વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વેદ પરિચય

વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રત્યેક વેદના ચાર ભાગ છે: બ્રાહ્મણ, સંહિતા, આરણ્યક અને ઉપનિષદ. આગળના ત્રણ ભાગ ‘પૂર્વમીમાંસા દર્શન’ તરીકે ઓળખાય છે જ્યારે ઉપનિષદ વેદનો અંત ભાગ હોવાથી તેને ‘વેદાંત દર્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે આ રીતે વેદના ઋગ્વેદ આદિ ચાર ભાગ કરીને તેના સંકલનનું કાર્ય ચાર મુનિઓ: સુમંતુ, જૈમિનિ, વૈશંપાયન અને પૈલને સોંપ્યું. તેઓ પોતે મુખ્ય સંકલનકાર રહ્યા. રંગે શ્યામ હોવાથી ‘કૃષ્ણ’ અને દ્વીપ પર જન્મ્યા હોવાથી ‘દ્વૈપાયન’ એવા નામધારી કૃષ્ણ દ્વૈપાયને વેદના ભાગ કર્યા હોવાથી તેઓનું બીજું નામ પડ્યું: ‘વેદ વ્યાસ.’ વિ વ્યાસ વેદાન ઈતિ વેદ વ્યાસ.

પૂર્વમીમાંસામાં કર્મકાંડની ચર્ચા છે જ્યારે વેદાંત એટલે કે ઉપનિષદ એ વેદનો જ્ઞાનકાંડ છે. એ ઉત્તરમીમાંસા તરીકે પણ ઓળખાય છે. મીમાંસાદર્શનમાં કર્મકાંડ અંતર્ગત કર્મ વિશેના જ્ઞાનની ચર્ચા વેદમાં જોવા મળે છે જ્યારે જ્ઞાનકાંડમાં પોતાને કર્તા માનતા એવા ‘હું’ના સ્વરૂપ વિશેના જ્ઞાનની ચર્ચા છે. આમ સમગ્રતયા વેદમાં જ્ઞાનમાત્ર જ છે. વેદના ચાર ભાગ થયા તેથી વેદો સચવાઈ રહ્યા. ત્યારબાદ વેદવ્યાસજીએ સૂત્રાત્મક તત્વજ્ઞાન આપ્યું: બ્રહ્મસૂત્ર. તેઓએ સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ બેજોડ એવો મહાભારત ગ્રંથ લખ્યો જેનું સાચું નામ ‘જય’ છે: તતો જયમુદીરયેત – હું ‘જય’ લખું છું. ભારતીય તત્વજ્ઞાનમાં પ્રસ્થાનત્રયીનું ખુબ મહત્વ છે, જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે: ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદભગવદગીતા. ગીતા સ્વયં ભગવાનના મુખે ગવાઈ હોવાથી વેદોની જેમ તેને પણ શ્રુતિ સાહિત્ય ગણવામાં આવે છે. આ પ્રસ્થાનત્રયી પર જે ત્રણ ભાષ્યો(ટીકા-વિવેચન ગ્રંથો) લખીને મૌલિક અર્થઘટન આપે તેને આપણે ત્યાં ‘આચાર્ય’ની પદવી મળે છે. પાંચ મુખ્ય આચાર્યો છે: શ્રીમદ આદ્ય શંકરાચાર્ય, મહાપ્રભુ વલ્લભાચાર્યજી, મહાપ્રભુ રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી તેમજ નિમ્બાર્કાચાર્યજી. તેઓએ આપેલ વૈદિક સિદ્ધાંતો અનુક્રમે: કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત તેમજ દ્વૈત વગેરે વાદ તરીકે ઓળખાય છે.

આત્મા-પરમાત્માના સંબંધમાં વેદના ‘તત્વમસિ’ સિદ્ધાંતનું (1)‘કેવલાદ્વૈત’ પ્રતિપાદન કરે છે – ‘તત ત્વમ અસિ’ = ‘તે તું છે.’ અર્થાત ‘પરમ તત્વ જ આત્મા છે.’ (2)રામાનુજાચાર્યજી કહે છે: ‘તસ્ય ત્વમ અસિ.’ એટલે કે ‘તેનો તું છે.’ (3)વલ્લભાચાર્યજી અનુસાર ‘તેન ત્વમ અસિ’ એટલે ‘તેના લીધે તું છે’ – ‘શ્રીકૃષ્ણ: શરણમ મમ.’ ગુજરાતમાં શંકરાચાર્યજીને શૈવ સંપ્રદાય (બ્રાહ્મણો), વલ્લભાચાર્યજીને વૈષ્ણવ સંપ્રદાય(વણિકો) તેમજ રામાનુજાચાર્યજીને સ્વામીનારાયણ સંપ્રદાય(પટેલો) અનુસરે છે. આ ત્રણેય સંપ્રદાયોનું મૂળ વેદમાં હોવાથી વેદની ઉપાસના શરુ થાય તો હિન્દુઓમાં એકતા દૃઢ કરી શકાય.

