વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસ જેમ-જેમ આગળ વધતો જાય, જીવનમાં સદગુણો કેળવીને એક ઊંચાઈ પર જતો જાય તેમ-તેમ તેની ધન અને સ્ત્રીની લાલસા ઓછી થતી જાય છે. પરંતુ કીર્તિની લાલસામાંથી બચવું એ મહાપુરુષો માટે પણ અઘરું છે. ઈતિહાસમાં આપણને પોતાના સર્વસ્વનું(અહમ સુદ્ધાંનું) હવન કરનારા, પોતાની જાતનું બલિદાન આપનારા ઘણાં ત્યાગી લોકો જોવા મળશે. પરંતુ આમ કરીને તેઓ સમાજ પર પોતાની સારી છાપ પાડે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમજ છત્રપતિ શિવાજી મહારાજ – આ બે એવા નેતાઓ થઈ ગયા જેમણે પોતાના અંગત વ્યક્તિત્વની છાપની પરવા કર્યા વિના માનવજાત માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે મહાન કાર્ય કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલે પણ આમ કર્યું હોત તો આજે ભારતની સ્થિતિ ઘણી સારી હોત!

મથુરાના રાજા કંસનો વધ કર્યા પછી શ્રીકૃષ્ણ જ્યાં સુધી મથુરામાં રહ્યા ત્યાં સુધી મગધ દેશના રાજા જરાસંધે મથુરા પર ચડાઈ કર્યે રાખી. શ્રીકૃષ્ણ પ્રેરિત મથુરાના સૈન્યથી સત્તર-સત્તર વખત પરાભવ પામ્યો હોવા છતાં જરાસંધ અઢારમી વખત મથુરા પર આક્રમણની તૈયારી કરવા લાગ્યો ત્યારે કૃષ્ણ મથુરા છોડીને પલાયન થઈ જાય છે. રણ છોડ્યું હોવાથી કૃષ્ણનું નામ ‘રણછોડ’ પડ્યું. ખરેખર! ક્ષત્રિય માટે યુદ્ધથી વિમુખ થવું મૃત્યુથીય બદતર છે. ઉપરાંત સમાજમાં તેની અપકીર્તિ થાય જ છતાં કૃષ્ણએ રણાંગણ છોડ્યું છે. જે બતાવે છે કે તેઓએ પોતાના અંગત વ્યક્તિત્વની છાપ બગડવાની પરવા કરી નથી.

કૃષ્ણએ લડાઈનું મેદાન છોડીને ભાગવાનું કેમ પસંદ કર્યું? કૃષ્ણએ કંસનો વધ કર્યો. જમાઈનો વધ થવાથી અને મગધ દેશના રાજા જરાસંધની બન્ને કન્યાઓ અસ્તિ અને પ્રાપ્તિ વિધવા થવાથી ક્રોધે ભરાઈને જરાસંધે સત્તર-સત્તર વખત મથુરા પર ચડાઈ કરી. મથુરાની પ્રજાએ તેનો જબરદસ્ત સામનો કર્યો અને પ્રત્યેક વખતે જરાસંધના સૈન્યને પાછું ભગાડ્યું. અઢારમી વખત જરાસંધ જ્યારે મથુરા પર આક્રમણની તૈયારી કરવા લાગ્યો ત્યારે કૃષ્ણએ વિચાર્યું, કે “મારી સાથેના અંગત વેરના કારણે જરાસંધ મથુરા પર આક્રમણ કરે છે અને મથુરાની સમગ્ર પ્રજાને મારા કારણે જરાસંધના ક્રોધનો ભોગ બનવું પડે છે, જે બરાબર ન કહેવાય.” લડાઈ દરમિયાન રાજ્યની આર્થિક રીતે ખુવારી થાય છે, વેપારધંધા પડી ભાંગવાથી પ્રજા બેહાલ થાય છે, તેના જાનમાલનું પુરી ન શકાય તેટલું નુકશાન થાય છે. પુરુષોની હત્યાનું પ્રમાણ વધવાથી વર્ણસંકર પ્રજા જન્મે છે, પરિણામે સમાજમાંથી નીતિમત્તા ખલાસ થાય છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ ખોરવાય છે. પોતાના કારણે મથુરાની જનતાને તકલીફ ના પડે એ માટે કૃષ્ણ મથુરા છોડીને પલાયન થઈ જાય છે. કૃષ્ણ પોતાની અંગત છાપ અંગે વિચાર કરતા નથી.

એ જ રીતે મહાભારતના યુદ્ધમાં પોતે નિ:શસ્ત્ર રહેશે તેવી પ્રતિજ્ઞા કૃષ્ણે કરી હતી. પરંતુ યુદ્ધ દરમિયાન કૃષ્ણ જુએ છે કે અર્જુન લાગણીથી દોરવાઈ જઈને ભીષ્મ સામે પુરી તાકાતથી લડતો નથી, ત્યારે કૃષ્ણ પોતાની વ્યક્તિગત પ્રતિજ્ઞા તોડીને ભીષ્મ પર શસ્ત્રપ્રહાર કરવા તૈયાર થાય છે. ઈતિહાસમાં આપણને એવા કેટલાય દાખલાઓ મળશે કે જેમાં વ્યક્તિ પોતાની વ્યક્તિગત પ્રતિજ્ઞાઓ, વચનોને સમષ્ટિના હિત કરતા વધુ મહત્વ આપતા જોવા મળે છે. વ્યક્તિ જ્યારે પ્રતિજ્ઞાભંગ કરે છે અથવા વચનપાલન નથી કરતો ત્યારે અવશ્ય તેના વ્યક્તિત્વ પર કલંક લાગે છે જ. જ્યારે કોઈ વ્યક્તિ પોતે કલંકિત ન થવા માંગે અને તેના માટે સમષ્ટિને દીર્ઘકાળ સુધી નુકશાન કરનારું કૃત્ય આચરે ત્યારે તેના વ્યક્તિગત વચનપાલન કે પ્રતિજ્ઞાપાલનનું મહત્વ કેટલું? રઘુવંશના રાજાઓ વિશે સંતકવિ તુલસીદાસ લખે છે કે, “રઘુકૂળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાઈ!” પરંતુ જ્યારે દેશ, ધર્મ, વિશ્વ માટે વચન કરતાં પ્રાણની અગત્યતા વધી જાય ત્યારે પણ શું વંશની મહત્તા સાચવવા વચનને ખાતર પ્રાણોની આહૂતિ આપીને સકળ સૃષ્ટિનું અહિત કરવું કે તેના હિતને કાજે વ્યક્તિગત વચનપાલનને નેવે મુકી દેવું? બેમાંથી કયું કૃત્ય બુદ્ધિપ્રામાણ્યયુક્ત અને વધુ યોગ્ય ગણાશે?

છત્રપતિ શિવાજી મહારાજ વિશે જોઈએ તો તેઓ જ્યારે ચૌદ વર્ષના હતા ત્યારે સમગ્ર ભારતમાંથી વિદેશી મુસ્લિમ શાસકોને તેમણે ભગાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે સમયે શિવાજી પાસે બે-ચાર મિત્રો, તેમના ટટ્ટુઓ અને બે-ચાર અશરફી સિવાય વધુ કાંઈ હતું નહિ. શિવાજીએ જોયું, કે ભારતભરમાં વિદેશી મુસ્લિમ સામ્રાજ્ય છે, જેની સામે પોતાને કોઈ લશ્કરી તાકાત, આર્થિક તાકાત કે કોઈ સામ્રાજ્યનું પીઠબળ નથી. તેઓએ બુદ્ધિપૂર્વક લડાઈની પદ્ધતિ નક્કી કરી, જે ક્ષત્રિય વર્ગને શોભે તેવી ન હતી. શિવાજીએ વિચાર્યું, કે આર્ય વિચારસરણીનું સત્વ અને સ્વત્વ (ESSENCE & IDENTITY) ઉભા કરવાની જરુર પ્રથમ છે. શોભા પાછળથી વધારી શકાશે. તેઓએ છાપામાર પદ્ધતિથી લડાઈઓ કરી. તેઓ પોતાના આંગળીના વેઢે ગણી શકાય તેટલા સાથીદારોને લઈને વિજળીની જેમ શત્રુપ્રદેશના શત્રુસૈન્ય પર ત્રાટકતા, તેઓને ખતમ કરીને ધન, દાગીના લુંટીને ડુંગરાળ પ્રદેશમાં પલાયન થઈ જતા. શિવાજીએ ક્યારેય સ્થિર ઉભા રહીને સામી છાતીએ શત્રુ સામે લડાઈ કરી નથી. ક્ષત્રિયને છાજે તે રીતે લડવાને બદલે શિવાજીએ ચાલાકી વાપરીને, ‘સમય વર્તે સાવધાન’ થઈને છાપામાર લડાઈ અપનાવી હતી. જેના કારણે શિવાજીને ‘ડુંગરનો ઉંદર’ એવું બિરુદ પણ મળેલું.

અલબત્ત, શિવાજી વીર હતા, શૂર હતા, સમર્થ હતા. એ બાબતમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી, પરંતુ સાથે-સાથે તેઓ દક્ષ પણ હતા જેમાં ચાલાકી, બુદ્ધિમત્તા, ચપળતા વગેરે સમાય છે. વિદેશી મુસ્લિમ આક્રમણખોરો, અંગ્રેજો ઉપરાંત ફ્રેંચ, વલંદાઓ, શક-હૂણ, કુશાણ વગેરે અનેક પ્રજાઓએ ભારત પર હુમલા કરી સ્થાનિક રાજાઓને હરાવીને વર્ષો સુધી, સદીઓ સુધી રાજ્ય કર્યું છે. ભારતીય રાજાઓની લડાઈમાં થતી હાર પાછળના ઘણાં-બધાં કારણોમાંનું એક મહત્વનું કારણ રાજપૂતોનું મિથ્યાભિમાન હતું. ‘ક્ષત્રિયબચ્ચો ક્યારેય યુદ્ધથી વિમુખ થતો નથી.’ આ તેઓની વંશીય તેમજ વ્યક્તિગત ગૌરવ અપાવે તેવી બાબત છે. પરંતુ બુદ્ધિના અભાવમાં તેઓનું ગૌરવ મિથ્યાભિમાનમાં પરિણમ્યું. જ્યારે હાર-પરાજય નિશ્ચિત હોય, સહુએ કપાઈ જ જવાનું હોય,બન્ને પક્ષે સંખ્યાબળ ઉપરાંત બીજી ઘણી-બધી દૃષ્ટિએ અસમતુલાનું પ્રમાણ પ્રથમથી જ વધુ હોય ત્યારે બુદ્ધિ વાપરીને લડાઈ ટાળવાને બદલે, પ્રાણરક્ષા કરવાને બદલે મિથ્યાભિમાનથી પ્રેરાઈને રણસંગ્રામમાં કપાઈ જઈને પોતાની જાતને ફોકટમાં ફેંકી દેવાનું તેઓ પસંદ કરતા હતા. તેઓની પાછળ તેઓની પત્નીઓ આત્મહત્યા કરતી. જ્યારે શિવાજીએ છાપામાર પદ્ધતિથી લડાઈઓ જીતી અને સમગ્ર ભારતમાંથી વિદેશી મુસ્લિમ સલ્તનતનો વિનાશ કર્યો. આમ, કિશોરવયે લીધેલી પ્રતિજ્ઞા પોતે પૂર્ણ કરી. આજે ભારતનો હિન્દુ એ હિન્દુ રહ્યો છે, તેનું શ્રેય શિવાજી મહારાજ (SHIVAJI – THE GREAT)ને ફાળે જાય છે. શિવાજીએ રજપૂતસહજ પોતાના અંગત ગૌરવની ફીકર કરીને પોતાની જાતને હોમી દીધી હોત તો શું તેઓ પોતાનું વિરાટ સ્વપ્ન સિદ્ધ કરી શક્યા હોત ખરાં? વૈદિક સંસ્કૃતિનું આવું મહાન કાર્ય ક્યારેય થઈ શક્યું હોત ખરું?

સરદાર વલ્લભભાઈ પટેલ માટે વિચારીએ તો ગાંધીજીએ આઝાદી મળ્યા પછી મુસ્લિમો પ્રત્યે પોતાનો ખુલ્લેઆમ પક્ષપાત જાહેર કર્યો. ગાંધીજીએ મુસ્લિમોને કહ્યું, કે “તમે અખંડ ભારતના શાસક થાઓ પરંતુ ભારતના ભાગલાની વાત ના કરો.” તે સમયે દેશનું સુકાન બે મહાનુભાવોમાંથી એકના હાથમાં સોંપવાનું હતું. ગાંધીજી સ્પષ્ટ રીતે દેશનું સુકાન જવાહરલાલને સોંપવા માંગતા હતા. જ્યારે આખોય દેશ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના સર્વોચ્ચ વડા તરીકે જોવા માગતો હતો. ગાંધીજીએ, કહ્યું હતું, કે “નહેરુ મારા રાજકીય વારસદાર છે.” નહેરુને વૈદિક ધર્મ પ્રત્યે ગૌરવની લાગણી ન હતી, બલ્કે તેઓ વૈદિક સમાજરચના(વર્ણાશ્રમ ધર્મ)ના પૂર્ણ વિરોધી હતા. બિનસાંપ્રદાયિકતાની નીતિ લાવીને વિશ્વને પ્રિય થવાની ગાંડી ઘેલછા ધરાવતા નહેરુએ ભારતને હિન્દુરાષ્ટ્ર જાહેર થતાં રોક્યું છે. અને આમ કરીને તેઓએ ભારતને તે ક્યારેય વિકસિત ન થઈ શકે એવી અવસ્થામાં લાવીને મુકી દીધું છે. આ અંગે વધુ વિચારો મેં મારા ‘બિનસાંપ્રદાયિકતા’ શીર્ષક અંતર્ગત લેખમાં પ્રગટ કર્યા છે.

દેશના સળગતા પ્રશ્નો જેવા કે ‘કાશ્મીર સમસ્યા’, હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વગેરેને કુશળતાપૂર્વક ઉકેલવાની પૂર્ણ ક્ષમતા સરદારમાં હતી. જ્યારે આ બાબતોમાં નહેરુએ અખત્યાર કરેલી અણઘડ નીતિથી આ સમસ્યાઓએ આજે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. સરદાર નહેરુની ક્ષમતા! અંગે જાણતા હતા. કેબિનેટમાં તેઓની (સરદારની) સ્પષ્ટ બહુમતિ હતી. આખોય દેશ સરદારને ચાહતો હતો. અને દેશહિત માટે સરદારે સત્તા પર આવવાની જરુર હતી. સત્તા સંભાળી હોત તો સરદારે ભારતને થોડાક જ વર્ષોમાં દુનિયાના ટોચના સ્થાને ચોક્કસ રાખી દીધું હોત! પરંતુ તેમ કરવા માટે સરદારે પોતાના વ્યક્તિત્વની છાપને બગાડવી પડે તેમ હતું. ગાંધીજીની અંતરની ઈચ્છાને અવગણવી પડે તેમ હતી. આમ કરીને સત્તા પર આવ્યા પછી પણ ‘સરદાર સત્તાલોલુપ છે’ એવો આક્ષેપ કે ગેરસમજણ ગણ્યા-ગાંઠ્યા જુથોમાં થવાનો પુરો સંભવ હતો. સરદારે દેશહિત કાજે સત્તાના સૂત્રો સંભાળવાને બદલે પોતાના દેખતા દેશનું સૂકાન એક અણઘડ સૂકાનીના હાથમાં જવા દીધું. અનેક દેશી રજવાડાઓને એક છત્ર નીચે લાવીને અખંડ ભારતના ઘડવૈયા એવા સરદારની તમામ આવડત એળે ગઈ કારણ કે તેના સંચાલન પદે લાયક માણસ ના આવ્યો. સરદારનો સાધન તરીકે ઉપયોગ થઈ ગયો. તે સમયે કૃષ્ણ અને શિવાજીનું સ્મરણ કરીને સરદારે ACTIVELY ગ્રહણ કરી હોત, દેશહિતના કાર્યો ચાલુ રાખીને દેશને યોગ્ય માર્ગ પર લાવીને પછી જળકમળવત સત્તાત્યાગ કર્યો હોત તો આ દેશ બચી જાત! પરંતુ એમ થયું નહિ.

Advertisements

Comments on: "શ્રીકૃષ્ણ, શિવાજી અને સરદાર" (1)

  1. it’s Very Interesting and True Story.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: