વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1)ગણેશજીના બે દાંત છે: આખો દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને તુટેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે. પરમ તત્વને પામવામા શ્રદ્ધા પુર્ણ સાથ આપે છે જ્યારે બુદ્ધિ ક્યાંક અટકી જાય છે. તેથી બુદ્ધિને સર્વસ્વ માનીને ચાલનારો શ્રદ્ધાવિહોણો માણસ જીવનમાં અટવાયા કરે છે.

(2)ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે જ કોલેજના વર્ગમાં ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ બોલવાની ચેષ્ટા કરનાર અંગ્રેજ પ્રોફેસરને નરેન્દ્રે(વિવેકાનંદે) ચાલુ વર્ગે લાફો મારી દીધો હતો એટલું જ નહિ, યુવાનોનું ગ્રુપ બનાવીને એ પ્રોફેસરને એટલો પજવ્યો કે પોતાની બદલી કરાવીને એ બીજે ચાલ્યો ગયો.

(3)‘કરોડરજ્જૂ’ શરીરને ટટ્ટાર રાખે છે તેમ મહાન વિચાર માનવજીવનમાં કરોડરજ્જૂનું કાર્ય કરે છે. કરોડરજ્જૂ વિનાનો માણસ માંસના લોચાની જેમ કે અળસિયાની જેમ જમીન પર પડી રહે તેમ વિચારહીન માણસ લાચારીભર્યું જીવન જીવે છે.

(4)પાંચ ઈન્દ્રિયો દ્વારા ભોગ ભોગવવાની વૃત્તિ મનુષ્ય તેમજ પ્રાણીમાં એક સમાન રીતે જોવા મળે છે. તેથી મનુષ્ય માટે આ કક્ષાનું જીવન તુચ્છ, તિરસ્કૃત, અતિશય નિંદનીય ગણાવું જોઈએ. દુ:ખની વાત છે કે આ જ જીવનને અંતિમ ધ્યેય ગણીને સમગ્ર માનવજાત આજે ભોગજીવન માટે જ સંઘર્ષ કરતી રહી છે અને ‘ખાઓ, પીઓ અને જલસા કરો’માં જ રાચતી રહી છે.

(5)કરોડો ભુખ્યા – નગ્ન માનવોને રોટી-કપડા-મકાન આપવામાં આવે તો વિશ્વનો ખજાનો ખાલી થઈ જશે પરંતુ માનવીની ભૌતિક જરુરિયાત પૂરી થઈ શકશે નહિ. પરંતુ જો આ જ માનવોને વિચાર આપવામાં આવશે તો જીવનમાં લાચારી પણ નહિ આવે. આ અર્થમાં વિચાર જીવનની કરોડરજ્જૂ છે.

(6)ખાબોચિયાના પાણીમાં ગંદકી થતાં વાર નથી લાગતી કારણ કે તે સંકુચિત તેમજ બંધિયાર હોય છે. નદીના પાણીમાં ક્યારેય ગંદકી થતી નથી કારણ કે નદીને પ્રવાહ હોય છે. એ જ રીતે મસ્તિષ્કમાં સતત વિચારપ્રવાહ વહેતો હોય તો તે માનવજીવનને શુદ્ધ રાખે છે.

(7)વિચારથી સૂતેલો માણસ જાગે છે, જાગતો ઊઠે છે, ઊઠેલો માણસ ચાલવા લાગે છે, ચાલતો માણસ દોડે છે અને દોડતો માણસ ઊડીને ધ્યેય સુધી પહોંચે છે.

(8)ગીતા કહે છે, કે ‘જે માણસ પોતાની આવકમાંથી ભગવાનનો ભાગ કાઢતો નથી તે ચોર છે.’ મંદિર આપણને શીખવાડે છે કે દરેકે ભગવાનનો નિશ્ચિત ભાગ કાઢવો જોઈએ. પ્રમાણિકતાથી ભગવાનનો ભાગ કઢનારા કેટલા? પ્રત્યેક માણસે આત્મનીરિક્ષણ કરવું રહ્યું.

(9)ભગવાન પાસે સાધનોની માગણી કરનારને એટલુંય ભાન નથી કે ભગવાનને મારા કરતા સારી સમજણ છે તેથી તેને જે યોગ્ય લાગ્યું તે મને આપ્યું છે. તેથી એમાં મારે કાંઈ ટકટક કરવાની જરુર નહિ. જે મળ્યું છે એનો યોગ્ય ઉપયોગ કરી શકું તો મારા વિકાસને કોઈ અટકાવી શકે નહિ.

(10)માણસ બધું જ્ઞાન મેળવવાનો અધિકારી ન બની શકે. મળેલા જ્ઞાનનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખીને માણસને જ્ઞાન આપવું જોઈએ તેમજ એ જ્ઞાનથી તેના જીવનમાં રહેલો પ્રેમ ખલાસ ન થાય તેનો વિચાર પણ તેને જ્ઞાન આપતી વખતે થવો જોઈએ.