આધ્યાત્મિક દૃષ્ટિએ:

‘વેદ’શબ્દ ‘વિદ’ ધાતુ પરથી બન્યો છે. વિદ = એટલે જાણવું. વેદ= એટલે જ્ઞાન. તેના પરથી શબ્દ બન્યો વિદ્વાન = વિદ + વાન એટલે જ્ઞાની. વેદ એટલે કયું જ્ઞાન? આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતાં ભૌતિક જગતના જ્ઞાનને વિજ્ઞાન કહેવાય છે. ‘વેદ’ શબ્દ દ્વારા જે જ્ઞાન નિર્દેશાય છે તે એટલે અંત:અનુભૂતિ. સર્વત્ર પરમતત્વ વિલસી રહ્યું છે અને ‘હું’ અને પરમતત્વ જુદા નથી. હું બ્રહ્મ છું: અહં બ્રહ્માસ્મિ – આ અનુભવ એટલે ‘વેદ’ શબ્દ દ્વારા સૂચવાતું જ્ઞાન. ‘વેદ’ પરથી જ અન્ય એક શબ્દ બન્યો છે: ‘વેદના’ – સંવેદના. જેનો અર્થ ‘પીડા’ નહિ પરંતુ ‘અનુભૂતિ’ છે. સમાધિ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્મા સાથે ઋષિ પોતાના ‘હું’નું તાદાત્મ્ય સાધતા ત્યારે તેઓ અંતરમાં પરમાત્માનો દિવ્ય ધ્વનિ સાંભળતા. તેના પરથી જે સાહિત્ય રચાયું તે શ્રુતિ સાહિત્ય – એ જ વેદ. વેદ માનવબુદ્ધિ દ્વારા રચાયેલી કૃતિ નથી. માનવ પૌરુષનું પરિણામ ન હોવાથી વેદો અપૌરુષેય છે. પરમકૃપાળુ પરમાત્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે માનવને નિસહાય અવસ્થામાં છોડી દીધો નથી. સૃષ્ટિ સર્જી ત્યારે જ શ્રેષ્ઠ માનવ એવા ઋષિનું સર્જન કરી તેને આ સૃષ્ટિમાં કેવી રીતે રહેવાનું તે કહી દીધું અને તે જેમાં આલેખાયેલું છે તે વેદ. ઋષિએ આ જ્ઞાન સમગ્ર જગતને આપ્યું. આ અર્થમાં વેદ જગતનું બંધારણ કહી શકાય જેના ઘડવૈયા પરમાત્મા સ્વયં છે. જગતના બંધારણ તરીકે વેદની પ્રતિષ્ઠા થાય એ જોવાનું કામ ભગવાનના ભક્તનું છે.

સાંસ્કૃતિક દૃષ્ટિએ:

છેલ્લા હજાર વર્ષનો સમયગાળો ભારતીય સંસ્કૃતિના અધ:પતનનો ગાળો છે.

(1)વેદને માન્ય નથી એવું વેદના શબ્દોનું અર્થઘટન કરીને વેદના જ અનુયાયીઓએ વેદની પ્રતિષ્ઠા સમાજમાં ખતમ કરી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – આ ચારેય વર્ણો સમાજની વ્યવસ્થાના ભાગરુપે છે. વર્ણવ્યવસ્થામાં વર્ણભેદ ઘૂસ્યો અને તેમાં ઊંચ-નીચની ભાવના જન્મી, પોષાઈ. બ્રાહ્મણ પ્રેમથી સમાજમાં જ્ઞાનનો, વિચારોનો નિ:સ્વાર્થ પ્રસાર કરે. ક્ષત્રિયો બાહ્ય તેમજ આંતરિક આક્રમણના ભયથી સમાજને મુક્ત રાખે. વૈશ્યો સમાજનું ભરણ-પોષણ કરે. અને શૂદ્રો ભૌતિક ચીજ-વસ્તુઓનું ઉત્પાદન કરીને સમાજની સેવા કરે. આજે પણ સમાજમાં ચાર વર્ણ છે જે જુદા-જુદા નામથી ઓળખાય છે. શિક્ષકો બ્રાહ્મણનું કાર્ય કરે છે. સૈનિક-પોલીસ ક્ષત્રિયનું કાર્ય સંભાળે છે. ખેતી-પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા વૈશ્યો તેમજ આર્કીટેક્ચર્સ, ટેક્સ્ટાઈલ ઈંડસ્ટ્રીઝ વગેરે શૂદ્રો છે. આમાં ક્યાંય ઊંચ-નીચ જેવું છે જ નહિ. છતાં વર્ગો તો છે જ, જે સમાજવ્યવસ્થા માટે જરુરી છે. હજાર વર્ષના સમયગાળા દરમિયાન ચારેય વર્ણોમાંથી સમજણનું તત્વ ચાલી ગયું હોવાથી સમર્થ દ્વારા અસમર્થનું, સવર્ણ દ્વારા પછાતનું-દલિતનું, શોષણ થયું જે સ્વયં વેદને માન્ય ન હતું. દુ:ખની વાત એ છે કે આવું શોષણ વેદના શબ્દોનો આધાર લઈને થયું હતું. વેદના જ અનુયાયીઓ વેદનો સાચો અર્થ ન જાણે ત્યારે અન્યને કોણ સમજાવે કે વેદને શું અભિપ્રેત છે?

(2)વેદનું લખાણ રૂપકાત્મક છે, લક્ષણાપ્રધાન છે. તેની જે શૈલી છે તે સાંકેતિક છે. વેદના વિધાનોનો દેખીતો અર્થ જે નીકળે છે તેના કરતા જુદો જ – ગૂઢ અર્થ થતો હોય એવું વેદમાં ઘણી જગ્યાએ છે. દા.ત. “અહલ્યાએ ઈન્દ્ર સાથે વ્યભિચાર કર્યો હોવાથી ગૌતમઋષિએ શાપ આપ્યો અને અહલ્યા શલ્યા(શીલા-પત્થર) થઈ ગઈ.” આ વિધાનનો અર્થ આ પ્રમાણે છે: ચંદ્રનું એક નામ ઈન્દ્ર છે. વહેલી સવારે આકાશમાંના ચન્દ્રને જોવામાં તલ્લીન અહલ્યા પતિ ગૌતમઋષિ માટે પૂજાના સાધનો – નદીનું જળ, ફૂલ વગેરે લાવવાનું ચુકી ગઈ. ગૌતમઋષિ અકળાયા અને અહલ્યાને કહ્યું, કે “પતિસેવા કરતા ચંદ્રદર્શનનો આનંદ વધુ મહત્વનો લાગતો હોય તો પતિ માટે કોઈ કામનો ન હોય એવા પત્થરની જેમ તું ખુણામાં પડી રહે.” “રામના ચરણની ધૂળના સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઈ.” એટલે કે રામના આગમનના સમાચાર જાણીને ગૌતમઋષિને લાગ્યું, કે અવતારી પુરુષ પોતાને ત્યાં આવે ત્યારે પોતાના પત્ની સાથેના સંબંધો બગડેલા હોય એ ઠીક નહિ. આથી ગૌતમર્ઋષિએ અહલ્યાને ફરીથી ઘરની જવાબદારી સોંપી દીધી. આ અર્થમાં રામના કોઈ પ્રયત્ન વિના અહલ્યાને પોતાનું ગૌરવ પુન: પ્રાપ્ત થયું. થોડા સમય પહેલા છાપામાં હેડલાઈન હતી, કે ‘હિમાલય વિંધ્યાચળને મળવા ગયો.’ સંશોધન કરીને ભવિષ્યમાં કોઈ કહે, કે એક સમયે પર્વતો ચાલતા હતા – તો એ કેટલું હાસ્યાસ્પદ ગણાય ! હકીકતમાં હિમાલય જે રાજ્યમાં છે એ રાજ્યના મુખ્યમંત્રી, વિંધ્યાચળ પર્વત જે રાજ્યમાં છે એ રાજ્યના મુખ્યમંત્રીને મળવા ગયા હતા. આજે પણ છાપામાં આવે છે, કે ‘ફલાણાએ પૈસા ખાધા.’ આનો ભવિષ્યના સંશોધકો એવો અર્થ કરે , કે ‘ભૂતકાળમાં નાણું વાનગી તરીકે ખાઈ પણ શકાતું હતું.’ તો એ બાબત પણ હસ્યાસ્પદ જ છે.

(3)વેદમાં યજ્ઞ દરમિયાન બલિ ચઢાવવાનો તેમજ માંસાહારનો ઉલ્લેખ છે. આ બાબતને સમજવા માટે વેદના પ્રગમનશીલ ધ્યેયવાદના સિદ્ધાંતને ધ્યાનમાં લેવાની જરુર છે. નરભક્ષી માણસને સીધો જ વનસ્પત્યાહાર પર લઈ જવાનું કાર્ય ઋષિને અવૈજ્ઞાનિક જણાયું. તેથી શરુઆતમાં માણસને ન ખાતાં પશુને ખાવાનું ઋષિએ કહ્યું હોય એમ બનવા જોગ છે. હવનમાં નારિયેળ હોમવાની પરંપરા આ રીતે જ શરુ થઈ હોય એ શક્ય છે. માનવશરીર જેવો જ આકાર ધરાવતા નારિયેળને બે આંખ, એક નાક, માથે ચોટલી જોવા મળે છે. એ શ્રીફળને વધેરીને ચોટલીનો ભાગ દેવને ધરવો ને ધડનો ભાગ પ્રસાદ તરીકે લેવો એમ ઋષિએ સમજાવ્યું. આ રીતે સદીઓના અવિરત પ્રયત્નો બાદ માનવ જંગલીપણું છોડીને સભ્ય અને સુસંસ્કૃત બન્યો છે.

માણસ ખેતી કરીને વનસ્પત્યાહાર કરતો થયો તેનાથી આગળની અવસ્થા ભગવાન રામે સમજાવી છે. અવતારે ટૂંકા ગાળામાં વૈશ્વિક કાર્ય કરવાનું હોવાથી એણે ખેતી જેવા કાર્યમાં સમય ન બગાડતાં ફળાહાર તેમજ કંદમૂળથી ચલાવી લઈને જીવન ટકાવવાનું રહે છે. અણસમજુ લોકો વેદના હળવે-હળવે માણસને વિકસિત કરવાના કાર્યને ન સમજી શકતાં એવો આક્ષેપ કરે છે કે વેદને પશુહિંસા માન્ય છે. કોઈ ડોક્ટર દર્દીને સલાહ આપે, કે “તારે દિવસમાં દસ બીડી ન પીતા માત્ર પાંચ બીડી પીવી જોઈએ.” આ દરમિયાન ચિકિત્સા કક્ષમાં આવેલી નર્સ ડોક્ટર દ્વારા બોલાયેલા પાછલા શબ્દો: “. . . . પાંચ બીડી પીવી જોઈએ.” એટલું જ સાંભળે અને ગેરસમજ કરે, કે ‘ડોક્ટર દર્દીને બીડી પીવાની સલાહ આપીને ખોટું કામ કરે છે.’ તો એ ભુલભરેલું છે. આવી જ ગેરસમજ વેદો પ્રત્યે થઈ. વેદના પ્રગમનશીલ ધ્યેયવાદને કોઈ સમજી શક્યું નહિ. અલગ-અલગ માનવસમૂહોમાં જઈને વેદના ઋષિએ તેઓને જંગલીપણું છોડીને સુસંસ્કૃત બનાવવાનું કાર્ય કર્યું છે.

પ્રગમનશીલ ધ્યેયવાદ અનુસાર માનવને તેના અંતિમ ગંતવ્ય તરફ લઈ જતાં સૌપ્રથમ નાના-નાના ધ્યેયો પાર કરવાની ટેવ પાડવામાં આવે છે – જેમ પર્વતારોહક પર્વતની ટોચે પહોંચવા માટે તેના નાના શિખરો ક્રમશ: ચઢતો જાય છે તેમ. ટોર્ચ છ ફૂટ સુધી જ પ્રકાશ ફેંકે છે. પરંતુ તેની મદદથી છ કિલોમીટર સુધી ચાલીને જઈ શકાય છે. ટોર્ચને હાથમાં રાખીને જેમ-જેમ આગળ વધતા જઈએ તેમ-તેમ આગળ પ્રકાશ પડતો જાય છે. આપણે પાંચ કિલોમીટર ચાલીને જવું હોય ને કોઈનો સાથ પણ જોઈતો હોય તો અગાઉથી જ જે તે વ્યક્તિને કહી દઈએ કે પાંચ કિલોમીટર જઈને આવવાનું છે તો એ કદાચ તૈયાર ન થાય. પરંતુ જો એમ કહીએ કે ચાલને જરા આંટો મારી આવીએ. તો એ વ્યક્તિ તૈયાર થઈ જશે. પછી થોડું-થોડું કરતાં એને પાંચ કિલોમીટર ચલાવી શકાય. આ રીતે માનવબાળની આંગળી પકડીને ઋષિ માતાની ભુમિકામાં રહીને તેને આગળ લાવ્યા છે.

Advertisements

Comments on: "વેદ: આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ" (1)

  1. M.R. Goratela said:

    I like all your writings. your ideas are very innovatives. go on we are with you

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: