ને ગુજરાતી માધ્યમની શાળામાં નથી મૂક્યો” – અરે, માર્કેટવેલ્યૂ બજારૂ સ્ત્રીની હોય છે, ‘મા’ની નહિ! રુપિયા કમાવા માટે ભલે બજારૂ ભાષા શીખીએ, પણ ‘મા’ને કંઈ છોડી દેવાતી હશે ?

(19) માર્ગ રીપેર કર્યા પછી મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા તો જતા રહે છે અને ‘કામ ચાલુ છે, રસ્તો બંધ છે’નું બોર્ડ બાજુ પર પડી રહે છે, જેની પાછળ યુવાન છોકરો-છોકરી બેસતા થઈ જાય છે. બોર્ડનું લખાણ પણ એમને મદદરૂપ થાય છે.

(20) જેમ કાચી કેરી પકવવા માટે માત્ર રાહ જોવાની હોય છે એમ સમય પસાર થવા માત્રથી માણસ કમાતો થાય છે, લગ્ન કરે છે અને અન્ય પ્રાણીની જેમ બચ્ચા પેદા કરે છે. કર્તવ્ય કે પુરુષાર્થ જેવી બાબતો ભૌતિક ચીજ-વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે નહિ પરંતુ નિ:સ્વાર્થ પ્રેમ, પ્રમાણિકતા, વફાદારી જેવા અનંત સદગુણો મેળવીને આધ્યાત્મિક જીવન સમૃદ્ધ કરવા માટે છે.

(21)કુંવારી છોકરી સારુ એવું કમાતી થઈ જાય પછી એ લગ્ન કરવાનું ટાળે છે, એમ વિચારીને, કે ‘પતિને પગાર તો આપી જ દેવાનો ને વળી એની ગુલામી પણ કરવાની ! એવું કોણ કરે?’ આવી છોકરીઓ બુચ ખોલી નાંખેલા હેન્ડ ગ્રેનેડ જેવી હોય છે. ગમે ત્યારે ફુટે અને સંપર્કમાં આવનારા અનેક કુંવારા કે પરણેલા પુરુષોનું લગ્ન-જીવન બરબાદ કરી નાંખે.

(22)લોકતંત્રમાં લોકોને ‘બિનસાંપ્રદાયિકતા’ની નીતિનું પાલન કરવાની ફરજ પાડી શકાય ખરી?

(23)આઈસક્રીમ જેવી ઠંડી અને પફ જેવી ગરમ વસ્તુ વેચનાર વેપારીઓ વિજળી બિલની ચિંતા કરીને એ ચીજોને બરાબર ઠંડી અને પૂરતી ગરમ નથી રાખતા. ખમણ, ફાફડા, ચોળાફળી, સમોસા જેવી વાનગીઓ સાથે ચટણી આપવામાં હંમેશા કંજૂસાઈ કરે છે અને દુકાનમાં પાટીયું મારે છે: “ગ્રાહકોનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે.”

(24)સાયકલ પર ફેરી કરનાર ફેરિયાને સ્કૂટર પર ફેરી શરુ કરતી વખતે અથવા નાસ્તાની જૂની લારી બદલીને વધુ સગવડ ધરાવતી લારી ખરીદતી વખતે નાના વેપારીને ચિંતા થાય છે, કે ‘પોતે કમાયો છે’ એવું લોકો જાણી જશે તો એની કમાણી ઘટી જશે.

(25)તહેવારોની ઉજવણીમાં આપણે ત્યાં દૂધનો માવો, પનીર, ઘી, તેમજ ડ્રાયફ્રુટ્સની મિઠાઈઓ 200 થી 300 રુપિયે કિલો મળે છે. એની સામે કેડબરી, નેસ્લે જેવી વિદેશી કંપનીઓ 1000 રુપિયે કિલોના ભાવની ચોકલેટ્સને મિઠાઈ ગણાવીને વેચે છે, જેમાં કોકોનો લોટ, દૂધ અને ખાંડનું મિશ્રણ માત્ર હોય છે. કંઈક નવું કરવાની ઘેલછા છોડીને પરંપરાને જાળવવામાં જ આપણી સમૃદ્ધિ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: