વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

શરુઆતના ત્રણ પેરેગ્રાફ છોડીને વાંચવું જેથી કંટાળો ન આવે અને લેખ પૂરેપૂરો વાંચી શકાય.

(1)તર્કની તલવાર બેધારી છે. જગતની કોઈપણ બાબતની બે બાજુ છે. તર્ક દ્વારા બન્ને બાજુ અંગે એકસરખી સ્વીકાર્યતા-અસ્વીકાર્યતા સાબિત થઈ શકે છે. આથી જ કોઈ વ્યક્તિની કૃતિ જોઈને તેની યોગ્યતા અંગેનો નિર્ણય કરવો બરાબર નથી. તર્કના આધારે કોઈ પણ કૃતિને સારી કે ખરાબ, સાચી કે ખોટી, યોગ્ય કે અયોગ્ય ઠરાવી શકાય છે. તેથી જ કદાચ સંસ્કૃતમાં ઉક્તિ છે કે ‘તર્કને પ્રતિષ્ઠા નથી.’ તર્ક કરવો એ બુદ્ધિનું કાર્ય છે. બુદ્ધિ તર્ક કરીને કોઈપણ ઘટના કે બાબતનું વિશ્લેષણ કરીને તેને જુદા-જુદા વિભાગોમાં વહેંચીને તેને ખુલ્લી કરે છે. પરંતુ તેનાથી જ્ઞાન થતું નથી. આથી બુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે – આ વાત સાચી નથી. કાંટ કહે છે, કે ઈન્દ્રિયના વિષય સાથેના સંપર્કથી અનુભવ દ્વારા જ્ઞાનની શરુઆત થાય છે, જ્ઞાન માટેની કાચી સામગ્રી મળે છે. પરંતુ આ સામગ્રી દેશ-કાળરુપી બે પ્રવેશદ્વારો વાટે વ્યક્તિના અંતર્નિહીત બૌદ્ધિક માળખામાં ઠલવાય છે. ત્યાં સામગ્રીનું સંયોજન-વિભાજન વગેરે થાય છે. ત્યારે જ્ઞાનનો ઉદ્ભવ થાય છે.

(2)આ બાબત વધુ સ્પષ્ટતા માંગી લે તેવી છે. જ્ઞાનની કાચી સામગ્રી અનુભવ દ્વારા પ્રાપ્ત થઈ જેના પર બૌદ્ધિક વિશ્લેષણ થયું ત્યારે જ્ઞાનનો ઉદ્ભવ થતો નથી, માત્ર જ્ઞાનનો વિષય ખુલ્લો થાય છે. જ્ઞાનનો ઉદ્ભવ તો ત્યારે થાય છે જ્યારે બુદ્ધિ દ્વારા ખુલ્લા થયેલા જ્ઞાનના વિષયને જોવાનું કામ આત્મા કરે છે. પ્રગટ થયેલા જ્ઞાનના વિષયમાં શું જોવું એ દૃષ્ટા- આત્મા પર આધારિત છે. આથી જ્ઞાનનો ઉદ્ભવ આત્મદૃષ્ટિ પર આધારિત છે જેને વૃત્તિ તરીકે અથવા દૃષ્ટિકોણ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને OUTLOOK અને મનોવિજ્ઞાનમાં ATTITUDE કહેવાય છે. દા.ત. ઈન્દ્રિયાનુભવ અને બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા વિષય પ્રગટ થયો કે ‘સ્ત્રી બાળકને મારી રહી છે.’ પરંતુ આ જ્ઞાન નથી. દૃષ્ટા પોતાની વૃત્તિથી બુદ્ધિ દ્વારા પ્રગટ થયેલા વિષયમાં જુએ છે. ત્યારે તેને જ્ઞાન થાય છે કે ‘સ્ત્રી પોતાના પુત્રને પ્રેમ કરી રહી છે.’ દૃષ્ટાની વૃત્તિ સ્ત્રી અને બાળક વચ્ચે સંબંધ જુએ છે: માતા-પુત્રનો. સંબંધ બુદ્ધિનું કાર્ય નથી. પોતાનો પુત્ર મહાન બને એ માટે તે કુટેવો છોડે એ જરુરી છે. પરંતુ સમજાવટથી પુત્ર માનતો નથી. આથી માતા બાળકને ડર બતાવે છે. મૂળમાં માતા પુત્રને પ્રેમ કરે છે માટે પુત્રના હિત માટે કામ કરે છે. આ જ્ઞાન છે, જે દૃષ્ટાની વૃત્તિથી જન્મ્યું છે, બુદ્ધિથી નહિ.

(3)આજે જગતના ઘણાં વિદ્વાનો વિધાયક દૃષ્ટિકોણ POSITIVE OUTLOOK ની વાત કરે છે જે એક પ્રકારની વૃત્તિ જ છે. પરંતુ આ વિદ્વાનોને વિધાયક દૃષ્ટિકોણના આધાર અંગે, તેના પાયા વિશે પૂછીએ તો તેઓ પાસે તેનો કોઈ જવાબ નથી. પરમાત્માની નજીક જવું, સાથે અન્યને પણ તેની પાસે લઈ જવા અને એ માટે કૃતિ કરવી એ આપણા વિધાયક દૃષ્ટિકોણનો હેતુ છે. જીવાત્મા પોતાના મહાઆનંદને પામે તે માટે પરમાત્મા આ સૃષ્ટિની રચના કરી છે – એ બાબત વિધાયક દૃષ્ટિકોણનો આધાર છે. જીવનને એક રમત ગણીને જીવન તરફ જોવું અને જીવનમાંથી ફરિયાદો ફગાવી દેવી એ જ વિધાયક દૃષ્ટિકોણ છે. અંધકાર તરફ ન જોતાં પ્રકાશ તરફ જોવું, નિરાશ ન થતાં આશાવાન બનવું, મૃત્યુથી ન ડરતાં અમૃતત્વ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવું, ઊણપ ન જોતાં જે પાસે છે તેને યોગ્ય રીતે પ્રયોજવું, ગુમાવ્યું છે તેને ભુલીને જે મેળવ્યું છે તે યાદ રાખવું, દુ:ખને અવગણી જે અલ્પ સુખ મળ્યું છે તેને માણવું, ફળની અપેક્ષા છોડી કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું, ખરાબ ન જોતાં સારું જોવું આ તમામ વૃત્તિ વિધાયક દૃષ્ટિકોણની પ્રાથમિક અવસ્થા છે, જે જીવાત્માના પરમાત્મા સાથેના સંબંધના સંદર્ભમાં તૈયાર થાય છે. પતિને પ્રિય થવા પતિના ઘરને પ્રિય થવું પત્ની માટે અનિવાર્ય છે તેમ પરમાત્માને પ્રિય થવા તેના ઘર એવા આ જગતને પ્રિય થવું જીવાત્મા માટે અનિવાર્ય છે. ईशावास्यम ईदम सर्वम. આ માટે વિધાયક દૃષ્ટિકોણની આવશ્યકતા છે.

અહિંથી વાંચો:

આ સૃષ્ટિ કેવી છે? જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. આ સૃષ્ટિ ખરાબ લાગે છે તો ખરાબી સૃષ્ટિમાં નહિ પરંતુ જોનારની નજરમાં છે. આથી વિધાયક દૃષ્ટિકોણ માણસની નજરમાં રહેલી ખરાબીને દુર કરે છે ત્યારે માણસ સારો બને છે અને સ્વાભાવિક રીતે સૃષ્ટિ તેને સુંદર લાગે છે. એક દંતકથા છે કે દુર્યોધનને જગતમાં કોઈ સારો માણસ જોવા મળ્યો નહિ અને યુધિષ્ઠીરને જગતમાં કોઈ ખરાબ માણસ દેખાયો નહિ. દુર્યોધન અને યુધિષ્ઠીરને એક-એક રુપિયો આપીને તેનાથી આખા ઓરડાને ભરી દેવાનું કહ્યું તો દુર્યોધને ઓરડાને ઉકરડાથી ભરી દીધો જ્યારે યુધિષ્ઠીરે દીવાના પ્રકાશથી ઓરડાને ભરી દીધો. એક ચિંતક વ્યાખ્યાન શરુ કરતા પહેલા દિવાલ પર એક ટપકું કરીને શ્રોતાઓને પૂછતાં, “તમને શું દેખાય છે?” શ્રોતાઓ કહે, કે “કાળું ટપકું છે.” ત્યારે એ ચિંતક તેઓને પ્રતિપ્રશ્ન પૂછતાં, “તમને આટલી મોટી સફેદ દિવાલ નથી દેખાતી પરંતુ નાનું સરખું કાળું ટપકું દેખાય છે.” આપણને પણ કોઈ પરિચીત વ્યક્તિ જોવા મળે અથવા તેનો વિચાર આવે ત્યારે તેના સારા ગુણોની અપેક્ષાએ તેના દુર્ગુણો પ્રથમ ધ્યાનમાં આવે છે. પાણીનો પ્યાલો જોઈને કોઈ કહેશે, “પ્યાલો અર્ધો ભરેલો છે.” જ્યારે કોઈ કહેશે, “પ્યાલો અર્ધો ખાલી છે.” તાર્કિક રીતે બન્ને સાચા છે પરંતુ ફરક દૃષ્ટિકોણમાં છે.

અકસ્માતમાં કોઈનો એક પગ કપાઈ જાય તો એણે એક પગ બચી ગયો એમ જાણીને રાજી થવું કે પછી એક પગ કપાઈ ગયો છે તેના રોદણાં રડવા? જીવનનો આનંદ જે ગુમાવતો નથી તે વધુ બુદ્ધિમાન છે. આથી વિધાયક દૃષ્ટિકોણ એ બુદ્ધિમાન મનુષ્યે સમજણપૂર્વક અપનાવેલ દૃષ્ટિકોણ છે. પગ કપાઈ ગયો તેનાથી નુકશાન થયું એ હકીકત છે. જીવનમાં અગવડ વધી છે એ વાત પણ સાચી છે. પરંતુ આ હકીકતથી માણસ પોતાના જીવનના આનંદને ગુમાવે નહિ તે માટે માણસે પોતે પગ ગુમાવ્યો છે એ હકીકતને ભુલવી જ પડશે. ભૂતકાળમાં પોતાની સાથે ઘટેલી અનેક ઘટનાઓની સ્મૃતિ દુ:ખદાયક હોય તો માણસ તેને યાદ કરીને દુ:ખી રહેવાનું પસંદ કરે એ ઉચિત છે કે તેને ભુલી જઈને જીવનનો આનંદ માણે એ? મૂળ વાત એક જ છે કે જીવન આનંદમય લાગવું જોઈએ. તુકારામને કર્કશા પત્ની મળી તો તુકારામે ભગવાનને કહ્યું કે પત્ની કર્કશા છે તેથી તેમાં મોહ થતો નથી અને ભગવાનમાં મન લાગે છે. સંત એકનાથને અનુકૂળ પત્ની મળી તો તેઓએ કહ્યું કે ભગવાનનું એટલું વધારે કામ થાય છે. નરસિંહ મહેતાની પત્ની મરી ગઈ તો નરસિંહ મહેતાએ ગાયું – ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.

વિધાયક દૃષ્ટિકોણ એ નામર્દનું તત્વજ્ઞાન નથી કે નથી એ પલાયનવાદ. પરિસ્થિતિને લાચારી-મજબૂરીથી સ્વીકારી લેવી કે પોતાની મર્યાદા છુપાવવાનું માધ્યમ વિધાયક દૃષ્ટિકોણ નથી. વિધાયક દૃષ્ટિકોણ એ હંમેશા પરિસ્થિતિ પર સવાર થવાની હિંમત રાખનારા મર્દોની વૃત્તિની નીપજ છે. કર્ણે હિંમતભેર કહ્યું હતું: दैवायत्तम तु कुले जन्मम, मदायत्तम तु पौरुषम. કયા કુળમાં જન્મ લેવો એ દૈવને આધીન છે. પરંતુ પૌરુષ-પરાક્રમનો આધાર પોતાનો ‘સ્વ’ છે. જગતરુપી પત્તાની બાજી ચીપાય છે. પોતાના ભાગે ગમે તેવા પાના આવે, “હું અવશ્ય રમીશ જ, પાના ફેંકીને ઊભો નહિ થઈ જાઉં.” એક કવિએ સરસ કહ્યું છે: “ન કરતો ભાગ્યની પરવા હું એને ખુદ ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે કોઈ તો સીધા ગોઠવી દઉં છું.” આમ વિધાયક દૃષ્ટિકોણ એ જીવનને માણવાનું તત્વજ્ઞાન છે, વિકસાવેલી સમજણનું પરિણામ છે. વિધાયકતા એટલે સ્વીકારની ભાવના, આવકારની ભાવના. એમાં જીવનનો સહર્ષ સ્વીકાર છે, એમાં આવનારા સંઘર્ષોનો સ્વીકાર છે. બીજામાં કેટલુંક ઈષ્ટ(ઈચ્છવા યોગ્ય) છે તો કેટલુંક અનિષ્ટ(ન ઈચ્છવા યોગ્ય) છે તેમાંથી ઈષ્ટનો સ્વીકાર કરે અને અનિષ્ટનો ત્યાગ કરે તેને વિવેક કહેવાય છે, જે વિધાયક દૃષ્ટિકોણની પ્રાથમિક અવસ્થા છે.

વિધાયક દૃષ્ટિકોણની પૂર્ણાવસ્થામાં સર્વસ્વીકાર છે. સાચાનો સ્વીકાર છે તો ખોટાનો પણ સ્વીકાર છે કારણ કે ખોટાને સ્વીકાર્યા વગર તેનું પરિવર્તન કરવું શક્ય નથી. સુખની ઈચ્છા છે તો દુ:ખનો પણ સ્વીકાર છે કારણ કે જીવનવિકાસ માટે દુ:ખ આવશ્યક છે. દુ:ખ પડે એટલે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સ્નેહ વધે છે, તેઓ એકબીજાની નજીક આવે છે. માણસને પ્રેમ કરવો એટલે માણસમાં રહેલા માત્ર સારા પાસાને ચાહવું એવું નથી. માણસને જેવો છે તેવો પુરેપૂરો ચાહવો. ‘WITH ALL THY FAULTS I LOVE THEE.’ અન્યના પ્રભાવથી પોતાની જાતને મુક્ત રાખીને અન્યને પ્રભાવીત કરવાની ક્ષમતા જેનામાં કેળવાઈ છે, જેનો આત્મવિશ્વાસ તૈયાર થયો છે તે વ્યક્તિ સર્વસ્વીકારનો દૃષ્ટિકોણ ધરાવે છે. પ્રકાશની સાથે-સાથે અંધકારનો પણ સ્વીકાર છે કારણ કે જીવનમાં અંધકારની પણ આવશ્યકતા છે. અંધકાર કોઈપણ બાબતને છુપાવે છે. શું જીવનમાં છુપાવવા જેવું કંઈ નથી? કર્તવ્યટાણે માણસે પ્રકાશમાં આવવાનું છે તો ફળોદય સમયે તેણે અંધકારમાં(છુપાઈ) જવાનું છે.

રંગમંચ પર જે કલાકારોના અભિનયની પ્રશંસા થાય છે તે કલાકારોનો દોરી સંચાર લેખક તેમજ દિગ્દર્શકના હાથમાં હોય છે. પરંતુ તેઓએ પડદા પાછળ રહેવાનું પસંદ કર્યું હોય છે. ફૂલનો સ્વીકાર છે તો કાંટાનો પણ સ્વીકાર છે. ગુલાબનું ફૂલ સુંદર છે પરંતુ જો તેની ડાળી પર કાંટા ન હોય તો ગુલાબનું અસ્તિત્વ સલામત રહે ખરું? પ્રશંસાનો સ્વીકાર છે તો ટીકાનો પણ પ્રસન્નતાથી સ્વીકાર છે. માટીને ઘડીને માટલું બનાવાય છે, ધાતુને ઘડીને દાગીના બનાવાય છે. તેના પરથી માણસને ઘડવાની કલ્પના આવી. માટલું ઘડતી વખતે કુંભાર અંદરથી એક હાથે પસવારે છે અને બહારથી બીજા હાથે તેને ટપારે છે. આ રીતે તૈયાર થયેલા માટલાને નિંભાડામાં છેવટે તપવાનું છે ત્યારે એનામાં પાણીને ઠંડુ કરવાની ક્ષમતા આવે છે. માણસને ઘડવા માટે તેને પ્રશંસાથી પસવારવાની, ટીકાથી ટપારવાની તેમજ સંઘર્ષોમાં શેકવાની જરુર છે ત્યારપછી તે સમાજને ઠંડક આપતો થાય છે.

એક ખંડમાં સામસામે ચહેરા રહે એ રીતે જમવા માટે પંગત બેસી હતી. બીજા એક ખંડમાં પણ એ રીતે વ્યવસ્થા હતી. બધા માણસોના હાથે કોણીના ભાગે પ્લાસ્ટર કર્યું હોવાથી કોઈના હાથ વળી શકતા ન હતા. પહેલા ખંડમાં રહેલા માણસો થાળીમાં રાખેલી વાનગીનો કોળીયો બનાવીને પોતાના મુખમાં મુકવા ગયા પરંતુ હાથ વળતો ન હોવાથી તેઓ ખાઈ શકતા ન હતા. તેઓએ કોળીયાને હવામાં ઉછાળીને પોતાના મુખમાં લેવાનો પ્રયત્ન કર્યો તો એ સામે વાળાની દાળની વાટકીમાં જઈને પડ્યો. એકે ઉછાળેલું ભજીયું બીજાના માથા પર પડ્યું. બરાબર ભુખ્યા થયા હોવાથી અકળાયેલા સહુ ગુસ્સે થઈને એકબીજાને મારવા લાગ્યા. ધમાચકડી જામી, કોઈ જમી શક્યું નહિ. જ્યારે બાજુના ખંડમાં સામસામે બેઠેલા માણસો કોળીયો તૈયાર કરીને એકબીજાના મુખમાં મુકતા હતા. આ રીતે તેઓ શાંતિથી જમ્યા. આમ પ્રથમ ખંડમાં નર્કનું તો બીજા ખંડમાં સ્વર્ગનું વાતાવરણ હતું. જ્યાં ‘અન્ય’નો અસ્વીકાર છે ત્યાં નર્ક છે અને જ્યાં ‘અન્ય’નો સ્વીકાર છે ત્યાં સ્વર્ગ છે.

સંબંધોમાં વિધાયક દૃષ્ટિકોણ સુંદર રીતે કાર્ય કરે છે. ગુરુ વિચારે કે શિષ્યને દિલથી શા માટે ભણાવવાનો? ડૉક્ટર-એંજિનિયર થઈને વિદ્યાર્થી શિક્ષકને કયો વ્યક્તિગત લાભ કરાવવાનો છે? શિષ્ય વિચારે છે કે ગુરુને ભણવાની ફી આપી છે તો તેને નમસ્કાર શા માટે કરવાના? તેની ફીમાંથી તો શિક્ષકની રોજીરોટી ચાલે છે. આમ એકબીજાનો અહિં અસ્વીકાર છે, જે નિષેધક દૃષ્ટિકોણનું પરિણામ છે, જેનો પ્રચાર-પ્રસાર શૈતાન કરે છે. પતિ-પત્ની વિચારે કે ભોગ ભોગવવામાં બાળકો અડચણરુપ છે. માટે સંતાન ન હોવા જોઈએ અથવા મોડા થવા જોઈએ અને વહેલા જન્મી ગયા હોય તો હોસ્ટેલમાં મુકી આવવા જોઈએ. સંતાનો વિચારે કે ઘરડાં મા-બાપ અડચણરુપ છે માટે તેઓને ઘરમાંથી કાઢો. આપણો જન્મ એ તો મા-બાપના ભોગવિલાસની આડપેદાશ છે. આવા નિષેધક દૃષ્ટિકોણના પરિણામે ફેલાયેલા નર્કના સામ્રાજ્યને વિધાયક દૃષ્ટિકોણથી દૈવી સામ્રાજ્યમાં પરિવર્તિત કરવાની આવશ્યકતા છે. ગુરુ વિચારે કે શિષ્યને પુત્રવત શિક્ષણ આપીશ. વિદ્યાર્થી વિચારે કે શિક્ષકને પિતૃવત આદર આપીશ. મા-બાપ વિચારે કે સંતાનો પ્રભુની ભેટ છે. સંતાનો વિચારે કે મા-બાપ સાક્ષાત પ્રભુ છે. આમ વિધાયક દૃષ્ટિકોણ માનવ-માનવને પાસે લાવીને પ્રેમનું સામ્રાજ્ય સર્જે છે.

Comments on: "વિધાયક દૃષ્ટિકોણ" (8)

  1. મને આપના આર્ટિકલ્સ ગમે ..મોકલ્જો….

  2. DINESH S PANDYA said:

    મને આપના આર્ટિકલ્સ ગમે ..મોકલ્જો….

  3. ” હુ ” પણા મા પોતાનેી જાતને સર્વ શ્રેષ્ઠ ગણાવવા માથેી ઊચા ન આવે, તો બેીજાનેી લાગણેી નો વિચાર ક્યાથેી આવે……

  4. મને આપના આર્ટિકલ્સ ગમે ..મોકલ્જો….

  5. ખુબ જ સરસ્…… મને એવુ લાગ્યુ કે આ લેખમાં ઘણા પ્રસંગો ક્યાંક વાંચેલા છે…..જુની યાદ તાજી થઈ…..આભાર્……..

  6. સંબંધોમાં વિધાયક દૃષ્ટિકોણ સુંદર રીતે કાર્ય કરે છે. ગુરુ વિચારે કે શિષ્યને દિલથી શા માટે ભણાવવાનો? ડૉક્ટર-એંજિનિયર થઈને વિદ્યાર્થી શિક્ષકને કયો વ્યક્તિગત લાભ કરાવવાનો છે? શિષ્ય વિચારે છે કે ગુરુને ભણવાની ફી આપી છે તો તેને નમસ્કાર શા માટે કરવાના? તેની ફીમાંથી તો શિક્ષકની રોજીરોટી ચાલે છે. આમ એકબીજાનો અહિં અસ્વીકાર છે, જે નિષેધક દૃષ્ટિકોણનું પરિણામ છે,………….. સરસ

  7. dr ritesh gujarathi said:

    મને આપના આર્ટિકલ્સ ગમે ..મોકલ્જો….

  8. ramesh n. gangar said:

    ખુબ સરસ્
    કોન કહે ભગવાન ના દરબાર મા અન્ધેર ચ્હે
    હસ્તા ચહેરા તો જુવો ઘેર ઘેર ચ્હે
    સુખ દુખ તો ઇશ્વર નિ પ્રસાદિ ચ્હે દોસ્તો
    બાકિ બસ માનવિ નિ સમજ – સમજ મા ફેર ચ્હે
    લેખ ખુબ સરસ ….. પહેલા નમ્બર ના ભાઇ જે
    જવાબ આપ્યો માતે આ શાયરિ લખવિ પદિ

Leave a reply to mehul Cancel reply