(11)કોઈ વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિ માટે ઘણા સમયથી માણસે ઝંખના કરી હોય તે મળતાં જ, ‘તે મળશે તો કેવી મજા આવશે’ – એવી આનંદની કલ્પના ભ્રમ સાબિત થાય છે અને તેનાથી વધુ મુલ્યવાન વસ્તુ કે વ્યક્તિને પ્રાપ્ત કરવાની ઝંખના થાય છે. આમ વસ્તુ કે વ્યક્તિ પોતાની હોય કે બીજાની – માણસને આનંદ આપી શકતી નથી.

(12)સદવાચન, સત્સંગ જેવા સારા વ્યસનો મનને લાગે તો આપોઆપ ખરાબ વ્યસનો ચાલ્યા જાય છે. કંઈક ને કંઈક વાતો પકડીને બેસવાની ટેવ હોય છે એવા મનને સારી વાતોની ટેવ પાડીએ એટલે એની મેળે જ મન ખોટી વાતોને પડતી મુકે. આમ વ્યસનમુક્તિ થાય છે. ‘વ્યસન દુર કરો’ની બુમો પાડવાથી વ્યસન દુર થતા નથી.

(13)ધન અને સ્ત્રીની લાલસા ઘટાડી શકાય પરંતુ કીર્તિની લાલસા ઘટાડવાનું મહાપુરુષો માટે પણ અઘરું છે. પોતાનું સર્વસ્વ ત્યાગનારા પણ સમાજ પર પોતાની સારી છાપ પડે એમ જુએ છે. શ્રીકૃષ્ણ અને શિવાજી મહારાજે કીર્તિના બદલે કલંક સ્વીકારીને ધર્મ અને સંસ્કૃતિનું કામ કર્યું.

(14)પગથિયા ઉતરતા સારું લાગે છે પરંતુ ચઢવાનું આકરું લાગે છે. અધ:પતનમાં (પોતાના સ્તરથી નીચે જવામાં) શરુઆતમાં મજા આવે છે જ્યારે ઉર્ધ્વગમન કરતી વખતે (પોતાના જીવનનો ગ્રાફ ઉંચે લઈ જતાં) હાંફી જવાય છે. ગીતા કહે છે: શરુઆતમાં જે ગળ્યું લાગે છે એ પરિણામે ઝેર બને છે અને શરુમાં જે કડવું લાગે છે એ અંતે મધુર સાબિત થાય છે. મનગમતા જીવનસાથી શોધનારને પણ આ લાગું પડે છે.

(15)અંગ્રેજી ઉક્તિ : ‘A teacher should expand his horizon of knowledge without purpose.’ અને સંસ્કૃત ઉક્તિ : “निष्कारणेन ब्राह्मणेन षडंगो वेदोध्येय ज्ञेयश्च.” બન્નેમાં આશ્ચર્યજનક સામ્યતા છે, જે દર્શાવે છે, કે પૂર્વ કે પશ્ચિમના માણસોના અનુભવમાં રહસ્યાત્મક એકતા છે.

(16)કાયદો કરવાથી ભ્રષ્ટાચાર જતો નથી પરંતુ જાહેરસેવા અર્થે સતત લડનારા શુદ્ધ ચરિત્રો કાયદાનો અસરકારક અમલ કરાવી શકે છે. આવા ચરિત્રો આકાશમાંથી ટપકતા નથી. એ તો હજારો માઈલની સફર કરીને આવેલા દરિયાના મોજામાં જોવા મળતા શુભ્ર ફીણ જેવા હોય છે. એ માટે પેઢીઓથી ઘરમાં સદગ્રંથોનું વાચન, મહાપુરુષોના ચરિત્રોનો અભ્યાસ થતો હોય એ જરુરી છે.

(17)કોઈ એમ કહે કે ‘હું ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છું’ તો એ હાસ્યાસ્પદ વાત છે. કારણ કે ભ્રષ્ટાચાર ફરજિયાત છે જ નહિ. પોતાની લાલચ, મમત્વ તેમજ અહંકારને પોષવા માણસ સ્વેચ્છાએ ભ્રષ્ટાચાર કરે છે અથવા કરવા દે છે. કોઈ વ્યક્તિ ઈચ્છે તો એમાંથી બાકાત રહી શકે છે અને એવા ઘણા દેશો છે, જ્યાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું છે.

(18)ભગવાનને રસ્તે જે-જે ચાલ્યા છે તેને સમાજે અતિશય હેરાન કર્યા છે, પછી તે મીરા હોય કે નરસિંહ.

(19)મોટા અને સાચા માણસ સાથે આપણી ઓળખાણ થાય એટલે તેઓ આપણું કામ કરે એવું ક્યારેય ન બને. આપણે એમના કહ્યામાં વર્તીએ ત્યારબાદ આપણને ખાતરી થાય કે એમણે કર્યું એનાથી વધુ સારું આપણું હિત બીજું કોઈ પણ ન કરી શક્યું હોત. પરંતુ એ માટે સૌપ્રથમ આપણી બુદ્ધિથી આપણું હિત વિચારવાનું છોડી દેવું પડે છે.

(20)વિનિમયપ્રથા (બાર્ટર સીસ્ટમ) ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલા બગાડનું સ્વરૂપ છે. કારણ કે એમાં પ્રત્યેક માણસ સ્વાર્થપ્રેરિત કૃતિ કરે છે. જ્યારે વૈદિક અર્થશાસ્ત્રને નિ:સ્વાર્થ કૃતિ અભિપ્રેત છે. ખેડૂત અનાજ ઉગાડે ત્યારે આખા ગામ માટે ઉગાડે અને ઘર-ઘરમાં અનાજ પહોંચતું કરે. કુંભકાર માટલા ઘડે અને ઘરે-ઘરે વહેંચી દે. ચર્મકાર સહુના માટે ચપ્પલ બનાવે. વાળંદ પ્રત્યેક ઘરે જઈને વાળ કાપી આવે. વસ્ત્રકાર બધા માટે કપડા તૈયાર કરે. આ રીતે બધા જ નિ:સ્વાર્થ કાર્ય કરે ને સહુની ભૌતિક જરુરિયાત પણ પૂરી થઈ જાય.

(21)પ્રાચીનકાળમાં ઋતુઓ નિયમિત હતી. કોઈ ખર્ચ વિના અનાજનું પુષ્કળ ઉત્પાદન થતું. આથી નાના-મોટા પ્રસંગે ગામને જમાડીને વર્ષમાં અનાજ ખુટવાડી દેવાતું અને નવું અનાજ પકવવાનો પુરુષાર્થ શરુ થતો. આજે કુદરત રૂઠી છે, વસ્તી વધી છે, ખેતી મોંઘી થઈ છે. પરિણામે અનાજની તીવ્ર અછત વર્તાય છે ત્યારે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને, જેઓ નાણાભીડ અનુભવે છે તેઓએ જમણવારને પોતાના પ્રસંગોની ઉજવણીમાંથી બાકાત કરી દેવો જોઈએ.

(22)ખેડૂત ભારતીય સંસ્કૃતિનો વૈશ્ય વર્ગ છે. તે માત્ર અનાજ ઉગાડતો નથી પરંતુ સમાજનો છેલ્લામાં છેલ્લો માણસ ભુખ્યો સૂઈ ન જાય તેનું ધ્યાન રાખે છે. એક સમયે વૈશ્ય નાનામા નાની વ્યક્તિને પોતાનો ભાઈ ગણીને કોઈને ખબર ન પડે એમ એના ઘરે અનાજ પહોંચાડી આવતો. તેથી કોઈનું ગરીબ રહેવાનું શક્ય જ ન હતું. જે સમાજમાં ગરીબ-ગુરબાઓ વધુ જોવા મળતા તે સમાજ વ્યવસ્થાની દૃષ્ટિએ અત્યંત હીન સમાજ ગણાય.

(23)કોઈ પણ કાર્ય નવું હોય ત્યાં સુધી શરીરની સાથે મગજ પણ વ્યસ્ત રહે છે, પરંતુ કાર્ય ઘરેડમાં આવી જાય એટલે શરીર દ્વારા યંત્રવત કાર્ય થયા કરે છે અને છતાં મગજ નવરું રહે છે. આથી મગજને વ્યસ્ત રાખવા એમાં સતત વિચારપ્રવાહ ચાલતો રહે એ જરુરી છે.

(24)ભય અને લાલચ, ઈનામ અને સજા – પશ્ચિમના વિદ્વાનો આ બે પરિબળોને માનવ વર્તનને નિયંત્રિત કરનારા ગણાવે છે, જેને આપણે પશુવર્તનને નિયંત્રિત કરવા માટે સ્વીકારીએ છીએ. આથી સાબિત થાય છે કે પાશ્ચાત્યો માનવ અને પશુ વચ્ચે કોઈ ફરક જોતા નથી. ગીતા કહે છે: વિચાર અને પ્રેમ – આ બે પરિબળો દ્વારા માનવસ્વભાવને બદલી શકાય છે. પ્રેમથી માનવને પોતાનો કરવાનો અને જીવનને ઉર્ધ્વગતિ બક્ષે તેવો વિચાર સહજ રીતે તેને આપવાનો.

(25)મંદિર ગામના પાદરમાં હોય એટલે ત્યાં જવા-આવવામાં સમય પસાર થઈ શકે, ચાલવાની કસરત પણ શરીરને મળે, સહુ ત્યાં એકઠાં થઈને એકબીજાને મળે એટલે સ્વાભાવિક રીતે પ્રેમભાવ વધે. મંદિરે બજારની કે સંસારની ફાલતુ વાતો તો કરવાની હોય નહિ એટલે સહુની ધાર્મિકતા તેમજ આધ્યાત્મિકતા વધારવા માટેનું બળ પ્રત્યેકને મળી રહે. છુટા પડતી વખતે સહજ એકબીજાના સુખ-દુ:ખની પૃચ્છા થતી રહેતી હોવાથી એકલતાની કે અસહાયતાની પીડા કોઈને કનડે નહિ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: