વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘મહાભારત’ ગ્રંથના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. મહાભારત એ ઈતિહાસ છે, નવલકથા નથી. આ ગ્રંથને ખોલવાની જરુર છે. છેલ્લા હજાર વર્ષોથી વેદ-ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, શ્રીમદભગવદગીતા, સ્મૃતિગ્રંથો સાથેનો ભારતીય સમાજનો સંપર્ક છૂટી ગયો. પરિણામે તેજ્સ્વીતા ચાલી ગઇ-સમાજ નિર્માલ્ય થયો-એક્તા તૂટી. દેશ વિદેશી આક્રમણ સામે ઝૂક્યો-ગુલામીમાં સબડયો. હવે જયારે ભારત દેશ આઝાદ થયો છે ત્યારે ફરીથી સંસ્કૃતિનો સુવર્ણયુગ આવે તે માટે મહાન ગ્રંથોનું અધ્યયન થવું અનિવાર્ય છે. મહર્ષિ વેદવ્યાસ રચિત ‘મહાભારત’ અને આદિ કવિ વાલ્મિકી રચિત ‘રામાયણ’ એ આપણો ઇતિહાસ છે. તેજસ્વી ઇતિહાસ જાણવાથી વ્યક્તિમાં અસ્મિતા જાગ્રત થાય છે. પરિણામે વ્યક્તિ મહાન બને છે. પ્રસ્તુત લેખમાં મહાભારતના વાંચનના અભાવે ભારતીયોમાં તેમજ વિશ્વમાં કૃષ્ણ અંગે જે ગેરસમજ પ્રવર્તે છે તેમાંની કેટલીક મુખ્ય ભ્રમણાઓને આક્ષેપો તરીકે લઇ તેનું ખંડન કરવાનો નમ્ર પ્રયાસ કરું છું.

1. કૃષ્ણને 16108 પત્નીઓ હતી આથી કૃષ્ણ વિલાસી હતા.

આજે સામાન્ય સંપત્તિવાન પણ લગ્ન કરે તો તેનો ઉત્સવ સપ્તાહ સુધી ચાલે છે તો શ્રીકૃષ્ણ લગ્ન કરે તેનો મહોત્સવ એક મહિનો ચાલે. 16108 પત્ની એટલે 16108 મહિના એટલે 1342 વર્ષ. 18 વર્ષ બાદ લગ્ન શરુ થાય અને મૃત્યુ પર્યંત કૃષ્ણ લગ્ન કરે તો તેઓનું કુલ આયુષ્ય 1360 વર્ષનું ગણાય. બીજી રીતે જોઇએ તો કૃષ્ણ એક સાથે તમામ સ્ત્રીઓ સાથે લગ્ન કરે એ માટે તમામ સ્ત્રીઓ લગ્ન વયની, કુંવારી અને કૃષ્ણના કુંટુંબ સાથે સંબંધ બાંધવાને લાયક તેમજ સર્વ સ્ત્રીઓના પરિવાર સાથે એક સાથે વાતચીત તેમજ પત્રવ્યવહારનો સંપર્ક સ્થાપવો આ બધું અવ્યવહારિક છે. મહાભારતમાં જણાવ્યું છે તે પ્રમાણે કૃષ્ણે માત્ર આઠ લગ્નો કર્યા હતા જેમાં મોટા ભાગના લગ્નો રાજકીય કારણસર થયેલા હતા. રહી વાત 16100 સ્ત્રીઓની.

નરકાસુર નામના વિલાસી રાજાએ 16100 સ્ત્રીઓને બળજબરીથી પોતાના જનાનખાનામાં રાખી હતી. કેટલીક સ્ત્રીઓ કુંવારી હતી તો કેટલીક પરણેલી હતી. કૃષ્ણની પટરાણી(પ્રથમ પત્ની) રુક્મિણીના ધ્યાનમાં આ વાત આવી. એટલે તેણે આ સ્ત્રીઓને મુકત કરાવીને ગૌરવ અપાવવાનો વિચાર કર્યો. કૃષ્ણની મદદથી (નરકાસુરના વધ દ્વારા) રુક્મિણીએ આ સ્ત્રીઓને નર્કાગારમાંથી મુક્ત કરાવી. મુક્ત થયેલી સ્ત્રીઓએ કૃષ્ણને પતિ તરીકે સ્વીકારવાની માંગણી કરી અને તે તમામ સ્ત્રીઓના મનોરથ પૂર્ણ કરવા રૂક્મિણીની ઇચ્છાથી કૃષ્ણે તેમને પત્નીનો દરજ્જો આપ્યો. આથી સ્ત્રીઓના ભરણપોષણ કે રક્ષણનો પ્રશ્ન જ રહ્યો નહિ. સમાજનો કોઇ મવાલી કૃષ્ણની પત્નીને છેડવાની હિંમત કરે નહિ. એ જ રીતે ‘હું કૃષ્ણની પત્ની છું’ આ અસ્મિતા કોઇપણ સ્ત્રીને પતનના માર્ગે જતા રોકે. કોઇપણ સ્ત્રીનો ગૌરવવંતો સામાજિક દરજ્જો પત્ની તરીકેનો જ છે. આથી કૃષ્ણે તમામ સ્ત્રીઓને તે દરજ્જો આપ્યો અને સમાજમાં વ્યભિચાર થતો અટકાવ્યો છે.

2. ગોકુળમાં કૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરી તેઓના વસ્ત્રો હર્યા.

ગોકુળમાં કૃષ્ણ વાંસળી વગાડે એટલે સૂરથી આકર્ષાઇને નહિ પરંતુ કૃષ્ણ પ્રત્યેના પ્રેમને કારણે ગોકુળવાસીઓ કૃષ્ણ પાસે દોડીને જતાં. જેમાં આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષ, તમામનો સમાવેશ થાય છે. કોઇ ઘરની એકલી સ્ત્રી, ઘરના સભ્યો પ્રત્યેની જવાબદારી ભૂલીને કૃષ્ણ પાછળ ગાંડી થઈને દોડે અને ઘરના સભ્યો તેના વર્તનને ચલાવી લે એવું ન બને. કૃષ્ણ પ્રત્યે સમગ્ર ગોકુળનો સમાજ ઘેલો હતો. આથી જ કૃષ્ણે માત્ર એક જ વાર કહેતા ગોકુળવાસીઓએ વર્ષો જૂની ઈન્દ્રપૂજાની પરંપરા છોડીને ગોવર્ધનપૂજા શરૂ કરીહતી.

પુરાણોના સાંકેતિક લખાણનો અર્થ જાણવા અક્કલ ચલાવવી પડે. જે રીતે ગોપી એટલે રાસ રમનાર પ્રત્યેક ગોકુળવાસી. વસ્ત્રાહરણ એટલે દંભી વ્યક્તિને, તે જેવો છે તેવો ખુલ્લો કરવો. કૃષ્ણ સમક્ષ કોઇનું જુઠ્ઠાણું ચાલતું નહિ. તેઓ સર્વેની ચાલાકી પકડી પાડતા. વળી કૃષ્ણે ગોકુળમાં રાસલીલા કરી ત્યારે તેઓની વય માત્ર સાત જ વર્ષની હતી. આ વયના બાળક સાથે કોઇપણ વયની સ્ત્રી સંપર્ક રાખે તેનો કોઇ સામાજિક બાધ હોતો નથી કારણ કે આ વયનો બાળક તદ્દન નિર્દોષ હોય છે. દસ વર્ષના થયા બાદ કૃષ્ણ ગોકુળ છોડે છે. ત્યારબાદ ક્યારેય પણ કૃષ્ણ ગોકુળ પરત આવ્યા નથી. ભાગવતમાં ‘રાધા’ નામનો જે ઉલ્લેખ આવે છે, તેવું કોઇ પાત્ર ઐતિહાસિક રીતે અસ્તિત્વમાં નહોતુ. મહાભારતમાં ‘રાધા’ નામનો કોઇ ઉલ્લેખ નથી. ‘રાધા’ શબ્દમાં જ સાંકેતિક અર્થ રહેલો છે, તે આ પ્રમાણે છે: રા=રાસ અને ધા= ધસી જવું. કૃષ્ણની વાંસળીના સૂર સાંભળીને રાસ રમવા સમગ્ર ગોકુળવાસીઓ ધસી જતા. આથી ‘રાધા’ એટલે રાસ રમનાર સર્વે ગોપ-ગોપીઓ, એવો અર્થ લઇ શકાય.

3. કૃષ્ણે ગોકુળમાં માખણચોરી કરી અને ગોપીઓની માટલી ફોડી.

કૃષ્ણ નંદબાવાના ઘરે ઉછર્યા. નંદબાવા ગોકુળના યાદવ સમાજના પ્રમુખ હતા. આથી સ્વાભાવિક રીતે જ તમામ પ્રકારે સમૃદ્ધ હતા. કૃષ્ણને કોઇ વાતની કમી ન હોય તેથી પોતાના માટે ચોરીનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. અહીં કૃષ્ણના અર્થશાસ્ત્રલક્ષી વિચારોનો આપણને અભ્યાસ કરવા મળે છે. કૃષ્ણ માનતા હતા કે ગામના દુધ-માખણ ગામમાં જ રહેવા જોઇએ. ગામના બાળકો તે ખાઇને પુષ્ટ થવા જોઇએ. તેજસ્વી વિચારોની સાથે હૃષ્ટ-પુષ્ટ શરીર પણ હોવું જરુરી છે. ગામના દુધ-માખણ ગામની બહાર જતા રહે અને બાળકોની તંદુરસ્તીના ભોગે જે વિત્ત(ધન) મળે તે શા કામનું? કૃષ્ણના વિચારો ગોકુળવાસીઓના મગજમાં બેસતા ખરાં, પરંતુ કંસના ડરથી તેઓ કંસની નગરી મથુરામાં દુધ-માખણ પહોચાડવાનું બંધ ન કરતા.

કૃષ્ણને સામાન્ય ગ્રામવાસીમાં હિંમત ભરવી હતી. પરંતુ તે માટે સમય તો લાગે ને! દરરોજ સાંજે ગોકુળવાસીઓને પ્રેરક પ્રવચન આપવાની સાથે સાથે તેના અમલ માટે સજાગ રહીને કૃષ્ણ દિવસ દરમિયાન તે વિચારોનો વ્યવહારમાં વિનિયોગ કરાવતા. કૃષ્ણનું ન માનતા ગોપી દુધ-માખણ મથુરામાં પહોંચાડવા જતી તો કૃષ્ણ પોતે બાળમિત્રોને સાથે લઇને તેની દુધ-માખણ ભરેલી માટલી ફોડી નાંખતા. વળી ઘરમાં રાખેલું દુધ-માખણ ચોરીને ગોકુળના જે-તે બાળકોને ખવડાવી દેતા. આથી કૃષ્ણે માખણચોરી કરી અને ગોપીઓની માટલી ફોડી તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહિ પરંતુ સમગ્ર ગોકુળ ગ્રામસમાજની હિઁમત વધારવા તેમજ તેઓની શારીરિક તંદુરસ્તી માટે છે.

આજે પણ આપણે જોઇએ છીએ કે ગ્રામ્યવાસીઓ કાળી મજૂરી કરીને દેખીતી રીતે જ ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન કાર્ય કરે છે. ધરતીમાંથી અનાજ, શાકભાજી તેમજ ફળો ઉગાડે છે. વળી પશુપાલન દ્વારા દુધ-માખણ તૈયાર કરે છે. પરંતુ તેમાનુ કાંઇપણ આ ગ્રામ્ય બાળકોને ભોગવવા મળતું નથી. તેઓએ પરસેવો પાડીને પેદા કરેલા ઉત્તમ ભોગો, કોઇ પણ પ્રકારનું દેખીતું ઉત્પાદન કાર્ય ન કરનાર શહેરીજનો ભોગવે છે. આ અન્યાય છે. અબુધ ગ્રામ્યવાસીઓ આ સમજી શક્તાં નથી. થોડી ઘણી કરન્સી માટે તેઓ પોતાની કુદરતી સમૃદ્ધિ શહેરમાં વેચી દે છે. પરીણામે ગામડાના મહેનતુ માણસો પોષણના અભાવમાં કૃષકાય રહી જાય છે અને શહેરનું આરામદાયક(શારીરિક કષ્ટ વિનાનું) જીવન જીવતા માણસોના શરીર પર ચરબીના થર જામતા જાય છે. આથી લાગે છે, કે કૃષ્ણના આ વિચારો આજે પણ લોકોએ અમલમાં મૂકવા જેવા છે.

4. કૃષ્ણે અનેક રાજાઓને માર્યા તેમજ મહાભારત યુદ્ધમાં અર્જુનને હિંસા માટે પ્રેર્યો.

કૃષ્ણનું રાજકીય તત્વજ્ઞાન એવું કહે છે કે સત્તાસ્થાને બેઠેલા માણસને યોગ્ય વાત સમજાવવી અશક્ય છે. સામાન્ય માણસ યોગ્ય વાત સમજીને સ્વીકારી લે છે જ્યારે સત્તાસ્થાને બેઠેલાને જોરદાર ફટકો મારવો જ પડે છે. ધર્મની સંસ્થાપના કરવા માટે કૃષ્ણે આથી જ કહેવાતા ધાર્મિક એવા દાંભિક અને અધાર્મિક રાજાઓને માર્યા છે. પરંતુ કૃષ્ણે વિધ્વંસક કાર્યો કર્યા છે એવુ નથી. પોતાના દસ વર્ષના બાલ્યકાળ દરમિયાન ગોકુળમાં કૃષ્ણે સર્જનાત્મક(constructive) કાર્ય કરીને સમગ્ર ગોકુળવાસીઓનું જીવન બદલાવ્યું છે. દરરોજ સાંજે કૃષ્ણ ગોકુળવાસીઓને વાંસળીના સૂરે યમુના નદિના કિનારે એક્ઠાં કરીને પ્રવચન કરતા. તેઓના વિચારોની અસર(દુધ-માખણ વેચવા જતી ગોપીઓના માધ્યમથી) મથુરામાં એવી થઇ હતી કે કૃષ્ણે કંસને અપમાનજનક મૃત્યુ આપ્યું ત્યારે મથુરાનો એક પણ માણસ(કંસના અંગરક્ષક સુદ્ધાં) કંસને બચાવવા આગળ આવ્યો નથી. અન્યાયના અંત માટે ગોકુળ તેમજ મથુરાવાસીઓ કૃષ્ણના વિચારે એક થયા હતા.

કંસને હણ્યા બાદ કૃષ્ણના મથુરાવાસ દરમિયાન કૃષ્ણે મથુરાવાસીઓને હિંમતવાન બનાવ્યા તેનું પરીણામ એ આવ્યું કે મથુરાનું સ્વતંત્ર સૈનિકદળ ન હોવાં છતાં મગધરાજ સામ્રાજ્યવાદી જરાસંઘના સત્તર-સત્તર હુમલાઓ મથુરાના નગરજનોએ ખાળ્યા. પાંડવો પાસે રાજસૂય યજ્ઞ કરાવીને કૃષ્ણે વિરાટ રચનાત્મક કાર્ય કર્યું છે. રાજસૂય યજ્ઞ કરનાર યજમાન રાજા ચક્રવર્તી સમ્રાટ હોવા ઉપરાંત પોતાની વિચારધારા સમગ્ર વિશ્વમાન્ય કરાવે તેવું અનિવાર્ય છે. કૃષ્ણે યુધિષ્ઠીરના માધ્યમથી સમગ્ર વિશ્વને વૈદિક વિચારધારા માન્ય કરાવી છે. જરાસંઘને મારીને તેનો નરમેઘ યજ્ઞ રોકાવીને સો રાજાઓને મુક્ત કરી તેઓને તેઓનું રાજ્ય પરત સોંપ્યું છે. ઉપરાંત જે-જે અધાર્મિક રાજાઓને કૃષ્ણે હણ્યા તે-તે રાજાઓનું રાજ્ય તે રાજાઓના લાયક પુત્રોને અથવા તે રાજ્યના જ લાયક વ્યક્તિને સોંપ્યું છે. છેલ્લે મહાભારતના યુદ્ધ બાદ પણ કૃષ્ણે ત્રણેક દાયકા સુધી આ પૃથ્વી પર સર્જનાત્મક કાર્ય કર્યું છે.

કૃષ્ણે અર્જુનને હિંસા કરવા પ્રેર્યો એમ કહેવું બરાબર નથી. આપણે પૂછવું જોઇએ કે કોઇપણ સદગુણ જીવનમાં લાવવાનો શા માટે? કોઇ સારા હેતુ માટે. અહિંસા જીવનમાં લાવવાની કારણકે સૃષ્ટિમાં કોઇપણ જીવ પીડાવો જોઇએ નહિ. પરંતુ તેની શરુઆત પોતાનાથી થવી આવશ્યક છે. અર્થાત પ્રથમ પોતાની હિંસા ન થવા દેવી ત્યારબાદ બીજાની હિંસા ન થાય તે જોવુ. પોતાની હિંસા જે રોકી શક્તો નથી તે ‘બીજાની હિંસા ન થવી જોઈએ’ એવું શી રીતે બોલી શકે ? આ બાબતને કૌરવ-પાંડવના સંદર્ભમાં જોઇએ તો કૌરવોનું સમગ્ર જીવન પાંડવોની અનેક પ્રકારે હિંસા કરવામાં જ વ્યતીત થયું છે. જ્યારે પાંડવોનું જીવન ધર્મયુક્ત રહ્યું છે. કૃષ્ણે અર્જુનનો પક્ષ સબળ કર્યો કારણ પાંડવો જીતે તો ‘ધર્મયુક્ત માણસોનો જય થયો’ ગણાય. જ્યારે કૌરવો જીતે તો ‘અધર્મનો જય થયો’ એમ કહેવાય. પાંડવો અને કૌરવોની વૃત્તિ તેઓના જીવનના આધારે સ્પષ્ટ રીતે જગજાહેર હતી. આથી કૃષ્ણે આ યુદ્ધમાં ભાગ લીધો છે. બે ભાઇઓની મિલકતની વહેંચણીનો જ માત્ર પ્રશ્ન હોત ત તો કૃષ્ણે તેઓને તેઓની રીતે વર્તવાનું કહી વચ્ચે પડવાનું ટાળ્યું હોત.

5. કૃષ્ણ કપટી હતા. તેઓએ છળથી અનેકોને માર્યા કે મરાવ્યા છે.

ધર્મની સંસ્થાપના કરવી એ કૃષ્ણના જીવનનું ધ્યેય હતું. અને આ કાર્ય માટે પવિત્ર સાધન એવા પાંડવોને કૃષ્ણે નિમિત્ત બનાવ્યા હતા. કૃષ્ણનો કોઇ ભૌતિક કે આધ્યાત્મિક વિકાસ કરવાનો હેતુ(પોતાના માટે) ન હતો. તેઓ નિ:સ્વાર્થી હતા. કૃષ્ણના જીવનનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરનારને આ વાતની જાણ છે. ધર્મની સંસ્થાપનાના કાર્યમાં જેઓ અગવડરૂપ બન્યા તેઓને કૃષ્ણે બળથી યા કળથી માર્યા અથવા મરાવ્યા. કૃષ્ણે સમગ્ર જગતને અસીમ પ્રેમ આપ્યો અને પૃથ્વીને ભયમુક્ત કરી. परित्रणाय साधुनां અને विनाशाय च दुष्कृताम નો પોતે આપેલો કોલ પાળ્યો. દુષ્ટોને મૃત્યુદંડ આપવામાં કૃષ્ણનો સૂક્ષ્મ સ્વાર્થ પણ હોય તો તેઓના કળથી કામ લેવાના કૃત્યને કપટ તરીકે ઓળખાવી શકાય. કૃષ્ણને કોઇ સ્વાર્થ છે જ નહિ તેથી તેઓ કપટી હતા તે આક્ષેપ ખોટો છે. આમ, મહાભારતના વાંચનને સમૃદ્ધ બનાવીને કૃષણને યોગ્ય અર્થમાં સમજવાનો આપણો પ્રયાસ ચાલુ રહે એવી પ્રભુ પ્રાર્થના!

Advertisements

Comments on: "નિર્દોષ કૃષ્ણ" (8)

 1. ya that’s a true story.

 2. krusn ni vat aave aetle moun j revu pade.karan ke aema koi dalil ne avkash j nathi……………………

 3. ખુબ સરસ વિચારવા જેવો લેખ વાચવાનો આનન્દ થયો..આભાર …

 4. Dilipbhai Shah said:

  To define, imbibe, describe, explain, understand, digest, interprete and/or copy LORD KRISHNA’s action plans, LILAs, phylosophy, Logics, Psychology is just beyond a normal human’s reach.
  Better we simply accept what it is, how it is,
  To believe or not, Lord Krishna in totality, is anubody’s own pre-rogative priviledge and calibre.
  The message of LORD KRISHNA to the society, is comprehensive and universal.
  LOVE all unconditionally without any limits and self-motive….
  No doubt, it seems easy but impossible to practice.
  PRAY LORD KRISHNA with total LOVE & Total TRUST.

 5. shrinivas.shah said:

  ખુબ સરસ ઘનુ જાનવા મલુ

 6. I want to publish you story on our website http://www.insidestorymedia.com. if you will give in Hindi i will be eligible to publish it.
  Thanks.

 7. ખરેખર સુંદર લેખ છે. શું તમે કોઇ તત્વજ્ઞાન માટે ના પુસ્તક જે ઓનલાઇન વાંચવા મળે તેવી સાઇટ સજેસ્ટ કરી શકો TO THANK YOU

  • હાલ પૂરતું આપ આ સાઈટ પર તત્વજ્ઞાન કેટેગરી પર ક્લિક કરીને તત્વજ્ઞાનને લગતા લેખો વાંચી શકો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: