વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘PHILOSOPHY’ શબ્દ બે ગ્રીક શબ્દો ‘PHILOS’ અને ‘SOPHIA’ પરથી બનેલો છે. ‘PHILOS’નો અર્થ ‘LOVE’ એટલે કે ‘પ્રેમ’ અને ‘SOPHIA’ નો અર્થ ‘WISDOM’ એટલે કે ‘ડહાપણ’ (જ્ઞાનનું જીવન પર થયેલું પરિણામ). આમ PHILOSOPHY શબ્દમાં જ્ઞાન અને પ્રેમનું સહઅસ્તિત્વ (CO-EXISTENCE) છે. જીવનમાં જ્ઞાન અને પ્રેમનું સહઅસ્તિત્વ હોવું એ અશક્ય નહિ પરંતુ દુષ્કર જરુર છે. કારણ કે જ્ઞાન અને પ્રેમની લાક્ષણિકતાઓ જાણે કે એકબીજાની વિરુદ્ધ હોય એટલી હદે ભિન્નતા ધરાવે છે. જ્ઞાન અને પ્રેમ એ બે પરંપરાસૂચક મુલ્યો છે. જ્ઞાનમાર્ગ અને પ્રેમ(ભક્તિ)માર્ગ એવા બે માર્ગો છે. પ્રેમમાં ભીનાશ છે જ્યારે જ્ઞાનમાં લુખાશ(DRYNESS) છે. ભીનાશ અને લુખાશ (ભીનું અને કોરું) ક્યારેય એકસાથે સંભવી શકે નહિ. વ્યક્તિ-સુધારણા માટે પ્રેમમાર્ગના અનુયાયીઓ ‘સમજાવટ’નું સાધન સ્વીકારે છે જ્યારે જ્ઞાનમાર્ગી આ માટે ન્યાય અને સજારુપી સાધનના ઉપયોગની વાત કરે છે. પ્રેમમાર્ગી ઉપાસક જીવનમાં પ્રેય (પ્રિય વસ્તુ કે વ્યક્તિ)ની ઝંખના કરે છે. જ્યારે જ્ઞાનમાર્ગી ઉપાસક જીવનમાં શ્રેય (કલ્યાણકારી-હિતકારી મુલ્યો)ની સાધના માટે કટિબદ્ધ રહે છે. પ્રેમમાર્ગી અથવા ભક્તિમાર્ગી અનુયાયી અળસિયા જેવો ઢીલો- મુખ આગળ અવરોધ મુકો તો પૂંછડી બાજુથી ચાલે અને પૂંછડીના ભાગેથી એને રોકો તો મુખ બાજુથી ચાલે એવો હોય છે. જ્યારે જ્ઞાનમાર્ગનો અનુયાયી અક્કડ-તુટી જાય પણ વાંકો વળવા તૈયાર નહિ તેવો હોય છે. પ્રેમમાર્ગી જ્ઞાનની અવગણના કરે છે જ્યારે જ્ઞાનમાર્ગી પ્રેમને તુચ્છ સમજે છે. આટલો વિરોધાભાસ જાણ્યા બાદ આપણને સમજાશે કે જ્ઞાન અને પ્રેમનો સમંવય કરવાનું કાર્ય કેટલું બધું અઘરું છે!

જ્ઞાન પ્રેમને ખતમ કરે છે:

એક જમાનામાં ગામડામાં ઉનાળાની રાત્રે ઘરની બહાર માતાની સાથે સુઈ ગયેલી દીકરી માતાને પૂછતી કે તેની શાળાના અન્ય બાળકોની જેમ તે છોકરીને પણ મામાને ઘરે કેમ જવા નથી મળતું? ત્યારે ભાઈ વિહોણી માતા દીકરીને સમજાવતી કે આકાશમાં દેખાતા ચાંદામામા એ તેના મામા છે, જે બહુ દૂર રહેતા હોવાથી ત્યાં જઈ શકાતું નથી. આજે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ચંદ્ર પરપ્રકાશીત ગ્રહ છે, તેના પર ખડકો છે વગેરે. આ પ્રકારના જ્ઞાનથી વ્યક્તિનો ચંદ્ર પ્રત્યેનો પ્રેમ ઓછો થયો.

પ્રેમ જ્ઞાનની અવગણના કરે છે:

પોતાના અંગત મિત્રને કટુ સત્ય સંભળાવી શકાતું નથી. મૈત્રી સાચવવા તેના અન્ય પ્રત્યેના દુર્વ્યવહારમાં કાં તો તેનો સાથ નિભાવવો પડે છે અથવા મૌન રાખવું પડે છે પરંતુ તેનો વિરોધ કરી શકાતો નથી. ‘ચોરી કરવી જોઈએ નહિ’ – આ જ્ઞાનમાર્ગી સિદ્ધાંતમાં માનનાર વ્યક્તિ મૈત્રી સાચવવા સિદ્ધાંતને બાજુ પર મુકીને પરીક્ષામાં મિત્રને ચોરી કરાવવામાં મદદરુપ થાય છે.

જ્ઞાન અને પ્રેમનો સમન્વયઃ

જ્ઞાન પ્રેમને ખતમ ન કરનારું બલ્કે પ્રેમ વધારનારું હોવું જોઈએ. તેથી જ્ઞાનના અધિકારીની ચર્ચા આવી. પ્રત્યેક માણસ પ્રત્યેક જ્ઞાન મેળવવાનો અધિકારી ન બની શકે. માણસે, જેમ મળેલા જ્ઞાનનો દુરુપયોગ ન કરવો જોઈએ – અન્યને તેના જ્ઞાનથી નુકશાન ન થવું જોઈએ તેમ તેને મળેલું જ્ઞાન તેના જીવનમાંથી પ્રેમને ખલાસ ન કરે તેનો વિચાર તેને જ્ઞાન આપતી વખતે થવો જોઈએ. એ જ રીતે સંબંધોમાં પ્રેમ જાળવવા જ્ઞાનની અવગણના ન કરતાં પોતાના સંબંધીઓને પણ સત્ય વચન કહેવાની હિંમત માણસે રાખવી જોઈએ. સંબંધોમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસની લાગણીનું નિર્માણ થાય ત્યારે જ આવું શક્ય બને છે. જ્ઞાન અને પ્રેમનો સમંવય વાણી દ્વારા વ્યક્ત કરી શકાય તે માટે સત્ય અને પ્રિય બન્ને બોલતા આવડવું જોઈએ: सत्यम ब्रूयात. प्रियम ब्रूयात. न ब्रूयात सत्यमप्रियम. नानृतम प्रियम ब्रूयात. કહેવાય છે કે શિક્ષકે એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં જ્ઞાન રાખવું. આનો અર્થ એ છે કે શિક્ષકે વિદ્યાર્થીને જેમ પ્રેમ આપવો જરુરી છે તેમ તેઓને શિસ્તના પાઠ ભણાવવા જરુર પડ્યે તેઓ પ્રત્યે કડક થવું પણ જરુરી છે. અન્ય એક સુભાષિત છે: वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि અર્થાત PHILOSOPHYનો માણસ વજ્ર(ઈન્દ્રનું હથિયાર)ની જેમ કઠોર છતાં ફૂલ જેવો કોમળ હોવો જોઈએ. સજ્જનો નારિયેળ જેવા હોય છે. નારિયેળ જેમ બહારથી કઠોર અને અંદરના ભાગે કોમળ હોય છે તેમ સજ્જનો બહારથી કરડાકી ભર્યો ચહેરો ધરાવતા હોવા છતાં હૃદયમાં અન્ય પ્રત્યે પ્રેમભાવ ધરાવનારા હોય છે. દુર્જનો બોર જેવા હોય છે. બોર બહારથી કોમળ પરંતુ તેના ગર્ભમાં ઠળીયારુપે કઠોર હોય છે તેમ દુર્જનો એક નજરે ગમી જાય એવા, મધુર વાણી બોલનારા, હસતો ચહેરો ધરાવતા, બહારથી મૃદુ લાગે છે. પરંતુ તેઓના હૃદયમાં અન્ય પ્રત્યે પ્રેમભાવનાને બદલે કઠોરતા ભરેલી હોય છે.

માતા=પ્રેમ અને પિતા=જ્ઞાન:

માતા વિચારે છે કે બગડેલો દીકરો પ્રેમથી સમજાવટથી ભવિષ્યમાં સુધરી જશે. જ્યારે પિતા વિચારે છે કે સજા કર્યા વિના દીકરો સુધરવાનો નથી. પિતા દીકરાને ઘરની બહાર કાઢી મુકે છે જ્યારે માતા તેને પાછલા બારણેથી અંદર બોલાવી લે છે. સ્ત્રી સ્વાભાવિક રીતે પ્રેમમાર્ગી છે જ્યારે પુરુષ સાહજિક જ્ઞાનમાર્ગી છે. આમ બન્ને અડધા-અપૂર્ણ છે. જ્ઞાન અને પ્રેમનો સમંવય કરીને બન્નેએ પૂર્ણ બનવાનું છે. આમ બનશે ત્યારે PHILOS અને SOPHIAનું સહઅસ્તિત્વ એવી PHILOSOPHY જીવનમાં સાકાર થઈ કહેવાય. (આજના સ્ત્રી-પુરુષોને આ વાત લાગુ પડતી નથી કારણ કે આજે સ્ત્રૈણ પુરુષો અને પુરુષી સ્ત્રી જોવા મળે છે.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: